ઉત્તર પ્રદેશ: ખોવાયેલા સૂરની તલબ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હશે ભાઈ, એક હતા અબ્દુલકરીમ ખાં સાહેબ. કર્ણાટકી એ હિંદુસ્તાની બેઉ સંગીતશાળાઓની અજબ શી મિલાવટ સાથે એમણે ખયાલ ગાયકીને નવયોજી, અને કિરાના ઘરાણું સંગીતની દુનિયામાં મુલ્કમશહૂર બની ગયું. આ ‘કિરાના’ એ નામ તો કૈરાના પરથી આવ્યું છે. પણ કૈરાનાને આ ઓળખ ઓછી પડી હોય એમ ભાજપ સાંસદ હુકુમસિંહ પોતાની રીતે નવરૂપ આપવા કટિબદ્ધ માલૂમ પડે છે.
હવે સુધારકોશિશ કરતા ‘નવમુલ્લા’ હુકુમસિંહની પહેલી બાંગ તો મુસ્લિમ ત્રાસ અને હિંદુ હિજરતની હતી.

એમની જે નવમુલ્લાશાઈ રાષ્ટ્રવાદી માનસિકતા, એને કોમલ રિષભ (માઇનોર સેકન્ડ)નો શો ખપ હોય. હુકુમસિંહજીને હમણાં નવા મુલ્લા કહ્યા, કેમ કે એ જૂના જોગી છે. કૉંગ્રેસ અને લોકદળ બેઉની ટિકિટ પર ચુંટાઈને એ વિધાયક રહી ચૂક્યા છે, અને ન્યૂ દિલ્હી ઉર્ફે નારાયણ દત્ત તિવારીના તો પ્રધાનમંડળ પર પણ એ હતા. ભલે ખાં સાહેબ સરખા સંગીતસાધક એ ન હોય, અભ્યાસી જીવ એ જરૂર છે. અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની દિશામાં એમણે ગયે અઠવાડિયે કૈરાનામાંથી હિંદુ પલાયન વિશે તો ચાલુ અઠવાડિયે કંધાલામાંથી હિંદુ પલાયન વિશે શોધપત્ર પ્રસિદ્ધ કર્યાં છે. મુસ્લિમ આતંકથી કુટુંબોના કુટંુબો (અલબત્ત હિંદુઓ) ગામ છોડી રહ્યાં છે એ મતલબની એમની થીસિસ ગયા રવિ-સોમે તો મીડિયામાં છવાઈ ગઈ હતી, અને ડૉક્ટરેટ નહીં તો પણ એમફિલની અણીએ એ વરતાતા હતા. પણ કમબખ્ત હકીકતો, એ તો ઓછી કૈં ‘જી હુકુમ’ કહેવાની હતી.

હકીકત એ છે કે એકસપ્રેસ-એનડીટીવી ને બીજા કોઈ સંવાદદાતાઓ, આપણા આ સ્વનામધન્ય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીએ જેમને ગામ છોડવું પડ્યું એ સૌ કુટુંબોની જે સૂચિ આપી હતી એની સ્થળતપાસમાં ઊતરી પડ્યા. કેટલાંકના પાંચસાતદસ વરસ પર અવસાન થઈ ગયેલાં. કોઈક તો હજુ ત્યાં જ વસનારાં પણ હતાં. ઠીક ઠીક પ્રમાણમાં લોકો રોજગારની શોધમાં પાણીપત, સોનપત-કેટલાક તો દિલ્હી-વસી ગયાં હતાં. આ બધાં આપણા ભાજપ સાંસદની સૂચિમાં ત્રાસવશ પલાયનીઓ પૈકી હતા.

‘હિંદુ’ના સંવાદદાતાએ હજુ ત્રણ દિવસ પર જ કંધાલાની સ્થળ મુલાકાત લઈ આ સૂચિનું સત્ય શોધવા કોશિશ કરી, તો એમાં પણ કૈરાના સૂચિ જેવા કિસ્સા તો હતા જ. પણ એથીયે વિશેષ તો સૂચિમાંના જે એક કુટુંબની સાચ્ચી વિગત એને રૂબરૂ જાણવા મળી, એ કૈરાનાના પડોશ ગામમાં હિંદુમુસ્લિમ ઓળખ વટી જઈને કર્ણાટકી-હિંદુસ્તાની ધારાઓના મેળમિલાપ સમેતની અનેરી ખયાલ ગાયકી શી છે. હુકુમસિંહની સૂચિમાં એક સુખપાલના કુટુંબનો ઉલ્લેખ છે જેમને ગામ છોડી ચાલ્યા જવું પડ્યું છે. પણ ‘હિંદુ’ના સંવાદદાતાને સુખપાલની રૂબરૂ મુલાકાત થઈ એ અને એમનું કુટુંબ મજેથી ત્યાં જ રહે છે.

આ તો માનો કે વિગતદોષ (જોકે એથી વધુ તો પ્રજ્ઞા અપરાધ) થયો, પણ સોનેટની તેરમી-ચૌદમી પંક્તિ જેવી ખરી વાત હવે આવે છે: સુખપાલનું આ ઘર ગલીને નાકે છે. એ જ ગલીમાં એમનું બીજું ઘર (ભાઈનું ઘર) છે. એ ઘરમાં ફહમીદા અને એનું કુટુંબ રહે છે. આ ફહમીદા એ છે જે સૌને 2013થી (2014ના ચૂંટણી પરિણામ સુધી લંબાયેલી) મુઝફ્ફરનગર ઘટનાને પરિણામે ક્યાંક દૂર નીકળી જવું પડ્યું. સુખપાલ કુટુંબે અહીં એમને રહેવાની સુવિધા આપી અને રમઝાનમાં તો અરધી રાતે ઠંડુ પાણી જોગવી એમની ‘સેહરી’ની પણ એ કાળજી લે છે. ઓ હેનરીની વારતા જેવી આ ઘટના બેલાશક એ કિરાના ફોરમે ફોરતી છે જેને નવા ઈતિહાસઘડવૈયાઓ વિસ્મૃતિમાં ધરબી દેવા સારુ લાલાયિત છે.

ગમે તેમ પણ, ગયા રવિ-સોમે જ્યારે હુકુમનામા મીડિયામાં છાઈ ગયું હતું ત્યારે એ જ અરસામાં એની સમાંતરે અલાહાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળી હતી. ખરું જોતાં, સામાન્ય સંજોગોમાં, ચાલુ અગર ગયે અઠવાડિયે આ કટારચીએ એકતાલીસ વરસના અંતરેથી બારમી જૂનના બે ઐતિહાસિક ચુકાદાને નિમિત્ત કરીને લખવાનું પસંદ કર્યું હોત. એક ચુકાદો અમદાવાદ (ગાંધીનગર)નો હતો જેમાં જનતા મોરચો અને બીજાઓ કૉંગ્રેસને હરાવી રહ્યા હતા, બીજો અલાહાબાદ હાઇકોર્ટનો હતો જેમાં ઈંદિરા ગાંધી સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠરતાં હતાં. આ બે વિગતો સ્તો ઈંદિરાજીને 26મી જૂને કટોકટીરાજ જાહેર કરવા ભણી લઈ ગઈ હતી. પણ વાત આપણે 2016ના જૂનમાં અલાહાબાદની ભાજપ કારોબારીની કરતા હતા.

વડાપ્રધાન એ વખતે હમણેનો એમને સદી ગયેલો રાગ વિકાસ આલાપતા હતા, અને પક્ષપ્રમુખ અમિત શાહ કૈરાના નહીં ચલાવી લઈએ એવી સિંહગર્જના કરતા હતા. આકાશમાં વિકાસની ખેતી અને જમીન પર કોમવાદની ફસલ....શી જુગલબંદી! અલબત્ત, હુકુમસિંહના તાનપલટાની અને બીજી કેટલીક ચર્ચા વિના કિરાના વિમર્શ અધૂરો લેખાય, તે વિશે આ લખનાર સભાન છે. હુકુમસિંહ હવે એમ કહી રહ્યા છે કે આ હિંદુ હિજરત એ કોઈ કોમવાદનો પ્રશ્ન નથી, પણ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. ધીમે સાદે, કૌંસમાં નાછૂટકે, તેઓ એમ પણ બોલતા સંભળાયા છે કે કેટલાંક હિજરતી કુટુંબો મુસ્લિમ પણ છે. ભાઈ, સાદીસીધી હકીકત એ છે કે આ પંથકમાં ગુંડા ટોળકીઓ ધાકધમકી અને ખંડણીનું શાસન ચલાવે છે.

ઉત્તર પ્રદેશમાં વ્યક્તિગત ગુંડાગર્દી બધે જોવા મળતી હશે, પણ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ગુંડા અગર માફિયા ટોળકીઓ તરી આવે છે. કૈરાનામાં આવી ટોળકીઓમાં બે મુખ્ય મુસ્લિમ અસામાજિકોની છે. એમની ખંડણીખોરીનો સ્વાદ ચાખીને હિજરત કરનારાઓમાં મુસ્લિમ કુટુંબો પણ છે. કૈરાનાના દેહાતી ઈલાકાના મુખિયા સત્તાર પણ આ ત્રાસને કારણે પોતાનો કારોબાર પડખેના હરિયાણામાં ચલાવે છે. પણ નવમુલ્લા હુકુમસિંહની પહેલી બાંગ તો મુસ્લિમ ત્રાસ અને હિંદુ િહજરતની હતી, હવે એ જરી સુધારકોશિશ કરતા હોય તો પણ આ પ્રશ્ને બુંદસે ગઈ હોજ સે નહીં આતી જેવી એક લાંબી તવારીખ એમના વર્તમાન પક્ષપરિવારની છે તે છે.

વારુ, આ પ્રશ્ન કેમ કે કાયદો ને વ્યવસ્થાનો છે, આપણે સમાજવાદી પક્ષની ખબર જરૂર લેવી અને રાખવી જોઈએ. અખિલેશ સરકાર આ મામલે કાં તો ઢીલી પડે છે, કે પછી વધુ તો કોમી ધ્રુવીકરણની મતબૅેંકી ગણતરીએ ચાલે છે. અહીં સામે પક્ષે વિગતોમાં નહીં જતાં એટલું જ નોંધીશું કે મુઝફ્ફરપુરનું કોમી નાસૂર 2013થી મે 2014 લગી લંબાયું તે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૂંડલામોંઢે ફળ્યું હતું. મુસ્લિમોના સાગમટે મતદાન (જે બધા કિસ્સામાં નથી પણ હોતું) વિશે ભાજપ બોલતાં થાકતો નથી.

જો કે 1977ની શકવર્તી ચૂંટણીમાં સંજયકૃપાએ મુસ્લિમ મતો જનતા પક્ષના ભાગરૂપે જનસંઘને ભરપુર મળ્યા હતા. અને આજે સંજયબજરંગ ક્રોસબ્રીડ વરુણ ગાંધી ભાજપની ફતેહ સાથે લખનવી સપના સેવે છે. જેમ ગુંડા ટોળકી અને શાસનની મનમાનીનો તેમ નવી આર્થિક નીતિનાં પચીસ વરસ પછી પણ સ્થળ રોજગારીનો પ્રશ્ન ઊભો જ છે. કોમી ગણતરીઓથી ઊંચે ઊઠી, આ પાયાના મુદ્દા લક્ષમાં લઈ, કાશ, અમિત-અખિલેશ આપણને આપણું કોમલ રિષભ કર્ણસુખ ફેર સંપડાવે!
prakash.nireekshak@gmail.com
અન્ય સમાચારો પણ છે...