જગતમાં સૌથી પવિત્ર વસ્તુ કઈ ગણાય છે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં રોબર્ટ ઈંગરસોલ નામનો નિરશ્વરવાદી અને નાસ્તિક હતો. તે કહેતો કે અંગ્રેજો કેટલા બેશરમ છે કે હિ‌ન્દુસ્તાનને બે હાથે લૂંટયો પણ ત્યાં પોતાના દેશમા ન્યૂડીટી અર્થાત્ નગ્નતા માટે સજા થાય છે. ઈંગરસોલે કહેલું 'અનડ્રેસ્ડ ઈઝ વલ્ગર બટ ન્યૂડ ઈઝ પ્યોર’ અર્થાત્ નિર્વસ્ત્ર થવું તે બીભત્સ ગણો પણ ન્યૂડ થવું એટલે નગ્ન થવું તે ધાર્મિ‌ક થવા બરાબર છે માનવ જ એક એવું પ્રાણી છે જે પોતાની જ જાતના લોકને નગ્ન જુએ તો શેઈમ શેઈમ કહે છે.

તાજેતરમાં બ્રિટનની ભાવિ રાણી કેટ મિડલટન એક વેકેશનમાં સૂર્યસ્નાન લેવા નિર્વસ્ત્ર થઈ તેના ફોટા પ્રથમ ફ્રેંચ પછી જર્મન પછી ઈટાલીમાં છપાયા ત્યાં તો જબરો ઊહાપોહ થઈ ગયો મહિ‌ના પછી નગ્નતામાં ઊલટો જાણે વધુ રસ લેવા માંડયા છે મારે નગ્નતા ઉપર લખવાનું આવ્યું ત્યારે જ એક અદ્ભુત પુસ્તક પ્રગટ થયું. તેનું નામ હતું 'ધ બ્રીફ હિ‌સ્ટ્રી ઓફ નકેડેનેસ.’ લેખક હતા ફિલિપ કારગોમ. ખૂબ મોંઘું હતું પણ યોગાનુયોગ માત્ર અમેરિકામાં જ મળતું ત્યાંથી વૈદ્ય મિત્ર ડો. પંકજ નરમે એક અમેરિકન સથવારા સાથે તાબડતોબ મોકલી આપ્યું.

અંગ્રેજી શબ્દ ન્યૂડ માટે કે ન્યૂડીટી માટે ઘણા ઉદાર અર્થો છે. ન્યૂડીઝમ એટલે નગ્નવાદ, ન્યૂડિસ્ટ એટલે જે માત્ર નગ્નવાદમાં માને છે. ઓશો રજનીશની પરમ શિષ્યા શીલા પટેલના પિતા નિર્વસ્ત્ર જ રહેતા. ન્યૂડિસ્ટ માટે નગ્ન પૂજાવાદી શબ્દ પણ છે. હા, દિગમ્બર જૈનો દક્ષિણમાં અને ગુજરાતમાં પણ બાહુબલીની નગ્ન મૂર્તિ‌ને પૂજે છે.

સ્વ. હરકિશનભાઈએ મને બેંગલોર નજીક શ્રવણ-બેલગોલામાં ભગવાન બાહુબલીની પ૬ ફૂટ ઊંચી જગતની સૌથી ઊંચી ગણાતી મૂર્તિ‌ (જૈનો કહે છે) જે પ૬ ફૂટ ઊંચી અને વચ્ચેના ભાગ ૧૩ ફૂટ પહોળી છે તેનો મહામસ્તકાભિષેક થવાનો હતો ત્યારે ૩૧ વર્ષ પહેલાં મોકલેલો. ઈંદિરા ગાંધી તેમનાં બહેનપણી નિર્મળા દેશપાંડે સાથે ફેબ્રુઆરી ૧૯૮૧માં આ નગ્ન મૂર્તિ‌ને અનેક પવિત્ર સામગ્રી અને દૂધથી મસ્તકાભિષેક કરવા બેંગલોરથી ઊડીને હેલિકોપ્ટરમાં આવેલાં. અડધી દુનિયાના લોકો જે ન્યૂડીટીને પવિત્ર માને છે તે કાળા-ગોરા લોક પણ આવ્યા હતા.

મને વળતાં વચ્ચે મુડબીદ્દીની ગુફામાં દિગમ્બર જૈન સાધુઓને મળવાનું થયું હતું અને પ્રથમવાર મને ગુફામાં સાચાં નવરત્નોનાં દર્શન એક સાધુએ કરાવેલા. એ સાધુએ કહેલું કે નગ્નતાનો એક ફાયદો છે કે ઈશ્વરે જે પાંચ તત્ત્વો પેદાં કર્યાં છે તેમાં આકાશ, સૂરજ અને પવનનો સૌથી વધુ લાભ નગ્ન માનવીને મળે છે. પ્રાણીજગતમાં માત્ર અને માત્ર મનુષ્યો જ વસ્ત્રો પહેરે છે. આફ્રિકામાં વૃક્ષાનાં પાનથી લજજા ઢાંકતા.

ઈંદિરાના સેક્રેટરી પાસેથી જાણવા મળેલું કે બાહુબલી ઉપર જે જળકળશમાંથી દૂધનો અભિષેક કરવાનો હતો તે ૧૪૪ કિલો શુદ્ધ તાંબાનો કળશ એક અઝીઝ અહમદ નામના મુસ્લિમ કારીગરે બનાવેલો. આપણે નગ્નતા વિશેના દુર્લભ પુસ્તકની વાતો સંક્ષેપમાં કરીશું જ. દરમિયાન જાણવું જોઈએ કે મહાન ફિલ્મકાર વી. શાંતારામ જૈન હતા અને તેની હિ‌રોઈન ભલે પછી પત્ની હોય તેને ઓછાંમાં ઓછાં વસ્ત્રો પહેરાવવામાં માનતા, કારણ કે સુજ્ઞતા કે લજ્જા ખાતર તે હિ‌રોઈનને નગ્ન બતાવી શકતા નહીં. તેમનું ચાલતું તેઓ તે જરૂર આવું કરત. મારી પાસે બીજું પુસ્તક પણ આવેલું તે મારી પુત્રી શક્તિ લઈ ગયેલી.

'ન્યૂડીટી ઈન એન્સિયન્ટ ટુ મોડર્ન કલ્ચર.’ લેખક છે એઈલીન ગુડસન તે પુસ્તકમાં પ્રથમ સૂત્ર હતું કે 'જગતમા જો કોઈ વસ્તુ સેકરેડ (પવિત્ર) હોય તો તે માનવનું નગ્ન શરીર છે.’ નેકડેનેસના ટૂંકા ઈતિહાસનો રિવ્યુ લંડનના અતિ પ્રતિષ્ઠિ‌ત ગંભીર-આર્થિ‌ક સાપ્તાહિ‌ક 'ધ ઈકોનોમિસ્ટે’ પણ લખ્યો છે. આ બન્ને પુસ્તકોની અદ્ભુત અને કદાચ ઓછી જાણેલી વાતો મારા વાચકો માટે લખવાનો આ પ્રથમ મોકો લઉં છું.

(૧) 'ઈકોનોમિસ્ટ વધુમાં લખે છે કે યુરોપમાં બધા જ રસ્તા મોટરોએ આગવા કરી લીધા છે અને સાઈકલિસ્ટો માટે કોઈ જગ્યા જ રહી નહોતી. એટલે યુરોપની સડકો ઉપર 'નેકેડ બાઈક રાઈડ’ની ઝુંબેશ દ્વારા સ્ત્રી-પુરુષો નગ્ન થઈને સાઈકલ ઉપર લાંબું સરઘસ કાઢયું હતું. બ્રિટનમાં જ્યાં અમુક જગ્યાએ સ્ત્રી બાળકને ધવરાવી શકતી નથી તે દેશમાં જ ધાર્મિ‌ક કામો માટે ફંડ ભેગું કરવા માટે કેટલીક ગૃહિ‌ણીઓ, ખેલાડીઓ, મહિ‌લા સૈનિકો અને બીજાએ સાઈકલ સવારીમાં નગ્ન તસવીરો પડાવીને તેનાં કેલેન્ડરો છપાવી વેચ્યાં હતાં. તેમાંથી નફો થયો તે ધર્માદામાં અને સ્ત્રી કલ્યાણ માટે અપાયો હતો આમ નગ્નતા ધર્માદાનું કામ કરી ગઈ. (૨) અમેરિકાનાં ૧૬ રાજ્યો અને કેનેડામાં અમુક પ્રાંતમાં સ્ત્રીઓ ખુલ્લામાં બાળકને ધવરાવી શકતી નથી, પણ પછી ઈન્ટરનેશનલ નેચરિસ્ટ ફેડરેશન જેના ૩૦ દેશોમાં સભ્યો છે તેમણે ઝુંબેશ ઉપાડી કે સ્તનપાન કોઈ ડર્ટી ચીજ નથી. અમે તે સંપૂર્ણ નગ્નતામાં માનીએ છીએ અને નગ્નતાને સ્વીકારનાર ઓશો રજનીશના આભારી છીએ. કેટલાંક રાજ્યો હમણાં નગ્નતા સામે ઉદાર થયાં છે.

(૩) ઓસ્ટ્રેલિયામાં તો નગ્નવાદના ચાહકો એટલા બધા છે કે ૭ જુલાઈ ૨૦૦૮ના રોજ ઓસ્ટ્રેલિયાના આર્ટ મન્થલીમાં એક માતાએ સામે ચાલીને તેની નગ્ન પુત્રીનો ફોટો છાપવા આપેલો અને હજી તમને સિડનીની આર્ટ ગેલેરીમાં જોવા મળશે. (૪) હું અને મારી ભાણેજ ફીનલેન્ડ ગયાં. ત્યાં સ્ત્રી-પુરુષો સાથે તળાવ કે કોઈ નજીકના દેશના દરિયામાં નગ્ન સ્નાન કરતાં જોયેલા. ખાસ કરીને યુરોપમાં જર્મની, ફીનલેન્ડ અને નેધરલેન્ડમાં સ્ત્રી-પુરુષ નગ્ન બનીને સ્નાન કરે છે. દા.ત. જર્મનીના બેડન-બેડન ગામમાં જર્મન બાથહાઉસ છે ત્યાં સ્ત્રી-પુરુષ આરોગ્ય ખાતર નગ્ન બનીને સ્નાન કરે છે.

એ પહેલાં દરિયાકાંઠે સૂર્યસ્નાન કરે છે. ૧૯પ૩-પ૪માં હું ગાંધીજીના નિસર્ગોપચાર આશ્રમમાં સેવકરૂપે રહ્યો ત્યાં દર્દીને માટે તદ્દન નગ્ન બનીને સૂર્યસ્નાનનું પ્રિિસ્ક્રપ્શન લખાતું. સ્ત્રીઓ માટે ખાસ. ત્યા સૂર્યસ્નાન માટે સ્પેશિયલ અગાશી રખાઈ. પણ મને ત્યાંના સેવિકા હોશિયારી બહેન અને ડો. નીનાભાઈ કહેતાં કે બંગાળ કે મહારાષ્ટ્ર કે દક્ષિણની બહેનો અગાશી ઉપર જઈ તમામ વસ્ત્રો કાઢી સૂર્યસ્નાન લે છે. માત્ર ગુજરાતી સ્ત્રી સંકોચાય છે તેથી સૂર્યના વિટામિન ડીથી વંચિત રહે છે.

કાન્તિ ભટ્ટ