રણબીર કપૂર વિરુદ્ધ રણવીર સિંહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડના બે સૌથી હોટ હીરો ગણાતા રણબીર કપૂર અને રણવીર સિંહ ટીવીના સૌથી ચર્ચાસ્પદ શો ‘કોફી વીથ કરણ’માં આવવાના હોય અને તેની શહેરમાં ચર્ચા ન ચાલે તેવું બને ખરું? રવિવારે રાતે આ શો ટેલિકાસ્ટ થયો તેના પહેલાં જ અટકળો ચાલતી હતી કે કરણ જોહર દીપિકા પાદુકોણેના ભૂતપૂર્વ પ્રેમી રણબીર કપૂરને અને વર્તમાન પ્રેમી રણવીર સિંહને એકસાથે કેવી રીતે હેન્ડલ કરશે? શું દીપિકા સાથેના સંબંધો બાબતમાં તેઓ જાહેરમાં ઝઘડી તો નહીં પડે ને? આ શો જોયા પછી લાગે છે કે કરણ જોહર બંને પાસેથી તેમની ચોંકાવનારી ખાનગી વાતો કઢાવવામાં સફળ થયો છે.
(૧) શોનો પ્રારંભ બિનપરંપરાગત રીતે કરણ જોહરના ચેન્જિંગ રૂમથી કરવામાં આવ્યો હતો. રણબીર અને રણવીર તેમાં ઘૂસી ગયા હતા અને કરણ જોહરના તોફાની સવાલોનો મુકાબલો કેવી રીતે કરવો તેની રણનીતિ ઘડતા હતા. છેવટે તેમણે કરણ જોહરના ખાસડાંની જોડી હાથમાં લઇને સ્ટુડિયોમાં પ્રવેશતાં જાહેર કર્યું હતું કે કરણ જોહરના અટકચાળા સવાલોનો જવાબ તેઓ જૂતાં ફેંકીને આપશે.
(૨) કરણ જોહરે તેમને દીપિકા પાદુકોણેને કારણે તેમના સંબંધો પર કેવી અસર થઇ છે? તેવો સવાલ થોડી રાહ જોયા પછી પૂછી જ કાઢ્યો હતો. રણવીર સિંહે કોઇ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું; પણ રણબીર કપૂરે નિખાલસતાથી કબૂલ કર્યું છે કે તે પ્રકરણમાંથી હું બહાર નીકળી ગયો છું. રણવીર સિંહ અને દીપિકાની જોડીના વખાણ કરતાં રણબીર કપૂરે કહ્યું હતું કે, સ્ક્રીન પર તેમની જોડી બરાબર જામે છે. વળી ઓફ્ફ ધ સ્ક્રીન પણ તેમનું ટ્યૂનિંગ જબરદસ્ત હોય છે. રણબીર કપૂરે તેમને શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે, તેઓ સાથે મળીને કેટલાંક મહાન બાળકો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આ બાળકોનો ફેવરિટ એક્ટર રણબીર કપૂર હશે. રણવીર સિંહે પણ તેનો રદિયો આપ્યો નહોતો.
(૩) કોફી વીથ કરણ એક પ્રકારનો એડલ્ટ ટીવી શો ગણાય છે, માટે તેમાં પ્રેમ ઉપરાંત સેક્સ બાબતના સવાલો પણ પૂછવામાં આવે છે. તમે પ્રેમ વગરના સેક્સમાં માનો છો? તેવા સવાલના જવાબમાં રણબીર કપૂરે કહ્યું હતું કે તે હસ્તમૈથુન કરતાં પણ ખરાબ છે. રણવીર સિંહ કાંઇ પણ બોલ્યા વિના રણબીર કપૂર સામે તાકી રહ્યો હતો. પોર્નોગ્રાફી બાબતના સવાલના જવાબમાં રણબીર કપૂરે કહ્યું હતું કે તેને પોર્નોગ્રાફી પસંદ નથી; કારણ કે તેમાં હિંસા છે અને તે આરોગ્યપ્રદ નથી.

(૪)કરણ જોહરે રણબીર કપૂરને તેના તાજેતરના કેટરીના કૈફ સાથેના બ્રેકઅપ બાબતમાં સવાલો ન પૂછવાનું નક્કી કર્યું હતું, પણ રણબીર કપૂર તેનો ઉલ્લેખ કર્યા વિના રહી શક્યો નહોતો. રણબીર કપૂરે અને કેટરિના કૈફે તેમના બ્રેકઅપનાં કારણ બાબતમાં ક્યારેય જાહેરમાં કંઇ કહ્યું નથી. કરણ જોહરના એક સવાલના જવાબમાં રણબીર કપૂરે કહ્યું હતું કે તેણે ક્યારેય પોતાની એક્સ ગર્લફ્રેન્ડના મોબાઇલના મેસેજો ચેક કર્યા નથી; પણ તેના મેસેજો ચેક કરવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે રણબીર કપૂર કહેવા માગતો હતો કે કેટના શંકાશીલ સ્વભાવને કારણે તેમનું બ્રેકઅપ થયું છે.
(૫) રણબીર કપૂર અને રણવીર સિંહ કલાકાર તરીકે એકબીજા માટે કેવો અભિપ્રાય ધરાવે છે? તે જાણવામાં પણ તેમના ચાહકોને રસ પડશે. રણવીર સિંહે નિખાલસતાથી કહ્યું હતું કે, મેં જ્યારે બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે રણબીર કપૂર મારો આરાધ્ય દેવ હતો. રણબીર કપૂરે રણવીર સિંહના વખાણ કરતા કહ્યું હતું કે, આ કલાકારને કોઇ મર્યાદા નથી. તે ગમે ત્યાં પહોંચી શકે તેમ છે.
(૬) રણબીર કપૂરે જાહેર કર્યું કે રણવીર સિંહને હવે ડિરેક્ટર અને ફિલ્મમેકર પણ બનવું છે. રણબીર કપૂરે કહ્યું કે રણવીર બે હીરોને લઇને ફિલ્મ બનાવવા માગે છે. કરણ જોહરે આ વાત પકડી લીધી હતી. તેણે કહ્યું કે તમે બંને હીરોના રોલમાં હોવ અને દીપિકા હિરોઇન હોય તો હું હમણાં જ ડિલ કરવા તૈયાર છું. કરણ જોહરે કહ્યું કે જો આ ફિલ્મ બને તો તે ‘સંગમ’ની નવી આવૃત્તિ હશે.

(૭)કરણ જોહરે રણબીર કપૂરને અને રણવીર સિંહને એક નવી ગેમ રમાડી હતી. તેમની બંનેની વચ્ચે અર્જુન કપૂરને બેસાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંનેને સવાલો પૂછવામાં આવ્યા હતા. જો સવાલનો જવાબ હામાં હોય તો તેમણે વારાફરતી અર્જુન કપૂરને કિસ કરવાની હતી. અર્જુન કપૂરની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ હતી. તેણે રણબીર કપૂરને બેસ્ટ કિસર જાહેર કર્યો હતો.
(૮)કરણ જોહરે રણબીર કપૂરને પૂછ્યું હતું કે, શું તને એકલા રહેવાનું ગમે છે? જવાબમાં રણબીર કપૂરે નિખાલસતાથી કહ્યું હતું કે એકલા રહેવા જેવું કંટાળાજનક કાંઇ નથી. એકલા રહેવાથી જિંદગી રસહીન થઇ જાય છે. જેઓ રિલેશનશીપમાં સ્પેસની વાત કરતા હોય તેમણે નાસામાં જોડાઇ જવું જોઇએ. રણબીર કપૂરે કબૂલ કર્યું હતું કે છેલ્લાં એક વર્ષથી તે બ્રહ્મચારી છે. આ કબૂલાત દ્વારા તેણે કમલા હસનની પુત્રી શ્રુતિ હસન સાથેના તથાકથિત સંબંધોની અફવાનું ખંડન કર્યું હતું.

(૯) કરણ જોહરે સવાલ કર્યો હતો કે, શું તમે બેસ્ટફ્રેન્ડ છો? આ સવાલના જવાબમાં રણબીર કપૂરે જરાય દંભ કર્યા વિના કબૂલ કર્યું હતું કે મને રણવીરનું કામ ગમે છે, વ્યક્તિ તરીકે રણવીર ગમે છે, પણ અમે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ નથી. તમે અમને બોલાવ્યા છે, માટે અમે શો કરવા આવ્યા છીએ.
(૧૦) શોના પ્રારંભ પહેલા કરણ જોહરના ચેન્જિંગ રૂમમાં રણબીર કપૂર અને રણવીર સિંહ જે વાતચીત કરતા હતા તેમાં ઉલ્લેખ હતો કે કરણ જોહરને કોફી વીથ કરણના એક એપિસોડના એક કરોડ રૂપિયા મળે છે. ફિલ્મસ્ટારો સાથે કોફી પીવામાં આટલી કમાણી થાય તે વાત અકલ્પનીય છે.
અન્ય સમાચારો પણ છે...