તમિલનાડુમાં ‘ખજુરાહોકાંડ’?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શશિકલા)
 
એક જ પક્ષના બે નેતાઓ મુખ્યમંત્રીપદ માટે ઉમેદવારી નોંધાવે ત્યારે ધારાસભ્યોના ટેકા માટે ખેંચતાણ, શાબ્દિક ટપાટપી અને સામસામી આરોપબાજી થવાનું સામાન્ય છે, પરંતુ વાત આટલેથી અટકતી નથી. ગુજરાતના રાજકારણનો દોઢેક દાયકા પહેલાંનો ઘટનાક્રમ જેમને યાદ હોય તેમને તરત ખજુરાહોકાંડનું સ્મરણ તાજું થશે.  તમિલનાડુમાં પક્ષનાં સર્વસત્તાધીશ જયલલિતાના મૃત્યુ પછી તેમનાં ખાસ બહેનપણી શશિકલા અને તેમની બીમારી દરમિયાન કાર્યકારી મુખ્યમંત્રી બનેલા પન્નીરસેલ્વમ વચ્ચે ખુરશીની ખેંચતાણ ચાલી છે, જ્યારે ગુજરાતમાં સત્તાધારી ભાજપમાં જ ખટરાગ થયો હતો. ભાજપનું આખું નામ ‘ભાગલા જરૂર પડશે’, એવું ગણાવા લાગ્યું. ત્યાર પછી શંકરસિંહ વાઘેલા અસંતુષ્ટ ભાજપીઓને લઈને ખજુરાહો ઉપડી ગયા, જેથી રાજ્યપાલ સમક્ષ માથાં ગણાવવાની વેળા સુધી ધારાસભ્યોને સાચવવાની કે બીજી છાવણી તેમની વફાદારીનો સોદો પાડી દે એવી ચિંતા નહીં.
 
આ ઘટના ગુજરાતના રાજકારણમાં ખજુરાહોકાંડ તરીકે જાણીતી બની અને તેનાથી ભાજપના ધારાસભ્યો ત્રણ ભાગમાં વહેંચાઈ ગયા. મુખ્ય બે ભાગઃ (સત્તાધારી પક્ષ સાથે રહેલા) હજુરિયા અને (બળવો કરીને ખજુરાહો ગયેલા) ખજુરિયા. તેમાં કેટલાક પ્રકારના વફાદારો માટે ત્રીજું નામ પણ પાડવામાં આવ્યુંઃ મજુરિયા. તેમાં સૌથી શરમજનક ભાગ ધારાસભ્યોને ઘેટાંનાં ટોળાંની જેમ હાંકીને એક જગ્યાએ ભેગા રાખવાનો હતો. લોકોના પ્રતિનિધિ અને લોકશાહીનો ભાર જેમના માથે હોય, એવા લોકોને આમ બાળમંદિરમાં ભણતાં બાળકોની જેમ પટાવીને રાખવાં પડે અને તેમના જોરે બહુમતી સિદ્ધ કરીને મુખ્યમંત્રીપદું મેળવવું પડે, તેમાં લોકશાહીનું કે ગૃહનું અપમાન કોઈને દેખાતું ન હતું. ન્યાય ખાતર કહેવું જોઈએ કે ખજુરાહોમાં જે થયું તે પહેલી વારનું ન હતું અને છેલ્લી વારનું પણ નહીં.  
 
છેલ્લી વારનું નહીં--એની ખાતરી વધુ એક વાર તમિલનાડુમાં ચાલતા રાજકીય ખેલ પરથી જણાય છે. તેમાં વિરોધી છાવણી તરફથી આરોપો થયા કે શશિકલા જૂથના ધારાસભ્યોને એક ઠેકાણે ગોંધી રાખવામાં આવ્યા છે. આ આરોપમાંથી વિવાદનું તત્ત્વ હોય તો એ ફક્ત ગોંધી રાખવા પૂરતું. કેમ કે, ત્યાં રહેલા એક ધારાસભ્યે પ્રસાર માધ્યમોમાં એવો ખુલાસો આપ્યો કે રાજ્યપાલ અમને ગમે ત્યારે બોલાવે, એટલે અમે એક સ્થળે ભેગા રહીએ છીએ. આ મામલે સત્તાવાર સ્થિતિ સાફ રાખવા માટે રાજ્યપાલે ડીજીપીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને તેમણે તપાસ કરીને ધારાસભ્યોને ગોંધી રખાયાનો અહેવાલ ખોટો હોવાનું કહી દીધું છે.
 
અત્યારની ખેંચતાણમાં રાજ્યપાલ પર મોટો આધાર છે. તે જેને બહુમતી પુરવાર કરવાની પહેલી તક આપે તેની પાસે મુખ્યમંત્રી બનવાનો મોકો ગણાય, પરંતુ આંકડાકીય બહુમતી પુરવાર કરવાનું ભૂતપૂર્વ કાર્યકારી મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ માટે સહેલું નથી. કેમ કે, શશિકલાએ તેમની પાસે 130 ધારાસભ્યોનો ટેકો હોવાનું જાહેર કરેલું છે. રાજ્યપાલ પર એ બાબતે માછલાં ધોવાઈ રહ્યાં છે કે પન્નીરસેલ્વમે આપેલા રાજીનામા પછી, રાજ્યપાલ પક્ષનાં વડા તરીકે ચૂંટાયેલાં શશિકલાને કેમ મુખ્યમંત્રી તરીકે સોગંદ લેવડાવી દેતા નથી.
 
રાજ્યપાલ સામે પન્નીરસેલ્વમનું નિવેદન ઊભું  છે, જે પ્રમાણે તેમણે રાજીનામું પરાણે આપવું પડ્યું હોવાનું જણાવીને શશિકલા સામે બળવો પોકાર્યાની અને પોતે ફરી ધારાસભ્યોના ટેકાથી મુખ્યમંત્રી બનવાની વાત કરી હતી. પન્નીરસેલ્વમને ઓછામાં ઓછા બે તૃતીયાંશ એટલે કે 89 ધારાસભ્યોનો ટેકો મળે, તો તે પક્ષમાં ભાગલા પડાવી શકે અને પક્ષપલટાવિરોધી કાયદાથી બચી શકે, પરંતુ હાલની સ્થિતિ જોતાં એ આંકડે પહોંચવું પન્નીરસેલ્વમ માટે અઘરું જણાય છે.  વિવાદી સંજોગોમાં ગૃહના અધ્યક્ષની ભૂમિકા મહત્ત્વની બને છે. કારણ કે કયા નેતાનો વ્હીપ ધારાસભ્યો માટે બંધનકર્તા ગણવો તે અધ્યક્ષ નક્કી કરે છે. અત્યારના સંજોગોમાં અધ્યક્ષ શશિકલાના પક્ષે ઝૂકે એવી સંભાવના વધારે હોવાનું મનાય છે.
અન્ય સમાચારો પણ છે...