નૌકાદળ સબમરીનના દુકાળનો સામનો કરી રહ્યું છે

Navy submarines is facing drought

Sanjay Vora

Aug 15, 2013, 03:23 AM IST

- 'સિંધુરક્ષક’ પાછળ હમણા જ ૪૮૦ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો

ચીન અને પાકિસ્તાન જેવા પડોશીઓ જ્યારે નિતનવાં ઊંબાડિયાઓ કરી રહ્યાં છે ત્યારે 'સિંધુરક્ષક’ નામની સબમરીન ડૂબી જવું આઘાતજનક છે. ભારતનું નૌકાદળ સબમરીનના ક્ષેત્રમાં દુકાળનો અનુભવ કરી રહ્યું છે. ભારતે હજી ૧૦મી ઓગસ્ટે ઘરઆંગણે બનાવેલી 'અરિહંત’ સબમરીનનું ન્યુક્લિયર રિએક્ટર ચાલુ થયાની ગર્વભેર જાહેરાત કરી હતી. તેના ત્રણ દિવસ પછી ભારતમાં નિર્માણ પામેલા પ્રથમ વિમાનવાહક જહાજ 'વિક્રાંત’ને દરિયામાં તરતું મૂકવામાં આવ્યું. ચોથા દિવસે મુંબઇના નેવલ ડોકયાર્ડમાં ધડાકો થતાં ડીઝલથી ચાલતી 'સિંધુરક્ષક’ સબમરીન દરિયામાં ડૂબી ગઇ છે.

ઇ. સ. ૧૯૯૭માં નિર્માણ પામેલી આ સબમરીનમાં ઇ. સ. ૨૦૧૦માં પણ આ પ્રકારનો ધડાકો થયો હતો. ત્યારબાદ ૪૮૦ કરોડ રૂપિયા ખર્ચીને રશિયાના ડોકયાર્ડમાં તેનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. આ ૪૮૦ કરોડનો ખર્ચ પણ આપણને માથે પડયો છે. ભારતના નૌકાદળ પાસે આજની તારીખમાં કુલ ૧૪ ડીઝલથી ચાલતી સબમરીન છે, જેમાંની ૧૦ રશિયા પાસેથી ખરીદવામાં આવેલી છે. આ ૧૦ સબમરીનો ઇ. સ. ૧૯૮પથી ૨૦૦૦ વચ્ચે રશિયાના શિપયાર્ડમાં બાંધવામાં આવી હતી. 'સિંધુરક્ષક’ સબમરીન ઇ. સ. ૧૯૯૭ના ડિસેમ્બરમાં ભારતીય નૌકાદળમાં જોડાઇ હતી. ઇ. સ. ૨૦૧૦ના ફેબ્રુઆરીમાં આ સબમરીન વિશાખાપટ્ટનમના શિપયાર્ડમાં હતી ત્યારે તેમાં ધડાકો થયો હતો, જેમાં એક સૈનિકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા.

આ ધડાકાનું કારણ બેટરી કોમ્પાર્ટમેન્ટમાંથી લિક થતો હાઇડ્રોજન વાયુ હતો. બેટરી કોમ્પાર્ટમેન્ટની બાજુમાં ટોરપિડોનો રૂમ હોય છે. ટોરપિડો છોડવા માટે ઇંધણ તરીકે ઓક્સિજન વાયુ વપરાય છે. લિક થયેલા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનો સંયોગ થતાં જબરદસ્ત ધડાકો થયો હતો. આ ધડાકા પછી 'સિંધુરક્ષક’ ને સમારકામ માટે રશિયા મોકલવામાં આવી હતી, જ્યાંથી તે અઢી વર્ષે પાછી ફરી હતી. ત્યારે એમ કહેવામાં આવતું હતું કે સમારકામ પછી તેનું આયુષ્ય ૧૦ વર્ષ જેટલું વધી ગયું છે. તેને બદલે ૧૦ જ મહિ‌નામાં તેણે જળસમાધિ લઇ લીધી છે.

આ વખતે પણ અકસ્માતનું કારણ બેટરીમાં થયેલી ખરાબી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ધડાકાને કારણે સબમરીનની ટેકનિકલ ક્ષતિ બહાર આવી ગઇ છે. ભારતીય નૌકાદળને આપણી દરિયાઇ સીમાની રક્ષા કરવા માટે ઓછામાં ઓછી ૩૦ સબમરીનની જરૂર છે, જેની સામે અત્યારે આપણી પાસે ડીઝલથી ચાલતી માત્ર ૧૪ સબમરીન છે. ઇ. સ. ૨૦૧૪-૧પ સુધીમાં તેમાંથી પાંચ સબમરીન રિટાયર થઇ જતાં આપણી પાસે માત્ર નવ સબમરીન જ રહેશે. મુંબઇના મઝગાંવ ડોકમાં અત્યારે ફ્રેન્ચ લાઇસન્સ હેઠળ છ સ્ર્કોપિ‌ન સબમરીનનું બાંધકામ ચાલે છે. આ છ પૈકી પહેલી સબમરીન ઇ. સ. ૨૦૧૨ની સાલમાં તૈયાર થઇ જવાની હતી, પણ ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે આ પ્રોજેક્ટમાં ત્રણ વર્ષ જેટલો વિલંબ થયો છે. હવે પહેલી સ્ર્કોપિ‌ન સબમરીન ઇ.સ.૨૦૧પમાં મળવાની ધારણા છે.

કેન્દ્ર સરકારના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે એક હેવાલમાં ચેતવણી આપી હતી કે ઇ. સ. ૨૦૧૨-૧૩માં આપણી ૬૩ ટકા જેટલી સબમરીનો રિટાયર થવાની હોવાથી આપણે જરૂરિયાત કરતાં અડધી જરીપુરાણી સબમરીનોથી કામ ચલાવવું પડશે. ભારતનાં નૌકાદળે બે સબમરીનની આયાત કરવાનું અને ચાર નવી સબમરીનનું બાંધકામ કરવાનું સૂચન કર્યું છે, પણ તે બાબતમાં સરકાર કોઇ નિર્ણય લઇ શકતી નથી. સંરક્ષણ સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે સરકાર હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહી છે, જેની અસર સંરક્ષણ ઉપર થાય છે.

ડીઝલથી ચાલતી સબમરીનની બાબતમાં અછતનો સામનો કરી રહેલું ભારત ન્યુક્લિયર પાવર સબમરીનનું બાંધકામ કરીને મિથ્યા આત્મસંતોષનો અનુભવ કરી રહ્યું છે. વિનાશક શક્તિ બાબતમાં ડીઝલથી ચાલતી સબમરીન અને અણુશક્તિથી ચાલતી સબમરીન વચ્ચે કોઇ ફરક નથી. ભારતના વડા પ્રધાને છેક ઇ. સ. ૨૦૦૯ની સાલમાં અણુશક્તિથી ચાલતી સબમરીન બાંધવાની જાહેરાત કરી હતી, પણ 'અરિહંત’ નામની આ સબમરીનનું ન્યુક્લિયર રિએક્ટર કામ જ કરતું નહોતું, જેને કારણે ચિંતાનું વાતાવરણ પેદા થયું હતું.૧૦ ઓગસ્ટે આ રિએક્ટર કામ કરતું થઇ જતાં સરકારે રાહતનો શ્વાસ લીધો હતો, ત્યાં પાછું સકટ પેદા થયું છે. આ દરમિયાન ભારતે રશિયા પાસેથી અણુશક્તિથી ચાલતી સબમરીન ઉછીની લઇને તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.

ભારતના નૌકાદળમાં પહેલવહેલી જે સબમરીન સામેલ કરવામાં આવી તે ઇ. સ. ૧૯૬૭માં સામેલ કરવામાં આવી હતી અને તેનું નામ 'કાલવેરી’ હતું. ઇ. સ. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તેમાં કરંજ, કુરસુરા અને ખંડેરી નામની ત્રણ સબમરીનો ઉપયોગમાં લેવામાં આવી હતી. તે પૈકી કુરસુરાને ઇ. સ. ૨૦૦૧માં રિટાયર કરીને તેનું વિશાખાપટ્ટનમાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ભારત પાસે અત્યારે કુલ ૧૪ સબમરીનો છે, જેમાંની ૧૦ રશિયન બનાવટની અને ચાર જર્મન બનાવટની છે. ભારતના નૌકાદળને સબમરીનના દુકાળમાંથી બહાર આણવા કેન્દ્ર સરકારે ચાંપતાં પગલાંઓ લેવાં પડશે. sanjay.vora@dainikbhaskargroup.com

X
Navy submarines is facing drought
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી