તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકવાદી હુમલાના આઘાત-પ્રત્યાઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરની અશાંત પરિસ્થિતિને લીધે એકાદ દાયકા કરતાં વધારે સમયથી અમરનાથ યાત્રા સુરક્ષા વ્યવસ્થાની દૃષ્ટિએ પડકારરૂપ બની છે. પહેલાંના વખતમાં સુવિધાઓ લઘુત્તમ હતી ત્યારે હિમાલયની જાતરાએ જનારા લોકો કુદરત સામે ઝીંક ઝીલી શકશે કે નહીં, તેની અનિશ્ચિતતા રહેતી હતી. હવેનાં વર્ષોમાં ત્રાસવાદને કારણે યાત્રાળુઓ માટે અસલામતીભર્યા સંજોગો સર્જાતા રહ્યા છે. આ વખતની અમરનાથ યાત્રા પર થયેલો ત્રાસવાદી હુમલો અને તેમાં થયેલાં સાત યાત્રાળુઓનાં મૃત્યુથી ફરી એક વાર ત્રાસવાદનો ઘાતકી ચહેરો સામે આવ્યો છે.

આવા હુમલાના પ્રતિભાવ તો શા હોઈ શકે-- સિવાય કે આઘાત અને રોષની લાગણી. જેમણે પોતાનાં સ્વજન ગુમાવ્યાં છે તેમના માટે ખોટની એ લાગણી સિવાયની બધી બાબતો ગૌણ બની રહે છે. બાકી, હુમલા વિશે તકનીકી સવાલો ઉપસ્થિત થયા છે. જે બસ પર હુમલો થયો તે યાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં નોંધાયેલી ન હતી. આથી બીજાં યાત્રાળુ વાહનોને મળી હતી એવી સુરક્ષા તેમને ન મળી. અસુરક્ષિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં સાત વાગ્યા પછી વાહનો ન ચલાવવાના આદેશ છતાં, આ બસ આઠ વાગ્યા પછી રસ્તા પર હતી. ત્રાસવાદીઓએ તેની પર હુમલો કર્યો ત્યારે ઘોર અંધારું હતું. હુમલાના પગલે ડ્રાઇવરે શક્ય એટલી સમયસૂચકતા વાપરીને બસ હંકારી મૂકી. તેને કારણે જાનહાનિ તો થઈ, પણ તેનો આંકડો મર્યાદિત રહ્યો.

સામાન્ય સંજોગોમાં ડ્રાઇવરનું નામ અને ખાસ તો તેનો ધર્મ મહત્ત્વનાં ન હોત, પરંતુ આ પ્રકારની ઘટનાઓમાં દાખલ થતા રાજકારણ અને ધર્મકારણને લીધે એ નોંધપાત્ર બન્યું છે. ડ્રાઇવરનું નામ છે સલીમ. ગુજરાતના મુખ્યમંત્રીએ સલીમની પ્રશંસા કરી છે અને વીરતા પુરસ્કાર માટે તેમનું નામ મોકલવાની વાત કરી છે. આ ઉપરાંત, કાશ્મીરના સ્થાનિક મુસ્લિમો પણ યાત્રાળુઓની મદદે આવ્યા હતા. તેનો સાદો અર્થ અને અગત્યનો બોધપાઠ એટલો જ છે કે આ હુમલાને હિંદુ યાત્રાળુઓ પર મુસ્લિમોએ કરેલા હુમલા તરીકે જોવા-બતાવવાનું યોગ્ય નથી અને મૃતદેહો પર રોટલા શેકવાના રાજકીય પ્રયાસ થાય તો તેમને ભાવ આપવા જેવો નથી. કોમી ઉશ્કેરણી કે કોમી અવિશ્વાસ ફેલાવવા માટે અમસ્તી પણ ઓછી મહેનત કરવી પડતી હતી અને સોશ્યલ મિડીયાના જમાનામાં તો એ વધારે સહેલું બની ગયું છે. એ સંજોગોમાં બદલો લેવાની અને જડબાતોડ જવાબ આપવાની નારાબાજી કરતી વખતે વિરોધ કોનો થઈ રહ્યો છે, તેની સરત રાખવા જેવી છે.

રાહુલ ગાંધીએ આ ઘટનાને સુરક્ષાની ગંભીર ચૂક ગણાવીને વડાપ્રધાને તેની જવાબદારી સ્વીકારવી જોઈએ એવું નિવેદન આપ્યું છે. આ પ્રકારના ત્રાસવાદી હુમલામાં અને ખાસ કરીને બસની સુરક્ષાનોંધણી પણ ન થઈ હોય ત્યારે, આ પ્રકારના આરોપ મૂકવાનું યોગ્ય નથી. અલબત્ત, સરકાર અને વહીવટી તંત્ર તેમની મૂળભૂત જવાબદારીમાંથી છટકી શકતાં નથી, પરંતુ વડાપ્રધાનને તેની જવાબદારી સ્વીકારવાનું કહેવું કે આ બહાને તેમની ટીકા કરવી, એ રાજકારણ છે. સાથોસાથ એ પણ યાદ રાખવું જોઇએ કે આ પ્રકારનું રાજકારણ ખેલવામાં રાહુલ ગાંધી મોડા અને મોળા પણ છે. હાલના વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અને તેમના પક્ષના બીજા નેતાઓએ આવી ઘટનાઓનો ફાયદો લેવામાં અને એ નિમિત્તે સરકારના માથે છાણાં થાપવામાં કશું બાકી રાખ્યું ન હતું.

આવા પ્રસંગે જવાબી કાર્યવાહીની માગ સમજી શકાય એવી છે, પરંતુ હુમલાખોર ત્રાસવાદીઓની ઓળખ નિશ્ચિત ન થઈ હોય ત્યારે એ કામ કોઈ ફિલ્મી જવાબ જેવું નહીં, પણ લાંબા ગાળાની ત્રાસવાદવિરોધી કાર્યવાહી તરીકે જ હોઈ શકે--અને ‘ક્રેક ડાઉન’ તરીકે ઓળખાતી એ કાર્યવાહી વખતે એ પણ યાદ રાખવું જોઈએ કે આ જ કાશ્મીરમાં એવા મુસ્લિમો પણ વસે છે, જેમણે હુમલાનો ભોગ બનેલા યાત્રાળુઓને ઉલટભેર મદદ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...