વસ્તીવધારોઃ ફાયદાની આશા ઠગારી નીવડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેમોગ્રાફિક ડિવિડન્ડ-આ શબ્દ થોડાં વર્ષ પહેલાં બહુ સંભળાતો હતો. સાદી ભાષામાં તેનો અર્થ થાયઃ વધારે વસ્તી હોવાના ફાયદા. પરંપરાગત સમજણ એવી હતી કે ભારતની ઘણી સમસ્યાઓનું મૂળ તેની અધધ વસ્તીમાં છે. શિક્ષણ-આરોગ્ય-રોજગારી જેવી પ્રાથમિક સુવિધાઓ અને સાવ સામાન્ય સ્તરનું જીવનધોરણ પણ આટલી મોટી વસ્તી માટે સ્થાપવાનું અઘરું પડે. 

ત્યાર પછી ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ખ્યાલ આવ્યો. તેની પાછળનો તર્ક એવો હતો કે વિશ્વના બીજા ઘણા દેશોમાં વસ્તીનો નોંધપાત્ર હિસ્સો પ્રૌઢ અને વૃદ્ધ બની રહ્યો છે ત્યારે ભારતમાં યુવાનોનું મોટું પ્રમાણ છે--અને તે દેશની તાસીર બદલી શકે છે. અછડતા આંકડા જોઈએ તો, દેશની વસ્તીનો અડધોઅડધ હિસ્સો 25 વર્ષ કે તેથી ઓછી વય ધરાવે છે.
 
35 વર્ષથી નીચેનાનું પ્રમાણ તો 65 ટકા જેટલું ઊંચું છે. વર્ષ 2020માં ભારતની કુલ વસ્તીનું સરેરાશ આયુષ્ય 29 વર્ષનું હશે, એવો અંદાજ છે. તેની સરખામણીમાં, વસ્તીની બાબતે ભારતની સાથે ‘હરીફાઈ’ ધરાવતા ચીનનું સરેરાશ આયુષ્ય 37 વર્ષનું હશે. અત્યારના અંદાજ પ્રમાણે, વર્ષ 2030માં ભારતની વસ્તી દોઢ અબજના આંકડે પહોંચી જશે. એ વખતે વિશ્વની કુલ વસ્તી 8.6  અબજ હશે. ચીનની વસ્તી 2030ના દાયકામાં સ્થિર રહ્યા પછી તેમાં ઘટાડો થશે, જ્યારે ભારતની વસ્તી 2050 સુધી વધતી રહેશે અને પછી તેમાં ઘટાડો શરૂ થશે.

વસ્તીવધારા અંગે એક હદથી વધારે કંઈ થઈ શકે તેમ નથી, પરંતુ વધારાને નુકસાનને બદલે ફાયદામાં ફેરવવાની આશા કેમ ઠગારી નીવડી તે યાદ રાખવું જરૂરી છે. દેશની અડધોઅડધ વસ્તી યુવાનોની હોય તો તેમાં સૌથી મોટી અપેક્ષા અને ક્ષમતા સજ્જતાની હોઈ શકે. શૈક્ષણિક અથવા વ્યાવસાયિક અથવા બન્ને પ્રકારની સજ્જતા ધરાવતા યુવાનો દેશ માટે મોટી મૂડી બની રહે. એવા લોકો દેશમાં રહીને કે વિદેશોમાં જઈને પણ દેશને સમૃદ્ધ કરી શકે.
 
પરંતુ આ પ્રકારની સજ્જતા કેળવવા માટે તેમને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અને તેમનામાં રહેલી શક્તિઓને ખીલવે, તેમની મૌલિકતાને પ્રોત્સાહિત કરે અને વ્યવહારમાં કામ લાગે એવું જ્ઞાન આપે, એવું શિક્ષણ આપવું પડે. આવું શિક્ષણ મેળવીને તૈયાર થયેલી યુવા પેઢીને રોજગારીની ઝાઝી ચિંતા કરવાની ન થાય. કારણ કે આટલા મોટા દેશમાં તે પોતાના જોગું કંઈક ને કંઈક કામ મેળવી લે. પરંતુ અત્યારની સ્થિતિ સાવ અવળી છે. શિક્ષણ ખાડે ગયું છે. આંતરરાષ્ટ્રીય ક્રમમાં ભારતીય યુનિવર્સિટીઓ શોધી જડતી નથી. વ્યવસાયલક્ષી કામ કરનારાની જબરી અછત છે અને તેમાં સારી એવી કમાણી છે.
 
પરંતુ એ ક્ષેત્રમાં વ્યવસ્થિત ઢબે કામ કરનારા વિશ્વાસપાત્ર લોકો મળતા નથી. બીજી તરફ, ફુગાવાયુક્ત અને ધંધાદારીકરણથી ગ્રસ્ત ભણતરની ડિગ્રીઓ લઈને બેસી ગયેલી યુવા પેઢીને રોજગારીનાં ફાંફાં છે. વસ્તીવધારાની સાથે પનારો પાડવા માટે શિક્ષણ અને રોજગારીના મામલે નવેસરથી વિચાર કરવામાં નહીં આવે તો ‘ડૅમોગ્રાફિક ડિવિડન્ડ’ ‘પૉપ્યુલેશન બૉમ્બ’ પણ બની શકે છે.