તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક સ્વૈચ્છિક જાહેરાત યોજના આવી રહી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ વર્ષમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વૈચ્છિક જાહેરાત યોજના લાવવામાં આવી હતી, જેમાં પોતાની ગુપ્ત આવક પર ૪૫ ટકા ટેક્સ ભરીને તે રકમ વ્હાઇટ કરવાની સગવડ આપવામાં આવી હતી. આ યોજના દ્વારા સરકારને આશરે ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનો વકરો થયો હતો. જેમણે આ યોજના હેઠળ પોતાનું કાળું નાણું જાહેર ન કર્યું હોય તેમના માટે નોટબંધીનું જલદ પગલું લેવામાં આવ્યું હતું. તેમાં અત્યાર સુધીમાં ૬ લાખ કરોડ રૂપિયા બેન્કોમાં અને પોસ્ટ ઓફિસોમાં જમા થઇ ગયા છે. તેમાં કેટલું કાળું નાણું છે અને કેટલું ધોળું છે, તેનો ખ્યાલ તો ૩૦ ડિસેમ્બર પછી આવશે.
તા. ૧૦ નવેમ્બર અને ૩૦ ડિસેમ્બર વચ્ચે દેશની બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં જે રોકડ રકમ જૂની નોટોના સ્વરૂપમાં જમા કરાવાઇ હશે, તેના પર કેટલા ટકા ટેક્સ ભરવાનો થશે? તે બાબતોમાં મતભેદો છે. ટેક્સ કન્સલ્ટન્ટો કહે છે કે આ રકમને જો ઇન્કમ ટેક્સ રિટર્નમાં નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની ગુપ્ત આવક તરીકે દર્શાવવામાં આવે તો તેના પર મહત્તમ ૩૦ ટકાના દરે ટેક્સ ભરવાનો રહે, પણ કોઇ પેનલ્ટી ભરવાની જરૂર રહે નહીં. ઇન્કમ ટેક્સ ખાતાંનો પરિપત્ર કહે છે કે જો બેન્કમાં ભરેલી રોકડ રકમ ૨.૫ લાખ રૂપિયાથી વધી જતી હશે તો તેના પર ૩૦ ટકા ટેક્સ ઉપરાંત ટેક્સ ઉપર ૨૦૦ ટકા જેટલી પેનલ્ટી લાગવા ઉપરાંત જમાકર્તા સામે ફોજદારી કેસ પણ થઇ શકે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આ રીતે પેનલ્ટી લગાવવાનો કોઇ અધિકાર નથી, તેમ ટેક્સ કન્સલ્ટન્ટો કહે છે.
કેન્દ્ર સરકારને લાગે છે કે જે શ્રીમંતોએ સ્વૈચ્છિક જાહેરાત યોજના હેઠળ ૪૫ ટકા વેરો ભરીને પોતાનું કાળું નાણું જાહેર નહોતું કર્યું, તેમને માત્ર ૩૦ ટકા ટેક્સ વસૂલ કરીને કેવી રીતે જવા દેવાય? વળી નોટબંધીને કારણે બેન્કોમાં જે માતબર રોકડ રકમ જમા થઇ છે તેને જોઇને સરકારના મોંઢાંમાં પણ પાણી આવી રહ્યું છે. આ કારણે સરકારે વચ્ચેનો રસ્તો શોધી કાઢ્યો છે. ટેક્સ કન્સલ્ટન્ટોના ૩૦ ટકા અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ૨૦૦ ટકા પેનલ્ટીના ગજગ્રાહ વચ્ચે સરકારે નક્કી કર્યું છે કે જેઓ અમુક ચોક્કસ જમા રકમ કરતાં વધુ પર ૩૦ ટકા ટેક્સ અને ૩૦ ટકા પેનલ્ટી મળીને કુલ ૬૦ ટકા ભરવા સામેથી તૈયાર હોય તેમને કોઇ નોટિસ ન મોકલવી અને તેમની સામે કોઇ ફોજદારી કેસ પણ કરવો નહીં. કહેવાય છે કે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાઇ ગયો છે, પણ તેની જાહેરાત કરવાની બાકી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગયાં વર્ષે વિદેશની બેન્કોમાં કાળું નાણું ધરાવતા ભારતીય નાગરિકો માટે એક સ્કિમ લાવવામાં આવી હતી, જેમાં ૬૦ ટકા ટેક્સ ભરવાનો નિયમ રાખવામાં આવ્યો હતો. આ રેટ નોટબંધી હેઠળ મળેલા અબજો રૂપિયા પર લગાવાય તો સરકારની તિજોરી ફાટફાટ થઇ જશે. મળતા હેવાલો મુજબ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલાં ખાતાંઓમાં પણ નોટબંધીને પગલે ૨૧,૦૦૦ કરોડ રૂપિયા જમા થયા છે. આ ખાતાંઓનો ઉપયોગ પણ કાળાં નાણાંની ધુલાઇ માટે કરાઇ રહ્યો છે.

સરકારે નોટબંધીની જાહેરાત કરી તેનો મૂળ ઉદ્દેશ ભલે કાળાં નાણાંની નાબૂદીનો હતો; પણ તેના બીજા પણ કેટલાક ઉદ્દેશો હતા. તેમાંનો એક ઉદ્દેશ બજારમાં ફરતી ચલણી નોટોમાં ઘટાડો કરવો અને લોકોને બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા કરવાનો હતો.ભારતના ૯૦ ટકા આર્થિક વહેવારો આજે રોકડા રૂપિયા પર ચાલે છે. સરકાર તેને ઘટાડીને દસ ટકા પર લાવવા માગે છે. નોટબંધીને કારણે દેશની ૮૬ ટકા ચલણી નોટો સરકારના હાથમાં આવી જશે. તેને ફરીથી લોકોના હાથમાં જતી અટકાવવા માટે સરકાર સ્વૈચ્છિક જાહેરાત યોજના સાથે ફરજિયાત ડિપોઝિટ યોજના પણ લાવી શકે છે.આ યોજના મુજબ બેન્કમાં જૂની નોટો જમા કરાવનારા જો તે વ્હાઇટ મની છે તેવું પુરવાર ન કરી શકે તેમ હોય તો તેમણે તેના પર ૫૦ ટકાના દરે ટેક્સ ભરીને તે રૂપિયા વ્હાઇટ કરી લેવાના રહેશે. આ વ્હાઇટ મની તેમને ચાર વર્ષ સુધી વાપરવા મળશે નહીં, પણ તેમને રોકડા રૂપિયા સામે વ્યાજમુક્ત સરકારી બોન્ડ આપવામાં આવશે, જે ચાર વર્ષ પછી પાકતા હશે.
આ રીતે સરકારની ચલણમાં રોકડ રકમ ઓછી કરવાની યોજના પણ ફળીભૂત થશે. જો બેન્કમાં રોકડ રકમ જમા કરાવનારા શ્રીમંતો આ બીજી સ્વૈચ્છિક જાહેરાત યોજનાનો લાભ પણ નહીં લે તો તેમને ઇન્કમ ટેક્સના અધિકારીઓની દયા પર છોડી દેવામાં આવશે. તેઓ દરોડા પાડીને ૨૦૦ ટકા પેનલ્ટી વસૂલ કરવા ઉપરાંત કેસ પણ કરશે.જો સરકાર ૬૦ ટકા ટેક્સ ભરીને આવકની સ્વૈચ્છિક જાહેરાત કરવાની યોજના લાવવા માગતી હોય તો તેણે કાયદો બદલવો પડે અને તે માટે સંસદમાં ખરડો પસાર કરવો પડે. વર્તમાનમાં સરકાર સંસદના બંને ગૃહોમાં આવો ખરડો પસાર કરાવી શકે તેમ નથી, કારણ કે રાજ્ય સભામાં તેની પાસે જરૂરી સંખ્યા નથી. આ સંયોગોમાં સરકાર શિયાળુ સત્રની સમાપ્તિ પછી વટહુકમ લાવી શકે છે. તેની સામે બીજો વિકલ્પ મની બિલ લાવવાનો છે, જેને રાજ્ય સભાની સંમતિની જરૂર રહેતી નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકારો કહે છે કે દેશમાં જેટલું કાળું નાણું છે તેમાંનું ૯૦ ટકાથી વધુ પ્રોપર્ટીમાં અને કીમતી ધાતુઓમાં છે, તેની સામે સરકાર કેમ પગલાં લેતી નથી? વિરોધીઓની વાતો નરેન્દ્ર મોદીએ પણ સાંભળી લીધી છે. તેઓ આ માટે તા.૩૦ ડિસેમ્બરની રાહ જોઇ રહ્યા છે. નોટબંધીનું પ્રકરણ પૂરું થયા પછી તેઓ રિયલ એસ્ટેટનું અને સોનાચાંદીનું ઓપરેશન પણ કરવાના છે. જેમણે પોતાના બે નંબરના રૂપિયાનું રિયલ એસ્ટેટમાં કે કીમતી ધાતુમાં રોકાણ કર્યું છે તેમના માટે પણ બૂરા દિવસો આવવાના છે. નરેન્દ્ર મોદી પાસે તેમના માટે પણ વિધવિધ યોજનાઓ તૈયાર જ છે.
અન્ય સમાચારો પણ છે...