પીપીપી : જાહેરનાં નાણાં અને નફો ખાનગીને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રજાના પેટે પાટ, ભારત જેવા વિશાળ વસ્તીવાળા દેશમાં 'પીપીપી’ પદ્ઘતિ પોષાય તેવા ભાવે સગવડો પૂરી પાડી શકશે ખરી?

ભારતના વિકાસના દરને ઊંચે લઈ જવા, રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેકવિધ આર્થિ‌ક નીતિ અને ભારતના વિકાસની ખૂંટતી મુખ્ય કડી માળખાકીય સગવડો સત્વરે ઊભી કરવાના માર્ગો મુખ્ય છે. આ માળખાકીય સગવડો ઊભી કરવાના રસ્તાઓ 'પીપીપી’ 'પબ્લિક- પ્રાઈવેટ પાટર્નરશિપ’ યાને કે 'જાહેર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી’ અપનાવવાની વાત જોરશોરથી ચલાવાઈ રહી છે. શું છે આ 'પીપીપી’? ભારતને એનો અનુભવ કેવો રહ્યો છે?

ખરેખર સાચા અર્થમાં એ ભાગીદારી છે કે પછી એના નામે જાહેરનાં નાણાં અને નફો ખાનગીને, 'પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ, પ્રાઈવેટ પ્રોફિટ’ જેવું નથી રહ્યું ને આ 'પીપીપી’ પદ્ઘતિ, ખાનગીક્ષેત્રને તો ખૂબ ફાવી ગઈ છે. પ્રોજેક્ટ માટે નાણાં ઊભાં કરવાની અને એની પ્રગતિનું વિનિયમન કરવાની ભાંજગડ ઓછી થાય છે. એટલે સરકારી કે અર્ધ સરકારીતંત્રને પણ બહુ ફાવતું આવ્યું છે. ભારત કે જેની મોટી વસ્તી ગરીબ અને ગરીબ મધ્યમવર્ગની છે તેને આ 'પીપીપી’ના રસ્તે ઊભી થયેલી માળખાકીય સગવડો આર્થિ‌ક રીતે પોષાય તેવી થશે ખરી?

અનુભવ એમ બતાવે છે કે, આ પદ્ઘતિમાં ખાનગીક્ષેત્રમાંથી ધરાતું હતું એટલું રોકાણ આવ્યું નથી -ન તો ખાનગીક્ષેત્ર એનું કાર્યક્ષમ રીતે સંચાલન કરી બતાવી શક્યું છે. એવી જ રીતે, જાહેરક્ષેત્ર કે સરકારીક્ષેત્રે અમલમાં આવેલા પ્રોજેક્ટો સમયસર તેમજ અંદાજાયેલી કે મંજૂર કરેલી નાણાકીય ફાળવણીમાં ભાગ્યે જ પૂરા થયા છે.

એવા બૂરા અનુભવની તુલનામાં શું 'પીપીપી’ પ્રોજેક્ટો બાકાત રહી શકયા છે ખરા? આ બધાનાં તારણો કાઢવાનો અને જરૂરી સુધારો કરવાનો કે, 'પીપીપી’ કે 'નોન પીપીપી’ને બદલે કોઈ વધુ સારી પદ્ઘતિ શોધવાનો સમય હવે પાકી ગયો છે. કારણ, સમયમર્યાદામાં, મંજૂર થયેલ ફાળવણીમાં પૂરા કરવામાં અને 'પ્રોજેક્ટ પૂરા થયા પછી એનો લાભ લાભાર્થી સુધી પહોંચાડવામાં મળેલી નિષ્ફળતાના કારણે જ 'પીપીપી’ પણ નિષ્ફળ ગઈ છે. 'અર્ર્નેસ્ટ અને યંગ’ નામની પેઢીના અભ્યાસ પ્રમાણે ભારતમાં ૨૦૧૨ના ઓગસ્ટ સુધીમાં ઉપલબ્ધ માહિ‌તી પ્રમાણે રૂ. પ૪ લાખ કરોડના ૮૮૧ 'પીપીપી’ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યાં છે. આમાં ધોરીમાર્ગોના સૌથી વધુ પંચાવન ટકા પ્રોજેક્ટો છે.

જ્યારે એરપોર્ટના ૦.૭ ટકા; રેલવેના ૧.૦ ટકા; આરોગ્યસેવાના ૧.પ ટકા; શિક્ષણના ૨.૨ ટકા; પ્રવાસનના ૬.૩; બંદરોના ૭૧ ટકા; ઊર્જા‍ના ૮.૮ ટકા તેમજ શહેરીવિકાસના ૨૦.૬ ટકા પ્રોજેક્ટનો સમાવેશ થયો છે.

કયા રાજ્યો આમાં ઝડપથી આગળ વધી રહ્યાં છે એ બાબતમાં જાણવા મળે છે કે, કર્ણાટક ૧૦૮ પ્રોજેક્ટ અને બાર ટકાના હિ‌સ્સા સાથે પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે, સો પ્રોજેક્ટ અને અગિયાર ટકા હિ‌સ્સા સાથે આંધ્ર છે. અઠ્ઠાસી પ્રોજેક્ટના દસ ટકા હિ‌સ્સા સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે અને એટલા જ પ્રોજેક્ટ અને હિ‌સ્સા સાથે મધ્યપ્રદેશ ચોથા ક્રમે છે.

જ્યારે 'પીપીપી’ પદ્ઘતિને ખૂબ ગજવનાર શ્રી મોદીનું રાજ્ય ચુમોત્તેર પ્રોજેક્ટ અને આઠ ટકા હિ‌સ્સા સાથે પાંચમા ક્રમે છે. સૌથી વધુ 'પીપીપી’ પ્રોજેક્ટ ધોરીમાર્ગોના છે. મદ્રાસની આઈટીઆઈ શૈક્ષણિક સંસ્થાએ આ અંગે સંશોધનકાર્ય હાથ ધર્યું હતું. એમાં સંસ્થાએ પ્રોજેક્ટની જોગવાઈ સામે થયેલ ખર્ચ અને પ્રોજેક્ટ પૂરો કરવા નિર્ધારિત સમય કરતાં કેટલો વધારે સમય લાગ્યો એ બે પાસાઓનો અભ્યાસ કર્યો હતો.

આ સર્વેક્ષણ મુજબ ધોરીમાર્ગના ૬૯ ટકા પ્રોજેક્ટો અંદાજ પ્રમાણે ખર્ચમાં અને ૮૯ ટકા સમયસર પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે. સમયની બાબતમાં સરેરાશ ૪૧.૨ ટકા વધુ અને ખર્ચમાં સરેરાશ ૧૬.૨પ ટકાનો વધુ બંધાયા હોત અને નિધારિત ખર્ચમાં પૂરા થયા હોત તો ૪૧ ટકા વધુ કિમીના રસ્તા બન્યા હોત. મોટાભાગના આ રસ્તા ટોલપદ્ઘતિ નીચે બંધાયા છે. એટલે દેશની જનતાને આ વિલંબ અને ખર્ચના વધારાના કારણે વધુ ઊંચો ટોલ આપવો પડશે. એ જ રીતે,ખર્ચની બાબતમાં 'પીપીપી’ પદ્ઘતિમાં ૨૯.૩૬ ટકા વધુ ખર્ચ થયો છે જ્યારે 'નોન પીપીપી’ પદ્ઘતિમાં એ પ્રમાણ દસ ટકા જેટલું નથી. એટલે ગરીબ દેશ માટે 'પીપીપી’ પદ્ઘતિ વધુ ખર્ચાળ સાબિત થઈ છે.

પ્રોજેક્ટની સરેરાશ ખર્ચને વિચારીએ તો 'પીપીપી’ પ્રોજેક્ટ સરેરાશ રૂ. ૩૮૨ કરોડના છે જ્યારે 'નોન પીપીપી’ પ્રોજેક્ટ અંદાજે રૂ. ૨પ૪ કરોડના છે. ધોરીમાર્ગોની ટકાવારી અડધાથી વધારે છે. એટલે એક અર્થમાં આ તારણ સમગ્ર 'પીપીપી’ પદ્ઘતિની સમીક્ષા બની જાય છે. માર્ગો પછી, વીજમથકોનો 'પીપીપી’ પ્રથામાં ૮.૮ ટકા હિ‌સ્સા સાથે બીજો ક્રમ છે. હવે વીજમથકમાં અંદાજ કરતાં વધુ ખર્ચ થાય અને પૂરા કરવામાં નિર્ધારિત સમય કરતાં વધુ સમય થાય તો એનું પરિણામ તો વીજ વાપરનારાઓ જ ભોગવું પડે ને?

ભારત જેવા ગરીબ અને મધ્યમવર્ગની વિશાળ વસ્તી ધરાવનારા દેશમાં 'પીપીપી’ પદ્ઘતિ પોષાય તેવા ભાવે સગવડો પૂરી પાડી શકશે ખરી? તથ્યો જોતાં આ શક્ય લાગતું નથી. વળી હવે તો એવું જોવા મળે છે કે 'પીપીપી’ના ત્રણ 'પી’ -પબ્લિક પ્રાઈવેટ પાટર્નરશિપમાં ચોથો પોલિટિશિ‌યનનો 'પી’ ઉમેરાઈ રહ્યો છે. ખબર નથી આ ક્યાં જઈ અટકશે?

સનત મહેતા
લેખક ગુજરાત રાજ્યના
પૂર્વ નાણાપ્રધાન છે.