રવીન્દ્ર ગાયકવાડ વિવાદોમાં રહેવા ટેવાયેલા છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એર ઇન્ડિયાના કર્મચારીને જૂતાં મારવા માટે સમાચારોમાં ચમકેલા શિવસેનાના સંસદસભ્ય રવીન્દ્ર ગાયકવાડ ભૂતકાળમાં પણ વિવાદોમાં સપડાઇ ચૂક્યા છે. રવીન્દ્ર ગાયકવાડ કોઇ અભણ રાજકારણી નથી પણ વ્યવસાયે પ્રોફેસર છે. તેઓ ડો. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી બી.કોમ. તેમ જ એમ.કોમ. ઉપરાંત બી.એડની ડિગ્રી પણ ધરાવે છે. ૫૬ વર્ષના રવીન્દ્ર ગાયકવાડને ઓસમાનાબાદના લોકો ‘રવીન્દ્ર સર’ તરીકે ઓળખે છે. ઇ.સ.૨૦૧૪ના રમઝાન મહિનામાં દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં ખરાબ ભોજનની ફરિયાદ કરવા તેમણે મુસ્લિમ કર્મચારીના મોંઢાંમાં પરાણે ખોરાકનો કોળિયો ધકેલીને તેના રોજા તોડાવ્યા હતા. 

થોડા દિવસ પહેલા પોલિસના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટને ધમકાવવા બદલ પણ તેઓ સમાચારમાં હતા. રવીન્દ્ર ગાયકવાડે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ જ નથી ત્યારે તેમણે ફરજ પરના ફ્લાઇટ એટેન્ડન્ટને જૂતાં ફટકાર્યાં હતાં. રવીન્દ્ર ગાયકવાડ સામે પોલિસમાં એફઆઇઆર થઇ છે પણ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. 

ભારતની સડકો પર જેમ ‘રોડ રેજ’ની ઘટનાઓ વધી રહી છે તેમ વિમાનના પ્રવાસમાં ‘એર રેજ’ની ઘટનાઓ પણ વધી રહી છે, કારણ કે વિમાનમાં પ્રવાસ કરનારા લગભગ બધા ઉતારૂ પોતાની જાતને મહાન અને તેથી કાયદાથી પર સમજતા હોય છે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉડ્ડયન દરમિયાન બેફામ વર્તણુક કરતાં મુસાફરો માટે કડક ગાઇડલાઇન બનાવી છે, પણ મુસાફર જ્યારે સત્તાના સ્થાને બેઠેલો હોય છે ત્યારે કર્મચારીને ગાઇડલાઇનનો અમલ કરાવવામાં નાકે દમ આવી જાય છે. રવીન્દ્ર ગાયકવાડ પુણેથી દિલ્હી જતી જે ફ્લાઇટમાં ચડ્યા તેમાં બિઝનેસ ક્લાસ હતો જ નહીં. તેમ છતાં તેમણે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખ્યો હતો. 

ફ્લાઇટ જ્યારે દિલ્હી પહોંચી ત્યારે તેમણે પોતાની બેઠક ખાલી કરી આપવાને બદલે તમાશો કર્યો હતો. તેમણે આગ્રહ રાખ્યો હતો કે એર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને નાગરિક ઉડ્ડયન મંત્રી વિનંતી કરશે જ તો તેઓ પોતાની સીટ ખાલી કરશે. ફ્લાઇટ દિલ્હીથી ગોવા જવાની હોવાથી તેને સમયસર ખાલી કરવી પણ જરૂરી હતી. ૬૦ વર્ષના બુઝર્ગ અધિકારી સુકુમારે તેમને સમજાવવાના પ્રયાસ કર્યા તો તેમને ફટકા માર્યા હતા. મુંબઇમાં અને મહારાષ્ટ્રભરમાં શિવસેનાના નેતાઓ આ પ્રકારની બરછટ વર્તણૂક માટે જાણીતા છે.

ભારતના રાજકારણીઓ પોતાની જાતને કાયદાથી પર માને છે; માટે તેમને એરલાઇન્સના સ્ટાફ સાથે ખરાબ વર્તણુક કરવાનું જાણે કે લાઇસન્સ મળી જાય છે. ઇ.સ.૨૦૧૫માં પટનાથી દિલ્હી જઇ રહેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં બિહારના નામચીન વિધાનસભ્ય પપ્પુ યાદવે એર હોસ્ટેસની છેડતી કરવાની કોશિષ કરી હતી. એર હોસ્ટેસોની ગંદી મજાક કરવામાં આવે અથવા તેમને પૂંઠે ચિમટો ભરવામાં આવે તેવી ઘટનાઓ તો નિયમિત બનતી હોય છે. ઇ.સ.૨૦૧૫ના નવેમ્બરમાં વાય.એસ.આર. કોંગ્રેસના સંસદસભ્ય પી. મિથુન રેડ્ડી પર તિરૂપતિ એર પોર્ટના સ્ટેશન મેનેજર પર હુમલો કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના કદાવર કોંગ્રેસી નેતા અબ્દુલ રહેમાન અંતુલેએ દારૂ પીને ચાલુ ફ્લાઇટમાં ગોંધળ મચાવીને પોતાની રાજકીય કારકિર્દી જોખમમાં મૂકી દીધી હતી. રાજકારણીઓ માને છે કે તેઓ કાયદાથી પર છે; માટે તેમને ગમે તેમ વર્તવાનો અધિકાર છે.

બ્રિટન અને અમેરિકાની વિમાની કંપનીઓ હવે નો ફ્લાય લિસ્ટ બનાવતી થઇ ગઇ છે. આ યાદીમાં જેટલાં નામો લખવામાં આવ્યાં હોય તેમને કોઇ ફ્લાઇટમાં મુસાફરી કરવા દેવામાં આવતી નથી. અમેરિકામાં ૯/૧૧ના હુમલા પછી જે નો ફ્લાય લિસ્ટ બનાવવામાં આવ્યું તેમાં તમામ સંભવિત આતંકવાદીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લિસ્ટ આજે પણ અમલમાં છે. આ લિસ્ટમાં શાહરૂખ નામના આતંકવાદીનું પણ નામ હોવાથી ભારતનો ફિલ્મસ્ટાર શાહરૂખ ખાન જ્યારે પણ અમેરિકા જાય છે ત્યારે તેણે પુરવાર કરવું પડે છે કે તે આતંકવાદી નથી. અમેરિકાની સરકારે જે નો ફ્લાય લિસ્ટ બનાવ્યું છે તેની જાહેરાત પણ કરવામાં આવતી નથી. 

આ યાદીમાં જેમનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેઓ બોર્ડિંગ પાસ લેવા જાય ત્યારે તેમને ખબર પડે છે કે તેમને વિમાનમાં મુસાફરી કરવાની છૂટ નથી. શિવસેનાના સંસદસભ્ય રવીન્દ્ર ગાયકવાડે જે પરાક્રમ કર્યું તેને કારણે ભારતની વિમાની કંપનીઓ પણ તેમનું પોતાનું નો ફ્લાય લિસ્ટ બનાવવાનું વિચારી રહી છે. જોકે ભારતની બધી વિમાની કંપનીઓએ સંપ કરીને રવીન્દ્ર ગાયકવાડને દિલ્હીથી પાછા ફરવાની ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેને કારણે તેમણે ટ્રેન મારફતે પાછા ફરવું પડ્યું હતું.

રવીન્દ્ર ગાયકવાડે એર ઇન્ડિયાના કર્મચારીને ૨૫ જૂતાં માર્યાં તે પછી તેમના પક્ષ શિવસેનાએ તેમના વર્તનને વખોડી કાઢવાને બદલે તેનો બચાવ કર્યો છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે તો ચોર કોટવાળને દંડે તેમ એર ઇન્ડિયાને ધમકી આપી હતી કે પ્રજા તમને બ્લેકલિસ્ટ કરી દેશે. સંજય રાઉતે માગણી કરી છે કે રવીન્દ્ર ગાયકવાડના ગુસ્સા માટે કોણ જવાબદાર છે? તેની તપાસ કરવી જોઇએ. રવીન્દ્ર ગાયકવાડ બિલકુલ માફી માગવાના મૂડમાં નથી. તેમણે તો એર ઇન્ડિયા પર મુકદમો માંડવાની ધમકી આપી છે. વિમાનમાં તોફાન મચાવ્યા પછી રવીન્દ્ર ગાયકવાડે ટ્રેનમાં પણ પત્રકારો સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ટ્રેનમાં પત્રકારોએ તેમને સવાલો કર્યા તો તેમણે પત્રકારોને પણ ધક્કા માર્યા હતા. ભારતના મતદારો જ્યાં સુધી આવાં તત્ત્વોને ચૂંટતા રહેશે ત્યાં સુધી હાલત સુધરવાની નથી.

ન્યૂઝ વોચ, સંજય વોરા
અન્ય સમાચારો પણ છે...