• Gujarati News
  • Now Dispute On Movie Of Maniratnam After Vishwaroopam

હવે મણિરત્નમની ‘કાદલ’ ફિલ્મનો વિવાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાદલ ફિલ્મમાં બાઈબલની કથા મુજબ ઇશ્વર અને શેતાન વચ્ચેનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે

એક બાજુ ફિલ્મસર્જકો, ગાયકો, સંગીતકારો, સમાજશાસ્ત્રીઓ, લેખકો અને પત્રકારો અને બીજી બાજુ ધર્મના ઝંડાધારીઓ વચ્ચે આજકાલ છત્રીસનો આંકડો ચાલી રહ્યો છે. તામિલનાડુના મુસ્લિમોએ કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને વિવાદ થયો તેમાં રાજકારણ પણ ભળ્યું હતું. આ વિવાદ માંડ શાંત થયો છે ત્યાં પ્રતિભાશાળી સર્જક મણિરત્નમની ‘કાદલ’ ફિલ્મ ખ્રિસ્તીઓના વિરોધનો સામનો કરી રહી છે.

તામિલનાડુની એક ખ્રિસ્તી સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે આ ફિલ્મમાં ખ્રિસ્તી ધર્મગુરુઓને ખરાબ ચિતરવામાં આવ્યા છે. તેમણે આ ફિલ્મમાંથી ઓછામાં ઓછાં સાત દ્રશ્યો ઉપર કાતર મૂકવાની માગણી સરકાર સમક્ષ કરી છે. તમિળ ભાષામાં ‘કાદલ’નો અર્થ ‘સમુદ્ર’ થાય છે. મણિરત્નમની ત્રણ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ ‘રાવન’માં આધુનિક રામ અને રાવણ વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો હતો, જેનાં પાત્રો હિન્દુઓ હતાં. ‘કાદલ’ ફિલ્મમાં પણ સૃષ્ટિનાં શુભ અને અશુભ તત્વો વચ્ચેનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે, પણ તેનાં મુખ્ય પાત્રો ખ્રિસ્તી છે.

હિન્દી ફિલ્મોના ચાહકો મણિરત્નમ્ને તેમની ‘રોઝા’ અને ‘બોમ્બે’ જેવી યાદગાર ફિલ્મોથી જાણે છે. દક્ષિણ ભારતના દર્શકો તેમને નાયગન, થલપથી, અલયપયુથી, ઇરુવર અને અંજલિ જેવી ફિલ્મોના કારણે જાણે છે. મણિરત્નમ્ને ભારતના સ્ટીવન સ્પીલબર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.‘કાદલ’ ફિલ્મમાં બાઇબલમાં વર્ણવ્યા મુજબનો ઇશ્વર અને શેતાન વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે, જેને ખ્રિસ્તીઓ હજમ કરી શક્યા નથી.

‘કાદલ’ ફિલ્મની કથા તામિલનાડુના તુતિકોરીન જિલ્લામાં આવેલાં ખ્રિસ્તી માછીમારોના ગામમાં આકાર ધારણ કરે છે. ફિલ્મનો હીરો થોમસ છે, જેની માતા બાળપણમાં જ મરણ પામી છે. થોમસને મૃત્યુ એટલે શું તેની જાણ જ નહોતી. તેની માતાના મૃતદેહને જ્યારે રેતીમાં દફનાવી દેવામાં આવે છે ત્યારે તે મૂંઝાઇ જાય છે અને રોષે ભરાય છે. થોમસ એક નિર્દોષ બાળકમાંથી સ્વાર્થી સમાજમાં જીવવાને લાયક કઠોર પુરુષ કેવી રીતે બને છે, તેનું કલાત્મક નિરૂપણ મણિરત્નમે આ ફિલ્મમાં કર્યું છે. બાળકના વિકાસની પ્રક્રિયામાં સારા અને નરસા નિમિત્તો કેવી ભૂમિકા ભજવતાં હોય છે, તેનું ચિત્રણ કરીને મણિરત્નમે ઇશ્વર અને શેતાન વચ્ચેનો ફરક દેખાડવાની કોશિશ કરી છે.

ખ્રિસ્તીઓને કદાચ ‘કાદલ’ ફિલ્મમાં ખ્રિસ્તી કોન્વેન્ટમાં બનતી દેખાડેલી ઘટનાઓ સામે વાંધો હોય તેવું બની શકે છે. આ કોન્વેન્ટમાં ભણતો એક વિદ્યાર્થી કોઇ યુવતી સાથે વ્યભિચાર કરતો દેખાડવામાં આવે છે. તેની સાથે ભણતો બીજો વિદ્યાર્થી આ ર્દશ્ય જોઇ જાય છે. તેની ફરિયાદને પગલે પેલાની કોન્વેન્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે. આ જોઇ ફરિયાદ કરનારા વિદ્યાર્થીને પસ્તાવો થાય છે. અનાથ બની ગયેલા થોમસને આ કોન્વેન્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. અહીં રહીને જ તે બિટ્રાઇસ નામની યુવતીનાં પ્રેમમાં પડે છે.

‘કાદલ’ ફિલ્મમાં ખ્રિસ્તીઓનાં જીવનમાં બનતી અનેક ઘટનાઓને બારીકાઇથી વણી લેવામાં આવી છે, જે વિવાદનું કારણ બની છે. ‘રોજા’ અને ‘બોમ્બે’ જેવી મણિરત્નમની ફિલ્મોનો હીરો અરવિંદ સ્વામી આ ફિલ્મ દ્વારા પુનરાગમન કરે છે. આ ફિલ્મમાં વિલનનું અથવા શેતાનનું પાત્ર અર્જુન ભજવે છે. આ હીરો -વિલનના સંઘર્ષ વચ્ચે થોમસ અને બીટ્રાઇસ વચ્ચેની પ્રણયકથા સમુદ્રની પાર્શ્વભૂમિમાં આગળ વધે છે. ઇ. સ. ૧૯૮૧માં આવેલી એક તમિળ ફિલ્મમાં કાર્તિક અને રાધા નામની જોડીને હિન્દુ યુવાન અને ખ્રિસ્તી યુવતી વચ્ચેની પ્રણયકથા તરીકે લોન્ચ કરવામાં આવી હતી. ‘કાદલ’ ફિલ્મમાં થોમસનું પાત્ર કાર્તિકનો પુત્ર ગૌતમ ભજવે છે તો બીટ્રાઇસનું પાત્ર રાધાની પુત્રી તુલસી નાયર ભજવે છે.

‘કાદલ’ ફિલ્મમાં મુખ્ય પાત્ર અરવિંદ સ્વામીને એક ખ્રિસ્તી ધર્મગુરુની ભૂમિકામાં બતાવવામાં આવે છે. તામિલનાડુના ખ્રિસ્તીઓને લાગે છે કે તેમના પાદરી જે કાર્યો ન કરે તેવાં કાર્યો મણિરત્નમની ફિલ્મમાં ફાધર પાસે કરાવવામાં આવ્યાં છે. ‘કાદલ’ ફિલ્મમાં અંતે તો ઇશ્વરની મહાનતા જ પુરવાર કરવામાં આવી છે, પણ આ પ્રક્રિયામાં સંસારની જે કેટલીક વાસ્તવિકતાઓ દર્શાવવામાં આવી છે, તેની સામે ખ્રિસ્તીઓનો વિરોધ છે.

તામિલનાડુનાં રાજકારણમાં મુસ્લિમોનું જેટલું પ્રભુત્વ છે, એટલું ખ્રિસ્તીઓનું નથી. જો મુખ્ય પ્રધાન જયલલિતાને ખ્રિસ્તીઓના મતોની એટલી ચિંતા હોત તો તેમણે કુંદાકુલમમાં આકાર ધારણ કરી રહેલાં અણુ ઊર્જા મથકને ક્યારનું અટકાવી દીધું હોત, જેની સામે મુખ્ય વિરોધ તુતિકોરીનના ખ્રિસ્તી ચર્ચ દ્વારા જ થઇ રહ્યો છે. ઇન્ડિયન ક્રિશ્વિયન ડેમોક્રેટિક પાર્ટી નામના પક્ષે ‘કાદલ’ ફિલ્મના વિરોધની આગેવાની લીધી છે. તેમણે ચેન્નાઇના પોલીસ કમિશનરને મળીને આ ફિલ્મનું પ્રદર્શન અટકાવવાની માંગણી પણ કરી છે.

ઇ. સ. ૧૯૭૭માં ભારતમાં કટોકટીની પરિસ્થિતિ ચાલી રહી હતી ત્યારે મનમોહન દેસાઇની યાદગાર ફિલ્મ ‘અમર, અકબર, એન્થની’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં જન્મથી જુદા પડી ગયેલા ત્રણ ભાઇઓની કથા હતી. એક ભાઇને હિન્દુ પરિવાર દત્તક લે છે અને તેનું નામ અમર પાડે છે, બીજા ભાઇને મુસ્લિમ પરિવાર અકબર તરીકે ઉછેરે છે અને ત્રીજો ભાઇ ખ્રિસ્તી પરિવારમાં મોટો થઇને એન્થની બને છે.ફિલ્મમાં બનતી અનેક નાટયાત્મક ઘટનાઓને અંતે આ ત્રણેય ભાઇઓ એકઠા થાય છે અને ખાઇ-પીને મોજ કરે છે.

આ ફિલ્મમાં ત્રણેય ધર્મના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઇ જાય તેવો ઘણો મસાલો હતો,પણ તમામ ધર્મોના લોકોએ તેનો સાર ગ્રહણ કરીને તેની મજા માણી હતી. આજે જમાનો બદલાઇ ગયો છે. રાજકારણીઓના પ્રભાવને કારણે કલાની કદર કરવાને બદલે તેમાંથી પરપોટાઓ શોધીને તેના વડે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવે છે. જો આજના સમયમાં ‘અમર, અકબર, એન્થની’ જેવી ફિલ્મ રિલીઝ થઇ હોત તો તેના હાલ ‘વિશ્વરૂપમ’ કે ‘કાદલ’ જેવા જ થયા હોત. sanjay.vora@dainikbhaskargroup.com