ગગડતો રૂપિયો, ભભૂકતું પેટ્રોલ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલના મોટા ભાવવધારા સામે ૩૧મીના રોજ ભારત બંધ મનાવાયો. જેમાં એનડીએ, ડાબેરી પક્ષો, સમાજવાદી પક્ષ, અન્નાદ્રુમક, તુણમૂલ વગેરેએ ભાગ લીધો. બંધની સફળતા- વિફળતાના દાવા પ્રતિદાવા કરાયા. પણ આનું પરિણામ શું? ઊંડા ઉતરતા લાગે છે કે, આ ભાવવધારાએ વિવિધ રાજનેતાઓને પોતાના અસ્તિત્વને દેખાડવાનો મોટો મોકો આપ્યો છે. અસલમાં આજકાલ કયા રાજકીય પક્ષ કે રાજનેતાને જનતાની પડી છે? આ કઈ પહેલો વધારો નથી. ૧૯૭૩માં પહેલો ક્રૂડતેલનો ભાવવધારો આવ્યો અને ઇન્દિરા ગાંધીએ પેટ્રોલિયમ પેદાશોનો ભાવવધારો કર્યો તો એમાંથી જન્મેલો અજંપો અને અસંતોષ જેપી આંદોલન સુધી પહોંચ્યો હતો. રાજીવ ગાંધીએ ૧૯૮૬ના જાન્યુઆરીમાં ભાવવધારો કર્યો પણ લોકોને અસંતોષ જોઈ ભાવવધારો પરત લઈ લીધો. પણ ઇતિહાસનું પુનરાવર્તન થયું. પ્રથમ ખાડી યુદ્ઘ થયું અને ક્રૂડ મોંઘુ થયું. ત્યારે વી.પી.સિંહ પ્રધાનમંત્રી હતા તેઓએ જરૂરી ભાવવધારાને પરદેશી હૂંડિયામણની ગંભીર કટોકટી ઊભી થતાં સુધી ટાળ્યા કર્યો. અત્યારે મનમોહનસિંહે ભાવવધારો આમ જ ટાળ્યા કર્યો પણ પછી જબ્બર ખોટ સરભર કરવા ૧૨ ટકા ભાવવધારો કર્યો જે આ બધામાં સૌથી ઊંચો હતો. આ લાંબી કથાના અંતે હાલનો વિસ્ફોટ જોઈ કેટલાક આર્થિ‌ક તજ્જ્ઞો આવા એક સાથે વધારાને બદલે ધીમા ક્રમશ: વધારાની સલાહ આપે છે. પણ ક્રૂડનો ભાવવધારો અને ગબડી રહેલો રૂપિયો મધ્યમવર્ગીય ગરીબ જનતાના દુ:ખ, મોંઘવારી અને ફુગાવાના વધારાથી પીડાજનક અને અસહ્ય બન્યો છે. પણ બીજા એવા આજે પણ છે જે આ ક્રૂડના ઊંચા ભાવ અને ગગડતા રૂપિયાથી માલામાલ થયા છે. પણ મધ્યમ અને ગરીબની પીડાના બદલે એ ઊંચા નફામાં રાચે છે. દાખલા તરીકે ૨૦૧૧માં આજના ત્રિમાસિક ગાળાનો ઓએનજીસીનો નફો અંદાજે રૂ. ૨૮૦૦ કરોડ હતો તે ૨૦૧૨ના આવા જ ત્રિમાસિક ગાળામાં બમણો એટલે રૂ. પ૬૪૪ કરોડ થઈ ગયો અને તે પણ ક્રૂડ ઉત્પાદનમાં કોઈ ખાસ વધારા વગર. કારણ એને ક્રૂડનો આંતરરાષ્ટ્રીય ભાવ મળે છે. એવી જ રીતે હિ‌ન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૧૧૦૦ કરોડમાંથી વધી રૂ. ૪૬૩૦ કરોડ એટલે ચાર ગણો વધી ગયો. વાત આટલેથી અટકતી નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને હવે ક્રિષ્ના ગોદાવરીનો ગેસ અત્યારે મિલિયન બીટીયુના ૪.૨ ડૉલરે પડે છે. એણે સરકાર પાસે માગણી કરી છે કે એને આયાત થતા ગેસના ભાવ જેટલો ભાવ અપાય. હાલનો ભાવ સરકાર અને રિલાયન્સ વચ્ચે થયેલ સમજૂતી મુજબ ૨૦૧૪ માર્ચ સુધી છે અને ક્રૂડના બેરલે ૬૦ ડૉલરેના હસાબે નક્કી થયો છે. માગણી સ્વીકારાય તો એને બમણો ભાવ મળે કારણ અત્યારે ક્રૂડનો ભાવ બેરલે ૧૦૬ લર છે. ગેસનો આ નવો ભાવ નક્કી થાય તો વીજળીનો ભાવ બમણો થઈ જાય, પણ રિલાયન્સને જનતા પરના આવનારા બોજ કરતાં એના નફાની વધુ પડી છે. ઉદ્યોગોના આવા વલણની તુલનામાં રાજ્ય સરકારોનું વલણ જનતાની બાબતમાં જુદું નથી. કેન્દ્ર સરકાર પેટ્રોલના એક લિટર પર રૂ. ૧૪.૭૮ ફિકસ્ડ એકસાઇઝ ડયૂટી ઉઘરાવે છે. જ્યારે રાજ્ય સરકારો એના પર એડવેલોરમ ઢબે કર ઉધરાવે છે. એડવેલોરમ એટલે ભાવ આધારિત. પેટ્રોલ કે ડીઝલના ભાવ વધે એટલે આપોઆપ કર વધે. હવે રાજ્ય સરકારોને આ છેલ્લે લિટરે રૂ. ૬.૨૮ તેલ કંપનીઓએ કરેલા વધારાને કારણે કેટલો લાભ થશે એ જોઈએ. મમતા બેનરજી જે વારંવાર પ.બંગાળની આમજનતાના બોજ સામે મેદાને પડે છે તેની સરકાર લિટરે રૂ. ૧૬.૦૮ કર ઉઘરાવે છે. જે કેન્દ્રથીય વધુ છે. એવી જ રીતે મુંબઈમાં મહારાષ્ટ્ર સરકાર લિટરે રૂ. ૧૬.૭૦ ઉઘરાવે છે. હૈદ્રાબાદમાં આન્ધ્ર સરકાર તો રૂ. ૧૯.૮૩ એટલે રૂ. ૨૦ પડાવે છે. જ્યારે ગુજરાત પણ એની લગોલગ લિટરે રૂ. ૧૯.૪૬ પડાવે છે. જ્યારે જે મુખ્યપ્રધાનોને જનતા દુ:ખની સાચી ચિંતા છે તે ગોવાએ આખું કરભારણ હટાવી દેતાં મુંબઈમાં 'આમઆદમી’ લિટરે રૂ. ૭૮.પ૭ ભોગવે છે જ્યારે ગોવાનો ભાવ માત્ર રૂ. ૬૧.૧૯ છે જ્યારે કેરળ, ઉત્તરાખંડ અને દિલ્હીએ આંશિક રાહત આપી છે. હવે રાજ્યો એમને કેન્દ્ર કરતાં વધુ કર મળવા છતાં એ રીતે કપાતની સાફ ના પાડે છે. કારણ કે પેટ્રોલ, ડીઝલ અને શરાબ રાજ્ય સરકારોની દૂઝણી ગાય છે. આ બધી હકીકતો સ્પષ્ટ કરે છે કે અત્યારે કોઈનેય ગરીબોની કે આમઆદમીની પડી નથી આ તો 'જનતા મરો કે ગરીબ મરો પણ મારું ઘરભાણું ભરો’ એવું ખુલ્લમ ખુલ્લા ચાલી રહ્યું છે. વિશ્વમાં એક યુગ એવો હતો જ્યારે વિશ્વભરમાં સમ્રાજ્યવાદની બોલબાલા હતી. બ્રિટન, ફ્રાન્સ એવા ઘણા દેશો પાસે સંસ્થાનો હતાં. એટલે અંગ્રેજોને ભારતમાંથી કપાસ, ખનીજ મન ફાવે તે ભાવે મળતાં અને સસ્તા માલમાંથી બ્રિટન સમૃદ્ઘ બની જતું. હવે, ભારતને સંસ્થાનની તક નથી એટલે લાગે છે કે ગ્રામ્ય પ્રજાને સંસ્થાન માની એનું શોષણ થઈ રહ્યું છે. ક્રૂડના ભાવવધારાથી ખેડૂતોને વાપરવી પડતી જંતુનાશક દવાઓ ૧પથી ૨૦ ટકા મોંઘી થઈ રહી છે. પણ ક્યાંય કોઈ તેની ચિંતા કરે છે ખરા ! ભાવવધારો ! મોંઘવારી! કે ફૂગાવાની ચિંતા આમઆદમીના કારણે નહિં પણ 2014 ની ચૂંટણીના હથિયાર ખાતર થઈ રહી છે. એ ક્યારે સમજીશુ ? -સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણા પ્રધાન છે