રાજકીય સંકેતો આવતીકાલની ચૂંટણીના...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાત આમ ગણો તો સીધી સાદી છે કે એક દિવસ પછી, ચૂંટણીના સાતમા તબક્કામાં ગુજરાતની ૨૬ બેઠકો પર મતદાન થશે. તેની સાથે જ આંધ્રપ્રદેશની ૧૭, બિહારની ૭, દાદરા નગરહવેલીની ૧, દમણ-દીવની ૧, જમ્મુ-કાશ્મીરની ૧, પંજાબની ૧૩, ઉત્તરપ્રદેશની ૧૪, પ‌શ્ચિ‌મ બંગાળની ૯ એમ ૮૯ લોકસભા બેઠકો પર ત્યાંનો મતદાર પોતાનો નિર્ણય જણાવી દેશે. આંધ્રપ્રદેશમાં તો પ્રદેશ સરકાર માટે ૧૧૯ બેઠકોનું મતદાન થવાનું છે અને બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ તેમજ પ‌શ્ચિ‌મ બંગાળની વિધાનસભાની કેટલીક બેઠકો પર ચૂંટણી થશે. તે પછી બીજા બે તબક્કા અને ૧૬ મેના દિવસે મતગણતરી. બીજો કોઈ વિક્ષેપ કે ચમત્કાર ન થાય તો તે સાંજે કે મોડીરાત સુધીમાં ૨૦૧૪થી પાંચ વર્ષને માટે 'ભારત ભાગ્યવિધાતા’ની પસંદગી થઈ જશે.
ગુજરાતની આ ૨૬ બેઠકો તેમજ દાદરાનગર હવેલી, દીવની આંશિક ગણીએ તો બીજી બે-એમ ૨૮ બેઠકોની કશ્મકશ છે. તેનું પહેલું દેખીતું લક્ષણ એ છે કે હવે નાગરિક 'મતદાતા’ નથી રહ્યો, મતલબ કે જે 'દાતા’ છે, દાન કરે છે તેને કોઈ અપેક્ષા નથી હોતી. હવે તે 'મતદાર’ છે, તો પોતાની અપેક્ષા અને અધિકારો જતાવતો થઈ ગયો છે. શી છે તેની, નવી સરકાર પાસેની અપેક્ષાઓ ? મંચાધીન નેતાઓ, તેમનાં ભાષણો અને નિવેદનો, તેમના ચૂંટણી ઢંઢેરાઓમાં તે અપેક્ષાપૂર્તિ‌નો કેવોક અંદાજ મળે છે? જે મુદ્દાઓની ચર્ચા ચકડોળે ચડી છે તે કેવા અસરકારક છે અને કેવાક ભરોસાપાત્ર છે?
'ક્રેડિબલ એજન્ડા’ અને 'ઈનક્રેડિબલ એજન્ડા’ એ ચૂંટણી ઢંઢેરાનાં પાનાંઓમાં સંકોડાઈ ગયા હોય તેમ આજની ઘડીએ નથી લાગતું, એ જ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની પહેલવેલી વિશેષતા છે. લોકો ભાવિ શાસનમાંથી વિશ્વાસ શોધે છે અને તેને આધારે મત આપે તેવી આબોહવા પણ છે.એકલા ગુજરાતમાં, આ વખતે 'ચૂંટણી-૨૦૧૪’ની કેટલીક દેખીતી લાક્ષણિકતાઓ છે. વડોદરામાં મોદીનું 'ઉમેદવાર’ હોવું એટલી જ વાત જુઓ ને? મોદીને માટે 'વડાપ્રધાનપદના ઉમેદવાર’નાં છોગાં સાથે, ચૂંટણી લડવાનો પહેલો પ્રસંગ છે. ગુજરાતી પરિવારોમાં 'પ્રસંગ’નો અર્થ થાય છે, યજ્ઞોપવીત, મામેરું, લગ્ન, સીમંત, વગેરે. આ તો સાર્વજનિક 'પ્રસંગ’ થયો ચૂંટણીનો, જેમાં ભાગીદાર થનારા દરેકે મત આપવાની સક્રિયતા રાખવાની છે
નરેન્દ્ર મોદીએ તેમનાં રાજકીય જીવનના ઘણા પડાવો પાર કર્યાં. ૧૯૬૭ની આસપાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગણવેશ પહેરીને, મણિનગરનાં ડો. હેડગેવાર ભવનના નાનકડા કમ્પાઉન્ડમાં પ્રભાત કે સાયં શાખામાં સામેલ મોદી, ૨૦૦૧ પછી ગાંધીનગરના સીએમઆર (ચીફ મિનિસ્ટર રેસિડેન્સ)માં બેસશે અને હવે પછી ભારતના સંસદભવનમાં સંભવિત વડાપ્રધાન તરીકેની લોકસભા ચૂંટણી લડશે એ બે વચ્ચેનો ફાસલો ખાલી 'ચા-વાળા’ના દબદબા પૂરતો જ છે? એનો જવાબ 'ના’માં આવે છે અને ગુજરાતને માટે તે બારિકાઈથી તપાસવાનો અવસર મતદાન અને તે પછીનાં પરિણામો દરમિયાન આવશે.
'વડોદરામાં મોદી’નો પ્રજાએ નક્કી કરેલો એજન્ડા એ હોઈ શકે કે ચા-લો, ૩૭ વર્ષે એક ગુજરાતી નાગરિક જો વડાપ્રધાન બનતો હોય તો તે આપણા બધાનું ગૌરવ છે. ગુજરાતના નસીબે આવા અવસરો આવ્યા તો છે જ. ગુજરાતે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ પટેલ આપ્યા, આઝાદીને શસ્ત્ર સાથે જોડવાની વિચારધારાથી સંકલ્પિત શ્યામજી કૃષ્ણવર્મા આપ્યા, સ્વતંત્રતા પછી સાદગીયુક્ત મુખ્યપ્રધાનો-ઢેબરભાઈ અને બાબુભાઈ જ.પટેલ-આપ્યા, દેશવ્યાપી પંચાયતી રાજનો નકશો તૈયાર કરનારા બળવંતરાય મહેતા આપ્યા, કોંગ્રેસને એક રાષ્ટ્રીય અધ્યક્ષ ઉછરંગરાય ઢેબર પણ આપ્યા. વિપક્ષે મીનુ મસાણી, એચ.એમ. પટેલ, પીલુ મોદી જેવા ધૂરંધરોને જીતાડયા, 'નેહરુ ચાચા’ની ખિલાફ 'ઈન્દુચાચા’ ઊભા કર્યાં... અને દેશને ઉપવડાપ્રધાન તરીકે ઐતિહાસિક પ્રદાન કરનારા વલ્લભભાઈ આપ્યા હતા.
૧૯૭૭માં જનતા પક્ષની સરકાર ન રચાઈ હોત તો મોરારજીભાઈ વડાપ્રધાન થઈ શક્યા નહોત. એ તો ઈન્દિરાજીએ કટોકટી અને સેન્સરશિપ લાદી, એક લાખ લોકોને જેલભેગા કર્યાં, જયપ્રકાશ નારાયણનું આંદોલન ગરજ્યું અને ગુજરાતમાં જનતા મોરચાની સરકાર રચાઈ, આ બધાં કારણોસર ૧૯૭૭ની ચૂંટણીમાં લોકશાહી પુન: સ્થાપિત કરવાના નેક ઈરાદાથી મતદાન થયું, કોંગ્રેસ અને ઈન્દિરાજી હાર્યા, જનતા પક્ષ રચાયો અને તે સરકારે મોરારજીભાઈની વરિષ્ઠતાને માન્ય કરીને વડાપ્રધાન બનાવ્યા. ગુજરાતે કાર્યકારી વડાપ્રધાન તરીકે ગુલઝારીલાલ નંદાને બે વાર જોયા છે. જવાહરલાલ ઢેબરભાઈમાં 'નેહરુ પછી કોણ?’નો જવાબ શોધતા હતા એવું કેટલાક માને છે. પણ મોરારજીભાઈ-ઢેબરભાઈ વચ્ચેની ગડમથલને લીધે તેવું ના બન્યું, નહિ‌તર ઢેબરભાઈનું યે વડાપ્રધાન તરીકે હોવું એક તવારિખ બની હોત.
ભારતીય જનતા પક્ષે બીજા ઘણા વરિષ્ઠ આગેવાનોને બાજુમાં રાખીને, કોઈ એક રાજ્યના મુખ્યપ્રધાનને વડાપ્રધાન માટે જાહેર કર્યાનો આ બનાવ ભાજપ-જનસંઘને માટે ય પ્રથમ છે. હા, ૧૯૭પમાં, મુંબઈનાં ભાજપ મહાધિવેશનમાં એલ.કે. અડવાણીએ 'વાજપેયીને ભાવિ વડાપ્રધાન’ તરીકે પોતાનાં ભાષણમાં કહ્યા તેની સખત નારાજગી અટલજીએ દર્શાવ્યાનો આ લેખક સાક્ષી છે. અટલજી ભાજપના સર્વમાન્ય નેતા હતા એટલું જ નહીં, બીજા પક્ષોમાં પણ તેમને 'એક સારા નેતા, ખોટા પક્ષમાં’ હોવાનું ગણનારા ઘણા હતા પરંતુ વાજપેયી આ-જીવન જનસંઘ-ભાજપના એક અને અડીખમ નેતા સ્થાપિત થયા. ભાવિ વડાપ્રધાન તરીકે મોદીનાં રોલ મોડલ તરીકે વાજપેયી હોય તે સહજ અને સ્વાભાવિક સમજદારી છે, અને અનિવાર્ય પણ છે.
વડોદરામાં એક ઉમેદવારનું થાંભલા પર હોવું અને બીજાનો રોડ-શો હોવો: આને જો પ્રતીકાત્મક રીતે ગણવું હોય તો, પોતાના પ્રદેશમાં 'ગુજરાતી-તા’ની સંકલ્પકથા સાથે મેરેથોનમાં સામેલ મોદીએ વડોદરા-વારાણસી ચૂંટણી પછીના દિવસો માટેની સજ્જતા અને સાવધાની કેળવવાના આ દિવસો છે, જે આવતીકાલથી શરૂ થવાના છે ઉમેદવારો, પ્રચાર અને ભાષામાં યે તેના સંકેતો મળતા રહેશે.