નવજાત શિશુઓને વેચવાનું વ્યાપક કૌભાંડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરોગસી નામની આધુનિક ટેક્નોલોજીને કારણે અનેક નિ:સંતાન દંપતીઓને ખોળાનો ખૂંદનારો મળ્યો હશે, પણ તેની આડમાં નવજાત શિશુઓને વેચવાનું વ્યાપક કૌભાંડ પણ ચાલી રહ્યું છે. અમદાવાદના એક નામાંકિત ડોક્ટર સરોગસીના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આઠ લાખ રૂપિયામાં બે બાળકોને વેચતાં પકડાઇ ગયા છે તો મુંબઇમાં એક કુંવારી માતાએ પોતાનું બાળક હોસ્પિટલના સ્ટાફની મદદથી વેચી દીધું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. થોડા સમય પહેલાં મુંબઇના એક પિતાએ પોતાનું બાળક દત્તક આપવું છે એવી જાહેરાત આપી ત્યારે અનાથાશ્રમ ચલાવતી અનેક સંસ્થાઓ દ્વારા તેમનો સામેથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને બાળકના બદલામાં મોટી રકમોની ઓફર કરવામાં આવી હતી. બાળકના પિતાએ તેમાંનાં કેટલાક અનાથાશ્રમોની મુલાકાત લીધી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે તેઓ વિદેશી દંપતીઓને બાળક દત્તક આપીને તેમાંથી કમાણી કરવાનું રેકેટ ચલાવતા હતા. વસઇની એક હોસ્પિટલમાં તાજેતરમાં ૨૦ વર્ષની કુંવારી માતાએ બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકને એક આધેડ દંપતીને વેચવા માટે તેણે હોસ્પિટલના રજિસ્ટરમાં પોતાનું નામ નોંધાવવાને બદલે બાળકને ખરીદનારી સ્ત્રીનું નામ લખાવ્યું હતું. હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડોક્ટરને શંકા જતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી તેને પગલે બહાર આવ્યું છે કે મુંબઇની મ્યુનિસપિલ હોસ્પિટલોમાં આ રીતે બાળકોને વેચવાનું મોટું કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે.

મુંબઇ નજીક આવેલા વસઇની મ્યુનિસપિલ હોસ્પિટલમાં એક ૨૦ વર્ષની ગર્ભવતી યુવતી રજિસ્ટ્રેશન માટે આવી હતી. તેણે પોતાનું નામ ‘દીપા’ લખાવ્યું હતું. આ જ યુવતી એક મહિના પછી પાછી હોસ્પિટલમાં આવી હતી અને તેણે પોતાનું નામ ‘પ્રીતિ’ લખાવ્યું હતું. આ યુવતીએ ગયા બુધવારે એક પુત્રને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી ભારતી પંચાલ નામની મહિલા ‘પ્રીતિ’ને મળવા આવી હતી અને તેમણે કાંઇક ગુસપુસ કરી હતી. હોસ્પિટલના સ્ટાફને ખ્યાલ આવ્યો હતો કે અગાઉ ‘દીપા’ નામ સાથે આવેલી સ્ત્રીએ પોતાનું નામ ‘પ્રીતિ’ જણાવ્યું હતું. કાંઇક કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા જતા હોસ્પિટલના સ્ટાફે વસઇના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વસઇ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ‘પ્રીતિ’ની પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી. તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે તેનું અસલ નામ ‘દીપા’ છે. તું કુંવારી માતા બનવાની હોવાથી તેણે અને તેના બોયફ્રેન્ડે બાળકને દત્તક આપી દેવાની યોજના બનાવી હતી. આ માટે તેમણે ગોરેગાંવમાં રહેતી ભારતી પંચાલ નામની દલાલનો સંપર્ક સાધ્યો હતો. ભારતી ‘દીપા’ને લાલચ આપી હતી કે તેને બાળકના બદલામાં ૫૦,૦૦૦ રૂપિયા મળશે. ભારતી પંચાલે આ બાળકનો સોદો ‘પ્રીતિ’ નામની મહિલા સાથે કર્યો હતો. બાળકને દત્તક આપવાની કાનૂની કડાકૂટમાં પડવાને બદલે તેમણે બાળકની કુદરતી માતા તરીકે ‘પ્રીતિ’ ને ખપાવી દેવા હોસ્પિટલનાં રજિસ્ટરમાં ‘દીપા’ને બદલે ‘પ્રીતિ’નું નામ લખાવ્યું હતું. જેથી બાળકના બર્થ સર્ટિફિકેટમાં માતા તરીકે ‘પ્રીતિ’નું નામ આવે. આ ચાલાકી પકડાઇ ગઇ હતી.

જાણકારો કહે છે કે મુંબઇની સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારે કુંવારી માતાઓ દ્વારા બાળકોને બીજાં નામે જન્મ આપીને વેચી દેવાના અનેક કિસ્સાઓ બને છે. મુંબઇની સાયન અને કેઇએમ જેવી સરકારી હોસ્પિટલોમાં દર વર્ષે આશરે ૭,૦૦૦ જેટલાં બાળકોનો જન્મ થાય છે. આ હોસ્પિટલમાં સુવાવડ માટે કોઇ પણ મહિલા આવે ત્યારે તે પોતાનું જે નામ કહે તે નામ રજિસ્ટરમાં લખવામાં આવે છે. તે માટે કોઇ આઇ-ડી પ્રૂફ માગવામાં આવતું નથી. આ સ્ત્રી પોતાના બાળકને જે સ્ત્રીને વેચવા માંગતી હોય તેનું નામ રજિસ્ટરમાં લખાવવામાં આવે છે. આ રીતે બાળકના બર્થ સર્ટિફિકેટમાં તેની અસલ માતાને બદલે તેને ખરીદનારી સ્ત્રીનું નામ લખાઇ જાય છે. મુંબઇમાં ભારતી પંચાલ જેવા અનેક દલાલો છે, જેઓ નિ:સંતાન યુગલોને અને કુંવારી માતાઓને મેળવી આપે છે. મુંબઇમાં કંુવારી માતાઓનાં સંતાનોને વેચવાનું કૌભાંડ ચાલે છે તો અમદાવાદના સરોગસીના નામે બાળકોને વેચવાનું કૌભાંડ પકડાયું છે.

આ કૌભાંડના સૂત્રધાર ડૉ. ભરત અતીત સરસપુર વિસ્તારમાં આઇવીએફ (ટેસ્ટ ટયૂબ બેબી) ક્લિનિક ચલાવે છે. તેમને ત્યાં નિ:સંતાન યુગલો સંતાનપ્રાપ્તિ માટે આવે તેમને તેઓ ટેસ્ટ ટયૂબ બેબીને બદલે બાળક ખરીદવાનો શોર્ટ કટ બતાવતા હતા. કાગળ ઉપર આ સ્ત્રીને સરોગેટ મધર જ ગણવામાં આવતી હતી, પણ તેના બીજ વડે અન્ય સ્ત્રીના ગભૉશયમાં પેદા કરેલું બાળક તેને સોંપવાને બદલે જે સ્ત્રી બાળકનો કબજો રાખવા માગતી ન હોય તેનું બાળક તેને વેચી દેવામાં આવતું હતું. ડૉ. ભરત અતીતના આવા ત્રણ કિસ્સાઓ પકડાયા છે.

પહેલાં કિસ્સામાં એક ત્યકતા સ્ત્રી પરણેલા પુરુષ સાથે સંબંધો રાખવાથી ગર્ભવતી થઇ હતી. તે ગર્ભપાત કરાવવા ડૉ. અતીતના ક્લિનિકમાં આવી હતી. ડૉ. અતીતે તેને જણાવ્યું કે તે જો બાળકને વેચી દેશે તો તેને રૂપિયા મળશે. ડૉ. અતીતે જન્મનારા બાળકનો સોદો મુંબઇના એક યુગલ સાથે બે લાખ રૂપિયામાં કરી દીધો હતો. આ યુગલને બાળકના સરોગેટ માતા-પિતા બનાવનારા કાગળો તેમણે તૈયાર કરી દીધા હતા. સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો ત્યારે ડૉ. અતીતે મુંબઇના યુગલને આ બાળક બે લાખ રૂપિયામાં વેચી દીધું હતું. પાછળથી સ્ત્રીએ પોતાના પુરુષમિત્ર સામે રેપની ફરિયાદ કરી તેને પગલે આ કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં ઊંડા ઊતરતા પોલીસને ખ્યાલ આવ્યો હતો કે ડૉ. ભરત અતીતે અગાઉ પોરબંદરના ડોક્ટર દંપતીને તેમ જ અન્ય યુગલને બે બાળકો આઠ લાખ રૂપિયામાં વેચ્યા હતા. ડૉ. ભરત અતીત આ પ્રકારે બાળકોને વેચવાનું વ્યાપક કૌભાંડ ચલાવતાં હોવાનું માનવામાં આવે છે. આધુનિક કાળમાં નિ:સંતાન યુગલોનો ખોળો ભરવા માટે અનેક નવી ટેક્નોલોજીઓની શોધ થઇ છે.

આ ટેક્નોલોજીનો લાભ લેવા અનેક વિદેશી દંપતીઓ પણ ભારતમાં આવે છે. ગુજરાતની અનેક ગરીબ સ્ત્રીઓ પોતાની કૂખ ભાડે આપીને પોતાનું ગુજરાન ચલાવે છે. સરોગસીના આ વ્યવસાયની આડમાં અમદાવાદમાં ચાલે છે તેવું બાળકોનું વેચાણ કરવાનું કૌભાંડ તો નથી ચાલતું ને ? તેની તપાસ કરવાની આવશ્યકતા હવે ઊભી થઇ છે.

sanjay.vora@dainikbhaskargroup.com