મહત્ત્વાકાંક્ષાનો કદરૂપો ચહેરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સવારના પહોરમાં ઊઠતાંની સાથે કોઈ નિર્દોષ નાનકડા બાળકનો હસતો ચહેરો જોવા મળે તો આપણામાંથી લગભગ દરેક વ્યક્તિનું દિલ ઘડીભર તો જરૂર ખુશ થઇ જાય. પછી એ બાળક પોતાનું હોય કે પરાયું, એનું મહત્ત્વ એ ક્ષણે હોતું નથી. એની સાથેનો રિપોર્ટ વાંચીએ કે દુનિયાની આ સહુથી ખુબસૂરત બાળકી છે, પછી એના ચહેરા પર કોઇ પ્રોફેશનલ સ્ટાઇલમાં થયેલો મેકઅપ અને હેરસ્ટાઇલ, એણે પહેરેલાં અતિ સુંદર (બેશક મોંઘા) કપડાં અને નાની વયે કોઈ અનુભવી મોડેલની સ્ટાઈલમાં એણે આપેલો પોઝ જોઈએ તો કેવી લાગણી થાય? સાચું કહેજો.


પ્રામાણિકભાવે જવાબ આપું તો આવી એક નાનકડી, રૂપકડી ઢીંગલી જેવી લાગતી બાળકીનો ચહેરો જોઈને રાજી થયા બાદ એની સાથેનો રિપોર્ટ વાંચ્યો તો મારી ચાનો સ્વાદ બગડી ગયો. રશિયાની એનેસ્તાસિયા નામની આ છ વર્ષની આ છોકરી છે. એણે હજી સુધી કોઈ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો છે કે નહિ, એ હું નથી જાણતી, પણ દુનિયાના ખૂણેખૂણે વસતા લાખો લોકો આ છોકરીને રૂબરૂમાં જોયા વિના એના ફેન બની ગયા છે,

 

થેન્ક્સ ટુ હર મધર. એનેસ્તાસિયાની માતા છેલ્લા લગભગ દોઢ વર્ષથી, એટલેકે દીકરી માંડ સાડા ચાર વર્ષની હતી, ત્યારથી એની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. ગોરી ત્વચા, નીલી આંખો અને લાંબા વાળ ધરાવતી આ છોકરીને કુદરતે જન્મજાત સુંદરતા આપી છે, પણ પછી મમ્મીએ ક્યારથી એને વધુ આકર્ષક બનાવવા માટે મેકઅપ કરવાનું  શરૂ કર્યું એ તો એ જ જાણે. રોજેરોજ દીકરીના નવાનવા ફોટોગ્રાફ્સ સોશિયલ સાઇટ્સ પર પોસ્ટ કરનારી માતા સવારના પહોરમાં ઊઠીને કુમળા હોઠ પર લિપસ્ટિક ઘસવાનું શરૂ કરતી હશે? વર્ચ્યુઅલ વર્લ્ડમાં એનેસ્તાસિયાને લિટલ સ્ટાર બનાવી દેનારી મમ્મીજીની મહેનત એની અને બીજા ઘણાંની નજરે ફળી છે.

 

દીકરીને અત્યાર સુધીમાં ઘણી પ્રોડક્ટ માટે  મોડેલિંગ કરવાની તક મળી ચૂકી છે. જોકે એ માતાની મહત્ત્વાકાંક્ષા આનાથી બહુ બહુ ઊંચી હશે, એ વાતમાં કોઈ શંકા નથી. એણે કદાચ એના જેવી બીજી મમ્મીઓ અને એમનાં બ્યૂટીફુલ બેબીઝ પાસેથી પ્રેરણા લીધી હશે. મુઠ્ઠીભર લોકો પોતાની નારાજગી દર્શાવતા કહે છે કે આટલી નાની બાળકીને આટલો બધો મેકઅપ કરીને એનું બાળપણ ખતમ કરાઈ રહ્યું છે, પણ માતાને આવા લોકોની પરવા નથી. કારણ કે ઇન્સ્ટાગ્રામ પર આ બાળકીને ફોલો કરનારા ચાહકો અત્યારથી કહેવા લાગ્યા છે કે આ દુનિયાની સહુથી સુંદર છોકરી છે, મોટી થઈને એ સુપર મૉડેલ બનશે વગેરે વગેરે.


આ રશિયન માતા સારું કરી રહી છે કે ખરાબ, એ વિશે ન્યાયાધીશની ખુરશીમાં બેસીને ફેંસલો સંભળાવવાનો અધિકાર મને નથી. પણ એટલું નક્કી કહી શકું કે એના વિષે વાંચ્યા પછી આપણે ત્યાં પણ અનેક મમ્મીઓ થનગનવા લાગી હશે, રાધર એમના થનગનાટમાં વધુ જોશ અને મહત્ત્વાકાંક્ષા ઉમેરાયા હશે. ઇન્સ્ટાગ્રામ પર એ વધુ એક્ટિવ થઇ જશે. દરેક માબાપને પોતાનું સંતાન દુનિયાનું સહુથી સુંદર બાળક લાગે.

 

પણ ઘણી મમ્મીઓ એવી જોઈ છે જેને પોતાનું બાળક સહુથી વહાલું લાગતું હોવા છતાં બીજાં બાળકો વધુ સુંદર છે, એવો કોમ્પ્લેક્સ સતત સતાવે છે. અને અહીં અઢાર-વીસ વર્ષની થઇ ગયેલી છોકરીઓ કે એમની માતાની વાત નથી. બે-ત્રણ વર્ષની કુમળી વયથી બાળકને બ્યૂટીફુલ બનાવવા માટે, પૂરવાર કરવા માટે મમ્મીઓ તૈયાર થવા લાગે છે. અડોસપડોસમાં ને મિત્રવર્તુળમાં જ નહિ, ઇન્સ્ટાગ્રામ પર પણ ખુબસૂરત, બીજાથી વધુ બ્યૂટીફુલ લાગવું જોઈએ. માત્ર બાળકો માટેના બ્યૂટી પાર્લર્સ આપણે ત્યાં પણ ઊભાં થવા લાગ્યાં છે. દસ-બાર વર્ષની છોકરીઓ એમની બર્થડે પાર્ટી આવી જગ્યાએ રાખે છે,

 

જ્યાં એની સહેલીઓ પણ બ્યૂટી સર્વિસીસનો લાભ લઇ શકે. વડીલો બચાવમાં કહે છે કે અહીં ફેશિયલ કે વેક્સિંગ જેવી સર્વિસ નથી અપાતી. બસ મેનિક્યોર, પેડિક્યોર જેવી ટ્રીટમેન્ટ દ્વારા બાળકોના હાથપગ, નખ ક્લિન કરી અપાય છે. હશે, પરંતુ પહેલી નજરે નિર્દોષ ‘ફન’માં ખપી જતી આ પ્રવૃત્તિઓની આડકતરી અસર એ થાય છે કે બાળકો, ખાસ કરીને છોકરીઓ નાની ઉંમરથી સભાન થવા લાગે છે કે બ્યૂટીફુલ દેખાવું બહુ ઈમ્પોર્ટન્ટ છે.


સુંદર દેખાવું કે સુંદર દેખાવાની ઈચ્છા કઈ અપરાધ નથી, પણ આ ઈચ્છા ઘેલછામાં પરિણમે ત્યારે મુસીબત ઊભી કરે છે. અને આ માટે મમ્મીઓ અને માત્ર મમ્મીઓ જવાબદાર હોય છે. પાંચ વર્ષના છોકરાના વાળ પર ગોલ્ડન હાઇલાઇટ્સ અને માત્ર અગિયાર વર્ષની છોકરીના લાંબા ભરાવદાર વાળ પર બ્લૂ ઍન્ડ રેડ સ્ટ્રિક્સ કરાયેલી મેં જોઈ છે. સ્ટીલ ફોટોગ્રાફ્સ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર એ સુંદર લાગવા જોઈએ, અને પછી એમને એડ, ટીવી સિરિયલ કે ફિલ્મમાં કામ મળવું જોઈએ. આ બાળકોના સોશિયલ મીડિયા પરનાં એકાઉન્ટ્સ પહેલાં તો એમનાં માતાપિતાઓ હેન્ડલ કરે છે,

 

અને કેટલી લાઇક્સ આવી એ ગણ્યાં કરે છે. એ પણ એક વિચિત્રતા છે કે બાળમજૂરી સામે ભારતસહિત અનેક દેશોમાં કડક કાયદા છે. ‘બચપન બચાઓ’ જેવી ઝુંબેશ ચાલે છે, પણ સ્કૂલમાં રજા પાડીને દિવસરાત ટીવી સિરિયલ માટે શૂટિંગ કરતા બાળકોને કોઈ કાયદો રોકી નથી શકતો. આમ તો ફિલ્મ કે સિરિયલમાં બાળ કલાકાર હોય ત્યારે એની પાસે કેટલા કલાક કામ કરાવવું, કેટલી સગવડ આપવી, એના વિષે નિયમો છે. પણ છડેચોક આ નિયમોની ઐસીતૈસી થાય છે.

 

બાળકોની મમ્મીઓ બચ્ચા સાથે સેટ પર આવે અને પછી આખો દિવસ ફોન પર ફિલ્મો જોતી કે સોશિયલ મીડિયા પર પંચાત કરતી બેસી રહે. એણે એટલું જ ધ્યાન રાખવાનું પોતાના લિટલ સ્ટારની બ્યૂટી ઝાંખી ન પડી જાય. રશિયાની ઇન્સ્ટાગ્રામ સ્ટાર, છ વર્ષની એનેસ્તાસિયાની તસવીરો જોઈને, એની લોકપ્રિયતા વિષે વાંચીને એમના પેટમાં ઉકળતું તેલ રેડાયું હશે.


અફ કોર્સ દરેક જણ પોતાના બાળકને મેકઅપના થથેડા નથી કરતું, પરંતુ થોડા લોકો આટલી હદે પણ જાય છે. ભલા, ઉસકી બેબી મેરી બેબી સે સફેદ ક્યોં? અહીં ‘સફેદ’ શબ્દ જાણીજોઈને વાપર્યો છે, કારણકે આપણે ત્યાં બ્યૂટીફુલ ગણાવા માટે ગોરા હોવું જરૂરી ગણાય છે. મમ્મીઓ ગોરી થવા માટે ક્રીમ વાપરે, અને નાની ઉંમરના દીકરા કે દીકરીને ગોરા બનાવવા માટે, કે એમનો ગોરો રંગ ટકાવી રાખવા માટે રોજ હળદર મલાઈ ઘસે, તડકામાં રમવા ન દે, બહાર જતી વખતે એમના ચહેરા સ્કાર્ફથી ઢાંકી રાખે.

 

સ્કૂટર લઈને બહાર નીકળતી ટીનએજ દીકરી ભલે માથે હેલ્મેટ ન પહેરે, પણ વાળ અને સ્કિનને તડકા, પોલ્યુશનથી બચાવવા માટે શરીર પગથી માથા સુધી ઢાંકી રાખે, એ જોઈને મમ્મીઓ ખુશ થાય છે. એટલું જ નહિ, આવી તકલીફ નહિ લેનારી પારકી દીકરી અને એની માતાને પણ ઢગલો શિખામણો આપતી મમ્મીઓ મેં જોઈ છે.
કદાચ આ બધાં માટે રશિયાની ટચુકડી એનેસ્તાસિયા અને એની મમ્મી જેવી વ્યક્તિઓ પ્રેરણામૂર્તિ બનતાં હશે.

અન્ય સમાચારો પણ છે...