તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિન્દ્ર જાડેજા: યુદ્ધમાં તલવાર અને ક્રિકેટમાં બેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રવિન્દ્ર જાડેજા)
‘મધર કરેજ’ નામના પુસ્તકમાં માતાના ધાવણની વાત કરી છે. માણસની ખરી બહાદુરી તેની માતાનું ધાવણ ધાવ્યું હોય તેનાથી પરખાય છે. લડાઈના મેદાનમાં કે ક્રિકેટના મેદાનમાં! વળી યુદ્ધ એ પ્રેમ જેવું છે. કોઈ પણ બહાને માનવી યુદ્ધ કરી જ બેસશે. તેને પ્રેમ વગર ન ચાલે તેમજ યુદ્ધ વગર ન ચાલે! આ વાત મેં 28 નવેમ્બર, 2016ના રોજ મોહાલીના ક્રિકેટના મેદાનમાં જોઈ. ત્યાં અમારા સૌરાષ્ટ્રના જામનગરના દરબાર જેને અમે ‘બાપુ’ કહીએ છીએ, તે બાપુ નામે રવિન્દ્ર જાડેજાને યુદ્ધના મેદાનમાં જેમ તલવાર ફેરવાય તે જ રીતે ક્રિકેટના બેટને ચારે દીશામાં ફેરવતાં જોયા. ક્રિકેટમાં પહેલેથી ઑલરાઉન્ડર એવા અશ્વિન રામચંદ્રનને લાંબી ભાગીદારી આપીને જામનગરના બાપુ મેદાનમાં ટકી ગયા. ડૉ. સેલ્ડરાજ ક્લીવરની વાત ત્યારે સાચી લાગી કે તમામ યુદ્ધના દેવતા મરી ગયા છે, પણ હજી યુદ્ધ પછી તે રણમેદાનમાં હોય કે ક્રિકેટના મેદાનમાં હોય રવિન્દ્ર જાડેજાનું બેટ મોહાલીમાં હજી સમણે છે. (સમણવું એટલે ઘુમાવવા-ચક્કર ચક્કર ફેરવવું). હજી બેટથી-બોલથી યુદ્ધ લડે છે.
રવિન્દ્ર જાડેજાનું આખુ નામ છે: સર રવિન્દ્રસિંહજી અનિરુદ્ધસિંહજી જાડેજા. 6-12-1988ના રોજ 28 વર્ષ પહેલાં તેનો જન્મ થયો. હું દરબારો-ગરાસિયા- રજપૂતોના ગામમા ઉછર્યો છું. અમારે રવિન્દ્ર જાડેજાને સર કહેવું પડે અને ‘તું’ કારે ન બોલાવાય. તેને માન સહિત તમે કહીને બોલાવવા પડે. મારા ગામની 800ની વસતિમાં મોટે ભાગે રવિન્દ્ર જાડેજાના કુળના ગરાસીયા-દરબારો રહેતા હતા. આ દરબારો ગામની શેરીમાં વટથી નીકળે એ સમયે કૂવામાંથી પાણી સીંચીને પનિહારી સામી મળે, ત્યારે પનિહારીઓએ બાપુની લાજ-ઘુમટો તાણીને બાપુ પસાર થઈ જાય ત્યાં સુધી એક બાજુ ઊભી રહેતી. તમામ પનિહારીઓ એટેન્શન થઈ જાય.રવિન્દ્ર જાડેજા લાડકોડથી સૌરાષ્ટ્રમાં ઉછરેલા, પણ કમનસીબ હતા કે કુમાર અવસ્થામાં રવિન્દ્ર જાડેજાનાં માતા ગુજરી ગયાં. માતાનો વિલાપ લાંબો ટકે પણ રવિન્દ્ર જાડેજાએ થોડાક આંસું લૂછ્યાં અને તેની બહેન નૈના જે નર્સ હતી તેણે જ ખરાં આંસું લૂછ્યા. વેસ્ટઈન્ડિઝ અને ઇંગ્લૅન્ડ વગેરે ક્રિકેટ ટીમો પાસે સ્પિન બોલરો અને ઓલરાઉન્ડરો ઘણા છે.
આપણી પાસે સોગંદ ખાવા પૂરતાં થોડાક સ્પિનરો અને ઓલરાઉન્ડરો છે તેમાં આજે રવિન્દ્ર જાડેજા પ્રથમ નંબરે છે. અશ્વિન પર મારી આશા છે. માતા ગુજરી ગયા પછી તેણે ક્રિકેટ છોડી દીધું હતું. રવિન્દ્ર જાડેજાનું સગપણ તેના નામની સાથે મળતા આવતા નામની યુવતી રીવાબા સોલંકી સાથે થયું, તેમનાં લગ્ન પણ આ જ વર્ષમાં થયાં છે. આજે તેઓ ક્રિકેટને વરઘોડે છે.આજકાલ ઇંગ્લૅન્ડના ક્રિકેટરોના ક્રિકેટના મેદાનમાં આપણા બેટ્સમેનો જ નહીં પણ બોલરોના કાઠિયાવાડની ભાષામાં ગાભા કાઢી રહેલ છે તેમા આ લખું છું ત્યારે રવિન્દ્ર જાડેજા અને અશ્વિન રવિચંદ્રને મળીને ગોરા ક્રિકેટરોને ફિલ્ડિંગમાં ચારેકોર થકાવ્યા હતા. આ દરબારે રણજી ટ્રોફીમાં ત્રણસો ત્રણસો રનના ખડકલા ર્ક્યા હતા. પણ બોલિંગમા પણ એટલા જ વધુ ઝળક્યા હતા. ઓસ્ટ્રેલિયા જ્યારે ભારત આવ્યું ત્યારે ચાર ટેસ્ટમાં જાડેજાએ 24-24 વિકેટો લઈ સૌરાષ્ટ્રની ભાષામાં ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું હતું. જે ક્રિકેટર બેટિંગ અને બોલિંગમા ઝળકે તેને ‘ગોલ્ડન બોલ’ ભેટ અપાય છે. ચેમ્પિયન ટ્રોફીમાં 2013માં જાડેજાએ ‘ગોલ્ડન બોલ’ હાંસલ કરેલો. જાણે બેટ ઉપર સંગીતની તરજો વગાડીને રોકસ્ટાર જેવું મનોરંજન ક્રિકેટના મેદાનમાં જાડેજા કરાવે છે. જાડેજા જેવા હળવા મિજાજ અને ‘ડોન્ટકેર’ વલણવાળા માણસ જરૂરી છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ને પણ રવિન્દ્ર જાડેજાને ‘રોકસ્ટાર’ કહીને છેલ્લે ટીપ્પણ કરેલી કે રવિન્દ્ર જાડેજા- ધ ફ્યુચર ઓફ ક્રિકેટર! અરે શેન વોર્ન સાહેબ! સૌરાષ્ટ્રમા તલવાર, ધારીયા અને શસ્ત્રો ફેરવનારા બાપુઓ સાથે સાથે બીજા ઘણા ઘણા જાડેજાઓ સૌરાષ્ટ્રમા છે. એક પછી એક જાડેજા બેટ-બોલ પકડીને ઉભા જ છે. વળી વીનુ માંકડ પણ સૌરાષ્ટ્રના જ હતા.આજે તો આપણે રવિન્દ્ર જાડેજાની વાત કરીએ. ધોનીની ટેસ્ટ મોચોમાં ખાસ જરૂર નથી. નવા કેપ્ટન વિરાટ કોહલીએ બાજી બરાબર સંભાળી લીધી છે. ધોનીનું મહત્વ ઓછું થતુ નથી. તેની ‘ઇનિંગ્ઝ’ હંમેશાં યાદ રહેશે. રવિન્દ્ર જાડેજાની ખાસિયત છે કે તે ડાબેરી બેટ્સમેન છે. પણ ખરી રીતે તે ઓલરાઉન્ડર એટલે કે ડાબે-જમણે ‘ચારેકોર’ બેટ ફેરવી શકે છે. અશ્વિન રવિચંદ્રન હવે 30 વર્ષનો થવા આવ્યો છે. પણ હજી તેના આંગળાની કરામત હવે પછી થનારા સ્પિન બોલરોએ શીખવા જેવી છે. હું મદ્રાસ ગયો છું. ત્યાં મામ્બલમ વિસ્તારમાં મોટાં મોટાં મેદાન હતાં. સ્કૂલના છોકરાઓ ત્યાં ત્યારે ક્રિકેટ રમતા. અહીંથી અશ્વિન બોલિંગ, બેટિંગ (ઓપનિંગ બેટ્સમેન) અને ફીલ્ડિંગ શીખ્યો. હવે જલદીથી અશ્વિનની જગ્યાએ એક નવો ઓલરાઉન્ડર મામ્બલમે ઉર્ફે ચેન્નઈ ગોતવો પડશે, પણ ત્યાં સુધી અમારા આ જામનગરની નદીયુનાં પાણી પીધેલી માતાનો પુત્ર તો છેજ. સૌરાષ્ટ્રના સપૂતોએ બની શકે તેટલા રણજીતસિંહજી અને વિનુ માંકડ પેદા કરો અને દિલ્હીમાં જેમ ગુજરાત ફાટફાટ છે તેમ ક્રિકેટ કાઠિયાવાડથી ફાટફાટ હોવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...