તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતનાં ગળામાં ઘંટીનાં પડ જેવી સિંધુજળની સંધિ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિમાલયમાંથી નીકળતી સિંધુ, સતલજ, જેલમ, ચિનાબ, રાવી અને બિયાસ જેવી ૬ નદીઓ ભારતમાં થઇને પાકિસ્તાનમાં પ્રવેશ કરતી હોવા છતાં ઇ.સ.૧૯૬૦માં વિશ્વ બેન્કના દબાણથી આપણે કરાર કરીને આ નદીઓનું ૮૦ ટકા પાણી પાકિસ્તાનને આપવાની બેવકૂફી કરી હતી. આપણા ભાગે જે ૨૦ ટકા પાણી આવ્યું છે તેનો પણ આપણે પૂરો ઉપયોગ કરી ન શકતા હોવાને કારણે પાકિસ્તાનને તેના ક્વોટા કરતાં વાર્ષિક ૧૦ અબજ ઘનલીટર પાણી વધુ મળે છે. આટલું ઓછું હોય તેમ પાકિસ્તાને આડોડાઇ કરીને આપણા દેશમાં આકાર ધારણ કરી રહેલાં જળઉર્જાનાં ત્રણ મથકો અટકાવી રાખ્યાં છે.

ગયાં વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાને ઉરીમાં આપણા લશ્કરી મથક પર આતંકવાદી હુમલો કરાવ્યો તે પછી ભારત સરકારે સિંધુજળની સંધિ બાબતમાં પાકિસ્તાન સાથે કોઇ પણ જાતની મંત્રણા કરવાનો ઇનકાર કરી દીધો હતો. પાકિસ્તાનમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા; કારણ કે ભારત જો બંધો બાંધીને પાકિસ્તાન તરફ વહેતું પાણી બંધ કરી દે તો પાકિસ્તાન બરબાદ થઇ જાય તેમ હતું. આ શક્તિશાળી હથિયારનો પાકિસ્તાન સામે ઉપયોગ કરવાને બદલે હવે કોઇ ભેદી કારણસર ભારત સરકાર પાણીમાં બેસી ગઇ છે અને તેણે બંધ કરેલી મંત્રણા ફરી શરૂ કરી છે. હકીકતમાં આ મંત્રણાના માધ્યમથી ભારતે સિંધુ નદીની સંધિમાં ફેરફારની માગણી કરવાની જરૂર છે.

હિમાલયમાંથી નીકળતી સિંધુ નદી અને તેની શાખાઓ જેવી સતલજ, રાવી, બિયાસ, જેલમ અને ચિનાબ ભારતના રસ્તે પાકિસ્તાનમાં જતી હોવાથી ભૌગોલિક રીતે તેના પાણીને રોકવાની ક્ષમતા ભારત ધરાવે છે. ઇ.સ.૧૯૬૦ના કરાર મુજબ ભારતે ભયંકર ઉદારતા બતાવી હતી. તે મુજબ પ્રમાણમાં નાની તેવી સતલજ, રાવી અને બિયાસ નદીનું પાણી ભારતને ભાગે આવ્યું હતું તો પાણીનો વિપુલ જથથો ધરાવતી સિંધુ, જેલમ અને ચિનાબ નદી પરનો પાકિસ્તાનનો અધિકાર સ્વીકારવામાં આવ્યો હતો. ભારતે સતલજ, રાવી અને બિયાસ નદી પર બંધો બાંધીને તેનાં પાણીનો ઉપયોગ કરવા માંડ્યો હતો. 

આ કરાર મુજબ ભારત જેલમ અને ચિનાબ નદીનાં પાણીનો ઉપયોગ સિંચાઇ માટે નથી કરી શકતું પણ જળવિદ્યુતની યોજનાઓ માટે કરી શકે છે. આપણે તેમ કરવાની કોશિષ કરી ત્યારે પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન વારંવાર ઇ.સ.૧૯૬૦નો હવાલો આપીને ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં જતું રહ્યું છે અને આપણાં ઉર્જા મથકોની યોજના સામે અંતરાયો ઊભું કરતું રહ્યું છે.

પાકિસ્તાને ઇ.સ.૧૯૬૦ના કરારની દુહાઇ દઇને ભારતના જે ત્રણ મહત્ત્વાકાંક્ષી સિંચાઇ કમ ઉર્જા પ્રોજેક્ટો અટકાવી રાખ્યા છે તેમાં ચિનાબની શાખા નદી મરૂસાદર નદી પરનો એક હજાર મેગાવોટનો પાવર પ્રોજેક્ટ પણ છે. આ ઉપરાંત ચિનાબ નદી પરનો ૧,૦૨૦ મેગાવોટનો બરસાર પ્રોજેક્ટ અને ૧,૨૦૦ મેગાવોટનો સ્વાલકોટ પ્રોજેક્ટ પણ પાકિસ્તાનના વિરોધને કારણે અટકેલા છે.

ભારતે જેલમ નદીમાં ટ્રાન્સપોર્ટ માટે તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તે પણ પાકિસ્તાનના વિરોધને કારણે પડતો મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ તૈયાર થઇ જાય તો તેના થકી ભારત જેલમ નદીના જળસ્તર પર પણ પોતાનો અંકુશ રાખી શકે તેમ છે. ભારતના લશ્કરે જ્યારે સરહદ ક્રોસ કરવી હોય ત્યારે પાણીનો સ્તર વધારી શકે છે; પણ પાકિસ્તાનનું લશ્કર સરહદ ક્રોસ ન કરી શકે તેવી રીતે પાણીનો સ્તર ઘટાડી પણ શકે છે. 
ભારતની સલામતી માટે આ યોજના જરૂરી છે.

ભારતે જેલમ નદીની શાખા કિસનગંગા પર ૮૬.૪ કરોડ ડોલરના ખર્ચે તૈયાર કરેલી  યોજના મુજબ કિસનગંગા નદીના પાણીનો અમુક જથ્થો જળવિદ્યુતમથક તરફ વાળવાનો હતો. તેમાંથી જળઉર્જા પેદા થઇ જાય તે પછી આ જથ્થો પાછો કિસનગંગા નદીમાં છોડી દેવાનો હતો. પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો કે સિંધુ કરાર હેઠળ જેલમ નદીનાં પાણી પર તેનો અધિકાર છે, માટે ભારત તેના પર બંધ બાંધી શકે નહીં. પાકિસ્તાનના વિરોધને કારણે ભારતે જળઉર્જા મથકનું કામ અટકાવી દેવું પડ્યું હતું. પાકિસ્તાને આ યોજના સામે ઇન્ટરનેશનલ કોર્ટમાં અરજી કરીને યોજનાને ઢીલમાં નાખી દીધી હતી. 

ભારતે ચિનાબ નદીના વધારાના પાણીનો સંગ્રહ કરવા માટે જમ્મુના ડોડા નજીક રાત્લે ડેમ બાંધવાની યોજના બનાવી, તેનો પણ પાકિસ્તાને વિરોધ કર્યો હતો. આ ડેમમાં ૨.૪૦ કરોડ ઘનમીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. પાકિસ્તાનને ડર હતો કે તેના કારણે ચિનાબની પાણી વહન કરવાની ક્ષમતા ૪૦ ટકા જેટલી ઘટી જશે. પાકિસ્તાન કહે છે કે આ ડેમની ક્ષમતા ઘટાડીને ૮૦ લાખ ઘનમીટરની કરવી જોઇએ. પાકિસ્તાનના વિરોધને કારણે આ યોજના પણ અટકી ગઇ છે.કોઇ પણ નદી જે દેશમાંથી ઉદ્ગમ પામતી હોય તે દેશનો જ તેની પર વધુ અધિકાર રહે છે. હિમાલયમાંથી નીકળતી રાવી, બિયાસ, ચિનાબ, જેલમ વગેરે નદીઓ ભારતમાંથી નીકળતી હોવા છતાં ભારતે ઉદારતા રાખીને સિંધુ ઉપરાંત જેલમ અને ચિનાબ નદીનું બધું પાણી પાકિસ્તાનને આપવાનું નક્કી કર્યું હતું. 

ઇ.સ.૧૯૬૦ની સંધિમાં પાકિસ્તાનના ભાગે ૧૬૭ અબજ ઘનમીટર પાણી આવ્યું હતું; જ્યારે ભારતના ભાગે સતલજ, રાવી અને બિયાસ નદીઓનું માંડ ૨૦ અબજ ઘનમીટર પાણી જ આવ્યું હતું. ભારત તેમાંથી માંડ ૧૦ અબજ ઘનમીટરનો ઉપયોગ કરતું હોવાથી બાકીનું પાણી પાકિસ્તાનમાં વહી જાય છે. સિંધુજળના કરાર મુજબ બંને દેશના સત્તાવાળાએ વર્ષમાં એક વાર મળવું જરૂરી હોય છે. વર્તમાનમાં લાહોરમાં આ બેઠક ચાલી રહી છે ત્યારે ભારત સરકારે વિશ્વ બેન્કના દબાણ હેઠળ ઇ.સ.૧૯૬૦માં થયેલો કરાર રદ્દ કરીને નવો ન્યાયપૂર્ણ કરાર કરવાની માગણી કરવી જોઇએ.

ન્યૂઝ વોચ, સંજય વોરા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો