તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઇના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો જલસા કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૩૦ વર્ષમાં ૧,૨૦૦ એન્કાઉન્ટર: નકલી એન્કાઉન્ટરનો ડર બતાવી ઉઘરાવે છે ખંડણી

ગુજરાતના ૧૨ નકલી એન્કાઉન્ટરમાં વગોવાયેલા અનેક ટોચના પોલીસ ઓફિસરો જેલમાં સબડે છે ત્યારે મુંબઇમાં નામચીન એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોને મહારાષ્ટ્ર સરકારે સંરક્ષણ આપ્યું છે. મુંબઇના અનેક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસોએ માફિયાઓ અને બિલ્ડરોનું બ્લેકમેઇલિંગ કરીને અઢળક સંપત્તિ એકત્ર કરી છે. તેમાં દયા નાયક, પ્રદીપ સાવંત, પ્રદીપ શર્મા, સચિન વાઝ, રવીન્દ્ર આંગ્રે વગેરે નામો આગળ તરી આવે છે. ઇ. સ. ૧૯૮૨ અને ૨૦૦૩ વચ્ચે મુંબઇની પોલીસે બનાવટી અથડામણોમાં આશરે ૧૨૦૦ ગુંડાઓને ખતમ કરી નાંખ્યા હતા. પ્રફુલ્લ ભોંસલે નામના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટે બનાવટી અથડામણોમાં બે દાયકામાં ૮૨ કહેવાતા અપરાધીઓને ખતમ કર્યા હતા. આ પરાક્રમ બદલ ભોંસલેને રાષ્ટ્રપતિ તરફથી શૌર્યચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખ્વાજા યુનુસ નામના આરોપીને કસ્ટડીમાં જ ખતમ કરી નાંખવાના આરોપ હેઠળ ભોંસલેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

મુંબઇ પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની ખ્યાતિ ધરાવતા હાઇ પ્રોફાઇલ ડેપ્યુટી કમિશનર પ્રદીપ સાવંત તેલગીના સ્ટેમ્પ કૌભાંડમા સંડોવાયેલા હોવાનું જણાતા તેમને સસ્પેન્ડ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રદીપ સાવંતે જેટલાં એન્કાઉન્ટર કર્યાં હતાં તેની જો તપાસ કરવામાં આવે તો અનેક હાડપિંજરો બહાર આવે તેમ છે. હકીકત એ છે કે બ્રિટિશરોના જમાનાથી જ પ્રજાને આતંક્તિ અને ગુલામ રાખવા માટે પોલીસ દળને અમાનુષી સત્તાઓ આપી દેવામાં આવી છે. સ્વતંત્રતા પછી પણ પોલીસ દળની આ સત્તાઓમાં કોઇ કાપ નથી આવ્યો, કારણ કે આજના નેતાઓને પ્રજા ઉપર પોતાની ધાક કાયમ રાખવા માટે પોલીસની જરૂર પડતી હોય છે. આ રીતે પોલીસ અને નેતાઓ ભેગા થઇને પ્રજાને ભયમાં રાખી રહ્યા છે.

દયા નાયક મુંબઇ પોલીસનો એક સામાન્ય સબ-ઇન્સ્પેક્ટર છે. તેનું પોસ્ટિંગ મુંબઇ પોલીસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટમાં થયું હતું. ઇ. સ. ૧૯૯૬થી ૨૦૦૦ વચ્ચે તેણે અને તેની ટીમે બનાવટી અથડામણોમાં મુંબઇના મોટા ભાગના કહેવાતા ગુનેગારોને ખતમ કરી નાંખ્યા હતા. દયા નાયક જેવા પોલીસ અધિકારીઓ જ્યારે બનાવટી એન્કાઉન્ટરમાં કહેવાતા ગેંગસ્ટરોનાં ઢીમ ઢાળી દેતા હતા ત્યારે કેટલાક પત્રકારો આ પોલીસ અધિકારીઓની વીરતાને બિરદાવતા હેવાલો પ્રગટ કરતા હતા. દયા નાયકે અંડરવર્લ્ડ પાસેથી ધાકધમકી આપીને ૧૦૦ કરોડ રૂપિયાની મિલકતો ભેગી કરી છે, એવા આક્ષેપો તેની ઉપર થયા હતા. દયા નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પણ અદાલતના આદેશને પગલે તેને નોકરીમાં ફરી લેવાની મહારાષ્ટ્ર સરકારને ફરજ પડી છે.

દયા નાયકના વિવાદને પગલે મુંબઇના તત્કાલીન પોલીસ કમિશનર એ. એન. રોયે દયા નાયકની જેમ જ બનાવટી એન્કાઉન્ટરનો ડર બતાડી અઢળક સંપત્તિ ભેગી કરનારા મુંબઇ પોલીસના ટોચના એક ડઝન ઓફિસરોની યાદી ભ્રષ્ટાચાર વિરોધી શાખાને સુપરત કરી હતી. આ સમાચાર વાંચીને પ્રશ્ન થાય છે કે દયા નાયક અને તેના જેવા એન્કાઉન્ટર નિષ્ણાતો જ્યારે દસ વર્ષથી અંધારી આલમ પાસેથી અઢળક પૈસા પડાવી રહ્યા હતા ત્યારે પોલીસ કમિશનર, મહારાષ્ટ્રના પોલીસ વડા, સીઆઇડી અને સીબીઆઇ જેવી એજન્સીઓ અને સરકાર શું ઊંઘતા હતા? કે પછી અનૈતિક પ્રવૃત્તિ કરી રહેલા આ પોલીસ અધિકારીઓની કમાણીમાં તેમનો બધાનો પણ ભાગ હતો?

પોલીસ જ્યારે કોઇ કહેવાતા ગુનેગારનું એન્કાઉન્ટર કરે છે, ત્યારે તેઓ ર્કોટની આ સત્તા ઉપર અને પોતાનો અદાલતમાં બચાવ કરવાના દરેક નાગરિકના મૂળભૂત અધિકાર ઉપર પણ તરાપ મારતા હોય છે. પોલીસ દ્વારા જે આરોપીને બનાવટી અથડામણમાં ઠાર મારવામાં આવ્યો હોય તે નિર્દોષ હોય તેવી સંભાવના પણ રહે છે. તે આરોપી ખરેખર ગુનેગાર હોય તો તેણે એવા ગુનાઓ નથી ક્ર્યા હોતા, જેના માટે ફાંસીની સજા જ થાય. કોઇ ગુનેગારને ખરેખર ફાંસીની સજા થવાની હોય તો પણ તેને બચાવની તક તો મળવી જ જોઇએ. આ રીતે બનાવટી અથડામણમાં કહેવાતા ગુનેગારોને ખતમ કરવા તે અત્યંત અધમ અને ગેરકાનૂની પ્રવૃત્તિ જ ગણાવી જોઇએ. દયા નાયકના પ્રકરણ ઉપરથી તો ખ્યાલ આવે છે કે તેને આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ કરીને, અનેક રીઢા ગુનેગારોને તેમનું એન્કાઉન્ટર કરી નાંખવાની ધમકી આપીને, તેમની પાસેથી નિયમિત રીતે કરોડો રૂપિયા ઉઘરાવતો હતો.

આજે પોલીસ તરફથી કરવામાં આવતા મોટા ભાગનાં એન્કાઉન્ટર બનાવટી જ હોય છે, તે આખી દુનિયા જાણે છે. કેટલીક વાર તો પોલીસ કસ્ટડીમાં જ આરોપીની હત્યા કરીને તેનું શબ રસ્તા ઉપર ફકીને એન્કાઉન્ટરની સ્ટોરી ઉપજાવી કાઢતી હોય છે. ક્રાઇમ રિપોર્ટરોને આ બધી જ વાતની જાણ હોય છે પણ પોલીસને વહાલા થવા તેઓ પોલીસે આપેલી ઉપજાવી કાઢેલી સ્ટોરીઓ છાપતા હોય છે. કોઇ ગુનેગારની પોલીસ ધરપકડ કરવા જાય અને તે પોલીસ સામનામાં હથિયાર કાઢે તો પોલીસે સ્વબચાવમાં ગોળી છોડવી પડે તો તે આરોપીના પગમાં મારવી જોઇએ. અહીં તો જેટલાં એન્કાઉન્ટર થાય છે, તેમાં સીધી છાતીમાં જ ગોળી મારવામાં આવે છે. આને હત્યા ન કહેવાય તો શું કહેવાય ? હકીકત એ છે કે આવાં બનાવટી એન્કાઉન્ટર અનેક વખત રાજકારણીઓના ઇશારે પણ થતા હોય છે.

થોડાં વર્ષો અગાઉ મુંબઇની પોલીસે બનાવટી અથડામણમાં દાઉદ ઇબ્રાહિ‌મના સાગરીત માયા ડોળસનું કાટલું કાઢી નાંખ્યું ત્યારે તેની પાસેથી મુંબઇ પોલીસના ટોચના ઓફિસરોનાં નામની ડાયરી મળી હતી, જેઓ દાઉદના પગારપત્રક ઉપર હતા. આ અધિકારીઓ સામે કોઇ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી. કારણ કે ત્યારના મહારાષ્ટ્રના સત્તાધીશો પોતે પણ દાઉદ ઇબ્રાહિ‌મ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. જો આ બધા બનાવટી એન્કાઉન્ટરોની તપાસ કરવાનું કામ કોઇ નિષ્પક્ષ પંચને સોંપવામાં આવે તો મહારાષ્ટ્રના કેટલા રાજકારણીઓ અને પોલીસ ઓફિસરો અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા છે, તેની સનસનાટીપૂર્ણ વિગતો બહાર આવે તેમ છે.
sanjay.vora@dainikbhaskargroup.com