માણિક સરકાર જ્યારે દાખલો બેસાડે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-અલવિદા આફસ્પા |કટોકટીરાજના ચાર દાયકે દેશજનતાની ખિદમતમાં ત્રિપુરાની અનોખી ભેટ
સોમવારે જૂન માસમાં પ્રવેશીશું... જૂન 1975થી જૂન 2015, પૂરા ચાર દાયકા! ત્યારે અલાહાબાદ અને અમદાવાદના ઐતિહાસિક ચુકાદાઓ આવ્યા હતા. એક ચુકાદો જો ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદબાતલ ઠરાવતો હતો તો બીજો ચુકાદો ગુજરાતમાં જનતા મોરચાની સંભવિત સરસાઈ સ્થાપતો હતો. નવી રાજનીતિની આ સંભાવનાઓ ઉપર બે જ અઠવાડિયાંમાં કટોકટીરાજનું સ્ટીમરોલર ફરી વળ્યું હતું. કેમ જાણે, 26 જાન્યુઆરી 1950નું પ્રજાસત્તાક ખડી પડ્યું હતું અને એનું સ્થાન 26 જૂન 1975ના એકવ્યક્તિસત્તાકે લીધું હતું. આજે, ચાર દાયકે ક્યાં છીએ આપણે? લાંબે પને ચર્ચા તો ખાસી કરી શકીએ. અપદસ્થ કોંગ્રેસ અને પદસ્થ ભાજપ, આ ઘટનાક્રમમાં કોઈ ચાહે તો કશો ઈતિહાસન્યાય પણ વાંચી શકે. પણ જયપરાજ્યના વારાફેરાના આ બે મુખ્ય પાત્રો કશું શીખ્યા છે કે કેમ અગર તો કેટલું શીખ્યા છે અને કેવું શીખ્યા છે એ વળી જુદી જ તપાસનો વિષય છે.

જોકે આ ક્ષણે કટોકટીનો હવાલો આપવાનું તત્કાળ નિમિત્ત જરી જુદું છે: ચાર દાયકાના ઉંબર અઠવાડિયે માણિક સરકારે, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકારે, લોકશાહી મૂલ્યો અને પ્રક્રિયા જોગ એક સોજજી વીરપસલી આપી છે. ત્રિપુરા સરકાર પોતાને ત્યાંથી આફસ્પા કહેતાં આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ પાવર્સ એકટને રૂખસદ ફરમાવે છે. છેક 2000ની સાલથી મણિપુરની ઈરોમ શર્મિલા જે કાનૂનને હટાવવા સારુ ભૂખ હડતાળ પર છે તે તત્ત્વત: ગેરકાનૂની કાનૂન આજે દેશમાં જ્યાં જ્યાં અમલી છે ત્યાં ત્યાં વગર કટોકટી જાહેરાતે કટોકટીરાજની અવસ્થા એટલે કે અનવસ્થા પર કબજો, છે. ઘરની તલાશી, વાહનો પર કબજો, વગર વોરન્ટે ગિરફતારી, બેબાક ને બિનધાસ્ત બળપ્રયોગ- અને આ સઘળી બાબતો સબબ ચાલુ અદાલતોથી મુક્ત રહેવાનો વિશેષાધિકાર: આફસ્પાના અમલની ઓળખ કરી છે. ગુજરાતે સમજ્યાકર્યા વગર જેમાં પોતાના ગૌરવનું આરોપણ કર્યું છે એ એન્કાઉન્ટરશાહી આફસ્પામાં એકચક્રી આણ ભોગવે છે.

સ્મરણ રહે કે આ જ મણિપુરમાં થોડાં વરસ પર મહિલાઓના એક સમુદાયે લશ્કરના જવાનો સામે અવસ્ત્ર થઈને દેખાવો કર્યા હતા, કેમ કે આફસ્પામત્ત લશ્કરને નારીની અસ્મતનો ભંગ કરવામાં પોતાની અસ્મિતા દેખાય છે. આફસ્પા, એક વાર કોઈ વિસ્તારને “ડિસ્ટર્બ્ડ એરિયા’ જાહેર કરાય એટલે પોલીસ રાજ (ખરું જોતાં જોકે લશ્કરરાજ)નો પરવાનો બની રહે છે. સરવાળે, બધે જ આફસ્પા હકૂમતનો એક સરખો અનુભવ એ રહ્યો છે કે લોકો જુલમનો ભોગ બનતા રહે છે, અને ઉત્તરોત્તર એક પ્રકારે વિમુખીકરણમાં ઢસડાય છે. ઈશાન ભારત આખામાં વખતોવખત જે બનતું રહે છે તે તો એ કે ચૂંટણી થાય છે, ચૂંટાયેલી સરકારો આવે અને જાય છે, પણ લોકોને લોકશાહી અને કટોકટીરાજ વચ્ચેનો ફરક વાસ્તવમાં અનુભવતો નથી. નહીં કે પ્રશ્નો નથી. નહીં કે રાજ્ય સરકારોને લશ્કરી કુમકની કદીક જરૂરત નથી. માત્ર, અગ્રતા અને વિવેકને ધોરણે લોક(શાહી)લક્ષી સંતુલન સાધવું રહે છે.
ત્રિપુરાના આદિવાસી વિસ્તારમાં “લિબરેશન ફ્રન્ટ’ અને “ટાઈગર્સ’ જેવાં સશસ્ત્ર જૂથોનો આતંક હતો. માણિક સરકાર અને સાથીઓએ લશ્કરને બદલે અર્ધલશ્કરી સેવાઓ લેવા પર ભાર મૂક્યો. આદિવાસી વિસ્તારોને સ્વાયત્તતાને ધોરણે સશક્ત અને વિકાસવંત કરવા પર પણ ભાર મૂક્યો. ત્રિપુરા સરકારની પ્રસ્તુત જાહેરાતને મળી રહેલ તત્કાળ ટિ્વટર-આવકારમાં બે નામો તરત ધ્યાન ખેંચે છે. એક તો દેશના પૂર્વગૃહમંત્રી પી.ચિદમ્બરમ છે જેમણે આ નિર્ણયમાં રહેલ “શાણપણ અને માનવતા’ને વધાવવાપણું જોયું છે. પોતાના કાર્યકાળમાં ચિદમ્બરમ એકથી વધુ વાર કહી ચૂક્યા હતા કે આફસ્પા જવો જોઈએ. પણ કોઈક વાર સંબંધિત રાજ્યના દબાણથી અને સવિશેષ તો લશ્કરશાહોના દબાણ તળે એ રહ્યા હશે એમ સમજાય છે. લશ્કરે આફસ્પાને (અને એને અન્વયે “મનમાની’ને) કેમ જાણે વ્યક્તિગત પ્રતિષ્ઠા બલકે અહંનો મુદ્દો બનાવી દીધો ન હોય! આ સંદર્ભમાં જોઈએ તો કેપીએસ ગિલ સરખા પોલીસશાહની પ્રતિક્રિયા અવશ્ય આવકારલાયક લાગે છે કે ત્રિપુરામાં બધું થાળે પડવા લાગ્યું છે ત્યારે આફસ્પા બેમુદત ચાલુ રહે તે ઈષ્ટ નથી. મુદ્દે, ગિલ જેવા પોલીસશાહોને જે મુદ્દો પકડાય છે તે કદાચ ગુજસીટોક તરેહના સત્તામાનસને પકડાતો નથી.

ગુજરાતને ગિલ અને રિબેરો બેઉનો સુખાનુભવ છે. અનામત આંદોલન વખતે રિબેરોની કામગીરી તો અનુગોધરા કાળમાં ગિલની કામગીરી પંકાઈ છે. બંનેને તમે પૂછશો તો “આફસ્પા’માંથી સોડાતા સત્તામાનસનો વિરોધ કરશે તે સાથે, બેઉ જેમ સત્તારૂઢો પરત્વે મર્યાદાની અપેક્ષા રાખે છે તેમ લોકમાનસ પરત્વે પણ કશીક અપેક્ષા સેવે છે. ગોધરા-અનુગોધરા ગુજરાત સંદર્ભે, જેમ કે, ગિલનું એક અવલોકન સળંગ રહ્યું છે કે અહીં કલિંગબોધ નથી. માનવ અધિકારો અંગે જે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓમાં ભારત સત્તાવાર જોડાયેલ છે તેને અન્વયે આફસ્પા અસ્વીકૃત હોવો જોઈએ એવું સતત કહેવાતું રહ્યું છે. પણ 1942માં પારકી સરકારે લોકોને દાબવા જે દોર ચલાવેલો એની ગળથૂથીમાંથી આવેલ “આફસ્પા’નો મોહ સ્વરાજ સરકારોને પણ એમ ઝટ છૂટે શાનો.
અન્ય સમાચારો પણ છે...