નરેન્દ્ર મોદીએ પુરવાર કર્યું કે તેઓ 'બોસ’ છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ ૧૯૮૪માં રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તે પછી આપણા દેશના કોઇ વડાપ્રધાન પોતાની ઇચ્છા મુજબનું પ્રધાનમંડળ રચી શક્યા નહોતા. આ પ્રધાનમંડળ ક્યાં તો ગઠબંધનની મજબૂરી જેવું રત્ેતું અને ક્યાં રિમોટ કન્ટ્રોલના પ્રભાવવાળું રહેતું. ડો. મનમોહનસિંઘે વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯માં જે કેબિનેટની રચના કરી તેમાં ગઠબંધનની મજબૂરી અને રિમોટનો પ્રભાવ બંને જોવા મળતા હતા. ૩૦ વર્ષ પછી ભારતના વડાપ્રધાનની ઇચ્છા મુજબનું પ્રધાનમંડળ આપણને જોવા મળ્યું છે, જેમાં 'ક્વોટા’ સીસ્ટમને બદલે ગુણવત્તાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ૧૦૦ ટકા પોતાની મરજીના પ્રધાનમંડળની રચના કરીને નરેન્દ્ર મોદીએ પુરવાર કર્યું છે કે તેઓ રિયલ 'બોસ’ છે.

ભાજપની છાપ પુરુષોના પક્ષ તરીકેની છે. તેમ છતાં મોદીએ પોતાની કેબિનેટમાં સાત મહિ‌લાઓને સ્થાન આપીને પુરવાર કર્યું છે કે તેઓ સ્ત્રીઓની કેટલી ઇજ્જત કરે છે. આ સાત મહિ‌લાઓ પૈકી સુષ્મા સ્વરાજ સૌથી વધુ સિનિયર છે અને ભાજપ સંસદીય ર્બોડના એકમાત્ર મહિ‌લા સભ્ય છે. શરૂઆતમાં રિસાઇ ગયેલાં સુષ્મા સ્વરાજને અત્યંત મહત્ત્વનું વિદેશખાતું આપીને મનાવી લેવામાં આવ્યાં છે. સાધ્વી ઉમા ભારતી માટે ગંગા શુદ્ધીકરણનું ખાસ ખાતું બનાવીને મોદીએ બતાવી આપ્યું છે કે ગંગાની ગંદકી દૂર કરવાની બાબતમાં તેઓ કેટલા ગંભીર છે. માત્ર ૩૮ વર્ષનાં સ્મૃતિ ઇરાનીને કેબિનેટમાં સ્થાન આપીને નરેન્દ્ર મોદીએ તેમના પક્ષ માટેના યોગદાનની કદર કરી છે. પર્યાવરણ અને પ્રાણીઓ માટે અવિરત ઝુંબેશ ચલાવતાં મેનકા ગાંધીનો સમાવેશ કરીને તેમણે પર્યાવરણપ્રેમીઓને રાજી કરી દીધા છે. મોદીની કેબિનેટમાં ૨પ ટકા બેઠકો મહિ‌લાઓને ફાળવવામાં આવી છે. ભારતના ઇતિહાસમાં પહેલી વખત આટલી બધી મહિ‌લાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મોદીએ પોતાની પત્નીને જવાબો આપવાના નથી માટે તેઓ આ કરી શક્યા છે.

નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં વંશપરંપરાગત શાસનના સિદ્ધાંતને દૂર રાખવામાં આવ્યો છે. આ કારણે મેનકા ગાંધીના પુત્ર વરુણને, વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતને, હિ‌માચલના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પ્રેમકુમાર ધુમલનો પુત્ર અનુરાગ ઠાકુરને, યશવંતસિંહાના પુત્ર જયંતને, ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહના પુત્ર રાજવીરને, છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહના પુત્ર અભિષેકને અને સ્વ. પ્રમોદ મહાજનની પુત્રી પૂનમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. યુપીએના પ્રધાનમંડળમાં મુરલી દેવરાના પુત્ર મિલિન્દ દેવરાને, માધવરાવ સીંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સીંધિયાને અને રાજેશ પાઇલોટના પુત્ર સચિન પાઇલોટને સ્થાન આપવામાં આવ્યું હતું. ભાજપમાં ચૂંટાઇને આવેલા નેતાઓના નબીરાઓ પોતાની ઉપયોગિતા પુરવાર કરશે તે પછી જ તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળની રચના કરતી વખતે નેતાઓનાં કદ કરતાં તેમની પ્રતિભાને અને સમર્પણને વધુ મહત્ત્વ આપ્યું છે. આ કારણે શત્રુદનસિંહા અને રાજીવ પ્રતાપ રૂડી જેવા સિનિયર નેતાઓને દૂર રાખીને તેઓ નિર્મલા સીતારામન અને પ્રકાશ જાવડેકર જેવા નવાંગતુકોને સ્થાન આપી શકયા છે. નિર્મલા સીતારામન અને પ્રકાશ જાવડેકરને મોદીએ પક્ષના પ્રવકતાઓ બનાવ્યા હતા. તેમણે ટીવી ચેનલો પરની ચર્ચાઓમાં ભાજપના પક્ષની અસરકારક રજૂઆત કરીને પક્ષને ચૂંટણીઓમાં ભવ્ય વિજય અપાવવામાં મદદ કરી હતી તેની કદર કરવામાં આવી છે.

બિહારમાં નરેન્દ્ર મોદીએ બે ઉમેદવારો વચ્ચે પસંદગી કરવાની હતી. રાજીવ પ્રતાપ રૂડી સિનિયર નેતા છે તો રાધા મોહનસિંહ શાંત કાર્યકર છે. તેઓ પૂર્વ ચંપારણમાંથી પાંચમી વખત સંસદમાં ચૂંટાઇ આવ્યા છે. નરેન્દ્ર મોદીએ રૂડીને બદલે સિંહને પસંદ કરવામાં હિંમતનું પ્રદર્શન કર્યું છે. રાજીવ પ્રતાપ રૂડીને હવે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષને વિજય ભણી લઇ જવાની જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત બિહારમાં ભાજપને ઝળહળતી સફળતા આપવામાં ધર્મેન્દ્ર પ્રધાનના યોગદાનની પણ તેમણે કદર કરી છે. થાવરચંદ ગેહલોટ અને સુદર્શન ભગત જેવા પક્ષના શિસ્તબદ્ધ કાર્યકરોની પણ તેમણે યોગ્ય કદર કરી છે. પહેલી વખત સંસદમાં ચૂંટાયેલા વી.કે.સિંહને રાજ્યકક્ષાના પ્રધાન બનાવીને મોદીએ સાબિત કરી આપ્યું છે કે ખુરશી મેળવવા માટે માત્ર સિનિયોરિટી માપદંડ નથી.

નરેન્દ્ર મોદીની કેબિનેટમાં જે બે સિનિયર નેતાઓ સૌથી વધુ ખાટી ગયા છે, તેઓ રાજનાથસિંહ અને અરુણ જેટલી છે. સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન અને તે પહેલાં પણ તેઓ મોદીના સમર્થનમાં મજબૂત રીતે ઊભા રહ્યાં હતાં તેનો તેમણે શિરપાવ આપવામાં આવ્યો છે. રાજનાથસિંહે તો મોદીની કેબિનેટમાં જોડાવા માટે ભાજપના અધ્યક્ષપદેનો તાજ જતો કર્યો છે. તેમને પ્રધાનમંડળમાં સૌથી અગત્યનું મનાતું ગૃહખાતું આપવામાં આવ્યું છે. અરુણ જેટલી અમૃતસરમાંથી હારી ગયા તો પણ તેમને નાણાં અને રક્ષા જેવાં બે મહત્ત્વનાં મંત્રાલયો સોંપવામાં આવ્યાં છે. જોકે, એક જ વ્યક્તિને બે મહત્ત્વનાં મંત્રાલયો સોંપવા પાછળનું લોજિક સમજાતું નથી. કદાચ સંરક્ષણ મંત્રાલય સોંપવા માટે તેઓ હજી વધુ વિશ્વાસપાત્ર વ્યક્તિની તલાશ કરી રહ્યા છે. અરુણ જેટલી નાણાં પ્રધાનની ભૂમિકામાં વધુ યોગ્ય રહેશે.

ભારતના પંદરમા વડાપ્રધાન તરીકે સોગંધ ગ્રહણ કરીને નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ૧૨પ કરોડ ભારતીયોનાં દિલમાં જબરદસ્ત અપેક્ષાઓ અને આકાંક્ષાઓ જન્માવી છે. દેશમાં જ્યાં કંઇ પણ કોઇ સમસ્યા હોય તેની ચર્ચા કરવામાં આવે ત્યારે લોકોના મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે. 'અબ મોદી આયે હૈ, સબ ઠીક હો જાયેગા.’ પ્રજાની સહાનુભૂતિ અને આશાવાદની જબરદસ્ત તાકાત નરેન્દ્ર મોદીના જમા પાસે છે. લોકસભામાં સ્પષ્ટ બહુમતી અને સંઘપરિવારના પૂર્ણ આર્શીવાદ સાથે હવે તેમણે પોતાની બધી જ યોજનાઓનો અમલ કરી બતાવવાનો છે.