તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજય માલ્યા સાથે બેન્કોના ઓફિસરોને સજા કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત સરકારના રાજમાં દેર છે, પણ અંધેર નથી તે પુરવાર થઇ રહ્યું છે. દેશની જાહેર તેમ જ ખાનગી ૧૭ બેન્કોના ૭,૮૦૦ કરોડ રૂપિયા ડૂબાડનારા કિંગફીશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા સામે હવે મોડે મોડે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો કેસ કર્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ૧,૨૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવા ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં કેસ કરેલો જ છે, જેમાં વિજય માલ્યાની ધરપકડ કરવાની અને તેમનો પાસપોર્ટ જપ્ત કરવાની માગણી પણ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જે કેસ ફાઇલ કર્યો છે તે કૌભાંડ આઇડીબીઆઇ બેન્કે કિંગફીશર એરલાઇન્સને આપેલી ૯૦૦ કરોડ રૂપિયાની લોનને લગતું છે. તેમાં સીબીઆઇએ ૬ મહિના પહેલા કેસ દાખલ કર્યો હતો, પણ વિજય માલ્યાની ધરપકડ કરી નહોતી. હવે વિજય માલ્યા ધરપકડથી બચી શકે તેમ નથી.

- ક્યા આધારે લોન આપી?: બેન્કો દ્વારા 1,4૦૦ કરોડની ખેરાત કરવામાં આવી હતી

સીબીઆઇએ આઇડીબીઆઇ બેન્કના કેસમાં વિજય માલ્યા સામે કેસ કર્યો છે, પણ જાહેર ક્ષેત્રની બેન્કોના કરોડો રૂપિયા લૂંટાઇ ગયા હોવા છતાં સીબીઆઇ તે બાબતમાં કેસ ફાઇલ કરતી નથી તેનું કારણ એ છે કે તાળી કદી એક હાથે વાગતી નથી. વિજય માલ્યાની બોગસ એરલાઇન્સને અબજો રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી તેમાં વિજય માલ્યા જેટલા જ જવાબદાર જાહેર તેમ જ ખાનગી ક્ષેત્રની બેન્કોના વહીવટદારો છે, જેમણે પોતાના શેર હોલ્ડરોની પરવા કર્યા વિના બેન્કનાં નાણાં લૂંટાવી દીધાં હતાં. જો સીબીઆઇ જાહેર ક્ષેત્રોની બેન્કોના ડૂબી ગયેલાં નાણાં બાબતમાં પણ કેસ ફાઇલ કરે તો તેણે કિંગફીશર એરલાઇન્સને લોન મંજૂર કરનારા બેન્કના મેનેજરોને પણ જેલમાં નાંખવા પડે. જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓને બચાવવા માટે સીબીઆઇ માત્ર ખાનગી બેન્કોના કેસો ફાઇલ કરી રહી છે.

કિંગફીશર એરલાઇન્સે આઇડીબીઆઇ બેન્ક પાસે ૯૦૦ કરોડ રૂપિયાની લોન માગી ત્યારે બેન્કના આંતરિક હેવાલમાં કિંગફીશરને લોન આપવામાં જોખમ હોવાની ચેતવણી આપવામાં આવી હતી. કિંગફીશરે પોતાના નેટ વર્થ અને ક્રેડિટ રેટીંગ બાબતમાં ખોટી માહિતી આપી હતી. આ હકીકતોની અવગણના કરીને આઇડીબીઆઇના ટોચના ઓફિસરોએ કિંગફીશરને લોન આપી માટે સીબીઆઇની એફઆઇઆરમાં બેન્કના અજાણ્યા ઓફિસરોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આઇડીબીઆઇ બેન્કના આ અજાણ્યા ઓફિસરો કોણ હતા તે સીબીઆઇ હજુ સુધી જાણી શકી નથી.

વિજય માલ્યાએ તાજેતરમાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું છે કે તેઓ બેન્કો સાથે લોનની ચૂકવણી બાબતમાં વાટાઘાટો ચલાવી રહ્યા છે. હકીકતમાં તેઓ માંડવાળ કરવાની બાબતમાં કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે.ઇ.સ.૨૦૧૦માં પણ તેમણે બેન્કો સાથે આવી જ રીતે સોદાબાજી કરી હતી. ઇ.સ.૨૦૧૦માં કિંગફીશર એરલાઇન્સ પર બેન્કોનું કુલ ૮,૪૧૪ કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું હતું. વિજય માલ્યાએ બેન્કોના અધિકારીઓ સાથે બંધબારણે બેઠકો કરીને તેમને કિંગફીશરના ૨૩ ટકા શેરો ખરીદવા માટે સમજાવી લીધા હતા. તે દિવસે કિંગફીશરના શેરનો બજાર ભાવ ૩૯.૯૦ રૂપિયા હતો, પણ બેન્કના મેનેજરો તેને ૬૪.૪૮ રૂપિયાના ભાવે ખરીદવા તૈયાર થઇ ગયા હતા. આ ભાવે ૨૩ ટકા શેરની કિંમત આશરે ૧,૪૦૦ કરોડ રૂપિયા થતી હતી, પણ બજાર ભાવે તેની કિંમત ૪૦૦ કરોડ રૂપિયા જેટલી ઓછી થતી હતી. આ ૪૦૦ કરોડ રૂપિયાની બેન્કોને ખોટ ગઇ હતી. આજની તારીખમાં કિંગફીશરના શેરોની કિંમત પસ્તી જેટલી રહી ગઇ છે. બેન્કો દ્વારા જે ૨૩ ટકા શેરો ખરીદવામાં આવ્યા હતા તેમાં ૧,૪૦૦ કરોડ રૂપિયા ડૂબી ગયા છે, તેના માટે જવાબદાર કોણ? આ ૧,૪૦૦ કરોડ રૂપિયાની ખેરાતને કારણે કિંગફીશરનું દેવું ઘટીને ૭,૦૦૦ કરોડ રૂપિયા પર આવી ગયું હતું. તેમાં જો વ્યાજ ઉમેરવામાં આવે તો આજની તારીખમાં દેવું ૭,૮૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

વિજય માલ્યાનો દાવો છે કે કિંગફીશર એરલાઇન્સમાં બેન્કોના ૭,૦૦૦ કરોડ રૂપિયા ઉપરાંત તેમના પોતાના પણ ૪,૦૦૦ કરોડ રૂપિયા ડૂબ્યા છે. કિંગફીશરની ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ સામે અત્યારે તેની મિલકતો નગણ્ય છે, કારણ કે તેનાં જેટલાં વિમાનો હતાં તે લીઝ પર લેવામાં આવ્યાં હતાં. સવાલ એ થાય છે કે આ ૧૧,૦૦૦ કરોડ રૂપિયા ગયા ક્યાં? તેની નાનકડી હિન્ટ મળે છે. તાજેતરમાં બહાર આવેલી વિગતો પ્રમાણે કિંગફીશર એરલાઇન્સે વિજય માલ્યાની કંપનીની માલિકીની ફોર્મ્યુલા વન રેસની ટીમ ફોર્સ ઇન્ડિયાને સ્પોન્સરશિપ માટે ૧૩૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. કિંગફીશર એરલાઇન્સ પાસે જ્યારે પાઇલોટોને પગાર ચૂકવવાના રૂપિયા નહોતા ત્યારે તેના માલિકે ૧૩૦ કરોડ રૂપિયાનો ધુમાડો સ્પોન્સરશિપ પાછળ કર્યો હતો. ફોર્સ ઇન્ડિયાની ટીમ લક્ઝમ્બર્ગમાં રજિસ્ટર કરવામાં આવી છે. લક્ઝમ્બર્ગનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થતો આવ્યો છે. માટે કિંગફીશરના ૧૩૦ કરોડ રૂપિયાનો ઉપયોગ પણ મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હોય તેવી સંભાવના છે. જે પદ્ધતિએ ૧૩૦ કરોડ રૂપિયાનું લોન્ડરિંગ થઇ શકે તે રીતે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું લોન્ડરિંગ પણ થઇ શકે છે.

સહારા ઇન્ડિયાના માલિક સુબ્રતો રોય પણ એક કૌભાંડમાં વિજય માલ્યાના ભાગીદાર છે. વિજય માલ્યાની કંપનીની માલિકીની ફોર્સ ઇન્ડિયા ટીમે વિદેશી બેન્કો પાસેથી લોન લીધી હતી. આ લોન ભરપાઇ કરવા માટે તેમણે પોતાની ટીમના ૪૨ ટકા શેરો સહારા કંપનીને ૧૦ કરોડ ડોલરમાં વેચી દીધા હતા. રોકાણકારોના નાણાં ન ચૂકવવા બદલ જેલમાં ગયેલા સુબ્રતો રોય પાસે ફોર્સ ઇન્ડિયાની ટીમમાં ભાગીદારી કરવાના ૧૦ કરોડ ડોલર ક્યાંથી આવ્યા? તેની પણ તપાસ થવી જોઇએ.
sanjay.vora@dbcorp.in
અન્ય સમાચારો પણ છે...