તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકવાદીઓએ વણલખ્યા નિયમનો ભંગ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇ.સ.૨૦૦૦માં અમરનાથના બેઝ કેમ્પ પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તેમાં ૨૫ યાત્રિકોના મોત થયાં તે પછી હિન્દુ યાત્રિકો પર કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો હતો. જમ્મુ અને કાશ્મીરની સરકાર દ્વારા કરાવવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતું કે આ હુમલાનું મુખ્ય નિશાન યાત્રિકો નહોતા, પણ યાત્રિકોની રક્ષા કરી રહેલા સુરક્ષા દળો હતા. આતંકવાદીઓ સુરક્ષા દળો પર ત્રાટક્યા તેમાં નિર્દોષ નાગરિકો હોમાઇ ગયા હતા. ઇ.સ.૨૦૦૦માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની હિંસામાં કુલ ૮૯ લોકો હોમાઇ ગયા હતા. 

કાશ્મીર ખીણમાં વણલખ્યો નિયમ હતો કે હિન્દુ યાત્રિકોને નિશાન બનાવીને ગોળીબાર કરવો નહીં. સોમવારે લશ્કરે તોઇબાએ કરેલા હુમલામાં આ નિયમનો ભંગ થયો છે. કાશ્મીરની આઝાદી માટેની લડત હવે કોઇ રાજકીય લડત નથી રહી પણ કાશ્મીરમાં ઇસ્લામિક ખિલાફતની સ્થાપના કરવા માટેની કોમી લડત બની ગઇ છે. પોતાની જાતને બિનસાંપ્રદાયિક ગણાવતા રાજકીય નિરીક્ષકો જો હજુ પણ કાશ્મીરની આઝાદી માટેની લડતને ટેકો આપવાનું ચાલુ રાખશે તો તે કાશ્મીરના બિનસાંપ્રદાયિક સમાજ માટે વિનાશક બની રહેશે.
કાશ્મીરના અલગતાવાદી નેતાઓ દાવો કરતા હતા કે કાશ્મીરની આઝાદીની લડતને ઇસ્લામ સાથે કોઇ સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. 

આ કારણે જ ઇ.સ.૨૦૦૮માં અને ૨૦૧૦માં કાશ્મીર ખીણમાં જે હિંસક તોફાનો થયાં તેમાં અમરનાથના યાત્રિકોની સામે આંગળી પણ ઊંચી કરવામાં આવી નહોતી. ઇ.સ.૨૦૧૬ ના જુલાઇમાં બુરહાન વાનીને ઠાર મરાયો તે પછી કાશ્મીર ભડકે બળ્યું હતું તો પણ અમરનાથના યાત્રિકો હેમખેમ યાત્રા કરી શક્યા હતા. માટે જ્યારે સોમવારે રાતે આતંકવાદીઓ દ્વારા હિન્દુ યાત્રિકોની બસને નિશાન બનાવવામાં આવી ત્યારે કાશ્મીરની મુક્તિ માટેના જંગે ખતરનાક વળાંક લીધો છે. આ જંગ કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટની સ્થાપના માટેનો જંગ બની ગયો છે.

ગુજરાતના યાત્રિકોની બસ સોમવારે રાતે આતંકવાદનો શિકાર બની તેમાં યાત્રિકો દ્વારા સલામતીના નિયમોનું કરવામાં આવેલું ઉલ્લંઘન પણ મોટી ભૂમિકા ભજવી ગયું હતું. કાશ્મીર ખીણમાં રાતે મુસાફરી કરવા પર પ્રતિબંધ છે, તેનો ભંગ કરીને જમ્મુ પહોંચવાનો આગ્રહ યાત્રિકોએ ન રાખ્યો હોત તો કદાચ સાત નિર્દોષ લોકોના જાન બચી ગયા હોત. આતંકવાદીઓના પ્રોટોકોલ મુજબ તેઓ દુશ્મન સિવાય કોઇ પર ગોળીબાર કરતા નથી. આ પ્રોટોકોલનો પણ તેમણે ભંગ કર્યો હતો.

કાશ્મીરની આઝાદી માટે લડતા આતંકવાદીઓ અમરનાથના યાત્રિકો પર હુમલો નથી કરતાં તેનું બીજું મોટું કારણ એ છે કે અમરનાથની યાત્રામાંથી હજારો કાશ્મીરીઓનું ગુજરાન ચાલે છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે આશરે ચાર લાખ હિન્દુઓ અમરનાથની યાત્રા કરે છે. તેમના ઊતારા, ભોજન, ચાપાણી, નાસ્તા, હોટેલ, ટ્રાન્સપોર્ટ, ઘોડા, ખચ્ચર, પાલખી, પીઠ્ઠુ વગેરે સેવાઓ દ્વારા હજારો કાશ્મીરી મુસ્લિમો કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ કારણે ઇ.સ.૧૯૯૬માં અમરનાથની યાત્રા દરમિયાન બરફનું તોફાન આવ્યું ત્યારે મુસ્લિમોએ પોતાના જીવનું જોખમ ખેડીને યાત્રિકોને બચાવ્યા હતા. આ તોફાનમાં આશરે ૨૦૦ યાત્રિકો માર્યા ગયા હતા અને હજારો રઝળી પડ્યા હતા.

કાશ્મીરની પ્રજા પોતાના બિનસાંપ્રદાયિકતાના વારસા બદલ ગર્વ અનુભવે છે. કાશ્મીરમાં સેંકડો વર્ષોથી મુસ્લિમો અને હિન્દુઓ હળીમળીને રહેતા હતા. ઇ.સ.૧૯૯૦ના દાયકામાં કાશ્મીરના હિન્દુ પંડિતો પર જે ઘાતક હુમલાઓ કરવામાં આવ્યા તેમાં પણ સ્થાનિક મુસ્લિમોનો નહીં પણ પાકિસ્તાનમાં તાલીમ લઇને આવેલા આતંકવાદીઓનો હાથ હતો. ત્યારે કાશ્મીરના મુસ્લિમો મૂંગા મોંઢે તમાશો જોઇ રહ્યા અને પંડિતોના બચાવમાં બહાર ન આવ્યા તે તેમની ગંભીર ભૂલ હતી. 

તાજેતરમાં અમરનાથના યાત્રિકો પર જે હુમલો થયો તે કાશ્મીરિયત પરનો હુમલો છે, તેવું હુર્રિયતના અલગતાવાદી નેતાઓ ઉપરાંત વિપક્ષમાં રહેલા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના નેતાઓ પણ સ્વીકારે છે. જો કાશ્મીરી પ્રજા ખરેખર એવું માનતી હોય કે અમરનાથના યાત્રિકો પરનો હુમલો કાશ્મીરી સંસ્કૃતિ પરનો હુમલો છે તો તેમણે મોટી સંખ્યામાં શેરીઓમાં ઊતરી આવવું જોઇએ અને વિરોધ પ્રદર્શિત કરવો જોઇએ. જો તેઓ વિરોધ પ્રદર્શિત નહીં કરે તો માનવું પડશે કે તેમની સહાનુભૂતિ કાશ્મીરને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માગતા આતંકવાદીઓ સાથે છે, જેઓ હિન્દુ અને મુસ્લિમ પ્રજા વચ્ચે ખાઇ ઊભી કરવા માગે છે.

કાશ્મીરની આઝાદી માટે લડી રહેલા આતંકવાદીઓ માને છે કે ભારતનાં સુરક્ષા દળો અને રાજકીય પક્ષો કાશ્મીરની પ્રજાના દુશ્મનો છે, માટે તેઓ તેમની હત્યા કરતા આવ્યા છે. હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ દ્વારા પણ આ પ્રકારની હત્યાનો ક્યારેય વિરોધ કરવામાં આવતો નથી. અમરનાથના યાત્રિકો પર હુમલો કરીને આતંકવાદીઓએ પુરવાર કરી આપ્યું છે કે તેઓ કાશ્મીરિયતમાં કે ઇન્સાનિયતમાં પણ વિશ્વાસ ધરાવતા નથી. જો હવે હુર્રિયતના નેતાઓ યાત્રિકો પર ત્રાટકનારા આતંકવાદીઓનો બોલકો વિરોધ નહીં કરે તો તેમની કાશ્મીરિયત પણ શંકાના દાયરામાં આવી જશે.

અમરનાથના યાત્રિકો પરનો હુમલો જો પાકિસ્તાનમાં મૂળ ધરાવતાં કોઇ આતંકવાદી સંગઠને કરાવ્યો હોય તો કાશ્મીરની જનતાએ પણ ચેતી જવું જોઇએ અને તે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા તમામ કાશ્મીરીઓનો પણ બહિષ્કાર કરવો જોઇએ. આ હુમલાને ભારત સરકારે તો દેશની અખંડિતતા સામેનો હુમલો ગણીને ત્વરિત દુશ્મનોના દાંત ખાટા કરે તેવાં પગલાં લેવા જોઇએ. જો ભારત સરકાર વળતો હુમલો કરવામાં વિલંબ કરશે તો આતંકવાદીઓ બીજા હુમલા પણ કરી શકે છે.  
અન્ય સમાચારો પણ છે...