કૌન બનેગા ઉત્તર પ્રદેશ કા મુખ્ય મંત્રી ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે એક્ઝિટ પોલના શોખીનોએ હવામાં પતંગો ચગાવી લીધા તે પછી શનિવાર સવારથી પાંચ રાજ્યોની ચૂંટણીનાં ખરાં પરિણામો આવવા લાગશે. જો અડધો ડઝન જેટલા એક્ઝિટ પોલનું સરવૈયું કાઢીએ તો કહી શકાય કે પંજાબમાં ભાજપની હાર નક્કી છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળશે તે નક્કી છે. જો ભાજપને યુપીમાં ૧૮૦ કરતાં ઓછી બેઠકો મળે તો ભારતનાં સૌથી મોટાં રાજ્યમાં સરકાર બનાવવાની ભાજપની મનની ઇચ્છા મનમાં જ રહી જશે. તેવા સંયોગોમાં માયાવતીનો સાથ લઇને અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશની રાજગાદી પર બિરાજમાન કરવાનો તખતો ગોઠવાઇ ગયો છે. અખિલેશ યાદવે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં ફોડ પાડીને કહ્યું છે કે કોઇ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી ન મળે તો રાષ્ટ્રપતિના શાસનથી ઉત્તર પ્રદેશને બચાવવા બહુજન સમાજ પક્ષનો સાથ લેવામાં તેમને કોઇ વાંધો નથી. જોકે માયાવતીએ હજુ પોતાનું મન કળાવા દીધું નથી. માયાવતી પર સીબીઆઇની લટકતી તલવાર જોતાં તે સમાજવાદી પક્ષ અને કોંગ્રેસના ગઠબંધનને બદલે ભાજપ તરફ ઢળે તેવી સંભાવના વધુ છે. ભૂતકાળમાં પણ તેઓ સાથે મળીને સરકાર ચલાવી ચૂક્યા છે.
 
જો ભાજપને ઉત્તર પ્રદેશમાં ૧૮૦ કરતાં વધુ બેઠકો મળે અથવા સ્પષ્ટ બહુમતી મળે તો ભાજપ કોઇ સંયોગોમાં અખિલેશ યાદવને મુખ્ય પ્રધાન બનવા દેશે નહીં. તે સંયોગોમાં ભાજપના મુખ્ય પ્રધાન બનવા માટે ભારે સ્પર્ધા થશે. અત્યારે આ સ્પર્ધામાં ભાજપના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય મોખરે છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજનાથ સિંહને પણ દેશનાં સૌથી મોટાં રાજ્યનું સુકાન સોંપી શકે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે મુખ્ય પ્રધાનપદના કોઇ ઉમેદવારને પ્રોજેક્ટ કર્યા ન હોવાથી ભાજપના રાજ્ય એકમમાં પોતાના નેતાને મુખ્ય પ્રધાન બનાવવા જોરદાર લોબિંગ શરૂ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં નીતિન ગડકરી જેવા જૂના જોગીને સાઇડલાઇન કરીને નરેન્દ્ર મોદીએ જેવી રીતે યુવાન દેવેન્દ્ર ફડનવિસ પર પસંદગી ઊતારી તેવી રીતે ઉત્તર પ્રદેશમાં તેઓ ઉંમરલાયક રાજનાથ સિંહને બદલે ૪૭ વર્ષના યુવાન કેશવ પ્રસાદ મૌર્યને મુખ્ય પ્રધાન બનાવી શકે છે. કેશવ પ્રસાદ મૌર્ય યાદવ સિવાયની અધર બેકવર્ડ કાસ્ટના સભ્ય હોવાથી પછાત વર્ગમાં ભાજપનો પ્રભાવ ઊભો કરવામાં તેમણે મોખરાની ભૂમિકા ભજવી હતી. કેશવ પ્રસાદ મૌર્ય ક્યાંય નરેન્દ્ર મોદી કે અમિત શાહ સાથે સ્ટેજ પર જોવા નહોતા મળતાં, પણ જમીનના સ્તરે મહેનત કરીને તેમણે ભાજપને મજબૂત બનાવ્યો હતો.
 
કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અત્યારે કેબિનેટમાં નંબર ટુના સ્થાને છે. રાજનાથ સિંહ ઇ.સ.૨૦૦૨માં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનની જવાબદારી સંભાળી ચૂક્યા છે.અટલબિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી પછીની જમાતના તેઓ સૌથી સિનિયર નેતા છે. રાજનાથ સિંહ બે વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ તેમનો સમાવેશ કેબિનેટમાં કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું હતું. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાજનાથ સિંહ ભાજપના સ્ટાર પ્રચારક હતા. તેમણે ૧૨૦ જેટલી ચૂંટણી સભાઓ સંબોધી હતી. રાજનાથ સિંહની છાપ સ્વચ્છ રાજકારણી તરીકેની છે. કેન્દ્રના ગૃહ પ્રધાન તરીકે પણ તેમણે સંતોષકારક કામગીરી બજાવી છે. રાજનાથ સિંહ અત્યારે ૬૫ વર્ષના છે. જો તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બને તો તેમણે ૭૦ વર્ષની ઉંમર સુધી ફરજ બજાવવી પડે. વળી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને દિલ્હી છોડીને લખનૌ મોકલવા તૈયાર થાય કે કેમ? તે પણ શંકા છે. રાજનાથ સિંહને ઉત્તર પ્રદેશમાં મોકલવાને બદલે વડા પ્રધાન કોઇ સ્થાનિક નવી નેતાગીરી તૈયાર કરે તેવી સંભાવના વધુ છે.

ભાજપના મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે રાજનાથ સિંહ અને કેશવ પ્રસાદ મૌર્ય પછી ત્રીજું નામ મનોજ સિંહાનું આવે છે. મનોજ સિંહા ગાઝીપુરના સંસદસભ્ય છે. વર્તમાનમાં તેઓ કેન્દ્રમાં ટેલિકોમ અને રેલવે ખાતાંમાં રાજ્ય પ્રધાન છે. મનોજ સિંહા બનારસ આઇઆઇટીમાંથી બી.ટેક. અને એમ.ટેક. જેવી ડિગ્રીઓ ધરાવે છે. તેમની ઉંમર ૫૭ વર્ષની હોવાથી તેઓ પ્રમાણમાં યુવાન છે. વહીવટી કામોનો અને સંગઠનનો પણ તેમને બહોળો અનુભવ છે. તે દૃષ્ટિએ તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે આદર્શ પસંદગી બની શકે છે. મનોજ સિંહાની વિરુદ્ધમાં એક જ વાત જાય છે કે તેઓ બ્રાહ્મણ છે. દલિતો અને પછાત જાતિઓની બહુમતી ધરાવતા યુપીમાં ભાજપ કોઇ બ્રાહ્મણને મુખ્ય પ્રધાન બનાવવાની હિંમત કરી શકે? જો ભાજપ હરિયાણામાં કોઇ બિનજાટને, મહારાષ્ટ્રમાં બિનમરાઠાને અને ગુજરાતમાં બિનપાટીદારને મુખ્ય પ્રધાન બનાવી શકતો હોય તો ઉત્તર પ્રદેશમાં તે બિનપછાતને મુખ્ય પ્રધાન બનાવી શકે છે. આમ કરીને તે જ્ઞાતિવાદની વિરુદ્ધ હોવાનો સંદેશો પણ આપી શકે છે.
 
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઇ તેના એક વર્ષ અગાઉથી યોગી આદિત્યનાથના અને વરૂણા ગાંધીના સમર્થકો તેમને યુપીના મુખ્ય પ્રધાન બનાવવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી રહ્યા હતા. યોગી આદિત્યનાથ ગોરખપુરના સંસદસભ્ય છે અને તેમની કટ્ટર હિન્દુત્વવાદી વિચારધારા માટે જાણીતા છે. યોગી આદિત્યનાથ સંઘપરિવારના લાડકા છે, પણ તેમને મુખ્ય પ્રધાન બનાવીને લઘુમતી કોમને નારાજ કરવાની હિંમત ભાજપ કરશે નહીં. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના પુત્ર વરૂણ ગાંધીના સમર્થકો તેમને મુખ્ય મંત્રી બનાવવાની જોરદાર ઝુંબેશ ચલાવી રહ્યા હતા, પણ તેમને કોઇ ભેદી કારણોસર પ્રચારઝુંબેશથી દૂર કરી દેવામાં આવ્યા હતા. કદાચ તેમની તથાકથિત સેક્સ સીડી પણ તેમની છાપ બગાડવા માટે કારણભૂત છે. વરૂણ ગાંધી મુખ્ય મંત્રીની રેસમાંથી લગભગ આઉટ થઇ ગયા છે.
અન્ય સમાચારો પણ છે...