ઓબામાનું યુદ્ધનું એલાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈરાકમાંથી અમેરિકાના સૈનિકોને પાછા બોલાવી લેવાને તેમણે પોતાની મોટી ઉપલબ્ધિ ગણાવી
ઈરાક અને સીરિયાને વર્તમાન સ્થિતિ સુધી પહોંચાડવામાં અમેરિકાની કેટલી ભૂમિકા છે એ ચર્ચાનો જુદો વિષય છે, પરંતુ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) દ્વારા ખિલાફતની સ્થાપના બાદ જે સ્થિત જન્મી છે, તેને જોતાં ત્યાં સૈનિક કાર્યવાહી વધારવા સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. હવે, 9/11ની વરસીએ (11મી સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં થયેલો આતંકવાદી હુમલો) ઓબામાએ ફરી એક વખત પોતાના દેશને યુદ્ધમાં નાખવાની જાહેરાત કરી છે.
જોકે ઈરાકમાં આઈએસઆઈએસ કટ્ટરવાદીઓના ઠેકાણા પર અમેરિકાનું હવાઈ દળ પહેલાંથી જ બોમ્બ વરસાવી રહ્યું છે, પરંતુ હવે તેની કાર્યવાહીના દાયરામાં સીરિયા પણ આવશે. સાથે જ ઈરાકમાં 475 સૈનિક સલાહકારની પણ નિમણુંક કરવામાં આવશે. મુશ્કેલી એ છે કે અમેરિકામાં બરાક ઓબામાની રાજકીય પ્રતિષ્ઠા પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ જુનિયર દ્વારા અફઘાનિસ્તાન અને ઈરાકમાં શરૂ કરવામાં આવેલા યુદ્ધોનો વિરોધ કરવાને કારણે જ બની હતી.
ઈરાકમાંથી અમેરિકાના સૈનિકોને પાછા બોલાવી લેવાને તેમણે પોતાની મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. અફઘાનિસ્તાનમાંથી પણ ચાલુ વર્ષના અંત સુધીમાં તેમના સૈનિકો પાછા આવી જવાના છે. આ દરમિયાન ખિલાફતનો નવો ખતરો પેદા થયો છે. બે અમેરિકન પત્રકારોની જઘન્ય હત્યા બાદ દેશમાં લાગણીશીલ વાતાવરણ જન્મ્યું છે. ઈસ્લામિક કટ્ટરવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગે બળ પકડ્યું છે. પરિણામસ્વરૂપે ઓબામાને એ નિર્ણય લેવો પડ્યો, જે સંભવત: તેઓ લેવા માગતા ન હતા. જો અોબામા વર્તમાન યુદ્ધમાં વિશ્વસમુદાયને વિશ્વાસમાં લઈ લેશે તો તેઓ પોતાની છબીને હજુ પણ બચાવી શકશે.