સજોડે આપઘાત અને રૂ. 250 કરોડનું કૌભાંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- સજોડે આપઘાત અને રૂ. 250 કરોડનું કૌભાંડ
- દિલ્હીમાં આવાં ઘણાં કૌભાંડો ચાલે છે |આ કિસ્સાને ટેસ્ટ કેસ બનાવી સીબીઆઇ દ્વારા તપાસ કરવી જોઇએ
દર વર્ષે ભારતના હજારો નાગરિકો જિંદગીથી તંગ આવીને આપઘાત કરે છે, પણ બે દિવસ પહેલા મથુરામાં ધસમસતી ટ્રેન સામે ઝંપલાવીને મોતને વહાલું કરી લેનારું દિલ્હીનું યુગલ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બન્યું છે. જાણીતા ગીતકાર સંતોષ આનંદના પુત્ર સંકલ્પ અને પુત્રવધૂ નંદિનીની આત્મહત્યા આઘાતજનક હોવા ઉપરાંત ભેદભરમથી ભરપૂર છે. કેન્દ્ર સરકારમાં ઉચ્ચ સ્થાને જે લાગવગશાહી અને ભ્રષ્ટાચાર ચાલે છે, તેનો સંબંધ આ ડબલ સ્યુસાઇડ સાથે છે. માટે જ આ કેસમાં સીબીઆઇની તપાસની માંગણી પણ થઇ રહી છે.

બોલિવૂડના ગીતકાર સંતોષ આનંદના પુત્ર સંકલ્પ અને તેની પત્નીએ તદ્દન ફિલ્મી ઢબે આપઘાત કર્યો હતો. ૧૫ ઓક્ટોબરની સવારે તેઓ પોતાની ફોક્સવેગન પોલો કાર લઇને પત્ની નંદિની અને પાંચ વર્ષની પુત્રી રિદ્ધિમા સાથે મથુરા નજીકના કોસીકલાન રેલવે સ્ટેશન પાસે આવ્યા હતા. તેમણે પોતાની કાર એક ફેક્ટરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. રોડ ઉપરની એક દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી તેઓ રેલવે ટ્રેક ઉપર જઇને ઊભા રહી ગયા હતા. રેલવેના એક કર્મચારીએ તેમને ટ્રેકથી દૂર ઊભા રહેવાની સૂચના આપી હતી, પણ તેઓ માન્યા નહોતા.

ત્યાં જ દિલ્હી-આગ્રા ઇન્ટરસિટી ટ્રેન ધસમસતી આવી હતી. સંકલ્પ આનંદે છેલ્લી ઘડીએ પોતાની પુત્રીને ધક્કો મારીને ટ્રેકથી દૂર કરી દીધી હતી અને પતિ-પત્નીના શરીર ઉપર ટ્રેનનાં પૈડાં ફરી વળ્યાં હતાં. તેમનાં વસ્ત્રોમાં રહેલા પેપર પરથી તેમની ઓળખ કરવામાં આવી હતી. તેમના મૃતદેહ પરથી ૬૫,૦૦૦ રૂા. રોકડા મળી આવ્યા હતા. તેની સાથે બે મોબાઇલ ફોન અને એક ૧૧ પાનાંની વિસ્તૃત સ્યુસાઇડ નોટ પણ હતી.

સંકલ્પ આનંદ નવી દિલ્હીમાં આવેલી ફોરેન્સિક સાયન્સની એક સરકારી લેબોરેટરીમાં લેક્ચરરની નોકરી કરતાે હતાે, પણ તેનો ભૂતકાળ વિવાદાસ્પદ હતો. સંકલ્પ આનંદ જે સ્થળે નોકરી કરતો હતો ત્યાં તેને મળવા મુલાકાતીઓની વણઝાર આવતી હતી, જેનો કોઇ સંબંધ તેની નોકરી સાથે નહોતો. માત્ર છ મહિનાના ગાળામાં તેને મળવા ૬૦૦ મુલાકાતીઓ આવ્યા હતા. સંકલ્પ આનંદના નોકરી દરમિયાન લગ્ન થયા હતા, તો પણ તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓને આ લગ્નની જાણ કરવાનું જરૂરી માન્યું નહોતું.

બાહ્ય દૃષ્ટિએ આ યુગલ સુખી અને પ્રસન્ન જણાતું હતું. તેમના નજીકના સગાવહાલાને પણ તેમણે મુશ્કેલીની ગંધ આવવા દીધી નહોતી.સંકલ્પ આનંદની સ્યુસાઇડ નોટ ઉપરથી કેન્દ્રના ગૃહ ખતામાં ચાલી રહેલા ૨૫૦ કરોડ રૂપિયાના કૌભાંડનો ખ્યાલ આવે છે. આ નોંધ મુજબ કેન્દ્ર સરકાર હસ્તકની આ લેબોરેટરીના ડિરેક્ટર કમલેન્દ્ર પ્રસાદ, ડીઆઇજી સંદીપ મિત્તલ અને ડીન બી.એન. ચેટ્ટોરાજે મળીને બાંધકામનો એક બોગસ પ્રોજેક્ટ ઊભો કર્યો હતો, જેની તેમને કોઇ સત્તા જ નહોતી. આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર શોધી કાઢવાનું કામ સંકલ્પને સોંપવામાં આવ્યું હતું.

સંકલ્પે દિલ્હીની એક કંપનીને ૨૫૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કર્યું હતું અને તે બદલ ૧ % કમિશનની માગણી કરી હતી. કંપનીએ ૯૦ લાખ રૂપિયા કમિશન ચૂકવી પણ દીધું હતું. સંકલ્પે આ બધા રૂપિયા ડીઆઇજી સંદીપ મિત્તલને ચૂકવી દીધા હતા. સંદીપ મિત્તલે તેમાંથી ૫ લાખ રૂપિયા સંકલ્પને આપ્યા હતા. દિલ્હીની કંપનીએ જ્યારે ૨૫૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો આગ્રહ રાખ્યો ત્યારે પોલ ખૂલી ગઇ હતી. કંપનીએ સંકલ્પ પાસે ૯૦ લાખ રૂપિયા પાછા માંગ્યા. તેણે સંદીપ મિત્તલને વાત કરી.

મિત્તલે તેની વાત ઉડાવી દીધી. પેલી કંપની તરફથી ધમકીના ફોન આવવા લાગ્યા. સંદીપ મિત્તલે સંકલ્પને કહ્યું કે તું જો આ પ્રોજેક્ટ માટે બીજા બકરાઓ શોધી લાવશે તો તને ચિક્કાર રૂપિયા મળશે. બંને મળીને લોકોને ઠગવા લાગ્યા અને રૂપિયા રળવા લાગ્યા. ઠગાયેલા લોકો જ્યારે ફરિયાદ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે પોલીસે તેમની ફરિયાદ નોંધવાને બદલે સંકલ્પ આનંદને બ્લેકમેલ કરીને તેની પાસેથી ૫૦ લાખ રૂપિયા પડાવી લીધા.

આ ઉપરાંત ગૌરીશંકર અને સપના ગોયલ નામના લોકોએ પણ તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ કિસ્સા ઉપરથી ખ્યાલ આવે છે કે દિલ્હીનું સરકારી તંત્ર અને પોલીસ તંત્ર કેવી રીતે કામ કરે છે. સંકલ્પ આનંદની સ્યુસાઇડ નોટ મુજબ ડીઆઇજી સંદીપ મિત્તલ પોતાની સત્તાનો ઉપયોગ કરીને નોકરી માટે ભરતી કરવાનું એક રેકેટ પણ ચલાવતા હતા. તેમણે અખબારોમાં જાહેરખબર આપીને નોકરી માટે અરજીઓ મગાવી હતી.
સંકલ્પ આનંદના એક મિત્રને અને તેની પત્નીને એજન્ટ નિમ્યા હતા અને એક કરોડ રૂપિયા નોકરીવાંચ્છુઓ પાસેથી ઉઘરાવ્યા હતા. આ કૌભાંડની જાણ પણ સંકલ્પ આનંદને થઇ ગઇ હતી. આ બધા કૌભાંડોનો બોજો સહન ન થવાથી સંકલ્પ આનંદને સજોડે આપઘાત કરવાની ફરજ પડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હી ગયા ત્યારે તેમણે એવું નિવેદન કર્યું હતું કે દિલ્હીની માયાજાળમાં બહારના લોકો ભૂલા પડી જાય તેમ છે.

દિલ્હીમાં સરકારી કોન્ટ્રાક્ટો અને સરકારી નોકરીઓ અપાવી દેવાનો દાવો કરતા ઠગોની એક જમાત જીવે છે. હજારો લોકો તેમના કૌભાંડોનો ભોગ બન્યા છે. નરેન્દ્ર મોદી આ કિસ્સાને એક ટેસ્ટ કેસ બનાવી તેની સીબીઆઇ દ્વારા તપાસ કરાવે તો ઘણા ઉચ્ચ અધિકારીઓ જેલમાં જાય તેમ છે.
@ sanjay.vora@dbcorp.in