સિનિયર સિટિઝનોની સમસ્યા ઉકેલ માગે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં જીવનના છેલ્લા તબક્કાને વૃદ્ઘાવસ્થા, નિવૃત્તિ, સંન્યાસ જોડે જોડાય છે. આધુનિક પરિભાષામાં એ બધા સિનિયર સિટીઝન જેવા રૂપાળા નામથી ઓળખાય છે. પણ ભારતીય નાગરિકની સરેરાશ આયુ જ્યારે ભારત ગુલામ હતું ત્યારે ૧૯૪૧-પ૦ વચ્ચે માત્ર ૩૨.૧ વરસની હતી. સ્વરાજ્યના પ્રારંભમાં ૧૯પ૧-૬૦ વચ્ચે એ ૬૬ વર્ષ પર પહોંચી છે. નિવૃત્તિની વય એક જમાનામાં પ૨-પપ હતી અત્યારે પ૮-૬૦ વચ્ચે છે. જેમ જેમ જીવનમાં જીવનધોરણ સુધરે છે અને આરોગ્ય સેવા સુધરતી જાય એમ સરેરાશ આયુ ઊંચે જાય છે. પણ, સામાજિક સુધારણા આપણે કરીએ, સમાજમાંથી વિષમતા દૂર કરીએ તે પહેલાં જ, આપણને વિદેશીરાજમાંથી મુક્તિ મળી. પરિણામે સમાજમાં સામાજિક વાડાઓ, જાતિપ્રથા, સામાજિક અસમાનતા અંકબંધ રહી ગયા. હજુ, આજે પણ એવા પછાતવિસ્તારો અને રિવાજો ટકી રહ્યાં છે જ્યાં આરોગ્યના ઉપાય માટે, સંતાન પ્રાપ્તિ માટે દોરા- ધાગા, તાવીજ, તંત્રથી માંડી અમુક ઝાડ નીચે સુવાડવાથી રોગ મટી જશે કે દુ:ખનું નિવારણ થઈ જશે એવું મનાય છે. વસ્તીવિજ્ઞાન માને છે કે, ૨૦૨પમાં ભારતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની જનસંખ્યા ૨પ ટકાથી વધી જશે જ્યારે ૭પથી વધુ ઉંમરના નાગરિકોના ૪૦ ટકા એવા હશે જેમને એકલા રહેવાનો વખત આવશે. હાલની વસ્તીના ૨પ કે ૪૦ ટકા લાખોમાં નહીં પણ કરોડોમાં હશે. કારણ વસ્તી જ ૧૨૦ કરોડ ગણાય છે. હાલ પપ-૬૦ વર્ષે નિવૃત્તિ થાય તો આ એકલા જીવનાર સ્ત્રી કે પુરુષે ૧પથી ૨૦ વર્ષ એકલા કાઢવા પડશે અને એવો સમય હશે કે જ્યારે શારીરિક શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હશે આપણા રાષ્ટ્રની આરોગ્ય સેવાની વાસ્તવિક હાલત એવી છે કે, આ ઉંમરે પહોંચેલા નાગરિકો કોઈક એકાદ રોગથી પીડાતા હશે. આ ઉપરાંત આંખ, કાન, પગ કે દાંત પહેલો જેવો સાથ આપતાં નહીં હોય. પણ આમાં જે સ્વાસ્થ્ય જાળવી શકયા હશે એમને તો સકારાત્મક પ્રવૃત્તિ કે ધંધા-રોજગાર વગર જીવવું વધારે આકરું થઈ પડયું હશે.

આવા વૃદ્ઘ નાગરિકોમાં બહુ મોટો ભાગ તો એવો છે જેનાં નસીબમાં ભારતમાં, પેન્શન, ગ્રેચ્યુઈટી, પ્રો.ફંડ જેવી સામાજિક સલામતી પણ નસીબમાં આવી નથી. નગણ્ય વૃદ્ઘાવસ્થા પેન્શન પણ બધાને નસીબ નથી ન સરકારો હજુ આ સમસ્યા પર ધ્યાન આપી શકી છે. એમાં સંતાનો વિદેશમાં વસ્યા હોય તો આર્થિ‌ક મુશ્કેલી નથી હોતી પણ, વૃદ્ઘાવસ્થાની દરકાર મેળવવાનું કામ બહુ કપરું હોય છે. મારા એક ડોક્ટર મિત્ર તો સ્વૈચ્છાએ આવા એકલું જીવન જીવતાં વૃદ્ઘો જોડે થોડા કલાકો નિયમિતપણે સ્વફરજ સમજી ગાળે છે. એમની વાતો સાંભળીએ તો ખ્યાલ આવે છે કે, સંભાળ વગરના સુખી વૃદ્ઘો પણ કેવું મુશ્કેલ જીવન જીવે છે આમાં વિદેશમાં વસતાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય તો પોતાનાં બાળકોને ઉછેરવા અને ભણાવવા પોતાનાં માબાપને ત્યાં લઈ જાય છે. એમની હાલમાં અનેક કરુણ કથા છે. ઘણાં વર્ષો સુધી જ્યાં ભારતના નાગરિકની સરેરાશ ૬૦ વર્ષની એટલે કે ૯૧-૯પ સુધી, આ સવાલ, સંયુક્ત કુટુંબપ્રથા વ્યાપક હોવાથી સવાલ માટે સરકારનાં પગલાંની અપેક્ષા ઝાઝી ન હતી; પણ છેલ્લાં ૨૦ વરસમાં સવાલે ગંભીરરૂપ ધારણ કર્યું છે. છતાં સરકાર ખૂબ મોડી જાગી એમ નોંધવું પડે છે. કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રાલયે જૂન ૨૦૧૦માં પહેલીવાર ભારતના વૃદ્ઘ નાગરિકો માટેની આરોગ્ય સેવાનો પ્રારંભ કરી નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધ એલ્ડર (ટડઋઈઉ) ઘડી. જયેષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખી ઘડાયેલ આ પ્રથમ પ્રયાસ હતો. આ કાર્યક્રમ નીચે આરોગ્યમંત્રાલયે ભારતના આઠ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વૃદ્ઘો માટેની આરોગ્ય સેવાના વિભાગો શરૂ કરવાનું ઠરાવ્યું. ૨૦૧૦-૧૨ના પ્રથમ તબક્કામાં ૨૧ રાજ્યોના ૧૦૦ જિલ્લામાં વૃદ્ઘો માટેની ખાસ આરોગ્ય સેવા શરૂ કરવાનું આયોજન હતું. બાકીના પ૪૦ જિલ્લાઓ ૨૦૧૨-૧૭ વચ્ચે આવરી લેવાનાર હતા. પણ આ વચન પાળી શકાયું નથી.

સવાલ કેટલો ગંભીર છે એ તો ત્યારે આપણને સમજાય જ્યારે આપણને ખબર પડે કે ભારતના વૃદ્ઘોના ૭પ ટકા ગામડાંમાં વસે છે અને આમાનાં ત્રીજા ભાગના ગરીબીની રેખા નીચે જીવે છે. આમાંનાં ૧૭ ટકા નિરક્ષર છે અને ૩૨ ટકા મજૂરી કરે છે. ૯૦ ટકા એવા છે જેઓ અસંગઠિતક્ષેત્રમાં રોજગારી મેળવતા હતા એટલે પરિણામે એમને પ્રો.ફંડ, પેન્શન જેવા કોઈ લાભ મળ્યા નથી.

આ બધાથી એ હૃદયદ્રાવક સત્ય એ છે કે, ૬૦ વર્ષથી ઉંમરથી વધુ ઉંમર ધરાવતી કુલ મહિ‌લાઓના પ૮ ટકા મહિ‌લાઓ કાં તો વિધવા, ત્યકતા કે અવિવાહિ‌ત છે. અધૂરા રહેલાં સામાજિક સુધારાવાળા ભારતમાં કેવું જીવન વીતાવતી હશે આ મહિ‌લાઓ વૃન્દાવનમાં વસતી વિધવાઓ એનો નાનો નમૂનો છે. જે ૮ સરકારી હોસ્પિટલો જયાં વૃદ્ઘોની સ્વાસ્થ્ય જાળવણીના ખાસ વિભાગ છે એમાં દિલ્હીનું એઈમ્સ; મેડિકલ સાયન્સ ઈન્સ્ટિ‌ટયૂટ વારાણસી; શેરે કાશ્મીર ઈન્સ્ટિ‌ટયૂટ ઓફ મેડિકલ સાયન્સ શ્રીનગર: તિરુવનંતપુરમ અને ગોહાટીની સરકારી મેડિકલ કોલેજ, મદ્રાસ મેડિકલ કોલેજ ચેન્નાઈ: એસ.એન. મેડિકલ કોલેજ જોધપુર અને મુંબઈની જે.જે હોસ્પિટલનો સમાવેશ થાય છે. આની તુલનામાં સામાજિક સંસ્થાઓ વૃદ્ઘાશ્રમો સ્થાપી મોટું કામ કરે છે.
આ સવાલની વિચારણાનો પ્રારંભ ૧૯૯૯માં થયેલો. વૃદ્ઘ નાગરિકોને મૂંઝવતા ત્રણ ભયસ્થાનો છે. આર્થિ‌ક મુશ્કેલી, આરોગ્યના પ્રશ્નો અને એકલવાયું જીવન. આ ત્રિવિધ ભય માટે આપણે જે કરવા મથી રહ્યાં છીએ તે ત્રિવિધ નથી પણ દરેક સવાલ અલગ અલગ રસ્તે ઉકેલી રહ્યાં છીએ. આથી ઊલટું સમૃદ્ઘ દેશો આર્થિ‌ક મંદી પછી સામાજિક સલામતીના આર્થિ‌ક બોજથી મૂંઝાઈ રહ્યા છે. એટલે વૃદ્ઘોને નિવૃત્તિને બદલે વધુ લાંબો સમય કામ કરવાની અનુમતી આપી રહ્યા છે. ૧૯૮૨-૮૩માં ખેતમજૂરો માટે વીમાયોજના અમલમાં મૂકી ત્યારે જમીની હાલત એવી હતી કે ગામડાના ઘરમાં વૃદ્ઘ માબાપનું અવસાન થાય ત્યારે અંતિમક્રિયા માટે પૈસા ન હોય તો પત્નીના ચાંદીના કડલા ગીરવે મૂકી અંતિમક્રિયા પાર પાડવી હતી.

આ સવાલ સામાજિક છે- આર્થિ‌ક છે- વ્યક્તિગત છે છતાં કૌટુંબિક છે. સરકાર અને સમાજ બંને સામેનો પડકાર છે.