સંજીવ ચતુર્વેદીને આખરે ભ્રષ્ટાચાર સામેની લડાઇ ફળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મેગ્સેસે એવોર્ડ વિજેતા: પાંચ વર્ષમાં 12 વખત બદલીની સજા ભોગવી

અમદાવાદ : ભારતમાં ભ્રષ્ટાચાર સામે લડનારા પ્રામાણિક સરકારી અફસરોએ ફૂટબોલની જેમ ફંગોળાવાની તૈયારી રાખવી પડે છે. અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે પોતાની ટીમમાં સામેલ કરવા યોગ્ય અમલદારોનું લિસ્ટ તૈયાર કર્યું તેમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ૨૦૦૨ના બેચના અધિકારી સંજીવ ચતુર્વેદીનું નામ પણ સામેલ હતું. ત્યારે સંજીવ ચતુર્વેદીને દિલ્હીની પ્રતિષ્ઠિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ચીફ વિજિલન્સ ઓફિસરના પદેથી હટાવવામાં આવ્યા હતા, કારણ કે તેમને ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું જે કામ તેમને સોંપવામાં આવ્યું હતું તેને વધુ પડતી નિષ્ઠાથી નિભાવ્યું હતું. કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલના હાથ મજબૂત કરવા નહોતી માગતી માટે તેણે સંજીવ ચતુર્વેદીની દિલ્હી સરકારમાં બદલી ન કરી; પણ એશિયાના નોબેલ પ્રાઇઝ તરીકે પ્રખ્યાત રેમન મેગસેસે એવોર્ડ કમિટિએ તેમને બિરદાવીને તેમની પ્રામાણિકતાની કદર કરી છે.

ભારતની સનદી સેવાઓમાં સ્થાપિત હિતો સામે લડવાની ક્ષમતા ધરાવતા અધિકારીઓ આંગળીના વેઢે ગણાય એટલા જ છે. સંજીવ ચતુર્વેદી તેમાંના એક છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા પછી કોઇ મલ્ટિનેશનલ કંપનીમાં ઊંચા પગારની નોકરી કરવાને બદલે તેમણે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા પાસ કરીને દેશની સેવા કરવાનું નક્કી કર્યું. હરિયાણા કેડરમાં જોડાયા પછી તેમને પહેલું પોસ્ટિંગ કુરૂક્ષેત્રમાં આપવામાં આવ્યું. અહીં તેમણે અલભ્ય જાતિના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓનો શિકાર કરતા માફિયાઓ સામે મોરચો માંડ્યો. સંજીવ ચતુર્વેદીએ હાંસી બુટાના નહેરના બાંધકામમાં ચાલતો ભ્રષ્ટાચાર પકડી પાડ્યો એટલે તેઓ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની કોંગ્રેસી સરકારના અળખામણા બની ગયા. કુરૂક્ષેત્ર વિભાગમાંથી તેમની બદલી કરીને તેમને ફતેહાબાદ વિભાગમાં મોકલવામાં આવ્યા.

પ્રામાણિક ઓફિસરને સરકાર ગમે ત્યાં નાંખે, તેઓ પોતાનો પરચો બતાવ્યા વિના રહેતા નથી. ફતેહાબાદ ગયા પછી સંજીવ ચતુર્વેદીએ જોયું કે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે એક ખાનગી જમીન પર વનૌષધિઓનો બાગ તૈયાર થઇ રહ્યો હતો. આ જમીન કોંગ્રેસના એક વગદાર પ્રધાનના કોઇ સગાની હતી. તેમણે આ બાગનું બાંધકામ તાત્કાલિક અટકાવીને પ્રધાનશ્રીનો ગુસ્સો વહોરી લીધો. હરિયાણા સરકારે તેમને ઇ.સ. ૨૦૦૭માં સસ્પેન્ડ કર્યા અને તેમની સામે બનાવટી આરોપનામું પણ ઘડી કાઢ્યું.

સંજીવ ચતુર્વેદી હિંમત હારે તેમ નહોતા. તેમણે પોતાના સસ્પેન્શનને કેન્દ્રના વન ખાતા સમક્ષ પડકાર્યું. પોતાને નિર્દોષ પુરવાર કરતા દસ્તાવેજો તેમણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની મદદ લઇને મેળવ્યા. આ દસ્તાવેજો દ્વારા પુરવાર થતું હતું કે તેમણે હકીકતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે જે પગલાં લીધાં હતાં તેને ભ્રષ્ટાચારમાં ખપાવવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારે સંજીવ ચતુર્વેદીની તરફેણમાં ચુકાદો આપીને તેમનું સસ્પેન્શન રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. હરિયાણા સરકારે હવે તેમનું પોસ્ટિંગ હિસારના વન વિભાગમાં કર્યું હતું. અહીં પણ તેમણે વૃક્ષારોપણના કાર્યમાં ચાલતો ભ્રષ્ટાચાર પકડી પાડતાં તેમની ફરી બદલી કરવામાં આવી હતી. હરિયાણા સરકારને હવે સમજાતું નહોતું કે તેમને ક્યાં ફરજ સોંપવી? એટલે મહિનાઓ સુધી તેમને પોસ્ટિંગ વગર લટકતા રાખ્યા. પછી તેમને નોન-કેડર પોસ્ટિંગ આપીને તેમને બીજી વખત નોકરીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા. સંજીવ ચતુર્વેદીએ બીજી વખત કેન્દ્રમાં અપીલ કરી. કેન્દ્ર દ્વારા બીજી વખત તેમનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યું. ફરીથી બદલીઓનો દોર ચાલ્યો. હરિયાણા કેડરમાં નોકરી દરમિયાન પાંચ વર્ષમાં સંજીવ ચતુર્વેદીની ૧૨ વખત બદલીઓ કરવામાં આવી.

હરિયાણા સરકારની સજારૂપ બદલીઓથી કંટાળેલા સંજીવ ચતુર્વેદીએ ઇ.સ. ૨૦૧૨માં કેન્દ્ર સરકારમાં બદલી માગી. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની સરકારે મહિનાઓ સુધી તેમની ફાઇલ લટકતી રાખી. છેવટે ફાઇલ દિલ્હી મોકલવામાં આવી ત્યારે તેમાં રિમાર્ક કરવામાં આવ્યા કે આ ઓફિસરને જ્યાં મોકલો ત્યાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરીને સરકારને મૂંઝવણમાં મૂકવાની કોશિષ કરે છે. કેન્દ્ર સરકાર ત્યારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)માં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રાસી ગઇ હતી. તે કોઇ પ્રામાણિક અને હિંમતવાન ઓફિસરની શોધમાં હતી. ત્યાં હરિયાણા કેડરના સંજીવ ચતુર્વેદીની અરજી આવી એટલે તેમને એઇમ્સના ચીફ વિજિલન્સ ઓફિસર બનાવી દીધા.

સંજીવ ચતુર્વેદીનું નસીબ સારું હતું કે એઇમ્સના સીવીઓના હોદ્દા પર તેઓ બે વર્ષ સુધી રહ્યા. આ દરમિયાન તેમણે એઇમ્સમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ બાબતમાં આશરે ૨૦૦ કિસ્સાઓ પકડી પાડ્યા અને તમામમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહીઓ શરૂ કરાવી. સંજીવ ચતુર્વેદીએ જોયું કે એઇમ્સના ભ્રષ્ટાચારના મૂળમાં વિનિત ચૌધરી નામના આઇએએસ અધિકારી હતા, જેઓ કેન્દ્રમાં હેલ્થ સેક્રેટરીના હોદ્દા પર બિરાજમાન હતા. સંજીવ ચતુર્વેદીએ જે કેસો ફાઇલ કર્યા હતા તેમાંના અમુકનો રેલો વિનિત ચૌધરીના પગ હેઠળ પણ આવતો હતો, એટલે તેમણે સંજીવ ચતુર્વેદીની બદલી અન્ય કોઇ વિભાગમાં કરવાની ખટપટ શરૂ કરી. તે દરમિયાન કેન્દ્રમાં સત્તાપલટો થયો. ડો. હર્ષવર્ધન કેન્દ્રના આરોગ્ય પ્રધાન બન્યા. સંજીવ ચતુર્વેદીને હતું કે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા છે તે કારણે હવે તેમને મોકળું મેદાન મળશે; પણ ઊલટું જ બન્યું. વિનિત ચૌધરીએ ડો. હર્ષવર્ધન સાથેના પોતાના સંબંધોનો લાભ લઇને સંજીવ ચતુર્વેદીની બદલી કરાવી નાખી. હવે સંજીવ ચતુર્વેદીએ ઉત્તરાખંડ કેડરમાં બદલી માટે અરજી કરી છે, પણ તેમની અરજી સ્વીકારવામાં આવી નથી.
અન્ય સમાચારો પણ છે...