નદીઓને જોડવાની યોજના વિનાશક બની શકે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતની ૩૦ જેટલી નદીઓને ૫.૬૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચે જોડવાની સરકારની યોજના પહાડ જેવડી ભૂલ સાબિત થઇ શકે છે. ભારતના પૂર્વ ભાગમાં વહેતી બ્રહ્મપુત્રા, મહા વગેરે નદીઓનું વધારાનું પાણી નહેરો વાટે પશ્ચિમ ભારતની નદીઓમાં ઠાલવવાની યોજના કાગળ ઉપર બહુ આકર્ષક જણાય છે, પણ તેને કારણે દેશનાં પર્યાવરણને ભરપાઇ ન થઇ શકે તેવું નુકસાન થઇ શકે છે.


ભારતના મહાન ઇજનેર વિશ્વસરૈયાએ આજથી સો વર્ષ પહેલાં દેશની મુખ્ય નદીઓને જોડવાનું સપનું જોયું હતું, પણ તેના અમલમાં પારાવાર મુશ્કેલીઓ હોવાથી તે સપનું સાકાર થઇ શક્યું નહોતું. ઇ.સ.૧૯૮૦માં સરકાર દ્વારા ભારતનાં જળસંસાધનોના ઉપયોગનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો તેમાં પણ નદીઓને જોડવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 

આ દસ્તાવેજમાં હિમાલયની તળેટીમાં વહેતી ૧૪ અને દક્ષિણ ભારતની ૧૬ નદીઓને જોડવાની વાત કરવામાં આવી હતી. ઇ.સ.૨૦૦૨માં સુપ્રિમ કોર્ટમાં નદીઓને જોડવા બાબતમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાનમાં સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો કે આ યોજનાને અગ્રિમતા આપીને દસ વર્ષમાં પૂરી કરવામાં આવે. કેન્દ્ર સરકારે આ યોજના પૂરી કરવા ટાસ્ક ફોર્સની રચના કરી હતી અને તેને ઇ.સ.૨૦૧૬ની ડેડલાઇન આપવામાં આવી હતી. ઇ.સ.૨૦૧૨ સુધી આ યોજનામાં કોઇ પ્રગતિ ન થતાં સુપ્રિમ કોર્ટે નદીઓ જોડવા માટે ખાસ સમિતિની રચના કરી હતી.


હકીકત એ હતી કે યુપીએ સરકારને નદીઓ જોડવાની વિરાટ યોજનામાં બિલકુલ રસ નહોતો, માટે તે યોજનામાં તસુભાર પણ પ્રગતિ થઇ નહોતી. ઇ.સ.૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપી મોરચાની સરકાર આવી તેણે રિવર લિન્કિંગ પ્રોજેક્ટમાં નવેસરથી રસ દર્શાવ્યો હતો. ઇ.સ.૨૦૧૪-૧૫ના બજેટમાં રિવર લિન્કિંગ યોજનાનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

 

નદીઓને જોડવાની યોજના અંતર્ગત દેશની ૩૦ નદીઓને જોડવા માટે આશરે ત્રણ હજાર બંધો બાંધવા પડશે. આ યોજનામાં હિમાલયની તળેટીમાં વહેતી કોશી, ગંડક અને ઘાઘરા નદીઓનું પાણી પશ્ચિમ ભારતમાં રાજસ્થાન અને ગુજરાત સુધી વાળવામાં આવશે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ પર વિરાટ બંધો બાંધવામાં આવશે અને ગંગા નદીને નહેર વાટે યમુના સાથે જોડવામાં આવશે.


દક્ષિણ ભારતની ૧૬ નદીઓને જોડવાની યોજના અંતર્ગત મહા અને ગોદાવરી નદીઓને કૃષ્ણા, કાવેરી, વાઇગાઇ અને પેન્નાર નદીઓ સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં વહેતી કેન નદીને બેટવા, પરબતી, કાલિસિંધ અને ચંબલ નદીઓ સાથે જોડવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાંથી વહેતી પાર, નાર, દમણગંગા , ઔરંગા અને તાપી નદીઓને નર્મદા સાથે જોડવાની યોજના પણ બનાવવામાં આવી છે.

 

આ યોજનાનો દક્ષિણ ગુજરાતના વનવાસીઓ વિરોધ કરી રહ્યા છે.કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન બેટવા રિવરલિન્કિંગ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પણ તેને હજુ પર્યાવરણ વિભાગની અને વન્ય જીવ વિભાગની મંજૂરી મળી નથી. ૪૨૪ કિલોમીટર લાંબી કેન નદી મધ્ય પ્રદેશના પન્ના વાઘ અભયારણ્યમાંથી પસાર થાય છે. આ યોજનામાં આશરે દસ હજાર એકર જેટલી જંગલની જમીન પણ ડૂબી જવાની હોવાથી પર્યાવરણવિદો તેનો વિરોધ કરી રહ્યા છે.

 

પન્ના નેશનલ પાર્કની કુલ આઠ ટકા જમીન આ બંધમાં ડૂબી જવાની છે. સરકાર એક બાજુ વાઘને બચાવવાની ઝુંબેશ ચલાવી રહી છે અને બીજી બાજુ તેનું અભયારણ્ય ડૂબાડવાની યોજના ઘડી રહી છે.નદીઓને જોડવાની યોજના દ્વારા દેશમાં આશરે ૩૪,૦૦૦ મેગાવોટ ઉર્જા પેદા થશે, તેવું ધારવામાં આવે છે. આ પૈકી ૩૦,૦૦૦ મેગાવોટ હિમાલયમાં વહેતી નદીઓમાંથી અને ૪,૦૦૦ મેગાવોટ દક્ષિણ ભારતની નદીઓમાંથી પેદા થવાની ધારણા છે.

 

હિમાલયમાં ગંગા નદી પર તેહરી બંધ દ્વારા ૧,૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરવા માટે આખું તહેરી શહેર ઉપરાંત ૪૦ ગામો જળાશયમાં ડૂબી જવા ઉપરાંત આશરે એક લાખ લોકો બેઘર બની ગયા હતા. આ હિસાબે ૩૪,૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરવા જતાં કેટલી જમીનો ડૂબી જશે અને કેટલા લોકો બેઘર બનશે તેની કોઇ કલ્પના છે?ભારતની ૩૦ નદીઓને જોડવાની યોજના પાછળ ઇ.સ.૨૦૦૨ના ભાવાંક પ્રમાણે કુલ ૫.૬૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા હતી.

 

આજના ભાવ મુજબ ખર્ચનો આંકડો દસ લાખ કરોડ રૂપિયાથી પણ વધી જવાની સંભાવના છે. જે ૫.૬૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ધારવામાં આવ્યો હતો તે પૈકી સિંચાઇ પાછળ ૪.૨૫ લાખ કરોડ અને વીજળી પાછળ ૧.૩૫ લાખ કરોડનો ખર્ચ ધારવામાં આવ્યો હતો. સરકાર પાસે આટલા રૂપિયા ક્યાંથી આવશે? તેનો જવાબ સુપ્રિમ કોર્ટે આપ્યો નથી. કેન્દ્ર સરકારે હમણાં તો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે માત્ર ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.


પર્યાવરણવિદો કહે છે કે નદીઓને જોડવાની યોજના દ્વારા કેટલી ફળદ્રુપ જમીન નાશ પામશે? કેટલાં કરોડ વૃક્ષોનું નિકંદન નીકળી જશે? કેટલા લાખ લોકો વિસ્થાપિત થશે? તેમને ફરી વસાવવા માટેની જમીન સરકાર પાસે છે? તેમને ફરી વસાવવા પાછળ કેટલો ખર્ચ થશે? તેનો વિચાર કર્યા વિના સરકાર આ યોજનામાં આંધળૂકિયા કરી રહી છે. કેટલાક પર્યાવરણવિદો કહે છે કે નદીમાં કોઇ પાણી વધારાનું હોતું નથી. જો વધારાનું પાણી સૂકા પ્રદેશોમાં પહોંચાડવાના નામે નદીઓ પર બંધો બાંધવામાં આવશે તો નદીઓ સૂકાઇ જશે અને તેના સહારે પાંગરતી જીવસૃષ્ટિ જ ખતમ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...