તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેત મછંદર; યોગી આદિત્યનાથ આયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરુ ગોરખનાથ અને શિષ્ય મત્સ્યેન્દ્રનાથની સુપ્રસિદ્ધ કથામાં ગોરખનાથને બદલે આદિત્યનાથ લખવામાં આવે અને મછંદરને બદલે મુસ્લિમ લખવામાં આવે તો શું થાય? કટ્ટર હિન્દુત્વના બ્રાન્ડ એમ્બેસેડરની છાપ ધરાવતા યોગી આદિત્યનાથની વરણી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે કરવામાં આવી તેને કારણે રાજ્યના ચાર કરોડ મુસ્લિમો કરતાં પણ વધુ મોટો આંચકો દેશના કરોડો સેક્યુલારિસ્ટોને લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં વિકાસના મુદ્દા પર ચૂંટણી લડીને જાલિમ બહુમતી મેળવ્યા પછી ભાજપે વિકાસનો એજન્ડા પડતો મૂક્યા વિના તેનું મિશ્રણ કટ્ટર હિન્દુત્વ સાથે કરીને નવું કોકટેઇલ પેદા કર્યું છે. જો ઉત્તર પ્રદેશની પ્રયોગશાળામાં આ કોકટેઇલ લોકપ્રિય પુરવાર થશે તો તેનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે ઇ.સ.૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા માટે થઇ શકે છે. યોગી આદિત્યનાથના રાજ્યારોહણ સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિર બનાવવાની ઝુંબેશ જોર પકડશે તે પણ નક્કી છે.
 
માત્ર ૨૬ વર્ષની ઉંમરે પહેલી વાર લોકસભાની ચૂંટણી જીતનારા યોગી આદિત્યનાથ સંન્યાસી હોવા ઉપરાંત વિજ્ઞાનના સ્નાતક છે, ગોરખનાથ મઠના ગાદીપતિ છે અને સફળ રાજકારણી પણ છે. લોકસભાની ગોરખપુર બેઠક સતત પાંચ વખત જીતીને તેમણે પોતાની લોકપ્રિયતા પુરવાર કરી આપી છે. ગાય, ગીતા અને ગંગાના એજન્ડાને આગળ વધાવનાર આદિત્યનાથ મુસ્લિમોની લવ જિહાદના કટ્ટર વિરોધી પણ ગણાય છે. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૨૦ બળવાખોર ઉમેદવારો ઊભા રાખીને તેમણે મોવડીમંડળની નારાજગી વહોરી લીધી હતી; પણ સંઘપરિવારના લાડકા હોવાને કારણે તેમને મુખ્ય મંત્રીની ગાદી પર બેસાડવામાં આવ્યા છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં યોગીને ભાજપની જરૂર નથી; પણ ભાજપને યોગીની જરૂર હોય છે.
 
યોગી આદિત્યનાથનો જન્મ ઇ.સ.૧૯૭૨માં ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં થયો હતો. ઇ.સ.૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી માટે ફાઇલ કરેલી એફિડેવિટમાં યોગી આદિત્યનાથે પોતાના પિતાનું નામ મહંત અવૈદ્યનાથ હોવાનું લખ્યું હતું. મહંત અવૈદ્યનાથ તેમના ગુરુ હતા અને ભાજપના સંસદસભ્ય પણ હતા. ઇ.સ.૧૯૯૪માં આદિત્યનાથ માત્ર ૨૨ વર્ષના હતા ત્યારે મહંત અવૈદ્યનાથે તેમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. આદિત્યનાથે પોતાની રાજકીય કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘના કાર્યકર તરીકે શરૂ કરી હતી. ઇ.સ. ૧૯૯૮માં મહંત અવૈદ્યનાથે પોતાની ગોરખપુરની બેઠક યોગી આદિત્યનાથ માટે ખાલી કરી હતી. ઇ.સ.૨૦૧૪માં મહંત અવૈદ્યનાથનું અવસાન થયું તે પછી આદિત્યનાથ ગોરખનાથના મઠાધિપતિ બની ગયા હતા.
 
યોગી આદિત્યનાથ લોકસભાની ચૂંટણી ભાજપના પ્રતિક સાથે લડે છે, પણ તેઓ ભાજપની નિયમિત પ્રવૃત્તિઓથી વેગળા રહે છે. તેમની મારફાડ છાપને કારણે ભાજપના નેતાઓ તેમને દૂરથી જ નમસ્કાર કરવાનું પસંદ કરે છે. ઇ.સ.૨૦૧૧માં ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથ સિંહ તેમની સદ્ભાવના યાત્રા દરમિયાન ગોરખપુર આવ્યા ત્યારે તેમણે આદિત્યનાથને આમંત્રણ પણ આપ્યું નહોતું. ઇ.સ.૨૦૦૭માં ગોરખપુરમાં કોમી હિંસા ફાટી નીકળી ત્યારે આદિત્યનાથે પ્રતિબંધક આદેશનો ભંગ કરતાં તેમણે ૧૧ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. જેલની યાતનાનું વર્ણન કરતાં આદિત્યનાથ સંસદમાં રડી પડ્યા હતા. ઇ.સ.૨૦૧૨માં ભાજપે ગુનાઇત પૂર્વભૂમિકા ધરાવતા બહુજન સમાજ પક્ષના ભૂતપૂર્વ નેતા બાબુ સિંહ કુશવાને પક્ષમાં લીધા ત્યારે આદિત્યનાથે તેમનો વિરોધ કર્યો હતો. તેને કારણે તેમણે ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપનો પ્રચાર કરવાનો પણ ઇનકાર કર્યો હતો.
 
ઇ.સ.૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ધબડકો થયો તે પછી તેમને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભાજપનો ઉદ્ધાર કરવા યોગી આદિત્યનાથની ગરજ પડી હતી. ઇ.સ.૨૦૧૪માં લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના મુસ્લિમોની બહુમતી ધરાવતા કાનપુર, આઝમગઢ, બસ્તી, સંત કબીર નગર,મહારાજગંજ વગેરે જિલ્લાઓમાં ભાજપનો પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર આપવામાં આવ્યું હતું. ઇ.સ.૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના સિવાયના અન્ય નેતાઓ માટે પ્રચાર કરનારા ભાજપના નેતાઓમાં નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ સિવાયનું એકમાત્ર નામ આદિત્યનાથનું હતું. ઇ.સ.૨૦૧૪માં હિન્દુ મતોનું ધ્રૂવીકરણ કરવામાં આદિત્યનાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
 
ઇ.સ.૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં યોગી આદત્યનાથનું નામ પણ હતું. તા. ૭ ફેબ્રુઆરીએ તેમણે લખનૌમાં આવેલા પક્ષના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી તેમાં તેમણે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી પલાયન થતાં હિન્દુ પરિવારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે ભય વ્યક્ત કર્યો હતો કે જો સમાજવાદી પક્ષ સત્તામાં પાછો ફરશે તો ઉત્તર પ્રદેશના હાલ પણ કાશ્મીર જેવા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીપ્રચાર દરમિયાન સ્મશાન-કબ્રસ્તાનવાળું વિવાદાસ્પદ નિવેદન કર્યું ત્યારે આદિત્યનાથે તેનાથી આગળ વિધાન કરતાં જણાવ્યું હતું કે સમાજવાદી પક્ષ ઉત્તર પ્રદેશને કબ્રસ્તાન બનાવવા માગે છે. ઇ.સ.૨૦૧૭ની ચૂંટણી દરમિયાન હિન્દુ મતોનું ધ્રૂવીકરણ કરવાની યોગી આદિત્યનાથની સેવા બદલ તેમને શિરપાવ આપવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ ભગવાં વસ્ત્રો પહેરીને ઉત્તર પ્રદેશનું મુખ્ય પ્રધાનપદ સંભાળનારા પહેલા હિન્દુ સંન્યાસી છે. તેઓ ઉત્તર પ્રદેશમાં પોતાની કલ્પનાનું રામરાજ્ય સ્થાપવાની કોશિષ કરશે તે નક્કી છે. ભારતમાં રાજકારણ અને ધર્મની ભેળસેળનું યોગી આદિત્યનાથથી મોટું બીજું ક્યું ઉદાહરણ હોઇ શકે?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો