શોક દેખાડવો, ખરખરે જવું કે મરણશોકનું મોટું અર્થતંત્ર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માત્ર દેખાડો : સફેદ વસ્ત્રો, સફેદ ફેંટા અને મરણ પાછળનું ખાણું કરોડો નહીં પણ હવે અબજોએ પહોંચ્યું છે

રાષ્ટ્રની ભાષામાં આજે કોઈને ક્યાંય, શું ગુજરાત કે હિ‌ન્દુસ્તાન કે દુનિયામાં અમારી ભાષામાં કોઈને 'નિરાંતનું સખ્ખ (સુખ) નથી.’ 'ક્યાંય કોઈને ઘડીની નવરાશ કે હાશકારો નથી.’ ઘણા તો પેટ ચોળીને પીડા ઊભી કરે છે. અમેરિકાએ પણ તેની સમૃદ્ધિ નિરાંતે ભોગવી નહીં. આખી દુનિયાની પંચાતમાં પડયું.

આજે અફઘાનિસ્તાન અને છૂપેછૂપ પાકિસ્તાન કે પ્રગટ રીતે ઈરાકમાં સપડાયું છે. અરે અમેરિકાને જવા દો. સીતાજી રામ સાથે વેન કરીને (જીદ કરીને) વનમાં હાલી નીકળેલા. તે તો ઠીક વનમાંય બૈરાની જાતિ એટલે નવરુ ન ગમતાં. સોનાના મૃગલામાં મન મોહ્યું અને ભાભીનું વચન પાળવા લક્ષ્મણ હરણ લેવા ગયા અને આખી રામાયણ ઉભી થઈ. સીતાજી પ્લીઝ ઊણું ન લાવતાં.

સવાર પડે ત્યાં જ આપણને કોઈ સખ્ખ (સુખ, નિરાંત) નથી. કોઈને કોઈ ઉપાડો છે. છેવટે કોઈ ગામતરે જઈ દેશી મહેમાન તરીકે ધામા નાખે. આપણે ત્યાં કોઈને ઘરે કાણે-મોકાણે અને ખરખરે જવાનું બનતું તો હોય જ. ધારો કે મુંબઈમાં કોઈ હરિજનવાસ કે સૌરાષ્ટ્રવાસી કે હવે સુધરેલા લોકોને ત્યાં મોંકાણે કે ખરખરે જવાનું હોય તો મુંબઈની ઝૂંપડપટ્ટીમાં હરિજનના ૧૦-૧પ ફૂટના ઝૂંપડામાં ચૌદ જણ રહેતાં હોય તેમાં જો ઘરનું કોઈ મર્યું અગર તો કોઈ દૂર દૂરનું મર્યું તો દેશી ભાષામાં 'મારી ગયા’ 'આવી બન્યું.’ 'તમારો ખો નીકળી જવાનો.’ કાણ-મોકાણને બહાને તમારે ખર્ચે ચાર-પાંચ-છ દિવસ ધામા નાખે.

મુંબઈમાં માર્કેટિંગ શોપિંગ કરીને મરણને 'શોક’નો (કે શોખ કે તમને શોક-SHOCK) અવસર બનાવે. લાપસી, લાડુ અને હવે મેશુલ, ભજિયા, ગરમ ગરમ સેવલાં, ગાંઠિયા ઝાપટીને સવારે છારિયા ઓડકાર ખાતા સ્વદેશ જવા માંડ વિદાય લે. (ટળે).

આ સૌરાષ્ટ્રની કાણ-મોંકાણ તો યુનિવર્સલ છે-સર્વવ્યાપી છે. ખરખરો કોણ જાણે કેટલો સમૃદ્ધ છે. શબ્દના અર્થમાં અને તમારા પાકીટને કાણું પાડવામાં. ખરખરા શબ્દને આપણે પૂરો જાણીએ. ખરખરો એટલે ધૂપ કરવો (પૈસાનું ખોટું પાણી કરવું) લૌકિક કરવી, મોંકાણે જવું, રડારોળ કરવી (બનાવટી) મરણ પાછળ રોવું, મરનારા પાછળનું બૈરાનું અલગ-ખાસ રોદણું અને કાણું કુટાણું એવો શબ્દ ભગવદ્ગોમંડળમાં મોંકાણ માટે છે.

શું ૧૦૦ વર્ષ પહેલાં લોકો સાવ નવરા હતા કે કોઈ મરી જાય, લગ્ન હોય, અધરણી હોય કે કાંઈ પણ હોય-અરે ઘણે ગામડે ગામ વાછડો જન્મ્યો હોય તો લોકો હરખ કરવા જતાં-કે ખેતી માટે બળદ મળતો. ખરખરે જવામાં મિત્ર કે શત્રુના ઘરના કોઈ બાદ નહીં. જોગીદાસ ખુમાણ તો દુશ્મનને ઘરે મરણ હતું તોય જીવને જોખમે ખરખરો કરવા ઉપડેલા અને આપણને તો વાર્તા મળી ગઈ. પણ આજે ૨૧મી સદીમાં આ બધું કાંઈ મંદ પડયું નથી. આજે ૨૧મી સદીમાં તો કામઢો માણસ અંદરથી તો ખરેખર સાવ નવરો છે. અમારી કાઠિયાવાડની તોછડી ભાષામાં સાવ 'નવરીનો’ છે. હાલી જ નીકળે છે.

હા, નેલ્સન મંડેલા જો હોય તો ઠીક છે. તેના મરણ માટે ૯૨ દેશોના નેતાની રાહ જોવાય છે... દ. આફ્રિકાનું બજેટ રૂ. ૧પ૦ કરોડ શોક માટે વધારવું પડશે. વળી ખરખરે કે કાણે-મોકાણે આવનારા લોકો આફ્રિકાની 'જંગલી-સફારી કરશે.’ 'શોપિંગ કરશે’ અને શું શું નહીં કરી નાખે. એક મોટો ઉદ્યોગ દરેક વખતે ખીલે છે. એક આડ વાત મુંબઈની હડતાળની જ (૧૦ મે ૨૦૧૩) વાતથી કરીએ. આજે બધા છૂપે છૂપે હડતાળમાં વેપાર કરે છે પણ એક પ્રકારના વેપારની છૂટ છે. દારૂની દુકાનો ખુલ્લી છે, જુગારખાનાં ખુલ્લા છે. દેહબજાર માત્ર ખુલ્લો નહીં પણ સાવ વંઠી ગયો છે અને દેહ વેચનારીને ફૂરસુદ નથી. નેલ્સન મંડેલાનુ મરણ પણ આવા અનેક પ્રકારના મનોરંજનનું બહાનું મળશે.

કાણ-મોંકાણનુ અર્થતંત્ર જબ્બર છે. સાવ ફંડામેન્ટલી જૂના વખતથી ચાલ્યું આવે છે-સફેદ વસ્ત્રો, સફેદ ટોળ, સફેદ ફેંટા, સ્ત્રીઓ માટે ફેશનેબલ સફેદ બ્લાઉઝ, સફેદ સાડી અને પછી ખાણીપીણીનું અર્થતંત્ર. મરણ પાછળનું ખાણું કરોડો નહીં પણ એ હવે અબજોએ પહોંચ્યું છે. જૂના જમાનામાં બ્રાહ્મણો તો કોઈના મરણ પછીનું ભોજન હોય તો લાડવા ખાવાની હરીફાઈ છોડતા નહીં. કોણ જાણે તે વખતે એક જ ધંધો હતો. ખાવું અને ખોદવું ત્રીજો શબ્દ અશ્લીલ છે.

મેં એક વડીલને પૂછયું 'આ નાહકની રોકકળ અને નક્કામો શોક કે ખેદ અને દીલગીરી શું કામ? અને માત્ર મુખવટા પૂરતો શું કામ? તો કહે 'અરે બચુડા અરે રોકકળ કેવી? એ તો પારકે પૈસે તાગડધીન્ના છે. મોકાણનું કામ અને મેવા લાપસી ઉડાડવાનો મોકો. અરે માત્ર એ એક જ વાત નથી. અરે હજી પત્નીનું મડદું બળતું હોય ત્યાં યુવાન વિધુર મુરતિયા માટે કન્યા નક્કી થાય, સ્મશાનમાં જ લગ્ન કાચા-ઈ-પાકા થાય અને પાકા-ઈ-કાચા થાય. જમીનના સોદા પણ મડદાં બળતાં હોય ત્યારે જ વધુ સારી રીતે અને પાકી રીતે નક્કી થાય. મરણ જાણે એક અવસર છે-ઉત્સવ છે અને ખરેખર અમુક સંસ્કૃતિમાં તો મરણ એ ઉત્સવ છે જ એ તમે જાણો છો.

આમાં બીમાર માણસની 'ખબર કાઢવા’ જવી એ મને પોતાને સ્વાનુભવથી ખૂબ આકરો અનુભવ થયો. મને પક્ષઘાતનો હળવો હુમલો થયો અને છપ્પન પૈસાના સસ્તા ફોનમાં મારી તબિયતના ખબર પૂછી પૂછીને મને શુભેચ્છકોએ અધમૂવો કરી નાખ્યો. આ છપ્પન પૈસાના મોબાઈલની મોંકાણ છે. મને લાગ્યું કે મારો હળવો પક્ષઘાત હવે કમ્પલિટ થશે. અરે ભાઈ ૨૧મી સદીમાં આવ્યા છો તો બીમાર માણસની ખબર પૂછવા કોઈ સોફીસ્ટિકેટેડ રીત શોધી કાઢો.

બીમારને ઘરે ફ્રૂટ મોકલો, કોઈ કલામય-કાવ્યમય સંદેશ મોકલો, કાંઈક 'દવા દારૂ’નો ખર્ચ મોકલો. નહીંતર મોરારિબાપુની જેમ આર્શીવાદ, બાજરાનો રોટલો, કાળી શાલ અને ફ્રૂટ કે કાંઈ દવાપાણી માટે કશું મોકલો. ૨૧મી સદીમાં તમારે કાણ-મોંકાણ, શોક, ખરખરા, બીમારના ખબર કાઢવા તે બધા પ્રસંગમાં પરિવર્તનની કોઈ તરેહ લાવવી પડશે જ. નહીંતર આ મોબાઈલ ફોન (મો. ફોન)એ મોંકાણ-ફોન બનશે.