સૈફ અને કરીનાની શાદી કોયડા સમાન બની રહી છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૈફ અને કરીનાની શાદી કોયડા સમાન બની રહી છે શાદીનું સસ્પેન્સ; વિવાહની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કરીનાએ ધડાકો કર્યો છે કે તેઓ પરણી ચૂક્યા છે. ફિલ્મોઉદ્યોગમાં અનેક લગ્નો થતાં હશે, પણ સૈફ અલી ખાન અને કરીના કપૂરના સંભવિત લગ્ન બાબતમાં જે રહસ્યનું વાતાવરણ પેદા થયું છે, તેવું વાતાવરણ બોલિવૂડની કોઇ શાદીને લઇને પેદા નહીં થયું હોય. એક ફિલ્મી મેગેઝિને તો કટાક્ષમાં લખ્યું છે કે સૈફ-કરીનાની શાદી રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બની ગઇ છે. કરીના અને સૈફની શાદીનો સૌથી વધુ ઉત્સાહ સૈફની માતા શર્મિ‌લા ટાગોરનો છે. આજથી આશરે ૪પ વર્ષ પહેલાં ભારતની ક્રિકેટ ટીમના તત્કાલીન કેપ્ટન મનસૂર અલી ખાન પટૌડીના લગ્ન હિ‌ન્દી ફિલ્મોની અભિનેત્રી શર્મિ‌લા સાથે થયા ત્યારે ભારે સનસનાટી મચી ગઇ હતી. લગ્ન પછી શર્મિ‌લા ટાગોર ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બની ગઇ હતી. હવે શર્મિ‌લાની સ્વાભાવિક ઇચ્છા એવી છે કે કરીના પણ સૈફ સાથે સાદી કરીને ઇસ્લામ અંગિકાર કરે, પણ કરીના આ માટે તૈયાર ન હોવાથી તેમની શાદીની તારીખ લંબાઇ રહી છે. કહેવાય છે કે સૈફનાં લગ્ન માટે અત્યંત ઉત્તેજિત શર્મિ‌લા ટાગોરે તો આ શાદી માટે ૧૬મી ઓક્ટોબરની તારીખ પણ નક્કી રાખી છે અને ઇન્વિટેશન કાર્ડ પણ છપાવી રાખ્યાં છે, પરંતુ આ શાદી ક્યાં થવાની છે, તેની હજી કોઇને ગતાગમ નથી. એક હેવાલ મુજબ સૈફ અને કરીના ૧૬મી ઓક્ટોબરે મુંબઇમાં ર્કોટ મેરેજ કરવાના છે અને તેમનું રિસેપ્શન અથવા દાવત ૧૮ ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાશે. જોકે શાદીની આ તારીખ બાબતમાં સૈફ અથવા કરીના બેમાંથી કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હિ‌ન્દી ફિલ્મોમાં એવી પરંપરા વર્ષોથી ચાલી આવે છે કે જે હિ‌રોઇન લગ્ન કરીને કોઇકની થઇ જાય તેમાંથી દર્શકોને રસ ઊડી જાય છે અને તેની ફિલ્મો ફલોપ થવા લાગે છે. કરીના કપૂર અત્યારે તેની કારકિર્દીની ટોચે છે. તેની એક પછી એક ફિલ્મો હિ‌ટ જઇ રહી છે. તાજેતરમાં જે તેની હિ‌રોઇન નામની ફિલ્મ રિલીઝ થઇ છે. જેમાં કરીના કપૂર તેની કારકિર્દીની સૌથી વધુ પડકારરૂપ ભૂમિકામાં ઉપસ્થિત થઇ છે. કદાચ કરીના કપૂરને એવો ડર છે કે તેનાં લગ્નની વાત જાહેર થઇ જશે તો આ ફિલ્મ ફલોપ જશે. માટે તે લગ્નની જાહેરાત ટાળી રહી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર છેલ્લાં પાંચ વર્ષથી પતિ-પત્નીની જેમ એક જ ફલેટમાં સાથે રહે છે. તેઓ પાર્ટીઓમાં પણ સાથે જાય છે અને વિદેશમાં ફરવા પણ સાથે જઇ આવ્યાં છે. બંનેના પરિવારમાં પણ કોઇને તેમનાં લગ્ન સામે વાંધો નથી. કરીનાને ડર છે કે જો તે લગ્ન કરીને સૈફની થઇ જશે તો તેની ઝળહળતી કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મુકાઇ જશે. બીજું તે સૈફ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ અંગિકાર કરવા બહુ ઉત્સુક નથી. આ કારણે સૈફ-કરીનાની શાદી હજી પણ અનિ‌શ્ચિ‌ત જ માનવામાં આવે છે. સૈફ-કરીનાની શાદી થશે કે નહીં થાય, થશે તો ક્યારે થશે, કઇ વિધિથી થશે, ક્યાં થશે, કરીના ધર્મપરિવર્તન કરશે કે નહીં કરે. આ બધી બાબતોમાં તર્કવર્તિકો ચાલી રહ્યા છે ત્યાં પત્રકારો સાથે વાતચીત કરતાં કરીના કપૂરે ધડાકો કર્યો છે કે તેના સૈફ સાથે ક્યારનાં લગ્ન થઇ ચૂક્યા છે, હવે માત્ર કાનૂની વિધિ જ કરવાની છે. કરીનાના આ સ્ફોટને કારણે લગ્નની તૈયારી કરી રહેલી શર્મિ‌લાનો ઉત્સાહ મોળો પડી ગયો છે. સૈફ અલી ખાનની ઉંમર અત્યારે ૪૬ વર્ષની છે. કરીના કરતાં તે ૧૦ વર્ષ મોટો છે. સૈફ ફિલ્મોમાં કામ કરવા મુંબઇ આવ્યો ત્યારે અમૃતા સિંહ નામની હિ‌રોઇનના ઘરે રહેતો હતો. અમૃતા સિંહ સૈફ કરતાં ઉમરમાં મોટી હતી. સૈફ તેના પ્રેમમાં પડયો હતો અને ૨૧ વર્ષની ઉંમરે તેને પરણી ગયો હતો. તેમને એક પુત્રી પણ થઇ હતી. સૈફને અમૃતા સાથે ન ફાવ્યું એટલે તેણે છૂટાછેડા લઇ લીધા હતા. સૈફ-અમૃતાની પુત્રી અત્યારે ૧૮ વર્ષની થઇ ગઇ છે અને ટૂંક સમયમાં હિ‌ન્દી ફિલ્મોમાં પદાર્પણ કરે તેવી પણ સંભાવના છે. આ પહેલાં સૈફ કરીના સાથે શાદી કરીને ઠરીઠામ થવા માંગે છે, પણ કરીના હજી આ શાદી માટે તૈયાર હોય તેવું જણાતું નથી. મનસૂર અલી ખાન પટૌડી ગુજરી ગયા ત્યારે કરોડો રૂપિયાની જાયદાદ મૂકતા ગયા છે. મનસૂર અલી ખાન મધ્યપ્રદેશમાં ભોપાલની બાજુમાં આવેલા પટૌડી ગામના નવાબ હતા. તેમના મૃત્યુ પછી સૈફ અલી ખાન નવાબ બન્યો છે. પટૌડી ખાનદાનની પરંપરા મુજબ સૈફ અલી ખાન જો મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરે તો જ પિતાના વારસામાં તેનો હકક્ લાગે છે. તે જો મુસ્લિમ યુવતી સાથે લગ્ન ન કરે તો પિતાનો વારસો સૈફની બહેન સબ્બાને મળે તેમ છે. આ કારણે સૈફનો આગ્રહ એવો છે કે કરીનાએ ઇસ્લામ અંગિકાર કરી લેવો જોઇએ. સૈફ અને કરીનાએ ર્કોટમાં જઇને લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવાનું નક્કી કર્યું છે, એટલું નક્કી છે. આ માટે તેમણે મુંબઇની ર્કોટમં ૧૨મી સપ્ટેમ્બરે ફોર્મ ભર્યું છે. આ ફોર્મ ભર્યાના એક મહિ‌ના પછી કાનૂની રીતે લગ્નનું રજિસ્ટ્રેશન થઇ શકે છે. સૈફ-કરીનાના રિસેપ્શનની તારીખ ૧૮ ઓક્ટોબર નક્કી છે. આ ઉપરથી એટલું અનુમાન થાય છે કે સૈફ-કરીના ૧૨ અને ૧૮ ઓક્ટોબર વચ્ચે ર્કોટમાં જઇને લગ્ન કરી લેશે. જોકે હિ‌ન્દી ફિલ્મોમાં બનતું હોય છે તેમ આ શાદીમાં છેલ્લી ઘડીએ કોઇ વિઘ્ન આવી જાય તો પણ નવાઇ નહીં લાગે.