યાત્રા દ્વારા માનવી ઈશ્વર પ્રત્યેનું ઋણ અદા કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જગતભરમાં તમામ ધર્મોના કુલ્લે ૩૯ જેટલાં યાત્રાધામ છે. તેમાં દર વર્ષે ૨૦ કરોડ યાત્રીઓ યાત્રા કરે છે

વાઈન કોમેડી’માં કવિ દાંતેએ એક પ્રાર્થનામાં ભગવાન પાસે માગણી કરેલી કે મને રોજ થોડો થોડો ‘આધ્યાત્મિક આહાર’ આપજે. એ ‘આધ્યાત્મિક ફૂડ વગર’ આ રણ જેવા જીવનમાં કોઈ હરિયાળી નહીં મળે. લોકો એ ‘આહાર’ માટે જ યાત્રા કરે છે. તે યાત્રાને ભણેલા લોકો પછાત માણસોની અંધશ્રદ્ધા ભલે માને પરંતુ જેણે આગળ વધવું હોય તેણે થોડું ‘પાછળ’ જવું પડે છે-પછાત થવું પડે છે.

અંધશ્રદ્ધાળુ બનવું પડે છે. જેમ્સ બાલ્ડવીન નામના સાહિત્યકારે પણ કહેલું કે માનવને કોણ જાણે અંતરમા ઊંડે ઊંડે ઈચ્છા હોય છે કે તે ગમે ત્યારે પણ જીવનમાં આધ્યાત્મિક બનશે જ. એટલે અનેક જોખમો વચ્ચે, બરફનાં તોફાનો વચ્ચે અને હમણા જ ૧૦૦૦૦ યાત્રીઓ હિમાલયના તોફાનમાં સપડાયા છતાં ૨૮મી જુન ૨૦૧૩ના રોજ ૭૫૦૦ જેટલા યાત્રી અમરનાથના બરફના લિંગના શ્રાવણી પૂનમે દર્શન કરવા ‘જય બમ બમ ભોલે’ના નાદ સાથે ઉપડ્યા છે. સરકારે જે વયમર્યાદા રાખી છે તેમાં નાનામાં નાનો ૧૩ વર્ષનો કુમાર-કુમારી પણ યાત્રા માટે જઈ શકે છે, પણ ૭૫ની ઉપરનો નહીં. આ લેખ અમરનાથની યાત્રાએ ન જઈ શકે તેના માટે છે. આમ તો હેલિકોપ્ટરમાં જવું હોય તો રૂ. ૨૦૦૦૦નો ખર્ચ થાય છે. મુંબઈના હરજિનોએ સામૂહિક યાત્રા કરી તેના દરેકના મુંબઈથી અમરનાથ અને પાછા ફરી મુંબઈ સુધીનો ખર્ચ રૂ. ૩૫૦૦૦ લીધો હતો.

અમરનાથની ગુફા ૧૨૭૫૬ ફૂટ ઊંચે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે આવેલી છે. શ્રીનગરથી ૧૪૧ કિલોમીટરની યાત્રા છે. જોકે ભૂગોળશાસ્ત્રી તો અમરનાથની ગુફામાં જે લિંગ શ્રાવણી મહિને ઓટોમેટિકલી બરફનુ બને છે તેને માત્ર ભૌગોલિક ઘટના માને છે જેને ‘સ્ટે લગ્માઈડ’ કહે છે એટલે કે ગુફા ઉપરથી પાણી ગળતું હોય તો હિમાલયની ઠંડીમાં ટીપે ટીપે પડીને એક લિંગનો ઓટોમેટિક આકાર પેદા કરે છે તે ભૌગોલીક ઘટના જ ગણે છે.

ધર્મકથા તો કહે છે કે આ અમરનાથની ગુફામાં જ ભગવાન શંકરે તેમનાં ધર્મપત્ની પાર્વતીને જીવનનાં રહસ્યો સમજાવેલાં. ૧૫મી સદીમાં એક ઘેટાં ચારનારને આ ગુફા જોવા મળેલી ત્યાં એક સાધુએ તેને દર્શન આપીને એક થેલી આપેલી તે ઘરે જઈ જોઈ તો તેમાં સુવર્ણ કંકરો હતા. એમ અમરનાથયાત્રામાં સરકાર જે લાગો લે છે તેનો ૪થો ભાગ આપવામાં આવે છે. એવી પણ કથા છે કે આ ભરવાડની બકરી આપમેળે બરફના લિંગ ઉપર પોતાના દૂધનો અભિષેક કરતી! મહુવામાં અમે ઉછર્યા ત્યાં કુમારવયે ખીમદેવ મહાદેવનાં દર્શને જતા. પછી માલણ નદીને પેલે પાર ભૂતનાથ મહાદેવના લિંગને માલણનું પાણી ચઢાવવા આખા શ્રાવણ મહિને જતા. શ્રાવણી પૂનમે મહુવાની માલણ નદીને પાર મેળો ભરાતો. એ પછી મલેશિયા ગયા તો ત્યાંના મુસ્લિમ રાજ્યે પણ પિનાંગમાં શંકરનું મંદિર બંધાવા દીધું હતું.

અમરનાથની યાત્રામાં દર વર્ષે ૨૫૦થી ૫૦૦ યાત્રી મરે છે. ૨૦૧૨માં ૬૨૨૦૦૦ યાત્રિકો ગયેલા તેમાંથી ૧૩૦ મરેલા. ૧૯૯૧થી ૧૯૯૫ સુધી સરકારે ત્રાસવાદીના ભયથી યાત્રા પર પ્રતિબંધ મૂકેલો છતાં યાત્રીઓ ચૂપચાપ ગયેલા જ. રાહુલ શર્મા નામના સંતુરવાદકે શ્રદ્ધાપૂર્વક અમરનાથના શિવલિંગ ઉપરથી એક રાગનું નામ પાડ્યું છે. આટલુ વાંચી તમને શ્રદ્ધા જાગે તો ૨૦૧૪માં જરૂર અમરનાથની ૪૫ દિવસની યાત્રાએ શ્રાવણ મહિનામાં જજો.

અમરનાથયાત્રા ઉપર ફિલ્મો ઊતરી છે તેમાં સૌથી યાદગાર ફિલ્મ શ્રી બદરીનાથ જોષીએ અનેક સંકટો વચ્ચે ૩૦ વર્ષ પહેલાં ઉતારેલી તે કથા જ વાંચવા જેવી છે તે પછી લંબાણથી. અહીં મારે વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઈન અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે ધર્મ વિશે સંવાદ થયેલો તે ટાંકવો છે. આમ તો આઈનસ્ટાઈન ધર્મમાં માનતા નહીં પણ ટાગોર સાથેના સંવાદમાં વિજ્ઞાનીને કવિવરે કહેલું કે હું ધર્મ કરતાં સત્યમાં વધુ માનું છું તેથી તમારા કરતાં વધુ ધાર્મિક છું! (જુઓ ‘જીઓ’-મેગેઝિનના ૧૩-૪-૨૦૦૩ના અંકમાં) બીજી એક નક્કર વૈજ્ઞાનિક હકીકત વાચકોના ધ્યાન પર લાવવી છે. ઘણા નાસ્તિકો કે વધુ પડતું ભણેલા યજ્ઞમાં ઘીનો વેડફાટ અને બીજા ખર્ચની નિંદા કરે છે પણ ડૉ. ચંદ્રશેખર નૌટિયાલે પ્રયોગ કર્યો તેમાં એક કિલો જેટલા આંબાનાં ઝાડનાં લાકડાં બાળ્યાં પણ બેકટેરિયા નાશ પામ્યા નહીં પણ જ્યારે માત્ર કિલો જેટલી હવનસામગ્રી અને ઘી યજ્ઞમાં હોમાયા ત્યારે ૯૪ ટકા બેકટેરિયા નાશ પામેલા. (મેગેઝિન ‘ડાઉન ટુ અર્થ’ અંક ૩૧-૧-૨૦૦૮)

એટલી હદ સુધી મોડર્ન યુગના લોકોને યાત્રામાં શ્રદ્ધા છે કે બ્રિટનના ‘પ્રાઈવેટ આઈ’ જેવા મૂલ્યનિષ્ઠ મેગેઝિનના સહમાલિક નિકોલસ લોડેની પુત્રી એઈડ્ઝથી મરી ગઈ પછી તે લાંબી ૫૦૦ માઈલની મુસાફરી કરીને સાન્ટીએગોના ધર્મસ્થળે ગયો હતો. પ્રોફેસર શાહુલ હમીદ જેવા મુસ્લિમે કહે છે કે હિન્દુઓની શ્રદ્ધા અને ‘સેન્સ ઓફ ડિવોશન’ એટલું બધું છે કે, તે તમામ સ્થળોને યાત્રાને લાયક માને છે. તમે જ્યારે યાત્રાએ જાઓ છો ત્યારે ઈશ્વર પ્રત્યેનું ઋણ અદા કરો છો. પ્રો. શાહુલ હમીદ કહે છે કે ઈશ્વરને થેંકસ કહેવા યાત્રા કરીને પોતાના પરનુ ઋણ હિન્દુઓ ઉતારે છે.

બીબીસીના આંકડા પ્રમાણે જગતભરમાં કુલ્લે ૩૯ જેટલા તમામ ધર્મોના યાત્રાધામ છે. તેમાં દર વર્ષે ૨૦ કરોડ યાત્રીઓ યાત્રા કરે છે. મારા અને શીલાનાં લગ્ન પછી અમે પાલિતાણા પાસે શત્રુંજય પર્વતના જૈનધામોની યાત્રા કરી પછી અમારા જીવનમાં કદી જ કટોકટી આવી નથી. ફ્રોઈડ નામનાં મનોવિજ્ઞાનીએ કહેલું કે મૂળમાં તો કોઈ રોગ થાય તે વખતે ધાર્મિક થવું તે મોટો ઈલાજ ગણાતો. મહાન વિજ્ઞાની પાસ્કલે ધર્મ ઉપરથી શ્રદ્ધાને માન્ય કરેલી અને કહેલું કે ૫૦૦૦થી વધુ વર્ષથી લોકોને ધર્મ, યાત્રા, વ્રતો, યજ્ઞો ઉપર શ્રદ્ધા છે તે કાંઈ અમથી અમથી નથી. કોઈ પણ બીમારી માટે પ્રથમ અને છેલ્લો ઉપાય ધર્મ છે-યાત્રા છે.

વોલ્ટર લીપમેનની વાત તમે શ્રદ્ધાળુ હો તો જરૂર માનવી પડશે. તમે શ્રદ્ધા રાખો અને જ્યારે તમારી શ્રદ્ધા મુજબ સફળ થાઓ કે કોઈ મન્નત રાખી તે ફળે ત્યારે કોઈ પૂછે કે તમારી શ્રદ્ધાની કળા કે ફોમ્ર્યુલા અમને શીખવો તો કહેજો કે શ્રદ્ધાને કોઈ ફોમ્યુંલા હોતી નથી. વળી તમારી શ્રદ્ધાની કોઈ મજાક કરે તો કહેજો કે ‘ફેઈથ ઈઝ નોટ એ ફોમ્યુંલા વીચ આઈ હેવ ટુ પ્રૂવ.’ અરે શ્રદ્ધા તો તમે રાખો ત્યાર જ ‘પ્રૂવ’ થયેલી-સાબિત થયેલી ચીજ છે. યાદ રહે કે વોલ્ટર લીપમેન એટલા બધા શ્રદ્ધાળુ, ધાર્મિક અને સત્ય પારખુ બન્યા હતા કે અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, વોલ્ટર લીપમેન્ટની સલાહ મૂંઝવણ વખતે લેતા.