લોકોના રક્ષકની રક્ષા કોણ કરશે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘મારી સામે બધા જ પ્રકારના ગંભીર પરંતુ ખોટા ફોજદારી કેસો કરવામાં આવ્યા છે, જેમાં લૂંટ, હત્યાનો પ્રયાસ, અપહરણ, ગુનાઈત અનધિકૃત પ્રવેશ વગેરેનો સમાવેશ થાય છે. બળાત્કાર સિવાય બધા જ પ્રકારનાં ગુનાઈત કૃત્યોમાં સંડોવણીના આરોપો મારા પર મુકાયા છે. મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં આ મુદ્દો રજુ થયો હતો ત્યારે મુખ્ય ન્યાયાધીશ પણ હસવાનું ખાળી શક્યા નહોતા. અહીં પ્રશ્ન એ નથી કે આ બધા જ કેસોમાં મને નિર્દોષ છોડી દેવાઈ, પરંતુ પ્રશ્ન એ છે કે હું નિર્દોષ હોવા છતાં મારે શા માટે આ પજવણીનો સામનો કર વો પડ્યો અને દાયકાઓ સુધી કેસો લડવા પડ્યા?’ આ શબ્દો છે વકીલ અને એક્ટિવસ્ટિ શમિમ મોદીના. તેમણે તાજેતરમાં જ દિલ્હીમાં હ્યુમન રાઈટ્સ લો નેટવર્ક ઓન ડિફેન્ડિંગ ધ ડિફેન્ડર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આપેલા વકતવ્યમાં આ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં હું પણ હાજર હતી.

શ્રમિક આદિવાસી સંગઠનના સક્રિય સભ્ય અને હરદાની સમાજવાદી જન પરિષદનાં ઉપપ્રમુખ શમિમ પર જુલાઈ ૨૦૦૯ની એક બપોરે મુંબઈમાં તેમનાં જ ઘરમાં તેમના હાઉસિંગ કોમ્પ્લેક્ષના ચોકીદાર દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ચાકુ અને લાઠીથી થયેલા આ હુમલામાં શમિમ લગભગ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. મોત સાથેની લડતમાં આખરે તેઓ જીતી ગયા. તેમને ૧૧૮ ટાંકા લેવા પડ્યા હતા અને મહિનાઓ સુધી તબીબી સારવાર લેવી પડી હતી. દિલ્હીમાં આ કાર્યક્રમમાં મળતા મેં આપણા દેશના ખરા હિંમતવાન લોકોમાંના એકને મળતી હોઉં તેવી લાગણી અનુભવી હતી.

શમિમ કોઈ આપણા સામાન્ય ચીંથરેહાલ અને ઝોલો લટકાવીને ફરતાં એક્ટિવસ્ટિ જેવાં નથી. તે દેશની સૌથી પ્રતિષ્ઠિત રિસર્ચ સંસ્થાઓમાંની એક ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિય લ સાયન્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. અનેક વર્ષો સુધી તેઓ દબાયેલા, કચડાયેલા લોકોના હક્કો માટે લડતાં રહ્યાં છે. ૨૦૦૯માં તેમણે લઘુતમ વેતન માટે સો વર્કર્સ (લાકડાં કાપનાર કામદારો) વતી લડત શરૂ કરી હતી. સ્વાભાવિક રીતે જ રાજકારણીઓ અને કોર્પોરેટ માંધાતાઓના પીઠબળથી મધ્યપ્રદેશ પોલીસે તેમને સતત પરેશાન કર્યા હતા. તે વર્ષે ફેબ્રુઆરીમાં તેમની ખોટા આરોપો હેઠળ ધરપકડ થઈ હતી અને તેમને જામીન પર મુકત કરાયા હતા.

તેમની ધરપકડ અને વિવિધ પોલીસમથકોમાં એક્ટિવસ્ટિ સોની શોરી સાથે થયેલા અભદ્ર વર્તન બાદ તાજેતરમાં એક કોન્ફરન્સમાં શમિમે જેલમાં કેદીઓ ખાસ કરીને મહિલા કેદીઓ પર થતા અમાનવીય અત્યાચારો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘તેઓ પ્રેગ્નન્સી ટેસ્ટ માટે કેદીઓને જેલની બહાર લઈ જતા. મેં જેલરને યુરીન ટેસ્ટ લેવા કહ્યું અને આ રીતે પારંપરિક પદ્ધતિ અપનાવવાની શું જરૂર છે તેમ પૂછ્યું હતું. તેઓ અમને ઓપીડીમાં લઈ ગયા હતા, જ્યાં માત્ર સ્લાઈટિંગ દરવાજા અને બારીઓ હતી, જેને પડદા પણ નહોતા. ત્યાં અમારી ગાયનેકોલોજિકલની જેમ તપાસ થઈ હતી. અમે તેનો વિરોધ કર્યો ત્યારે ગાર્ડ્સને બોલાવીને અમારાં વસ્ત્રો પણ ઉતરાવી દેવાયાં હતાં.

શમિમે જેલમાં કેદીઓ પર થતાં અત્યાચારો અંગે વાત કરી હતી. એક ગરીબ આદિવાસી મહિલાને વારંવાર જેલમાં ગોંધી રાખવામાં આવી હતી અને તેને મારવામાં આવતી હતી. તેનો ગુનો એટલો જ હતો કે તેણે જંગલના એક ખૂણે એક નાની ઝૂંપડી બાંધી હતી. તેના પર જંગલ પર કબજો જમાવવાનો ગુનો લગાવાયો હતો. અન્ય એક મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતી અને તેના ગુનાના કારણે તે કેટલી ગ્લાનિ અનુભવતી હતી તે બોલતી રહેતી હતી. તેને પાઠ ભણાવવા અને તેને ચૂપ કરવા માટે અન્ય કેદીઓએ રાત્રે તેને નિર્વસ્ત્ર કરી દીધી હતી. અહીં મહિલાને નગ્ન કરવી એ જાણે તેને ધમકાવવાનું પહેલું પગથિયું હોય તેમ હતું. શમિમે તેમના પર થતા અત્યાચારનો વિરોધ કરવા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલીક મહિલા કેદીઓ તે માટે તૈયાર પણ થઈ હતી. પરંતુ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવે તે પહેલાં પોલીસે તેમને ધમકી આપી કે તેઓ ચૂપ નહીં રહે તો ફરી જેલમાં આવતાં તેમની સાથે આથી પણ વધુ આકરું વર્તન થશે. શમિમનું કહેવું છે કે, ‘પોલીસ લોકોને જાહેરમાં ટોર્ચર કરતી હોય તો કલ્પના કરો કે જેલની અંદરના લોકો સાથે તેમનું વર્તન કેવું હશે. ત્યાં તો કોઈ જોનાર પણ નથી.’ તેમનું માનવું છે કે જેલની અંદર તમે માણસ રહી નથી શકતા. અહીં કોઈ માનવ અધિકારો નથી. માત્ર શરીરમાંથી લાગણીઓ દૂર કરીને જ કોઈ વ્યક્તિ જેલમાંથી જીવંત બહાર આવી શકે છે.

શમિમ એક હિંમતવાળી મહિલા છે, જેણે અન્યોના અધિકારો માટેની લડત ચાલુ રાખી છે. લોકોના અધિકારોને બચાવવા માટે તો અનેક લોકો છે, પરંતુ આ બચાવનારાઓને જ કોણ બચાવશે? સમાજ ભાગ્યે જ આવા મુદ્દાઓ પર આગળ આવે છે. શું આપણે આપણા જોબ્સ, પ્રમોશન્સ, ગેસ કનેકશન્સ, સ્ટોક માર્કેટના ઉતાર-ચઢાવ જેવા સ્વાર્થ પ્રેરિત મુદ્દાઓ પર બંધાયેલા રહીશું? કે પછી તેનાથી આગળ વધીને વાસ્તવિક મુદ્દાઓ પર ઊભા થઈશું?

(લેખકા પ્રતિષ્ઠિત અભિનેત્રી અને એક્ટિવસ્ટિ છે)