ભૌતિક્તાથી નિર્લેપ થવું એનું નામ સાધુતા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુનિ માર્કડેયની કઠોર તપસ્યાથી દેવરાજ ઈન્દ્ર ભયભીત થઈ ગયા કે મુનિ તેમના સિંહાસન પર અધિકાર ન કરી લે. તેમણે માકડેયની તપસ્યા ભંગ કરવાનું નક્કી કર્યું. એક દિવસ મુનિની ગેરહાજરીમાં તેમણે પુષ્કળ ધન તેમના આશ્રમમાં મૂકી દીધું. જ્યારે મુનિ પરત ફર્યા તો તે જોઈને દંગ રહી ગયા. પોતાના શિષ્યોને બોલાવીને માકડેયે કહ્યું કે આ ધન મારું નથી, તેથી તેને ગરીબોમાં વહેંચી દો. જ્યારે ઈન્દ્રએ જોયું કે મુનિને ધનનો લોભ નથી તો તેઓ એક રાજાનો વેશ ધારણ કરીને આશ્રમ આવ્યા અને મુનિ પાસે આવીને બોલ્યો, મુનિવર હું એક રાજા છું અને મારી પાસે અપાર સંપત્તિ છે, પણ કોઈ સંતાન નથી, મારી ઈચ્છા છે કે તમને દત્તક લઈને તમને ગાદી સોંપી દઉં અને સન્યાસ લઉં. મુનીએ જણાવ્યું કે, રાજન જેણે એક વખત ઈશ્વર સાથે સંબંધ સ્થાપી દીધો તેના માટે ધન અને સિંહાસન વ્યર્થ થઈ જાય છે. મને તેનો કોઈ લોભ નથી. તમારે સન્યાસ લેવો હોય તો હું અહીંયા એક ઝૂંપડી બનાવી દઉં. મુનિનો જવાબ સાંભળીને ઈન્દ્રએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને કહ્યું મુની હું તમારી કઠોર તપસ્યાથી ભયભીત થઈ ગયો હતો કે તમે કદાચ મારું સિંહાસન ન પડાવી લો, તેથી હું તમારી તપસ્યા ભંગ કરવા આમ કરતો હતો. ત્યારે માકડેયે કહ્યું, દેવેન્દ્ર તમને જ્યારે પોતાના પર જ વિશ્વાસ નથી તો રાજકાજ કેવી રીતે કરશો? સંન્યાસીને સિંહાસનની નહીં સમાજની ચિંતા હોય છે. ઈન્દ્ર શરમાઈને ત્યાંથી પાછા વળી ગયા. ખરેખર ભૌતિક આકર્ષણોથી પર રહેનાર જ સાધુતાની કસોટીમાં ખરો ઊતરે છે.