તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંગાના નામે રૂ.7000 કરોડનો ધુમાડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
જીસ દેશમેં ગંગા બહતી હૈ’ના ગૌરવ કરતાં ‘રામ તેરી ગંગા મૈલી’નો ઠપકો વધારે યોગ્ય લાગે એવા સંજોગો છે. પુરાણકથાઓમાં ભારે મહત્ત્વ ધરાવતી અને જેમાં ડૂબકી મારવાથી બધાં પાપ ધોવાઈ જાય, એવી માન્યતાઓના કેન્દ્ર જેવી ગંગા પોતે ઘણાં વર્ષોથી અનેક ‘પાપો’ની કારક બની છે. તેમાં કર્તા ગંગા નહીં, ટૂંકા સ્વાર્થ માટે પર્યાવરણનો કાયમી દાટ વાળતો ટૂંકબુદ્ધિ, કાળા માથાનો માણસ છે. ગંગાના કિનારે થયેલાં આડેધડ બાંધકામોથી માંડીને તેમાં વહેતો કરાતો ઘન અને પ્રવાહી કચરો ભારતની સૌથી પવિત્ર નદીનો દરજ્જો ધરાવતી ગંગાને સૌથી પ્રદૂષિત બનાવી મૂકે છે.
 
ત્યારે સત્તાધીશો શું કરે છે? તેમની પર નિષ્ક્રિયતાનો આરોપ તો ન મૂકી શકાય. કારણ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આપેલા તાજા ચુકાદામાં નોંધ્યું છે કે અત્યાર લગી ગંગાના શુદ્ધિકરણના નામે રૂ.7,304 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે. પણ જાહેર હિતની અરજી કરનાર અરજદારે કહ્યું છે તેમ, આ રકમ સદંતર પાણીમાં ગઈ છે. બધી સરકારોએ આ ‘વહેતી ગંગા’માં ડૂબકીઓ લગાવી છે એટલે કે નાણાંનો વ્યય કર્યો છે. પરંતુ ગંગાની શુદ્ધિના કામમાં કશી પ્રગતિ થઈ નથી. એટલે આ રકમ ક્યાં અને કેવી રીતે વપરાઈ તે માટે સીબીઆઈની તપાસ નીમવાની કે કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર (CAG) દ્વારા તેનો હિસાબ કરાવવાની માગણી મૂકી છે. પરંતુ આ મુદ્દે પરિણામલક્ષી તપાસ થાય એવી સંભાવના નહીંવત્ છે.
 
અગાઉ સ્વામી નિગમાનંદ અને નાગનાથ યોગેશ્વર જેવા કેટલાક સંતો ગંગાની સ્વચ્છતાની માગણી સાથે અને ગંગાકિનારાના પ્રદેશોમાં થતા બેફામ ખાણકામની સામે આમરણ ઉપવાસ પર ઉતરીને, મૃત્યુને ભેટ્યા હતા. એ વખતે મોટી મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ કશું નક્કર કામ થયું ન હતું. વર્તમાન સત્તાધીશો અને ખાસ તો વારાણસી મતવિસ્તારના સાંસદમાંથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ ગંગાશુદ્ધિ માટે ઘણા વાયદા કર્યા હતા, પરંતુ તેમની અડધી મુદત પૂરી થયા પછી પણ એના અમલનું ઠેકાણું પડ્યું નથી. 

ટ્રિબ્યુનલે ગંગાના રક્ષણ અને શુદ્ધિ માટે કેટલાક કડક આદેશ આપ્યા છે. તેમાં નદીની આસપાસના પાંચસો મીટરના વિસ્તારમાં કચરો ઠાલવનારને રૂ.50 હજારના દંડની જોગવાઈ છે. ટ્રિબ્યુનલે નદીકાંઠાથી સો મીટરના વિસ્તારમાં કશો ‘વિકાસ’ નહીં કરવાનો એવો પણ આદેશ આપ્યો છે. ધારાધોરણોનો ધરાર ભંગ કરતા અને ભ્રષ્ટાચારના જોરે નભી રહેતા વેપારઉદ્યોગોના કચરાથી માંડીને નદીકિનારે થતી ધાર્મિક વિધીમાંથી પેદા થતો કચરો ગંગાને અવિરત પ્રદૂષિત કરતો રહે છે. જેને સૌથી પવિત્ર ગણવામાં તેને સૌથી પ્રદૂષિત કરવાની માનસિકતાની ભારત માટે જોકે નવાઈ નથી. ‘જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે’ એવાં સૂફિયાણાં વચનો ટાંકતા દેશમાં નારીની સાચી સ્થિતિ સૌ જાણે છે. ગંગાના શુદ્ધિકરણનો પડકાર ફક્ત પર્યાવરણીય નહીં, રાજકીય અને સામાજિક પણ છે. તેને ફક્ત નેતાઓના ભરોસે છોડવા જેવો નથી.
અન્ય સમાચારો પણ છે...