રેવ પાર્ટીના વિષચક્રમાં હોમાતું મધ્યમવર્ગનું યુવાધન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ શહેરનાં યુવક-યુવતીઓમાં એકસ્ટેસીનો આનંદ મેળવવા માદક દ્રવ્યો માટેની ઘેલછા હદ વટાવી ગઇ છે. આ કેફી પદાર્થનું સેવન હવે શ્રીમંત અને ઉચ્ચ-મધ્યમ વર્ગનો ઇજારો નથી રહ્યો. મધ્યમવર્ગનાં યુવક-યુવતીઓ પણ તેના ફંદામાં ફસાતા જાય છે. તેનું કારણ દેખાદેખી છે. કોલેજમાં ભણતાં શ્રીમંત નબીરાઓ પોતે રેવ પાર્ટીની મજા માણી આવે છે અને પછી પોતાના દોસ્તો સમક્ષ તેનું બહાદુરીભર્યું વર્ણન કરે છે. આ વર્ણન સાંભળીને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ પણ રેવ પાર્ટીમાં જતાં અને ડ્રગ્સ લેતાં થઇ જાય છે. ચરસ, ગાંજો, હેરોઇન અને બ્રાઉન સુગર જેવા પદાર્થોને તેઓ હવે વ્યસન નથી ગણતા પણ 'મોજ કરવાનું સાધન’ માને છે. મધ્યમવર્ગના અમુક નબીરાઓ તો રેવ પાર્ટીમાં જવા ઘરમાંથી ચોરી પણ કરવા લાગ્યા છે.

મુંબઇના ગ્લેમર વર્લ્ડમાં પાર્ટીઓની કોઇ નવાઇ નથી. કેટલાક રીચ અને ફેમસ લોકો પાર્ટી આપવા માટેનાં બહાનાઓ જ શોધતાં હોય છે. ફિલ્મોદ્યોગમાં સ્થાન મેળવવા માટે સ્ટ્રગલ કરતી નવોદિત યુવતીઓ ભારે ખટપટ કરીને આવી પાર્ટીઓમાં જવાનું નિમંત્રણ મેળવતી હોય છે. ગ્લેમર વર્લ્ડની પાર્ટીઓમાં જ આવી યુવતીઓની ઓળખાણ જાણીતા નિર્માતા-દિગ્દર્શકો સાથે થતી હોય છે અને તેમને ચમકવાનો ચાન્સ મળતો હોય છે. આ પાર્ટીઓમાં લગભગ બધા જ શરાબ પીતા હોય છે અને બધા જ સ્મોકિંગ કરતા હોય છે. આ પાર્ટીના આયોજકો પોતે ડ્રગ્સ લાવતા નથી પણ કેટલાક નામચીન ડ્રગ્સ પેડલરો તેમાં પોતાનો માલ વેચવા પહોંચી જતાં હોય છે. ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલાં યુવક-યુવતીઓ પાસે મુંબઇમાં પોતાને રહેવા માટેનું ઘર નથી હોતું, પણ તેમના હાથમાં વાપરવા માટે ચિક્કાર પૈસા આવતાં હોય છે. પાર્ટીઓમાં ડ્રગ્સ ક્યાં મળે છે તેની જાણ બધાને કર્ણોપકર્ણ થઇ જતી હોય છે. 'એકસ્ટેસી’ (એમડીએમએ)જેવું ડ્રગ્સ સહેલાઇથી મળતું હોવાથી તેનું સેવન કરવામાં કોઇને સંકોચ નથી થતો. કેફી દ્રવ્યોના બંધાણીઓની ભાષા પણ અજીબ હોય છે. તેઓ અમે ડ્રગ્સ લઇએ છીએ, એમ નથી બોલતા પણ અમે ડ્રગ્સ કરીએ છીએ, એમ બોલે છે.

રેવ પાર્ટીમાં જતાં યુવક-યુવતીઓમાં જો કોઇ કેફી પદાર્થ સૌથી વધુ માનીતો હોય તો તે 'એકસ્ટેસી’ છે. તેને ટૂંકમાં તેઓ 'ઇ’ તરીકે ઓળખે છે. આ ડ્રગ ટેબ્લેટ અને કેપ્સ્યુલના સ્વરૂપમાં મળે છે. આ પદાર્થની અસર બહુ ઝડપી અને તીવ્ર હોય છે. તે પેટમાં જતાં જ ગણતરીની મિનિટોમાં પોતાની અસર બતાડવી શરૂ કરે છે. તેને કારણે શરીરમાં જાણે ઊર્જા‍નો ધોધ વહેવા લાગે છે. સામાન્ય રીતે જે કામ અશક્ય જણાતું હોય તે કામ આ પદાર્થનું સેવન કર્યા પછી આસાનીથી કરવાની તાકાત આવી જાય છે. એક ભૂતપૂર્વ ડ્રગ્સ બંધાણી કહે છે કે પહેલી વખત એકસ્ટેસી લીધા પછી તે ડાન્સ ફલોર ઉપર નોનસ્ટોપ આઠ કલાક નાચ્યો હતો. જોકે આ દવાની અસર ઊતરી જાય તે પછી શરીર થાકીને લોથપોથ થઇ જાય છે.

હવે તો એકસ્ટેસી જેવાં કેફી દ્રવ્યોના સોદાગરો કોઇ પણ વ્યકિત ફોન કરે એટલે દવાના પડીકાની 'હોમ ડિલિવરી’ પણ કરે છે. હવે તો અમુક વેપારીઓ અને નોકરિયાતો પણ 'બે ઘડી મોજ’ માટે એકસ્ટેસી જેવી ડ્રગ્સનું સેવન કરવા લાગ્યા છે. એકસ્ટેસીની એક ટેબ્લેટ બે નંબરના બજારમાં ૧પ૦૦ થી ૩૦૦૦ રૂપિયાના ભાવે મળે છે. આટલી કિંમત આપીને પણ તેનું સેવન કરનારા લોકોનો કોઇ તોટો નથી. એક સમયે કોકેઇન અને એકસ્ટેસી જેવા કેફી પદાર્થોના વ્યસનમાં શ્રીમંત નબીરાઓ જ ફસાતા હતા, પણ હવે દેખાદેખીને કારણે અને પોતે પણ કાંઇક છે, એવું બતાડી દેવાની વૃત્તિને કારણે મધ્યમ વર્ગનાં યુવક-યુવતીઓ પણ શકિતની ઉપરવટ જઇને એકસ્ટેસી વાપરવા લાગ્યાં છે.મધ્યમવર્ગનાં યુવક-યુવતીઓ જેમ દેખાદેખીને કારણે બ્લેકબેરીનો મોબાઇલ અને રીબોકના શૂઝ વાપરતા થયા છે, તેમ પોતાની જાતને પુરવાર કરવા તેઓ મોંઘીદાટ નશીલી દવાઓનું પણ સેવન કરવા લાગ્યા છે.જુહુની જે હોટેલમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના બિલોની ચકાસણી પોલીસતંત્ર દ્વારા કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે એક ટેબલનું બિલ આશરે રપ,૦૦૦ રૂપિયા થતું હતું. અમુક રેવ પાર્ટીઓમાં આકર્ષણ ઊભું કરવા યુવતીઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે, અથવા કહી શકાય કે તેમનો ખર્ચ પુરુષો પાસેથી વસૂલ કરવામાં આવે છે.

આ રેવ પાર્ટીઓમાં કેટલીક સોસાયટી ગર્લ પણ હોય છે, જેઓ પાર્ટી પતી ગયા પછી કોલગર્લની સેવાઓ પણ આપતી હોય છે. આ પ્રકારની પાર્ટીઓમાં જાણીતી હસ્તીઓને આમંત્રણ આપીને બોલાવવા માટે પણ એજન્ટો કામ કરતાં હોય છે. પાર્ટીમાં સેલિબ્રિટીઝની સંખ્યાના આધારે તેનું મહત્ત્વ નક્કી થતું હોય છે.

મુંબઇમાં જે રેવ પાર્ટી‍ઓ યોજાતી હોય છે તેમાં પ્રવેશ કરવા માટે પણ પાસવર્ડ આપવામાં આવે છે. જુહુની હોટેલમાં યોજાયેલી રેવ પાર્ટી માટે ફેસબુકના માધ્યમથી આશરે ર,પ૦૦ વ્યકિતઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેમાંથી આશરે ર૦૦ વ્યકિતઓએ આમંત્રણનો સ્વીકાર કરીને પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યકત કરી હતી. તેમને ઇ-મેઇલ કરીને સૂચના આપવામાં આવી હતી કે તેમણે પાર્ટીમાં પ્રવેશ મેળવવા માટે હાથમાં રબરની પટ્ટી બાંધીને આવવાનું રહેશે. આ સિવાય તેમને કોઇ પાસવર્ડ આપવામાં આવ્યો હોય તેવી પણ સંભાવના છે.

મુંબઇ શહેરમાં એક વર્ગ એવો છે જેમને બે ટંક ભોજનનાં પણ ફાંફાં છે. બીજીબાજુ એક વર્ગ એવો પણ છે કે જેમને કમાણીના રૂપિયા કયાં નાખવા એ પણ સમસ્યા છે. બાપકમાઇ ઉપર નભતા શ્રીમંતોના નબીરાઓએ દિલ બહેલાવવા આ પ્રકારની પાર્ટીઓ ઊભી કરી છે. આ તેમની લાઇફ સ્ટાઇલનો એક ભાગ છે. તેમને જોઇને મધ્યમવર્ગના યુવાનો પણ આવી પાર્ટીઓના આકર્ષણનો ભોગ બને છે. આ પ્રકારની પાર્ટીઓ અલગ અલગ સ્થળોએ નિયમિત યોજાતી હોય છે. પોલીસ તો ક્યારેક જ ત્રાટકતી હોય છે. ડ્રગ્સના અને પાર્ટીઓના ફંદામાં ફસાઇને આપણું યુવાધન ખતમ થઇ ગયું છે, પણ માબાપોને તેની ચિંતા કરવાની પણ ફુરસદ નથી.