લોકપાલની નિમણૂકમાં વિલંબના કાનૂની દાવપેચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે એ દૂરના ભૂતકાળની વાત લાગી શકે, પણ અન્ના હઝારેની આગેવાની હેઠળ થયેલા ભ્રષ્ટાચારવિરોધી આંદોલને દેશ માથે લીધો હતો. યુપીએ સરકારનાં કૌભાંડો બહાર આવી રહ્યાં હતાં ત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકોને આંદોલિત કરી ગયો. દિલ્હીથી શરૂ થયેલા આ આંદોલનના પડઘા બીજાં શહેરોમાં પણ પડ્યા. ત્યાં સ્થાનિક ધોરણે લોકો બહાર આવ્યા. વિપક્ષો માટે આ મનગમતી તક હતી. કારણ કે લોકોના અસંતોષનો તેમને સીધેસીધો રાજકીય ફાયદો મળી રહ્યો હતો. પણ કરોડો રૂપિયાનો સવાલ હતોઃ ભ્રષ્ટાચાર તો માણસની પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. તેને દૂર કરવો કેવી રીતે? લાખ દુઃખોં કી એક દવા જેવો તેનો જવાબ હતોઃ લોકપાલની નિમણૂક કરવી.

એ વખતે લોકપાલ એક એવો હોદ્દો બની રહ્યો કે તે જાણે વડાપ્રધાન કરતાં પણ વધારે મહત્ત્વપૂર્ણ હોય. કારણ કે તેમના હાથમાં ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાની અને આકરી કાર્યવાહી કરવાની સત્તા હતી. ભારત જેવા મોટા દેશમાં લોકપાલની નિમણૂકથી સ્વાભાવિક રીતે જ વાત પૂરી ન થાય. તે અસરકારક રીતે કામ કરી શકે, તે માટે આખું તંત્ર ઊભું કરવાનું થાય, જે એક રીતે સરકારી તંત્રનું સમાંતર તંત્ર બની રહે. તેમના આર્થિક બોજથી માંડીને પ્રામાણિકતાના માનવસહજ પ્રશ્નો ઊભા થાય. આવી ટીકા છતાં અને લોકપાલ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખવી એવી ચેતવણી છતાં, લોકપાલ સંસ્થાની સ્વચ્છ જાહેર જીવન માટે એક ભૂમિકા હોઈ જ શકતી હતી અને હોઈ શકે છે.

માટે, લોકપાલ એન્ડ લોકાયુક્ત એક્ટ, 2013 પછી એ દિશામાં આગળ નક્કર પ્રગતિ થશે એવી આશા બંધાઈ હતી, પરંતુ વર્ષ 2014થી આ કાયદો અમલી બનવા છતાં, લોકાયુક્તની નિમણૂક હજુ થઈ નથી અને એ મામલો અદ્ધરતાલ લટકી રહ્યો છે. તેના કારણમાં કાયદાની જોગવાઈ આગળ ધરવામાં આવી રહી છે. કાયદા પ્રમાણે લોકપાલની નિમણૂક વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા, સર્વોચ્ચ ન્યાયાધીશના મુખ્યન્યાયમૂર્તિ અથવા તેમણે નિયુક્ત કરેલા સર્વોચ્ચ અદાલતના વર્તમાન ન્યાયાધીશની બનેલી પેનલ દ્વારા થવી જોઇએ. ગત લોકસભાની ચૂંટણીમાં એવી પરિસ્થિતિ સર્જાઇ કે લોકસભામાં વિરોધ પક્ષના નેતાની જગ્યા ખાલી પડી. નિયમ પ્રમાણે વિરોધપક્ષના નેતાપદનો દાવો કરનાર પાસે લોકસભાની કુલ બેઠકસંખ્યા (545)ની દસ ટકા બેઠકો હોવી જરૂરી છે. પરંતુ 45 બેઠકો જીતેલી કોંગ્રેસ એ જરૂરિયાત પૂરી કરી શકી નહીં. આથી તેના નેતાને લોકસભામાં વિરોધ પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો નહીં અને એ જગ્યા ખાલી જ રહી. 

એટર્ની જનરલે એવો મુદ્દો રજૂ કર્યો છે કે લોકસભામાં વિરોધ પક્ષના નેતાની વ્યાખ્યામાં ફેરફારો હજુ થયા નથી, ત્યારે એ બાબતમાં આગળ વધીને લોકપાલની નિમણૂક કરી શકાય નહીં. અદાલતની દલીલ છે કે આવા ટેકનિકલ કારણસર લોકાયુક્તની નિમણૂક લટકતી રાખી શકાય નહીં. લોકસભામાં વિરોધ પક્ષના નેતાની જગ્યા દસ ટકા બેઠકોના અભાવે ખાલી હોય તો પણ, લોકસભામાં સૌથી વધારે બેઠક ધરાવતા પક્ષના નેતાને વિરોધ પક્ષના નેતાના સ્થાને ગણીને લોકપાલની નિમણૂકમાં આગળ વધવું જોઇએ. 

ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે સરકારનો કાન આમળતા કહ્યું કે તે લોકપાલની નિમણૂકના કાયદાને ‘ડેડ લેટર’ (પસ્તી) બનવા નહીં દે. તેમણે કાયદામાં ફેરફાર સૂચવનાર સંસદની સ્ટેન્ડિંગ કમિટી પાસેથી અહેવાલ માગ્યો હતો. સરકાર વતી રજૂઆત કરનાર એટર્ની જનરલે રાબેતા મુજબ આખા મામલાને ન્યાયતંત્રના હક વિરુદ્ધ સરકારના હકના ચોકઠામાં રજૂ કરીને કહ્યું કે સરકાર લોકપાલને લગતા કાયદામાં 20 ફેરફાર કરવા ઇચ્છે છે અને કાયદામાં ફેરફારો ક્યારે ને કેવી રીતે પસાર કરવા તેનો આદેશ ન્યાયતંત્ર આપી શકે નહીં. બંધારણના લેટર (શબ્દ)ની એટર્ની જનરલની સમજ પાકી છે, પણ તેમની દલીલમાં સ્પિરિટ (હાર્દ)નો પડઘો દેખાતો નથી.
 
તંત્રી લેખ
અન્ય સમાચારો પણ છે...