વોર ઓફ એરિકા: ૧૯મી સદીમાં પેરુ અને ચિલી વચ્ચે ખેલાયેલું યુદ્ધ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશાંત મહાસાગરમાં ૧૮૭૯-૧૮૮૩ વચ્ચે ખેલાયેલા યુદ્ધને એરિકાનું યુદ્ધ કહેવામાં આવે છે. આ યુદ્ધ ચિલી અને પેરુના સૈન્ય વચ્ચે ૭ જૂન ૧૮૮૦ના રોજ ખેલાયું હતું. 'તેક્નાના યુદ્ધ’ બાદ બોલિવિયાના આ યુદ્ધમાંથી ખસી જવાને કારણે પેરુ એકલું પડી ગયું હતું. એ સમયે ચિલીએ પ્રશાંત મહાસાગરમાં સ્થિત પોતાનાં સૈન્ય માટે શસ્ત્ર સરંજામનો પુરવઠો પહોંચાડવા અને ઘાયલ સૈનિકોને ત્યાંથી ખસેડવા માટે તેની નજીક એક બંદર શોધી રહ્યું હતું. આ દૃષ્ટિએ એરિકા બંદર તેને ઉચિત લાગ્યું, જે પેરુનું ગઢ ગણાતું હતું. ચિલીના સૈન્યએ આ બંદર પર બંને છેડેથી હુમલો કરીને તેના પર કબજો મેળવી લીધો. આ હુમલો એટલો જોરદાર હતો કે બંદરની સુરક્ષામાં રહેલું પેરુનું સૈન્ય કંઈ સમજી શક્યું જ નહીં. આ યુદ્ધમાં પેરુના સૈન્યના કમાન્ડર ફ્રાન્સિસ્કો બોલોગ્નેસિ સહિ‌ત એક હજાર સૈનિકોનાં મોત થયાં હતાં. ચિલીના આ વિજયની સાથે જ તેના 'તેક્ના અને એરિકા કેમ્પેઈન’નો અંત આવી ગયો અને તારાપાકા તથા તેક્ના પ્રાન્ત સહિ‌ત એક મોટો વિસ્તાર પણ તેના કબજામાં આવી ગયો. ત્યાર બાદ 'લીમા કેમ્પેઈન’ના નામ સાથે યુદ્ધનો એક નવો દોર શરૂ થયો, જે સાત મહિ‌ના બાદ પેરુની રાજધાનીના પતન સાથે પૂરું થયું.