માનવસેવામાં આત્મસમર્પણ જરૂરી છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુરોપના કોઈ દ્વીપ પર એક સમયે કોઢનો રોગ ફેલાયેલો હતો. તે દ્વીપ 'કોઢિયાઓના દ્વીપ’ના નામથી ઓળખાવા લાગ્યો. સ્વસ્થ લોકો ત્યાં જતા નહોતા. પરિણામે કોઢિયાઓની સ્થિતિ દયનીય થઈ હતી. એક પાદરી તેમની સેવા કરવા માટે તેમની સાથે રહેવા લાગ્યા. તેઓ તેમના ઘા સાફ કરતા, દવા લગાવતા, નવડાવતા, ખાવાનું ખવડાવતા. આ રીતે અઢાર વર્ષ વીતી ગયાં.

એક દિવસ એક કોઢીના ઘા ધોવા માટે તે ગરમ પાણી લઈને જઈ રહ્યા હતા ત્યારે પાણી તેમના પગ પર પડ્યું તો તેમને કોઈ અસર થઈ નહીં. તેમણે વારંવાર ગરમ પાણી પગ પર નાંખ્યું અને પછી આનંદિત થઈ બોલી ઊઠયા, 'મને પણ કોઢ થઈ ગયો છે. હવે હું તમારો સાચો મિત્ર બની ગયો છું.’ ડોક્ટરોની ઘરે પાછા જતા રહેવાની ભલામણ નકારતાં પાદરીએ કહ્યું, 'હવે હું તેમની પીડાને પોતાની સંપૂર્ણતામાં અનુભવી શકીશ. હકીકતમાં હવે હું તેમની સેવા કરવા લાયક બન્યો છું. પીડિત માનવતાની સેવાથી મોટું કોઈ પરમાર્થ કાર્ય નથી, કારણ કે તેના માટે સંપૂર્ણ આત્મસમર્પણ જરૂરી છે.