સિદ્ઘિનાં સરપોલિયાં: સફળ પુરુષો અવળા રવાડે કેમ ચડી જતા હોય છે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફણીશ મૂર્તિ‌ સેક્સમાં ભરાયા ને શ્રીસંત સટ્ટાખોરીમાં ભેરવાયો

આઇ-ગેટના ભૂતપૂર્વ પ્રમુખ અને સીઇઓ ફણીશ મૂર્તિ‌એ પોતાની જ કંપનીની મહિ‌લા કર્મચારીને ગર્ભવતી બનાવીને તરછોડી દીધી તેની સજા તરીકે તેમણે નોકરી ગુમાવવા ઉપરાંત ઓછામાં ઓછા ૮૪ કરોડ રૂપિયાના લાભો જતાં કરવા પડશે. જાતીય સતામણીની ફરિયાદ કરનારી સ્ત્રીએ હવે ફણીશ મૂર્તિ‌ અને તેમની કંપની સામે અદાલતમાં દાવો કરવાનો નિર્ણય કર્યો છે, જેની પતાવટમાં પણ લાખો ડોલરનું નુકસાન જવાની ધારણા છે. અહીં કરોડો રૂપિયાનો સવાલ એ છે કે ફણીશ મૂર્તિ‌ જેવા સફળ પુરુષો આવી મૂર્ખાઇ કરીને પોતાની કારકિર્દી‍ને કેમ જોખમમાં મૂકી દે છે ?

ઇતિહાસ કહે છે કે સ્ત્રીના મોહમાં રાજાઓનાં રાજ ગયાં છે અને ઋષિમુનિઓની વર્ષોની સાધના નકામી બની ગઇ છે. પાંડુ રાજાને જંગલમાં કામનાં એવાં બાણ વાગ્યાં કે તેઓ પોતાની પત્ની માદ્રી સાથે શરીરસુખ માણવા જતાં પોતાના જાનની આહુતિ આપવા તૈયાર થઇ ગયા હતા. સીતાના મોહમાં અનેક સિદ્ધિઓનો સ્વામી રાજા રાવણ એવો પાગલ થયો કે તે રાક્ષસ કહેવાયો અને અંતે તેના પ્રાણ ગયા. વિશ્વામિત્ર જેવા ઋષિની સાધનામાં જો મેનકા જેવી અપ્સરા ભંગ પડાવી શકતી હોય તો ફણીશ મૂર્તિ‌ કામદેવનાં બાણથી ઘાયલ થાય તેમાં કાંઇ નવાઇ નથી.

ફણીશ મૂર્તિ‌ જ્યારે ઇન્ફોસિસમાં ઉચ્ચો હોદ્દા ઉપર હતા ત્યારે પણ પોતાના હાથ નીચેની મહિ‌લા કર્મચારી સાથેના સંબંધોને કારણે તેમને નોકરીમાંથી રૂખસદ આપવામાં આવી હતી. તેમ છતાં આઇ - ગેટમાં તેઓ આ ભૂલનું પુનરાવર્તન કરવાથી પોતાની જાતને રોકી શક્યા નહીં. આઇ - ગેટમાં ઇન્વેસ્ટર્સ રિલેશન્સ હેડનો હોદ્દો ધરાવતી અરાસેલી રોઇઝ નામની મહિ‌લા સાથે ફણીશ મૂર્તિ‌ ત્રણ વર્ષથી સંબંધો ધરાવતા હતા. અરાસેલી વિદેશની ટ્રિપમાં પણ ફણીશ સાથે જતી હતી અને હોટેલની રૂમમાં પણ તેમની સાથે જ રહેતી હતી.

અરાસેલીને માર્ચ મહિ‌નામાં ખબર પડી કે તે ગર્ભવતી છે અને ફણીશના બાળકની માતા બનવાની છે. ત્યાર બાદ પણ તેમના સંબંધો ઉષ્માભર્યા જ રહ્યા હતાં. ૧૪મી મેના અરાસેલીના ફેસબુક પેજ ઉપર મિત્રોને સંદેશા વાંચવા મળે છે કે 'અરાસેલી અને ફણીશને બાળક અવતરવાનું છે.’ ત્યારબાદ ફણીસે અરાસેલીને ગર્ભપાત કરાવવાનું દબાણ કરવા માંડયું. અરાસેલીએ ગર્ભપાત કરાવવાનો ઇનકાર કર્યો ત્યારે ફણીશે તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. અરાસેલી પોતાની નોકરી ટકાવી રાખવા માંગતી હતી માટે તેણે ફણીશે સામે ફરિયાદ કરી અને સંબંધોનો અંત આણ્યો. અરાસેલીએ પોતાના તરફથી રીતે સંબંધો કાપી નાખ્યા ત્યારબાદ ફણીસે કંપનીને તેના સાથેના સંબંધોની જાણ કરી. આઇ-ગેટની આચારસંહિ‌તા મુજબ કોઇ પણ ઉચ્ચ અધિકારી કંપનીની મહિ‌લા કર્મચારી સાથે સંબંધોથી જોડાયેલા હોય તો તેમણે કંપનીને તેની જાણ કરવી જરૂરી છે. ફણીશ મૂર્તિ‌ને આ સંબંધો ખાનગી રાખવાની સજા થઇ છે.

કોઇ પણ વ્યક્તિને કારકિર્દીમાં સફળ થવા માટે ભારે પુરુષાર્થ કરવો પડે છે અને વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે. મનુષ્ય સફળ થાય અને તેના હાથમાં સત્તા આવે ત્યારે તેના મગજમાં એક ખાસ ર્હોમોન પેદા થાય છે, જે તેને દુ:સાહસ કરવા પ્રેરે છે. આ દુ:સાહસ શ્રીસંતની જેમ જુગારમાં પરિણમે છે કે ફણીશ મૂર્તિ‌ની જેમ જાતીય સાહસમાં પરિણમે છે. કેટલાક પુરુષો સફળતા ન પચાવી શકવાથી દારૂના કે ડ્રગ્સના રવાડે પણ ચડી જાય છે.

અમેરિકાના કાયદાઓમાં મોટી કંપનીઓમાં કામ કરતી મહિ‌લા કર્મચારીઓને ભારે સંરક્ષણ આપવામાં આવ્યું છે. કોઇ પણ મહિ‌લા કર્મચારી લો કંપની પાસે જાતીય શોષણની ફરિયાદ લઇને જાય ત્યારે લો કંપની મફતમાં તેનો કેસ લડવા તૈયાર થઇ જાય છે. તેમાં એવી વ્યવસ્થા હોય છે કે લો કંપની મહિ‌લાને નુકસાનના રૂપમાં જેટલી રકમ અપાવી શકે તેમાં તેમને અમુક ટકા હિ‌સ્સો મળે છે. આ કારણે લો કંપનીઓ બહુ મોટું નુકસાન માંગતી હોય છે.

ફણીશ મૂર્તિ‌ જ્યારે ઇન્ફોસિસમાં હતા ત્યારે રેકા મેક્સિમોવિચ નામની યુવતીએ તેમની સામે અમેરિકાની અદાલતમાં જાતીય સતામણીનો કેસ કર્યો હતો. આ મહિ‌લાની વકીલાત કેલિફોર્નિ‌યાની આઇમાન - સ્મિથ નામની કંપનીએ કરી હતી. રેકા મેક્સિમોવિચે ફણીશ ઉપરાંત ઇન્ફોસિસ કંપની સામે પણ દાવો કર્યો હતો, કારણ કે ફણીશ મૂર્તિ‌ ઇન્ફોસિસ કંપનીના હોદ્દાનો દુરુપયોગ કરીને તેનું જાતીય શોષણ કરતા હતાં. ઇન્ફોસિસ કંપનીએ રેકાને ૧૦ લાખ ડોલર (આશરે ૧પ કરોડ રૂપિયા) આપીને આ દાવાની અદાલત બહાર પતાવટ કરી હતી. હવે અરાસેલી રોઇઝ પણ ફણીશની સાથે આઇ - ગેટ કંપનીને પણ અદાલતમાં ઘસડી જવાની છે. ફણીશ મૂર્તિ‌ને આ પ્રેમપ્રકરણને કારણે ઓછામાં ઓછા ૧૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જવાની ગણતરી છે. આટલું નુકસાન વેઠયા પછી ભવિષ્યમાં ફણીશ આવું દુ:સાહસ નહીં જ આચરે તેની કોઇ ગેરન્ટી નથી ;કારણ કે 'પ્યાર દિવાના હોતા હૈ.’

બેંગલોરની એક કોલેજના માનસવિદ ડો. જી. કે. કારંથ કહે છે કે 'પુરુષના હાથમાં જ્યારે સત્તા અને સંપત્તિ આવે છે ત્યારે તેને કાંઇક સામાજિક રીતે નિષેધાત્મક, પ્રતિબંધિત અને જોખમી પ્રવૃત્તિ કરવાની ખણજ પેદા થાય છે. આ પુરુષોનાં મનમાં પોતાની જાત માટે વધુ પડતો આત્મવિશ્વાસ પણ હોય છે. તેઓ એવું માનતા હોય છે કે તેઓ ગમે તેવું ખોટું કામ કરીને પણ છટકી જશે.’ પુરુષોમાં જેનો નિષેધ કરવામાં આવ્યો હોય તેવાં ફળો ચાખવાની ઇચ્છા અનાદિકાળથી જોવા મળે છે. આવું પરાક્રમ કરતી વખતે તેઓ ભવિષ્યનો વિચાર જ કરતાં નથી.

આઇ-ગેટમાં નોકરી કરતી મહિ‌લા સહકર્મચારી સાથેનું પ્રેમપ્રકરણ બહાર આવ્યું ત્યાર પછી ફણીશે પોતાના બચાવમાં પ્રેસ - કોન્ફરન્સ બોલાવીને ફિલિસોફરની ઢબે કહ્યું હતું કે દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. જોકે અમેરિકાની અદાલતો કામકાજના સ્થળે મહિ‌લાઓના શોષણની બાબતમાં સિક્કાની સામાજિક બાજુ જોવા તૈયાર થતી નથી. તેમના મતે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરનાર પુરુષ સખત સજાને પાત્ર હોય છે. ફણીશ મૂર્તિ‌એ ભારે આર્થિ‌ક નુકસાન સહન કરવા ઉપરાંત પોતાની કારકિર્દીનું નવેસરથી ઘડતર કરવાની જહેમત પણ ઉઠાવવી પડશે.
sanjay.vora@dainikbhaskargroup.com