સમાચારોનો સામૂહિક વિસ્મૃતિ-યોગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સમાચારોનો સામૂહિક વિસ્મૃતિ-યોગ
- ચોવીસ કલાક સમાચારોના યુગમાં કેટલાક સમાચાર સદંતર ગુમ થઇ જાય છે
રૂતુઓની જેમ સમાચારોના મહત્ત્વની પણ જાણે એક મોસમ હોય છે. છેલ્લા થોડા સમયના ‘મુખ્ય સમાચાર’ યાદ કરી જોતાં વિવિધ સમાચારોનાં માવઠાં, ઝાપટાં અને અચાનક તેમનું અદૃશ્ય થવું યાદ આવશે. માહિતી વિસ્ફોટ અને ચોવીસ કલાક સમાચારોના યુગમાં કેટલાક સમાચાર સદંતર ગુમ થઇ જાય છે, એ ખરેખર મોટા સમાચાર ન ગણાવા જોઇએ? ‘મેગી’ નૂડલ્સમાં હાનિકારક તત્ત્વોના આરોપ સાથે રાષ્ટ્રિય સ્તરે જે હોબાળો થયો, તે સામાન્ય સમજમાં ઉતરે એવો ન હતો. ભારતમાં મોટા સમુદાયને પીવાના શુદ્ધ પાણીનાં ફાંફાં હોય, ત્યાં નૂડલ્સ જેવી ચીજની ગુણવત્તા રાષ્ટ્રિય સમસ્યાની હદે ચર્ચાય, એ સમજવું અઘરું પડે. એનો અર્થ એવો બિલકુલ નહીં કે ભારતમાં ગુણવત્તાનો કડક આગ્રહ ન રખાવો જોઇએ કે પાણી પ્રદૂષિત આવતું હોય એટલે બાકીના લોકોને ગુણવત્તા નેવે મૂકવાનો પરવાનો મળી જાય.
પરંતુ મુંબઇ હાઇકોર્ટે ગયા સપ્તાહે ‘મેગી’ નૂડલ્સને લગતા કેસની સુનાવણી દરમિયાન ‘ફુડ સેફ્‌ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌ઝ ઓથોરિટી’ને કહ્યું હતું, ‘તમારે સૌથી પહેલાં આલ્કોહોલ (શરાબ) પર પ્રતિબંધ મૂકવો જોઇએ. કેમ કે, તે આરોગ્યને હાનિકારક છે અને સ્કૂલે જતાં બાળકો પણ તેનું સેવન કરે છે. સિગરેટ માટે આ લાગુ પડતું નથી. કારણ કે એ ફુડ પ્રોડ્‌ક્ટ્‌સમાં આવતી નથી.’ મુંબઇ હાઇકોર્ટને શરાબ માટે થઇ, એવી જ લાગણી બીજા લોકોને જુદા જુદા ખાદ્યપદાર્થો કે જીવનજરૂરી સુવિધાઓ માટે થઇ શકે. પરંતુ ‘મેગીમાં સીસું’ની ચર્ચા જે રીતે ઊંચકાઇ અને જે રીતે શમી, એ બન્નેમાં અસ્વાભાવિકતા અને અતાર્કિકતા લાગે. વચ્ચે થોડો સમયગાળો એવો આવ્યો, જ્યારે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)માંથી હટાવાયેલા એન.શ્રીનિવાસનનું ક્રિકેટના રાજકારણમાંથી પતન નક્કી આજકાલનો મામલો લાગતું હતું. તેમની સામેની અદાલતી કાર્યવાહી અને તપાસસમિતિના અહેવાલો વિશે આવતા સમાચાર જાણીને એવું જ થાય કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાંથી અને ક્રિકેટજગતમાંથી તેમનાં દહાડાપાણી ભરાઇ ગયાં છે. પરંતુ થયું શું? શ્રીનિવાસન ટકી ગયા અને તેમને લગતા સમાચાર ગાયબ.
ધારો કે અત્યારે સંસદના ચોમાસુ સત્રનો સમય ન હોત તો? સુષ્મા સ્વરાજ-વસુંધરારાજે સિંધિયાના લલિત મોદી કનેક્શનનું શું થયું હોત? થોડા દિવસ રાજીનામું માગવાનો ઉધામો કરીને વિપક્ષો શમી ગયા હોત અને સુષ્મા-વસુંધરાને ખસેડીને સમાચારમાં મઘ્ય પ્રદેશનું વ્યાપમં કૌભાંડ છવાઇ ગયું હોત. આમઆદમી પક્ષની રેલીમાં એક ભાઇની આત્મહત્યાનાં દૃશ્યો વહેતાં થયાં અને ‘આપ’ પ્રવક્તા આશુતોષ ટીવી પર ચોધાર આંસુડે રડ્યા, ત્યારે થતું હતું કે કેજરીવાલ બરાબર ફસાયા. પરંતુ થોડા દિવસ વીત્યા-ન વીત્યા, ત્યાં કંઇક એવું બને કે નવા મુદ્દે જોરશોરથી ચર્ચા શરૂ થઇ જાય અને જૂના મુદ્દે કશી કાનૂની પ્રક્રિયા આરંભાઇ હોય, તો એ ગોકળગાયને ઝડપી કહેવડાવે એવી અદાલતી કાર્યવાહીના ખાતે ચઢી જાય.

સોમનાથ મંદિરમાં બિનહિંદુઓ માટે પ્રવેશ-પરવાનગીથી માંડીને નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ કમિશન મુદ્દે સરકાર-અદાલત વચ્ચેના સંઘર્ષ જેવાં ઘણાં ઉદાહરણ સૌ પોતપોતાની રીતે પણ યાદ કરી શકે છે. ‘વોટ્‌સએપ જનરેશન’ તરીકે ઓળખાતી નવી પેઢી માટે એવી ટીકા કરવામાં આવે છે કે તેમનો ‘અટેન્શન સ્પાન’-- ધ્યાનગાળો-- સાવ ઓછો છે. કંઇક એવું જ સમાચારો માટે પણ કહી શકાય. અલબત્ત, તેમનો ‘ધ્યાનગાળો’ ટૂંકો થવા પાછળનાં કારણો પેઢીગત કરતાં વધારે (વેપારી) ‘પેઢી’ગત હોઇ શકે છે.
વધુ વાંચવ માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...