તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઈની પાસેથી લઈએ તેથી વધુ આપવાનો સંકલ્પ કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ જીવન એક સંગ્રામ છે, જીવનની તકલીફોમાંથી ભાગશો નહીં, તેને 'યસ’ કહીને સ્વીકારી લેજો

આદિવાળી અને પછી નવા વિક્રમ વર્ષમાં આપણે છીએ તેના કરતાં કંઈક નવા થઈએ. તે માટે હું કવિ નરેન્દ્ર શર્માની કાવ્યપંક્તિ ટાંકુ છું. કારણકે રોજ રોજ આપણને નવી ચેલેન્જ આવે છે. નવા પ્રોબ્લેમ આવે છે, પણ આ દિવાળીએ સંકલ્પ કરો કે તમે હારશો નહીં. વળી દિવાળીના દિવસોમાં આપણે વધુ પડતાં ઘોંઘાટથી ફટાકડા ન ફોડીએ અને ન પચે તેવી મીઠાઈઓ આરોગીએ છીએ તેને બદલે થોડાક જૈન બનીએ. થોડાક જૈન બનવું એટલે? પ્રથમ હું તમને કવિ નરેન્દ્ર શર્માની પંક્તિ સંભળાવું છું.

વહી સચ્ચા વીર હૈ જો હારકર હારા નહીં, વીર વોહી જો કભી બિચારા નહીં.
હું આજે સંકલ્પ કરું છું કે મને કદી જ કોઈ બિચારો કહે તેવો ૨૦૧૪માં મોકો નહીં આપું. ઉપર શરૂમાં મેં કહ્યું આપણે ''થોડા’’ જૈન બનીએ. તમે જોયું હશે કે મહદઅંશે જૈનો સમૃદ્ધ છે. સમૃદ્ધ થતાં જાય છે. શું કામ? કવિ વોલ્ટ વ્હીટમેને ''લીવ્ઝ ઓફ ગ્રાસ’’નામનું કાવ્ય લખેલું આ કવિ દેખાવે જ ઋષિ જેવો હતો. 'ચેરિટી ઈઝ ધ ગ્રેટ ફોર્સ, ઈટ ગીવ્ઝ એ મેન હીઝ સિકસ્થ સેન્સ, ચેરિટી એન્ડ પર્સનલ ઓનેસ્ટી’ આવી ચેરિટીની ભાવના જૈનોમાં હતી. તેમના બાપદાદામાં વિશેષ હતી. એટલે આજે જૈનો સમૃદ્ધ છે. તો? થોડા જૈન બનવામાં એક તો આ દિવાળીમાં ઘોંઘાટિયા ફટાકડા ન ફોડાય અને ઉપવાસ ભલે ન કરો પણ બની શકે તેટલી મીઠાઈ ઓછી ખાઈએ.

હંમેશાં બીજાને ખવરાવીને ખાઈએ. પરંતુ જૈનો માટે મહાવીર ભગવાનનો નિર્વાણદિન (દેહમુક્તિનો દિવસ) દિવાળીના દિવસે જ છે, એટલે તેમને યાદ કરીને તે દિવસે શ્રદ્ધાળુ જૈનો ઉપવાસ કરે છે તે સૂચક છે. ઉપવાસનો તાત્વિક અર્થ લઈએ તો માણસે ''પોતાની પાસે જવું’’ ''પોતાના આત્મા નિકટ રહેવું.’’ વધુને વધુ અંતરમુખી થવું. આમ કરવાથી અને ભૌતિક રીતે ઉપવાસ કરવાથી આપણી સિકસ્થ સેન્સ જાગૃત થાય છે.
આપણે આજે કવિ માર્ક ટેવનને પણ યાદ કરીએ. તેમના મરણને આજે ૧૦૩ વર્ષ થયા છે. તેમણે મરતાં પહેલાં સંદેશો આપેલો કે ''આ જીવન એક સંગ્રામ છે.

કદી જ જીવનની તકલીફોમાંથી ભાગશો નહીં. ગમે તેવી જિંદગી હોય. તે કઠિન જિંદગીને અને જિંદગીની પીડાઓને 'યસ’ કહીને સ્વીકારી લેજો. યુવાનોને કહેતાં કે તમને સાહસ કરવાનું મન થાય તે સાહસ કરી જ લેજો. ફૂંકી ફૂંકીને જીવશો તો કંઈ નવું હાંસલ નહીં થાય. ખાસ તો તમારા કરતાં બીજા માટે વધુ જીવજો.
ખાસ તો મહાવીરનો સંદેશો માત્ર જૈનો કરતાં જૈનેતર લોકોએ વધુ જીવનમાં ઉતારવા જેવો છે. જીવન તો સારી રીતે જીવવું જ જોઈએ, પરંતુ કદી જ છાકટા થઈને નહીં, ઉત્સવ કે ધર્મને નામે પણ સંયમ ચૂકવો નહીં. એટલે જ દિવાળીને જાગૃત જૈનો ઉપવાસ કરે છે. ''એનસાઈકલોપીડિયા ઓફ ડેથ એન્ડ ડાઈંગ’’માં લખ્યું છે કે ''જૈનધર્મમાં ધ્યાનમાં ખેંચે તેવી વાત છે કે જિંદગીભર ખાવા-પીવામાં કે ભોગવવામાં સંયમ રાખવો તેમ જ મોરલ કન્ડકટ સારી રાખવી. જેથી સારા વિચારો આવે, સારાં કૃત્યો થાય. આ બધા થકી સારું અને શાંત મૃત્યુ મળે છે.’’

તમે જોશો તો મહદઅંશે ૯૯ ટકા લોકો લાંબી બીમારીમાં દુ:ખી થઈ થઈને જીવતાં છતાં મરેલા જીવે છે. એ પછી પણ તેમનો જીવ જતો નથી. ભલે તમે શ્રદ્ધાળુ જૈનોની જેમ દિવાળીને દિવસે ઉપવાસ ન કરી શકો તો બે રીતે ઉપવાસ કરી શકો, એક તો મીઠાઈ ખાઓ તો ઘરે બનાવેલો શીરો, ગોળપાપડી, મગજ કે તે દિવસની મીઠી ચીજમાં રબડી નહીં. દૂધપાક નહીં. પણ આપણી દેશી ખીર બનાવીને ખાઓ. તેમાં બીજુ કાંઈ બદામપીસ્તાનું ''પ્રદૂષણ’નહીં ઘુસાડો. ખીરમાં અને ખાસ કરીને ગાયના દૂધની ખીરમાં માત્ર જાયફળ-જાવંત્રી સિવાય બીજું કંઈ નહીં નાખો.

અંગ્રેજીમાં મહાવીર નિર્વાણને દિવસે પાળવાના આચાર વિશે લખ્યું છે કે, 'હેવ ધ સેલ્ફ નોલેજ એન્ડ કોમ્પેશન, અપ ટુ ધ લાસ્ટ મોમેન્ટ.’ છેલ્લા શ્વાસ સુધી આત્મજ્ઞાન મેળવવા સાધુ જેવું જીવન જીવો. જેથી તમને આસાન રીતે મૃત્યુ આવે. કોઈ વાચક પૂછશે કે દિવાળીને દિવસે જયાં વધુ જીવંત થઈને અને વધુ આનંદદાયી થઈ ને જીવવાનું છે ત્યાં નિર્વાણની વાત કયાં કરો છો? ત્યારે માત્ર તમારે ઓશો રજનીશની વાત ધ્યાનમાં લેવી જોઈએ.''જો જીવનને જાણવું હોય તો મૃત્યુને પણ જાણવું જોઈએ.’’

હવે નવા વરસ માટે દિવાળીની સંધ્યાએ કેવો સંકલ્પ લેવો તે કહું છું. તમને મહાન વાર્તાકાર અને ફ્રે્ન્ચ ફિલોસોફર એન્દ્રે ગીદની જ વાત કહીશે.૧૯૪૭માં સાહિ‌ત્યમાં નોબેલ પ્રાઈઝ મેળવનારા એન્દ્રે ગીદે સરસ વાત કરેલી કે ''આ સમાજ દંભી છે. દંભી સમાજનાં સ્થાપિત મૂલ્યોને સ્વીકારશો નહીં. હંમેશાં તમારી અંદર જે કુદરતી ઈમ્પલ્સ જાગે તેને અનુસરજો. ઈમ્પલ્સ એટલે કે માનસિક તરંગ, અંત : પ્રેરણા, મૌજ, કે માનસિક પ્રેરણા જાગે તેમ લહેરથી જીવજો.’’ એન્દ્રે ગીદએ ''ઈમ-મોરાલિસ્ટ’’ નામની નવલ લખેલી. તેનું એક દૃશ્ય છે.

વાતોનો મગરૂબ હિ‌રો બીમાર પડે છે, પત્નીએ બીમાર પતિને કહ્યું કે હું દેવળમાં જઈને પ્રભુને તારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. વાર્તાનો અતિ મગરૂબ હિ‌રો જે વાક્ય બોલે છે તેમાં અતિશયોક્તિ લાગશે પણ આજે દિવાળીએ તે વાર્તાના હિ‌રોએ કહીને વાતનો મર્મ સમજીને બડકમદાર થઈને જીવવાનો સંદેશ છે. વાર્તાનો બીમાર હિ‌રો પત્નીને કહે છે:- ''ના.ના.ના. મહેરબાની કરીને તું મારા માટે ભગવાન પાસે કંઈ જ ફેવર માગીશ નહીં... ના.ના.ના. હું ભગવાનની પાસેથી પણ કોઈ ફેવર માગીશ નહીં. હું ઈશ્વરનું પણ ઓબ્લિગેશન લેવા તૈયાર નથી’’ કારણ કે મારી આખી જિદંગીમાં મેં જોયું છે કે કોઈની ફેવર લો તેની બમણી કિમત ચૂકવવી પડે છે,

માટે કોઈની ફેવર લેવી નહીં. કોઈને આપવું. પરંતુ તેની પાસેથી લઈને ઋણ ચઢાવવું નહીં.’’ આ દિવાળીનો સંદેશ છે કે ''આજથી કોઈને પાસેથી લઈએ તેના કરતાં તેને વધુ આપવું મને સૌથી રૂઆબદાર સંદેશો સ્પેનિશ તત્વચિંતક બાલ્ટાસાર ગ્રેસિયનનો લાગ્યો છે.'તમારું આત્મસન્માન જાળવો (સેલ્ફ રિસ્પેક્ટ), ખિસ્સા ખાલી હોય તો પણ રાજા જેવો મોભો અને હુલિયો રાખો. હા દરેક જણ રાજા થઈ શકતા નથી. પણ તમારું દિલ રાજા કરતાં ય વધુ ઉદાર હોવું જોઈએ’

કાન્તિ ભટ્ટ