ટમેટાંના ઊં ચા ભાવ સસ્પેન્સ-કમ-થ્રિલર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
મોંઘવારી વિશેની ગમે તેટલી વાસ્તવિકતા કઠણ હૈયે સ્વીકારી લીધા પછી પણ કેટલીક બાબતો સ્વીકારવાનું અઘરું છે. જેમ કે, ટમેટાંના આસમાની ભાવ. કેટલાક અહેવાલ પ્રમાણે, મધ્યપ્રદેશમાં ટમેટાંના ગોડાઉન માટે સશસ્ત્ર પહેરો મુકવાની માગણી કેટલાક વેપારીઓએ કરી છે. આ ટમેટાંનાં ઊંચા ભાવ સૂચવતી રમૂજ નહીં, સમાચાર છે. વનસ્પતિશાસ્ત્રની રીતે ફળ અને ભોજનશાસ્ત્રની રીતે શાક ગણાતાં ટમેટાંના ભાવ એક જ વર્ષમાં આટલા બધા શી રીતે વધી શકે? એ સામાન્ય માણસ માટે સસ્પેન્સ છે અને તેનો નેવુ-સો-સવા સો રૂપિયે કિલોનો ભાવ ગ્રાહકો માટે થ્રિલર જેવો પુરવાર થાય છે.
 
ટમેટાં જેવું સામાન્ય અને રોજિંદા વપરાશનું ફળ ઊંચા ભાવ પછી સ્ટેટસનું પ્રતીક બને ત્યારે તેને લગતી અનેક રમૂજો ફરતી થાય છે, જે ભાવવધારાનો રોષ થોડો હળવો કરે છે. પરંતુ પાયાના સવાલ ઊભા રહે છે : ટમેટાનાં ભાવમાં આટલા ઉતારચઢાવ શા માટે? તેમાં સરકારની કોઈ જવાબદારી ખરી કે નહીં? અને ટમેટાંના ભાવ આટલા ઉંચકાવા છતાં સામાન્ય ખેડૂતને કેમ તેનો ફાયદો મળતો નથી? 

આ વર્ષે એપ્રિલમાં જથ્થાબંધ વેચાણમાં ટમેટાંનો ભાવ અઢી રૂપિયે હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. ખેડૂત આંદોલન વખતે એટલે જ સડક પર ટમેટાં વેરવાનાં દૃશ્યો જોવા મળ્યાં. હવે એ જ ખેડૂત જથ્થાબંધના બજારમાં રૂ.50-55 પ્રતિ કિલોના ભાવે ટમેટાં વેચી રહ્યા છે. પરંતુ મોટા ભાગના ખેડૂત આટલા સજ્જ કે ખમતીધર નથી હોતા. ઘણા ખેડૂતોએ તો ટમેટાંના ભાવ સાવ તળીયે બેસી જતાં, તેની ખેતીમાંથી નીકળી જવાનું નક્કી કર્યું. તેના કારણે ટમેટાંના ઉત્પાદનમાં ઘટ આવી. 

આ એક વિષચક્ર જેવું છે: બજારમાં ટમેટાં રેઢે પીટાતાં હોય, એટલે ઘણા ખેડૂતો નવી મોસમમાં ટમેટાંનો પાક વાવે નહીં. પરિણામે ત્રણ-સાડા ત્રણ મહિના પછી ટમેટાંનો પાક ઉતરવાનો શરૂ થાય, ત્યારે તેનો પુરવઠો માગ કરતાં ઓછો થાય. એટલે ભાવ સડસડાટ વધવા માંડે અને થોડા મહિનામાં તેે સાવ તળીયેથી સાવ શીખર સુધી પહોંચી જાય. આમ થતું નીવારવાનો એક રસ્તો એ કે સરકાર વાવણી અને બીજના વેચાણના આંકડા જાહેર કરે, જેથી ઓચિંતી ઘટ કે ઓચિંતી છત ન સર્જાય.
 
નવી મોસમમાં કેટલી જમીનમાં ટમેટાં વવાયાં છે અને તેમાંથી કેટલો પાક ઉતરવાનો અંદાજ છે, એની માહિતી હોય તો  ખેડૂતોને ટમેટાં વાવવાં કે પછી બીજા કોઈ પાક ભણી વળવું તેનો ખ્યાલ આવે. બીજી મુશ્કેલી એ પણ છે કે ભારતમાં મોટા ભાગના ખેડૂતોની ખેતી હજુ કુદરતની દયા પર નિર્ભર છે. વધારે પડતી ઠંડી, ગરમી અને વરસાદ પાકના ઉત્પાદનની અપેક્ષાઓને ખોરવી શકે છે. એવી જ રીતે, ઊંચા ભાવ જોઈને બધા એક પાક તરફ વળે ત્યારે માગ કરતાં પુરવઠો વધી જતાં અને સંગ્રહની ક્ષમતાના અભાવે ભાવ એટલા ઘટી જાય છે કે પાક ઉતારવાનું પણ પરવડતું નથી. ખેતી અને ઉત્પાદનોનો મોટા ભાગનો વહીવટ જ્યાં સુધી કુદરત અને સરકારના ભરોસે છે ત્યાં સુધી સ્થિતિ ખાસ બદલાય તેમ નથી.
 
અન્ય સમાચારો પણ છે...