તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનું બધું આજે કરો, કાલ કોણે દીઠી છે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
ભાણદેવે શ્રી સૂક્તમાં ટાંકેલો મૂળ સંસ્કૃત શ્લોક લક્ષ્મી વિશે છે. લક્ષ્મીદેવી કોણ છે? લક્ષ્મીને 21મી સદી કે કોઈ પણ સદીના કહેવાતા સમાજવાદીઓ ધિક્કારતા, પણ લક્ષ્મી વગર કોઈને ચાલ્યું નથી. આ લક્ષ્મી માટે ભાણદેવે શ્રીસૂક્તનો શ્લોક ટાંકયો છે. તેમાં કેવાં ભવ્ય વિશેષણો આપ્યાં છે. જેની પાસે લક્ષ્મી હોય તો તે અમૃતવર્ષિણી છે. કાન્તિયુક્ત છે. યોગ્ય રીતે વર્તે તો યશથી દીપ્તિમાન છે. સ્વર્ગલોકમાં દેવો પણ લક્ષ્મીને પૂજે છે. આવા હે લક્ષ્મી દેવી તમે પદ્મહસ્તા (કમળ જેવા હાથ) તેનું હું શરણ ગ્રહણ કરું છું. હે લક્ષ્મી દેવી મારા ઉપર તમે તો કૃપાળુ થયા પરંતુ મારા જીવનમાંથી ભૌતિક અને આધ્યાત્મિક દારિદ્ર્ય દૂર થાઓ. હે લક્ષ્મી દેવી હું આપને વંદન કરું છું.

આ પ્રાર્થનામાં આધ્યાત્મિક-દરિદ્રતાને દૂર કરવાની પ્રાર્થના થઈ છે. આ પ્રાર્થના કેટલી સમયાતીત છે. આપણી અંદરની કૃપણતા અને દારિદ્ર વધી ગયાં. વધુ ને વધુ ભોગ ઈચ્છીએ છીએ. ધન જ નહીં કીર્તિ જ નહીં સામાન્ય વાતમાં વધુ ને વધુ ભોગ જોઈએ છે. બાજરાના રોટલા કે ભાખરીથી સંતોષ નથી. રેંકડી- રેસ્ટોરાંનું ખાવું છે. આપણા સ્વાસ્થ્ય માટે દરેક ધર્મમાં એવા મહિના આવતા કે તમારી આખા વર્ષની તંદુરસ્તીની ધર્મમાં ફિકર કરી છે. રમઝાન મહિનામાં મુસ્લિમોએ રોઝા પાળવાના હોય છે. કેટલું સાયન્ટિફિક છે. એ પ્રકારે શ્રાવણ મહિનો ઉપવાસ, ભક્તિ અને ઈશ્વરની સમીપ જવાનો મહિનો છે. અંગ્રેજીમાં ઇસ્લામનો અર્થ છે- સરન્ડર રિકન્સિલિએશન. અર્થાત્ ઈશ્વર અલ્લાહની મરજીને તાબે થવું. મનનું અને દુનિયા સાથેના સંબંધોનું સમાધાન કરવું. તેમાં સૌથી વધુ મહત્ત્વ ઇબાદતનું છે- પ્રાર્થનાનું છે. સાચા મુસ્લિમો કુરાનનું મનોમન કે સંભળાય તે રીતે પઠન કરે છે. દરેક ધર્મમાં શ્લોકોનું પઠન થાય છે અને ઘણામાં જોરથી લય સાથે ઉચ્ચારણ થાય છે.

સવારે કે સાંજે ધર્મના શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ અને પઠન જરૂરી છે. બાળકને સંભાષણ નહીં સ્પષ્ટ ઉચ્ચારણવાળું સંભાષણ શીખવવું જોઈએ. વકતૃત્વની પણ કળા છે. ઇસ્લામમાં કુરાનનું પઠન સાયન્સને અાધારિત છે. ધીમેથી પઠન, મધ્યમ ઝડપે પઠન અને ઝડપથી પઠન આવા ત્રણ પ્રકાર છે અને એ તમામમાં સ્પષ્ટ ઉચ્ચારણો અને સાચા ઉચ્ચારો કરવા ઉપર ભાર મુકાય છે. આજનાં બાળકોને વાણી-ઉચ્ચારો સ્પષ્ટ નથી. નવરાત્રમાં રાત્રે દાંડીયારાસ લેવા જવું હોય તો મારે પિતા પાસે રજા લેવા જવું પડતું ત્યારે મુંઝાતો મુંઝાતો બોલું ત્યારે પિતા કહેતા સ્પષ્ટ બોલ. નિર્ભય થઈને બોલ. સંકોચ વગર બોલ. 1946માં મેટ્રિકની પરીક્ષામાં અમારે સંસ્કૃતનો વિષય ફરજિયાત હતો. મહુવામાં પરીક્ષા વખતે શિક્ષકનું ટ્યુશન અમને પરવડતું નહીં, પણ કમલનયન જોષી નામનો સંસ્કૃતને ધોળીને પી ગયેલો વિદ્યાર્થી અમને સંસ્કૃત શીખવતો.

દર વર્ષે ચોમાસામાં ‘શાકભાજી મોંઘાં થયાં છે’ના બૂમબરાડા અખબારોમાં પાડે છે. અરે ભાઈ ચોમાસામાં શાકભાજી મોંઘા જ હોય અને ખરી રીતે ચોમાસામાં શાકભાજી ઓછામાં ઓછા ખાઈ, મગ કે મઠ ખાવા જોઈએ. જૂના ગ્રામીણ કૃષિ અર્થતંત્રમાં ચોમાસામાં તસુએ તસુ જમીનમાં અનાજ વવાતું. કોથમીર, ભાજી કે શાક ચોમાસામાં જંતુવાળા હોય. જૈનો તે બાબતમાં જાગૃત છે શાકભાજી ખાતા નથી. ચોમાસામાં વડી, પાપડ, અથાણાં વગેરે રંધાય છે. ઇરાનમાં કૂમ શહેરમાં મોફિદ યુનિવર્સિટી છે. ત્યાંના મુસ્લિમ વિજ્ઞાની મસૂદ આદિલે ‘ધ કુરાન ટુ ક્વૉન્ટમ ફિઝિકસ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં ઇસ્લામ ધર્મની વૈજ્ઞાનિકતા સમજાવી છે. ઇસ્લામધર્મીઓ રમઝાનને ચુસ્તીથી પાળે, ઉપવાસ કરે (રોઝા) અને નમાઝ પઢે તો આરોગ્ય બારેમાસ જળવાય. ઉલટાના હવે ઘણા રમઝાનમાં મીઠાઈ અને તળેલું ઝાપટે છે. અગાઉ માત્ર ખજૂરથી રોજા ખોલાતા હતા, તે હવે માત્ર પ્રતીક રહ્યું છે.

શ્રાવણ મહિનામાં દર સોમવાર ઘરે ઘરે પળાતા. જૈન ધર્મમાં તેના સિદ્ધાંતો સાયન્ટિફિક છે. યહૂદી ધર્મમાં આહારના સૂક્ષ્મ નિયમો છે, તે સાયન્ટિફિક છે. જૈનો કઠોળમાં દહીં નાખતા નથી. કઠોળમાં દહીં નાખો એટલે તત્ક્ષણ જંતુ પેદા થાય છે. ચોમાસામાં લીલોતરી રોગ પેદા કરે છે. ખાસ તો આહારના નિયમ ઉપરાંત શ્રાવણ કે રમઝાન કે કોઈ પણ ધર્મમાં ધાર્મિક મહિનામાં દાન અને અપરિગ્રહનો ઉપદેશ છે. અપરિગ્રહ એટલે સંઘરવું નહીં. વધારાનું દાન કરવું. આવતીકાલ માટે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી. સ્વામી આનંદે હરિદ્વારના એક સાધુનો દાખલો સચોટ આપ્યો છે. એક સંન્યાસી આશ્રમમા સ્વામી આનંદ સાથે મુંબઈના લખપતિને ત્યાં ગયા. તેમણે પોતાની સાથે લાડુનો મોટો ટોપલો લીધો. તેને શ્રાવણનું દાન લાડુથી કરવુ હતું. 11 વાગ્યે સાધુના અખાડામા પહોંચ્યા. સાધુના મહંતને લાડુ આપવા ઓફર કરી. મહંતે કહ્યું ‘આજ કા ભોજન તો હો ગયા.’ તો દાનવીર શેઠે કહ્યું ‘આવતીકાલ માટે લાડુને રાખી મૂકજો’ તો સાધુએ કહ્યું ‘કલ કા ભોજન કી ચિંતા હમ આજ નહીં કરતે. આપ કૃપયા લાડુ વાપસ લે જાઈએ.’
અન્ય સમાચારો પણ છે...