આપણી સામેનો સૌથી મોટો ત્રાસવાદી તમાકુ છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમાકુનો નશો, ન કોઈનો સગો; તમાકુના સેવનને લીધે દર વર્ષે પ૪ લાખ લોકો મરે છે

તમાકુ કે માવો કે જરદા ખાનારને ભારે ચોટ લાગી જાય તેવો સારો ટૂચકો અહીં કહ્યો છે. તમે અમેરિકા જાઓ અને ત્યાં બોસ્ટન શહેરમાં પૂછો કે તે કેટલું જાણે છે? કેટલું જ્ઞાન છે? અરે જવા દો તમે ન્યૂર્યોક જઈને પૂછો કે એ શહેરનો માણસ કેટલું જાણે છે તો સામો પૂછશે 'અરે જવા દો એની ન્યૂર્યોકમાં કેટલી કિંમત છે? કોડીની કિંમત છે?’ આવુ જ સૌરાષ્ટ્રના અમુક સંસ્કારી શહેરમાં કોઈને પૂછો કે પેણે ભાઈ પાનની દુકાને ઊભો રહીને માવો-તમાકુ ચોળે છે તે કેટલું જાણે છે? અરે જવા દો આ રાજકોટની બજારમાં જઈને પૂછો એ તમાકુ ચોળનારા વિશે શું કહેશે? કહેશે કે તેની આ બજારમાં કોડીનીય કિંમત નથી.

માવો ચોળે છે? ઊંહ કેટલી બધી સરકારોએ તમાકુ ચોળવા પર પ્રતિબંધ મૂકયો છે પણ નફ્ફટ છે. તેની બૈરી કે છોકરાં કાંઈ કહેતા નહીં હોય? મારો પીટયો ટોહરો છે સૌરાષ્ટ્રમાં ટોહરો એટલે જડ કંઈ લાંબી સૂઝ નહીં તમાકુ ખાનારા શું જડ છે? અંગ્રેજીમાં વ્યસનીને માટે 'એડીકટ’ શબ્દ છે. એડીકટ એટલે આસકત થવું, લિપ્ત થવું. બીજાને પણ ટેવ પાડવી. હું ૧૯પ૨માં ૬૩ વર્ષ પહેલાં ભાવનગર સુધરાઈમાં કેશિયર હતો ત્યારે સુધરાઈના બિલ પાસ કરાવવા આવનારા કોન્ટ્રાક્ટરો તમાકુનું ધોલરું (ડબ્બી) ચૂના સાથે કાઉન્ટર ઉપર દોડાવે. સુધરાઈના કારકુનો હરામનું તમાકું ખાઈને હક્કનું પોતાનું જ પેટ, દાંત, મોઢું બગાડે. સૌપ્રથમ તો સૌરાષ્ટ્રની બહેનોને ધન્ય છે.

રાજકોટના દિનેશભાઈ કહે છે કે સૌપ્રથમ તો અહી ગૃહિ‌ણીના બજેટ ઉપર તરાપ આવે છે. એનો ભાયડો મિનિમમ રૂ. ૧૦, ૨પ, ૨પ અને રૂ. ૨૦૦ સુધીના તમાકુ-કીમામવાળાં પાન ખાઈને તેનું બજેટ બગાડે છે. અમેરિકામાં તો અતિ સંસ્કારી રમત બેઝબોલ રમનારા પણ હવે તમાકુ ખાય છે તમાકુ માનવજાતનો છૂપો દુશ્મન છે. નેપાળ અને સૌરાષ્ટ્રમાં બહેનો પણ તમાકુ ચોળવા માંડી છે. નેપાળના પોખરા શહેરનો સર્વે કરાયો તો લગભગ ૩૦.૨ ટકા પુરુષો અને ૧૦.૯ ટકા સ્ત્રીઓ તમાકુ ચોળતી હતી. આ જૂનો આજે ઘટયો નથી. વધ્યો છે. નેપાળી વિદ્યાર્થીઓ કહે છે કે અમે તમાકુ છોડવા ટ્રાય કરી પણ ફોગટ જગતનું સર્વેક્ષણ કરાતાં માલૂમ પડયું કે ૨૦મી સદીના અંત સુધીમાં ૧૦ કરોડ લોકો તમાકુથી (સિગારેટ અને ખાવા) મરી ગયેલા. હજીય મરે છે.

દર વર્ષે પ૪ લાખ માણસો મરે છે. તે ૨૦૩૦માં દર વર્ષે ૮૦ ટકા લોકો ગરીબ દેશમાં મરશે. અરે પોખરામાં તો મેડિકલ કોલેજના વિદ્યાર્થી તમાકુ ખાતા હતા. આ આતંકના ખબર છેક ન્યૂર્યોક અને વોલસ્ટ્રીટમાં ફેલાયા છે અને વોલસ્ટ્રીટની શેરબજારમાંય પાન-તમાકુની દુકાન ચાલે છે. વોલસ્ટ્રીટ જર્નલ નામના અમેરિકાના આર્થિ‌ક દૈનિકનું ધ્યાન આ તમાકુ-બિઝનેસ પર ગયું છે. બિચારી કુમારી શનુર સરવૈઈ નામની ફી-લાન્સ-પત્રકારત્વ (ક્યાંય નોકરી વગર) કરનારી છોકરી વોલસ્ટ્રીટ જર્નલ વતી બિહાર, ઉ. પ્રદેશ અને ઓડીશામાં ફરી આવી તે મહાદેવ શર્મા નામના ડુંગળી-બટાટાના બિહારના વેપારીને મળી. આ માણસને છેલ્લા સ્ટેજનું જડબાનું કેન્સર છે. તેનું નિદાન કરાવવા પણ ગામડેથી છેક મુંબઈ આવવું પડે છે.

મુંબઈમાં મોંઘી-લાખેણી ટ્રીટમેન્ટ કરાવી પણ પાછળ કેન્સર જણાયું અને એના હોશ ઊડી ગયા. આ મહાદેવ શર્મા તો તમાકુ ચોળનારો ૨૦મી સદીનો બાપ હતો અને તેની પુત્રી હોસ્ટેલનો ખર્ચ કરીને કોલેજમાં કોમ્પ્યૂટરનું ભણતી હતી ત્યારે લાગ્યું કે હવે નફ્ફટ પિતાને ચેતવવા જોઈએ કે તમારી દીકરી સામે તમાકુ ચોળતાં શરમાતા નથી? કર્ણાટકે તમાકુની જકાતની કમાણી જ નહીં પણ ત્યાંના 'ભ્રષ્ટ અધિકારી કે મિનિસ્ટરો’ને કારણે કર્ણાટકમાં સૌથી છેલ્લે તમાકુ પર નાખુશીથી પ્રતિબંધ આણ્યો. તમાકુ ખાનારા નકટા હોય છે. પ્રતિબંધને ગાંઠતા નથી, પરંતુ સરકાર તમાકુ ઉપર પ્રતિબંધ લાવે અને ૧૦ જણ છોડે તોય ૧૦ જણીના ચૂડલા બચાવશે.

બિહારમાં તો બાર વર્ષના છોકરા પણ તમાકુના આદી બને છે. વાચકને લાગશે કે લેખક કેમ સતત આવી ભાષા વાપરે છે? આજે હું ૮૩ની ઉંમરે ૧૦-૧૧ કલાક કામ કરી શકું છું. તમાકુ છોડી એટલે. સૌરાષ્ટ્રના લખતર ગામમાં એક ભાઈના કહેવા પ્રમાણે અમુક બહેનોએ પુરુષોનો બોયકોટ કર્યો અને કહી દીધું 'આ ઘરમાં તમાકુ ચાવવાની નથી.’ અરે બહેનો ધન્ય છે લંડનમાં ત્યાંના એક ગુજરાતી જણને તેની પત્નીએ પણ કહી દીધું કે સિગારેટ પીવી હોય તો ઘરમાં નહીં ચાલે. પતિને ઘર બહાર કાઢી મૂકતા સૌરાષ્ટ્રની બહેનો તમેય આવુ કરોને? 'બેડરૂમમાં આવવું હોય તો તમાકુ નહીં ચાલે’ બીજાં ૨૩ રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશો અને તમાકુ-ગુટકા ઉપર પ્રતિબંધ મૂકયો છે. વોલસ્ટ્રીટ અને બ્લુમબર્ગ કહે છે કે જગતમાં જે મોઢાના કેન્સર થાય છે તેમાંથી તાજા આંકડા પ્રમાણે ૮૬ ટકા ભારતમાં થાય છે. ભારતમાં દર વર્ષે ૮૦૦૦૦ નવા કેસ કેન્સરના થાય છે અત્યારે તો તમાકુને ઘણા 'રોગચાળો’ કહે છે.

લંડનનાં 'ધ ઈન્ડપેન્ડન્ટ’ નામના જાગૃત દૈનિકની પત્રકાર મીસ ચાર્લોટી મુંબઈ-દિલ્હીની અને કોલકાતાની બજારમાં હમણાં ફરેલી. તે કહે છે 'અમે લંડનમાં તમાકુને ધુત્કારીએ છીએ તમે મોંમા નાખો છો. સિગારેટ પીનારા પણ ચેતે. અમેરિકામાં સિગારેટ પીનારા દર વર્ષે ૧પ૭૦૦૦ અમેરિકનો ફેફસાંના કેન્સરથી મરે છે. ખરેખર આપણે તો તમાકુ-ગુટકાને જ મોટા ટેરરિસ્ટો ગણવા જોઈએ. તમને હજી ચાર-પાંચ વર્ષ પહેલાંની એક અમેરિકન માથાભારે બાઈની વાત કરું. તેણે ત્યાંની સુપ્રીમ ર્કોટમા કેસ કરીને ફિલિપ મોરીસ નામની સિગારેટ કંપનીનો તેના રૂ. ૪૮૦ કરોડનો દંડ કરાવેલો.

મીસીસ મેવોલા ફિલિપ મોરીસને સિગારેટ પીવાથી જ તેને કેન્સર થયેલું અને કંપનીનો દંડ થયેલો. ભારતમાં હવે કોઈ માથાભારે બહેન નીકળે અને કહે કે મારી પતિને ફલાણા ગુટકા ખાવાથી મોઢાનું કેન્સર થયેલું તો ઊભી બજારે એ બીચારીની ઊલટાની મજાક થઈ જાય અમેરિકા અને ચીનની એક વાત સાંભળવા જેવી છે. અમેરિકામાં ૨૪ વર્ષની યુવતી ૮૬૦૦ ડોલર સિગારેટ પર ખર્ચે છે અને ચીનમાં તો ડો. ઈનગ્રીડ કાટઝના કહેવા પ્રમાણે તમાકુથી તેમના પતિ બીમાર પડે છે તો તેની સારવારના ખર્ચ થકી દેવાળું કાઢે છે

કાન્તિ ભટ્ટ