વિશ્વના ખૂણેખૂણે સૌરાષ્ટ્ર ધબકે છે

Saurastian Is All in World by Kanti Bhatt

Kanti Bhatt

Jan 21, 2015, 04:07 AM IST
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-ધીંગી ધરા | સૌરાષ્ટ્રનું માનવધન ગણાઈને થાકી જવાય એટલું બધું છે, જેણે તેને મુઠી ઊંચેરું બનાવ્યું છે

સૌરાષ્ટ્રના એક વાચક લખે છે કે એવો લેખ લખો કે નરેન્દ્ર મોદી હવે આપણને અલગ સૌરાષ્ટ્ર આપે. મેં કહ્યું ‘હું તો લખું. લખી પણ ગયો છું. પણ એ બેટમજી કાઠીયાવાડનું શીંગડું પૂછડું ય જાણતા નથી. હું જો તેમની સાથે અડધો કલાક બેસીને આપડી અસ્સલ કાઠીયાવાડી કે ગોહીલવાડી બોલી બોલું તો એ બેટમજીને તુંબડીમાં કાંકરા ખખડયા હોય તેવું લાગે! મોદી સમજે જ નહીં. જે તળ પ્રદેશની ભાષા નો હમજે તો એની વિમાસણો ક્યાંથી હમજે? અરે ભૂલ થઈ. અમારે કાઠીયાવાડમાં કોઈ મુશ્કેલી- ફુશ્કેલી નથી. લીલા લહેર છે. પણ તોય હવે ઈ પ્રદેશના માણહ છીએ એટલે વાંચકનું માન રાખીને અલગ સૌરાષ્ટ્ર શું કામ માગીએ છીએ તે સમજાવવું છે. પણ કહી લેવા દો કે કાઠીયાવાડને જે હૃદયથી જાણે નહીં ઈ માણહ શું નેફામાંથી આપે? પહેલી વાત તો એ કે, શામળદાસ ગાંધી અને ઝવેરચંદ મેઘાણી કે નરસિંહ મહેતો, ગંગાસતી કે કવિ કાન્ત કે નાનાભાઈ ભટ્ટ કે ગીજુભાઈ બધેકા જેવા શિક્ષણશાસ્ત્રી, કલાગુરુ રવિશંકર રાવળ, (ચત્રિકાર) મનુભાઈ પંચાળી કે કવિ દુલાભાયા કાગ, મોરારીબાપુ તેમ જ ભાવનગરનો જમાઈ શમ્મીકપુર જે ભાવનગરના હનુમાનનો ભક્ત હતો તે ટાગોરના શિષ્ય પ્રેમશંકર ભટ્ટ, ગોંડલના મકરંદ દવે, ઘરશાળા ચલાવનારા હરભાઈ ત્રિવેદી. અરે! અરે! વજુ કોટકને પત્રકારત્વને ચાલતે ઘોડે ચિત્રલેખામાં છાપેલી જાહેર કંકોત્રીથી પરણેલા અમારા માધુરીબહેન કોટક પણ ભાવનગરના છે. માધુરીબહેન માણહ પારખુ છે. તેમણે મારી કદર કરી છે, ભરત ઘેલાણીને સાચવ્યો છે. નીતા અંબાણીને બેનપણી કરી લીધી છે. જાણે! દીગંત ઓઝા- કાજલ ઓઝા, મનુભાઈ ગઢવી અને પ્રવિણદાન ગઢવી,કેળવણીકાર અમૃતલાલ યાજ્ઞિક.
બોલો! આ નામો સામે ગુજરાતના કેટલા નામો આપી શકો છો? અરે જવા દો! અમે તો મજાક કરીએ છીએ. પૈસાનું ધન ગણાય. માનવ ધન વધારે કીંમતી હોય છે અને ખાનગી રાખવાનું હોય છે. મારાથી આ માનવ ધન ગણાઈ ગયું. સૌરાષ્ટ્રવાસી માફ કરે. તમે સરસ્વતિચંદ્રની નવલકથા વાંચી હશે જ. ગોવર્ધનરામ ત્રિપાઠીને આવી જોરદાર નવલકથા માટે ગુજરાતનું લોકેશન મોળુંમસ અને દમ વગરનું લાગ્યું હશે. એટલે તેમણે ભાવનગર અને શિહોરના લોકશનને આ નવલકથા માટે પસંદ કરેલા. અરે! અમારા આ પંથકના નાગર લોકો ભરાડી હતા. જ્યાં હોય ત્યાં કાઠીવાવાડના મહારાજાના દીવાન, સુબેદાર કે ફોજદાર બની બેસતા-મૂછોવાળા! સારું છે કે હવે મૂછોને વળ દેવાતા નથી. મહુવાના મારા વખતના (1945-46) ફોજદાર ભામણ હતા. ચાલો અમારી કડક કાઠીયાવાડી ધરતીનું ગીત જ ગાઈએ: ‘કડક ધરતી જહાં ખડકની આકરી, ડુંગરા ડુંગરીને કરાડો મુગટ શા મંદિરો ગાજતા, શીરધરી ગગન શા ગગન ઉંચા પહાડો, વન્દુ તનીયાવડી ધન્ય હો ધૈન્ય સૌરાષ્ટ્ર ધરણી, કાઠી ખસીયા વસ્યા, શર રજપૂત જ્યાં, વીર આહીર ગોહીલ વંકા, ગીર ગોરંભતી ગાંડી જ્યાં નેસમાં, ખળકતી દૂધની પિયુષ ઝરણી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી!’
સાવ અમારા નાનકડા ઝાંઝમેર ગામમાં ય 800ની વસિતમાં રજપુત શેરી, ગરાસીયા શેરી, કોળી પા, જોગીવાડો એવા બધા લોકેશન હતા. અમારી ખબર કાઢવા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી દરેક ઉનાળે આવતા. તેમને દરીયાની રેતીમાં કુદરતી રીતે ઉગતી થેગી બહુ ભાવતી. તલ સાથે ખાતા. આ બધુ ગણાવીએ છીએ એટલે સાચેસાચ અમને અલગ સૌરાષ્ટ્ર નથી જોઈતું. તમે જાણો છો કે અમારા 3-1-15ના દિ. ભાસ્કરમાં લખ્યું છે કે, ‘વિશ્વના 190માંથી 129 દેશોમાં મીની ગુજરાત ધબકે છે’. અમારા સંપાદકની માફી માગીને લખું છું કે ત્યાં ત્યાં મીની સૌરાષ્ટ્ર પણ છે. વિશ્વ ગુજરાતી સમાજે આ આંકડો કાઢયો છે. અમારે અલગ સૌરાષ્ટ્ર એટલા માટે નથી જોતું કે આખી દુનિયાનો પટ (વિસ્તાર) કાઠીયાવાડીનો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જજો. ત્યાં પંડીત બળવંત ભટ્ટનું નામ બોલાશે. તે શાસ્ત્રીય ગાન ગાનારા સુરદાસજી ભાવનગરના હતા. સરદાર પૃથ્વીસિંહ આઝાદીની લડાઈ ભાવનગર સ્ટેટમાં જન્મીને લડી હતી. ન્યુયોર્કના અડધા ગુજરાતી સૌરાષ્ટ્રના છે.
આખું ભાવનગર પક્ષીપ્રેમી હતું. અરે અહીંના કાછીયા અને ખાસ કરીને મોહીત ગુણવંત અંધારીયા શાકની દલાલી કરી પછી પક્ષીઓ અને કલાકારોની પળોજણ મફ્તમાં કરે છે. આજે મુંબઈમાંથી કોઈ મને કાઢી મુકે તો હું સીધો ભાવનગર પેરેલાઈઝડ હાલતમાં જાઉં અને બને કે ભાવનગરનો વૈદ્ય મને સાજો કરે. ભાવનગરની સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. ભીખુ પટેલે કરોળીયાના જીવન વિશે ઊંડો અભ્યાસ કરીને પછી જ તેના વિશે મહાનિબંધ લખેલો. કંચનરાય દેસાઈ જંગબારી પોપટ પાળતા. કૂતરા, સાપ, અજગર, સિંહ અને પોપટ પાળનારા આ કંચનરાય દેસાઈએ એક કૌતુક કરેલું.
ભાવનગરનાં એરપોર્ટ ઉપરનો સ્ટાફ મોટે ભાગે ઉ. પ્રદેશ કે મુંબઈ કે દિલ્હીનો હોય છે. એ એરપોર્ટ ઉપર 3 મહિના રહે ત્યાં અસ્સલ પ્રેમાળ ભાવનગરી બની જાય છે. સનત મહેતા અમારા સાવરકુંડલાના છે. હવે બડાઈ મારવા પુરતા ભાવનગરી ગાંઠીયા રહ્યા છે પણ તમે શુદ્ધ બદામ-કેસરની પુરી કે કાજુની પુરી ભાવનગરના ભાવસાર પાસેથી ખાઈ જોજો. મારે કબુલ કરવું જોઈએ કે, મહુવા જ્યાં હું ભણ્યો છું ત્યાં મ્યુનિસીપાલીટીમાં હું રૂ. 90ના પગારથી કેશિયર પણ હતો. બધો જ સ્ટાફ તમાકુ-ચૂનામાં ચોળીને ખાતો. કોન્ટ્રાક્ટર બિલ પાસ કરાવવા આવે ત્યારે ‘લાંચ’માં તમાકુનું ધોલરું (તમાકુ ચુનો રાખવાની ડબ્બી) એક છેડેથી બીજે છેડે દોડાવી દે. બસ આ અમારી ‘લાંચ!’ ‘ભાવનગરી’ લોકો રાજકારણની ગંજીપાની રમતમાં ઠોઠ રહ્યાં છે, પણ રાજકારણમાં ‘ઠોઠ’ રહેવું આડકતરું પૂણ્યશાળી છે. દા.ત. અમારા પ્રતાપભાઈ શેઠ આ અખબાર સાથે જોડાયેલા છે.
અમે મહુવાને યાદ કરીએ ત્યારે અમારા મોરારી બાપુને યાદ કરવા જ જોઈએ. તેમને એ વાતની સલામ કે ગમે એવડા મોટા થયા પણ મહુવા- તલગાજરડા છોડ્યું નથી. અમે થોડાક જણ વતનને ‘બેવફા’ છીએ, મોરારી બાપુ હજી દીલથી ઈના ઈ છે. મોરારી બાપુના પિતાનું નામ પ્રભુદાસ હરીયાણી હતું. દેશીનામાના ચોપડા લખીને સો-સવાસો રૂપિયા કમાતા. મોરારીબાપુના દાદા ત્રિભુવનદાસ રામકથા કરતા. તે સાંભળીને ટીનેજર મોરારી બાપુએ ગોખીને રામાયણની પાંચ ચોપાઈ કંઠસ્થ કરેલી. આમ તો તે માત્ર વિધી પુરતી રામાયણની પોથી રાખે છે. રામાયણ તેમને કંઠસ્થ છે. મોરારીબાપુ એસએસસી પાસ થયા પછી કોલેજમાં ભણવાના પૈસા નહોતા. એટલે કોલેજમાં ભણ્યા નહીં પણ મુંબઈમા બ્રેબોર્ન સ્ટેડીયમમાં એક સેમિનાર યોજાયો તેમાં જન્મભૂમિનાં તે સમયના તંત્રી હરીન્દ્ર દવેના તમામ ઊંડા ફિલોસોફીકલ-ધાર્મિક સવાલોના જવાબ મોરારી બાપુએ આપેલા. મોરારી બાપુ શિક્ષક તરીકે લહેકા અને શૈલીથી પાઠ
ભણાવતા તે સાંભળીને બાળકો રસપૂર્વક તો સાંભળતા પણ બહારના બુઝર્ગો પણ આવતા!
X
Saurastian Is All in World by Kanti Bhatt
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી