તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જિકલ સ્ટ્રાઇક : ગણિત અને રાજકારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકુશરેખા ઓળંગીને ભારતીય સૈન્યે પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક - એટલે કે ત્રાસવાદીઓની સાફસફાઈ માટે હુમલો કર્યો હોવાનો ભારતીય સૈન્યે દાવો કર્યો છે. સૈન્યના સત્તાવાર નિવેદનમાં જાનહાનિ અને ખુવારીની વિગતો આપવામાં આવી નથી, પરંતુ આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે. આ હુમલો ‘લશ્કરી આક્રમણ’ નહીં, પણ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવાયો છે, કારણ કે ભારતીય સૈન્યના દાવા પ્રમાણે, આ હુમલો ત્રાસવાદવિરોધી કાર્યવાહી અંતર્ગત, ચોક્કસ બાતમીના આધારે ત્રાસવાદીઓની છાવણીઓ પર કરાયો હતો.

પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે એક તરફ આ હુમલાની ટીકા કરીને, તેમની શાંતિપ્રિયતાને નબળાઇ સમજવામાં ન આવે, એવી વાત કરી છે. બીજી તરફ, પાકિસ્તાને ભારતીય સૈન્ય દ્વારા થયેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં ત્રાસવાદીઓનો ખાતમો થયાનો ઇન્કાર કરીને કહ્યું છે કે તેમના બે સૈનિક માર્યા ગયા છે. એથી વિશેષ વાતમાં કંઈ નથી. ભારતીય પ્રસાર માધ્યમોમાં અને ખાસ કરીને ટીવી ચેનલો પર સર્જિકલ સ્ટ્રાઇકના પગલે પાકિસ્તાનના ત્રાસવાદીઓને કેટલું નુકસાન પહોંચ્યું અને કેટલા ત્રાસવાદીઓ માર્યા ગયા, તેના જુદા જુદા આંકડા વહેતા થયા છે. ભારતીય સૈન્ય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સર્જિકલ સ્ટ્રાઇક્સ ચાલુ રહેવાનો કોઈ સંકેત નહીં, પણ ચોક્કસ માહિતીના આધારે આ હુમલો યોજાયો હોવાની સ્પષ્ટતા વાંચી શકાય છે. સાથોસાથ, સામાન્ય સંજોગોમાં અવળચંડાઈ કરતું પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક પછી જંપીને ન બેસે અને ક્યાંક છમકલું કરે તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઇક આવકારદાયક છે. પરંતુ તેનાથી તાનમાં આવી જવાની જરૂર નથી. પાકિસ્તાન સાથેનો સંઘર્ષ લાંબા ગાળાનો ખેલ છે અને તેમાં એક સર્જિકલ સ્ટ્રાઇકથી ‘જીતી ગયા, જીતી ગયા’ના જયઘોષ મચાવવાનું પણ ટાળવા જેવું છે. આ સ્ટ્રાઇકને વ્યક્તિગત બહાદુરીના ખાનામાં નાખવાની ઉતાવળ કરવાને બદલે, પાકિસ્તાનપ્રેરિત આતંકવાદનો નીવેડો કેવી રીતે આવે છે તેની રાહ જોવા જેવી છે. આ ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટમેચ જેવો મામલો નથી કે એક જીતથી જીત થઈ જાય ને એક હારથી હાર. આ ધીરજ માગી લેતો મુદ્દો છે અને તેમાં આંતરરાષ્ટ્રિય પરિબળો પોતપોતાની ભૂમિકા ભજવવા માટે આતુર હશે. તેમના દબાણ વચ્ચે ભારત પાકિસ્તાનને ત્રાસવાદના મુદ્દે મહત્તમ કેટલું ભીંસમાં લઈ શકે છે અને ત્યાર પછી પણ તે કેવું અસરકારક પરિણામ મેળવશે, એ જોવાનું રહે છે.

ઉરી હુમલા પછી આંતરરાષ્ટ્રીય લોકમત પાકિસ્તાનની વિરુદ્ધ થતો હોવાનું લાગે છે, પરંતુ ચીન અને રશિયા પાકિસ્તાનની તરફેણમાં હોય અને અમેરિકા પાકિસ્તાનને સીધેસીધું મુશ્કેલીમાં મૂકવા ન માગતું હોય, એવા સંજોગોમાં સર્જિકલ સ્ટ્રાઇક કેવળ ઘરઆંગણના રાજકારણ અને વડાપ્રધાનની છબીને ટકાવી રાખવા માટે વપરાઈ ન જાય, તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. પાકિસ્તાનને લાંબા ગાળે ભીંસમાં લેવામાં આવશે અને તેમાં આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવાશે, તો વડાપ્રધાનને તેનો જશ મળવાનો જ છે. તેના માટે શેરીયુદ્ધ છાપ માનસિકતામાં સરી પડવાથી બચવા જેવું છે.
અન્ય સમાચારો પણ છે...