તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sunanda Pushkar Murder Case Connection To IPL By Sanjay Vora

સુનંદા પુષ્કરની હત્યાનું આઈપીએલ કનેક્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો:સુનંદા પુષ્કર)

-શશી થરુરે ક્યું પાપ કર્યું હતું ?| આ પ્રકરણનો ભેદ લલિત મોદી બરાબર જાણે છે

કોંગ્રેસના સંસદસભ્ય શશી થરૂરની પત્ની સુનંદાની હત્યા પાછળ IPL નો વિવાદ કારણભૂત હોવાના નિર્દેશો પોલીસને મળ્યા છે અને પોલીસે તે દિશામાં તપાસ પણ શરૂ કરી દીધી છે. ઇ.સ.૨૦૧૦ની સાલમાં શશી થરૂર જ્યારે યુપીએ સરકારમાં વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન હતા ત્યારે કોચી ટીમમાં સુનંદા પુષ્કર નામની મહિલાને મફતમાં ૭૦ કરોડ રૂપિયાનો હિસ્સો આપવામાં આવ્યો છે, તેવા સમાચાર બહાર આવ્યા હતા. આ મહિલા શશી થરૂરની ગર્લ ફ્રેન્ડ છે, તેવી વાત બહાર આવતા સનસનાટી ફેલાઇ ગઇ હતી, જેને પગલે શશી થરૂરે કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. કોચી ટીમના વિવાદમાં પડદા પાછળ અનેક ઘટનાઓ બની હતી, જેનો સંબંધ હત્યા સાથે હોઇ શકે છે. ઇ.સ. ૨૦૧૦માં IPL માં બે નવી ટીમોને ફ્રેન્ચાઇઝી આપવાની છે, તેવી જાહેરાત થતાં અનેક મહારથીઓ મેદાનમાં આવી ગયા હતા. તેમાં સહારા ઇન્ડિયા જૂથની પુણેની ટીમ અને અદાણી જૂથની અમદાવાદની ટીમ ઉપરાંત કોચીની ટીમ પણ મેદાનમાં હતી. અમદાવાદની ટીમને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનો ટેકો હોવાનું મનાતું હતું. કોચીની ટીમના રોકાણકારોને ભેગા કરવામાં શશી થરૂરની મહત્ત્વની ભૂમિકા છે તેની ઘણાને ખબર હતી, પણ તેમાં કોઇને વાંધો નહોતો.
IPLના મેન્ટરની ભૂમિકા માટે પ્રચલિત લલિત મોદી ત્યારે મુશ્કેલીમાં હતા. તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીઓ હારી ગયા હતા. રાજસ્થાનમાં કોંગ્રેસી સરકારના સ્થાને ભાજપની સરકાર આવતા તેમના પગ તળેની જમીન સરકી ગઇ હતી. તેમની સામે કરચોરી અને ગેરવહીવટ બાબતના આશરે ૨૦ કેસો ચાલી રહ્યા હતા. કહેવાય છે કે લલિત મોદી મદદ માટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે તમે જો અમદાવાદને IPLની ટીમ અપાવી દો તો બદલામાં તમને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી બનાવવામાં આવશે. આ કારણે લલિત મોદીએ અમદાવાદને IPLની ટીમ મળે તે માટે પોતાના તમામ પ્રયાસો કર્યા હતા. ટીમ જ્યારે અમદાવાદને બદલે કોચીને મળી ત્યારે લલિત મોદી હતાશામાં ગરકાવ થઇ ગયા હતા.
કોચીને IPLની ટીમ મળી તેને કારણે માત્ર લલિત મોદી નહીં પણ બીજા અનેક શક્તિશાળી નેતાઓ પણ નારાજ થયા હતા. બધાને જાણ હતી કે કોચીની ટીમના મેન્ટર શશી થરૂર છે, પણ તેમાં તેમણે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોવાના કોઇ પુરાવા નહોતા. શશી થરૂર અને લલિત મોદી મિત્રો હતા; માટે શશી થરૂરની ઘણી અંગત નબળાઇઓ તેઓ જાણતા હતા. કહેવાય છે કે લલિત મોદીએ શશી થરૂરને ઓફર કરી હતી કે તેઓ પાંચ કરોડ ડોલર લઇને કોચીની ટીમનો દાવો છોડી દે. શશી થરૂરે આ ઓફર ઠુકરાવી દીધી ત્યારે લલિત મોદીએ તેમને દુબઇથી ફોન કરીને કહ્યું હતું કે કોચીને ટીમ મળી તેને કારણે મારા જાનનું જોખમ પેદા થયું છે. કોચીની ટીમને બાકાત નહીં કરવાની બાબતમાં શશી થરૂર મક્કમ રહ્યા ત્યારે લલિત મોદીએ ટ્વિટ કરીને જાહેર કરી દીધું કે સુનંદા પુષ્કર શશી થરૂરની ગર્લફ્રેન્ડ છે અને તેને કોચીની ટીમમાં ૪.૫ ટકાનો ફાળો મફતમાં આપવામાં આવ્યો છે. આ વિવાદને પગલે શશી થરૂરને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું અને સુનંદાને પોતાનો ભાગ જતો કરવો પડ્યો.
આ વિવાદ શાંત પડ્યો તેના થોડા સમય પછી શશી થરૂર અને સુનંદા પરણી ગયા હતા. કોચીને IPLની ટીમ અપાવીને શશી થરૂરે ઘણા શક્તિશાળી લોકો સાથે દુશ્મનાવટ વહોરી લીધી હતી, જેની તેમને ખબર પણ નહોતી. કોચીને ટીમ મળી તે પછી થરૂર પર યુપીએ સરકારમાં મહત્ત્વનો હોદ્દો સંભાળતા મહારાષ્ટ્રના રાજકારણીનો ફોન આવ્યો હતો. આ રાજકારણીની ઇચ્છા એવી હતી કે કોચીની ટીમના માલિકો તેમનો હિસ્સો સાકરના કારખાનાના માલિકોના જૂથને વેચી દે. શશી થરૂરે કોચીની ટીમને પ્રેસ્ટિજ ઇશ્યૂ બનાવ્યો હોવાથી તેમણે આ ઓફર પણ ઠુકરાવી દીધી હતી. કોચીની ટીમ બાબતમાં પોતાની જિદને વળગી રહેવાને કારણે શશી થરૂર કોંગ્રેસમાં પણ એકલા પડી ગયા હતા.
સુનંદા પુષ્કરને કોચીની ટીમમાં જે ૪.૫ ટકા કે ૭૦ કરોડ રૂપિયાનો હિસ્સો મળવાનો હતો તે મફતમાં નહોતો મળવાનો પણ તેની માર્કેટિંગ સેવાઓના બદલામાં મળવાનો હતો. આ હિસ્સો પણ કોચીની ટીમ કમાણી કરે ત્યારે મળવાનો હતો. તે માટે એવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે કોચીની ટીમ દ્વારા હકીકતમાં શશી થરૂરને લાંચ આપવા સુનંદાને હિસ્સો અપાઇ રહ્યો છે. શશી થરૂરને આ વિવાદમાંથી ઉગારવા સુનંદાને પોતાનો હિસ્સો જતો કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાની પત્રકાર મેહર તર્રાર સાથેના શશી થરૂરના સંબંધોની જાણ થઇ ત્યારે સુનંદા અત્યંત વ્યગ્ર થઇ ગઇ હતી. ત્યારે તેને થયું હશે કે તેણે શશી થરૂરને બચાવવા કોચીની ટીમમાં મળેલો ૭૦ કરોડ રૂપિયાનો હિસ્સો જતો કર્યો એ તેની ભૂલ હતી. આ કારણે જ શશી થરૂર સાથે ઝઘડો થયો ત્યારે તેણે ટ્વિટ કરીને જાહેર કર્યું હતું કે તેણે IPLવિવાદમાં શશી થરૂરનું પાપ પોતાના માથે વહોરી લીધું હતું.આ ‘પાપ’ ક્યું હતું તેની જાણકારી શશી થરૂર અથવા લલિત મોદી જ આપી શકે તેમ છે.
@ sanjay.vora@dbcorp.in