તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમવાદથી ત્રાસવાદ ખતમ નહીં થાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રસેલ્સ, ઇસ્તંબુલ, પેરિસ, નીજ, બર્લિન, ઑરલૅન્ડો, લંડન અને માન્ચેસ્ટર- આ શહેરમાં શું સમાનતા છે? દુનિયાનાં મુખ્ય અને સમૃદ્ધ શહેરો હોવા સિવાય આ તમામ શહેરો પર ISIS દ્વારા મોટા ત્રાસવાદી હુમલા થયા છે. આ બધા હુમલામાં સેંકડો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે લાખો લોકોના મનમાં ભય જન્માવ્યો છે. લંડન અને પેરિસ જેવાં શહેરો સુરક્ષિત હોવાની આશા હોય છે. જો ત્રાસવાદીઓ દુનિયાનાં ટોચનાં મહાનગરોમાં હુમલા કરી શકતા હોય, તો બાકીની દુનિયા માટે શું આશા રાખી શકાય? હકીકત તો એ છે કે જૂન 2014માં જ્યારે ISISએ પોતાના ઇસ્લામિક સ્ટેટ હોવાની જાહેરાત કરી હતી, ત્યારથી CNNના આંકડા અનુસાર તેણે 20 દેશોમાં 70 ત્રાસવાદી હુમલા કર્યા છે કે તેની પાછળ તેનો હાથ છે.
 
આ દેશોમાં ISIS ના સ્થાનિક ઠેકાણાં માનવામાં આવતાં સીરિયા અને ઇરાકનો સમાવેશ થતો નથી. ત્યાંની આતંકવાદી ગતિવિધિઓમાં બીજા હજારો લોકો મરાયા છે. ભારતે ત્રાસવાદની પીડા ભોગવી છે અને પાકિસ્તાને પણ. હવે ખ્યાલ આવી રહ્યો છે કે પહેલું વિશ્વ પણ ત્રાસવાદથી સુરક્ષિત નથી અને છતાં એવું લાગે છે કે તેનું કોઈ સમાધાન નથી. અનેક દેશોમાં આતંકવાદ ખરેખર રાજકીય મુદ્દો બની ગયો છે. જોકે, આ મુશ્કેલી સમાધાન માટે લોકોને સંગઠિત ઓછા અને વિઘટિત વધુ કરે છે.
 
ત્રાસવાદનો મુદ્દો આજે એક્સટ્રેમિટીઝ એટલે કે અંતિમવાદનો જાણે શિકાર થઈ ગયો છે. કટ્ટરતાનો આ રોગ ઇન્ટરનેટ પર મહામારીનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. જો તમે કોઈ સમસ્યાને ઉકેલવા માટે સંતુલિત, વ્યાવહારિક અથવા અત્યંત ઊંડાણવાળી વિચારધારા વ્યક્ત કરો છો, તો સોશિયલ મીડિયા પર લોકો દ્વારા તેને સાંભળવી કે વાંચવી અત્યંત કઠિન થઈ ગઈ છે. વસ્તુઓ કાં તો ‘અદભૂત’ હોય છે કાં ‘ભયંકર’. મોદીને કાં પૂજવામાં આવશે અથવા તેમને ધિક્કારવામાં આવશે.
 
ડોનાલ્ડ ટ્રમ્પ કાં તો સો ટકા સાચા છે અથવા સંપૂર્ણપણે મૂરખ છે. તમે કાં ‘દેશભક્ત’ છો અથવા ‘દેશદ્રોહી’. દરેક પરિસ્થિતિની સારી-નરસી બાજુઓ હોવાની દલીલ અત્યંત નબળી માનવામાં આવે છે. સત્ય અને તથ્ય અપ્રાસંગિક છે. વિવેક, તર્કનો કોઈ અર્થ નથી રહેતો. મહત્ત્વ તો માત્ર તમારી લાગણીઓ અને એ વાતનું છે કે તમે કઈ તરફ છો. અંતિમવાદ’ વ્યાપક સામાજિક સંવાદની ખતરનાક બાયપ્રોડક્ટ છે. સોશિયલ મીડિયા પાસેથી અપેક્ષા હતી કે તે મગજના દરવાજા ખોલી આપશે અને અનેક પ્રકારના દૃષ્ટિકોણ ઉજાગર કરશે, તે દુનિયામાં ધ્રુવીકરણ કરવાનું સૌથી મોટું કારણ બની ગયું.
 
આતંકનો મુદ્દો તેમાં કોઈ અપવાદ નથી. અંતિમવાદ પ્રમાણે આતંકવાદ બેમાંથી એક બાબત હોઈ શકે છે. એક, આ સંપૂર્ણપણે ઇસ્લામનો દોષ છે’ અને એટલા માટે ‘મુસ્લિમો પર પ્રતિબંધ’ મૂકવો જોઈએ. આતંકવાદના અતિરેકના બીજા છેડે એક્સ્ટ્રા લિબરલ એટલે કે અતિઉદારપંથી છે. તેમનું માનવું છે કે ‘આ ત્રાસવાદીઓ કોઈ ધર્મવિશેષ સાથે જોડાયેલા નથી’ અને એવો દાવો કરી રહ્યા છે કે તેઓ ‘ઇસ્લામોફોબ’ અને ‘વંશવાદી’ છે. આ અંતિમવાદ ખૂબ દેકારો કરે છે અને આકર્ષક મથાળાં અપાવે છે.
 
તેઓ ખરેખર કોઈ સમાધાન નથી આપતા, કોઈ મુશ્કેલીનો ઉકેલ નથી લાવતા. આ દરમિયાન ISIS ની આગેકૂચ નવાં શહેરોમાં નવી વિનાશલીલા રચે છે. આપણે આતંકવાદ પર જૂથવાદી થવાનું બંધ કરવું પડશે. આ કોઈ જમણેરી કે ડાબેરી મુદ્દો નથી. આ તો આપણને બધાને અસર કરે છે. અને આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો એ ખરું, પણ એ વાતથી ઇન્કાર ન કરી શકાય કે વર્તમાન સમયના સૌથી વધારે સક્રિય ત્રાસવાદી સંગઠન ISIS કટ્ટરપંથી ઇસ્લામનું જ અનુયાયી છે. રાજકીય દૃષ્ટિએ આમ કહેવાથી કેવું લાગશે, એમ માનીને આ સત્યને છુપાવવાથી કોઈ ફાયદો નથી થવાનો.

ત્રાસવાદીઓની ભરતીમાં ઇસ્લામના દુરુપયોગનો અર્થ છે કે આ સમસ્યાના સમાધાનમાં વ્યાપકરૂપે મુસ્લિમ સમુદાય અને ખાસ કરીને ઇસ્લામી દેશોએ સક્રિય ભૂમિકા નિભાવવી પડશે. કટ્ટર ઇસ્લામી સંગઠન નાણાં (ગેરકાયદે પ્રવૃત્તિઓ દ્વારા) એકઠી કરવામાં સફળ થઈ જાય છે. આનો સામનો કરવા માટે મજબૂત મધ્યમમાર્ગી ઇસ્લામી સંગઠનો ઊભાં કરવાની જરૂર છે, જેમને દુનિયાભરની સરકારો આર્થિક સહાય પૂરી પાડે. આ આધુનિક મધ્યમમાર્ગી, ઉદારવાદી મુસ્લિમ સંગઠનોની પાસે ભલે બંદૂકો ન હોય, પરંતુ તેઓ એટલાં મહત્ત્વનાં અને પ્રભાવશાળી હોય કે કટ્ટરપંથીઓની સામે ટકી શકે.

ઇસ્લામ જ એક માત્ર એવો ધર્મ છે, જે એક ડઝન કરતાં વધારે દેશોનો સત્તાવધાર ધર્મ છે. આમાંથી અનેક લોકશાહી પણ નથી અને આ દેશોની વ્યવસ્થા ચલાવવામાં કટ્ટરપંથીઓનો દબદબો છે. આના કારણે સમસ્યા વધું ગૂંચવાતી જાય છે અને કદાચ આ જ કારણ છે કે અન્ય ધર્મોના બદલે અંતિમવાદી ઇસ્લામી ત્રાસવાદ વધારે ફૂલીફાલી રહ્યો છે. પરંતુ, બાકીના વિશ્વને એકજૂથ થઈને આ દેશો પર રાજકીય, આર્થિક તેમજ અન્ય પ્રકારનું દબાણ મૂકવું જોઈએ જેથી ત્યાં આતંકવાદને જરા પણ નહીં ચલાવી લેવાની નીતિ લાગુ કરી શકાય.
 
બને કે એક હદ સુધી કટ્ટર માન્યતાઓ ખોટી ન પણ હોય અને બને કે તે ધાર્મિક માપદંડોની હદમાં પણ હોય. જોકે, જ્યારે નિર્દોષ લોકોને હાનિ પહોંચે છે, તો બધી દલીલો નક્કામી બની જાય છે. જેમ કે આમાંથી અનેક દેશોએ કેફી પદાર્થોની સામે ‘ઝીરો ટોલરન્સ’ કાયદા લાગુ કર્યા છે અને પોતાના દેશને આ પદાર્થોની મુક્ત રાખવામાં સફળતા મેળવી છે. આ રીતે તેમને આતંકવાદની સામે પણ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવી પડશે. ભારતમાં પણ આપણે આ જ કરવું પડશે.
 
ત્રાસવાદની સમસ્યા ઉકેલવી અઘરી છે. આમાં માત્ર ‘ઝીરો ટોલરન્સ’નું વલણ જ કામ આપી શકે તેમ છે. તેઓ તો માત્ર ભટકી ગયેલા યુવાનો છે એ પ્રકારનું કૂણું વલણ દર્શાવનારાઓની ટીકા થવી જોઈએ. ઉપર દર્શાવેલાં નવાં સમાધાનોમાં ‘મુસ્લિમ પ્રતિબંધ’ અથવા કોઈ ધર્મને ખરાબ ગણાવવાની વાત નથી, પણ તેની સાથે રાજકીય દૃષ્ટિએ યોગ્ય હોવાના નામે ઢીલુંપોચું વલણ ન અપનાવવું જોઈએ. આતંકવાદનું સમાધાન કોઈ એક અંતિમવાદી દૃષ્ટિકોણ અપનાવવાથી નહીં આવે, પરંતુ વિવેક અને તર્કનો ઉપયોગ કરવાથી જ ક્યાંક મળી આવશે. સમય આવી ગયો છે કે આપણે અંતિમવાદથી દૂર થઈને એક વિશાળ સમસ્યાના સમાધાન પર કામ કરીને દુનિયાને વધારે સુરક્ષિત બનાવવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...