લોકલ બોડી ટેક્સનો કાયદો રાક્ષસી અને અન્યાયી છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નાના વેપારીઓ ઉપર મોટું સંકટ
- વોલમાર્ટ જેવી વિદેશી કંપનીઓના લાભાર્થે આ કાયદો લાવવામાં આવ્યો છે

મહારાષ્ટ્રના વેપારીઓ દ્વારા લોકલ બોડી ટેકસ (એલબીટી)નો આટલા બધા ઝનૂનથી વિરોધ થઇ રહ્યો છે તેનાં કારણો સમજવા જેવાં છે. મહારાષ્ટ્રના મોટાભાગનાં શહેરોમાં ઓક્ટ્રોયને બદલે એલબીટી નાખવામાં આવ્યો છે. મુંબઇ શહેરમાં આ વર્ષની પહેલી ઓકટોબરથી એલબીટી લાદવાની સરકારની યોજના છે. ઇ.સ.ર૦૦પમાં મહારાષ્ટ્રમાં વેલ્યુ એડેડ ટેકસ (વેટ) નાખવામાં આવ્યો ત્યારે પણ વેપારીઓ તેની સામે રણે ચડયા હતા. આ વખતે મહારાષ્ટ્ર સરકારે એવું વચન આપ્યું હતું કે વેપારીઓ જો 'વેટ’નો સ્વીકાર કરશે તો ઓક્ટ્રોય નાબૂદ કરી નાખવામાં આવશે. હવે મહારાષ્ટ્ર સરકાર વચનભંગ કરીને લોકલ બોડી ટેકસ લાદી રહી છે તેને કારણે વેપારીઓ ઉશ્કેરાયેલા છે.

લોકલ બોડી ટેક્સનો અર્થ થાય છે શહેરની હદની બહારથી જે કોઇ માલ મગાવવામાં આવ્યો હોય તેના ઉપરનો ટેકસ. અત્યારે આ ટેકસ શહેરના એન્ટ્રી પોઇન્ટ ઉપર ઉઘરાવવામાં આવે છે, જે ઓકટ્રોય તરીકે ઓળખાય છે. ઓકટ્રોય માલની ખરેખરી કિંમત ઉપર ઉઘરાવવામાં આવે છે, જયારે એલબીટી માલની વેચાણકિંમતના આધારે ઉઘરાવવામાં આવે છે, જેને કારણે નાના વેપારીઓ માટે પણ ચોપડા રાખવા ફરજિયાત થઇ પડશે. ઇન્કમટેકસના કાયદા પ્રમાણે પણ વાર્ષિ‌ક એક કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી ચોપડા રાખવા ફરજિયાત નથી. એલબીટીમાં માત્ર વાર્ષિ‌ક ત્રણ લાખ રૂપિયાનું ટર્નઓવર હોય તો પણ ચોપડા રાખવા ફરજિયાત છે. જે નાના વેપારીઓ દુકાનની આવકમાંથી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમને હિ‌સાબનીશના ખર્ચા કેવી રીતે પરવડી શકે?

લોકલ બોડી ટેકસના કાયદા મુજબ જે વેપારી વાર્ષિ‌ક માત્ર ત્રણ લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતો હોય અને શહેરની બહારથી કોઇ માલની આયાત ન કરતો હોય તેણે પણ રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. વાર્ષિ‌ક ત્રણ લાખ રૂપિયાના ટર્નઓવરનો અર્થ માસિક રપ,૦૦૦ રૂપિયા અથવા રોજના આશરે ૮૦૦ રૂપિયા થાય છે. મુંબઇ શહેરમાં કોઈ પણ નાનો દુકાનદાર અથવા ફેરિયો પણ આટલું ટર્નઓવર ધરાવતો હોય છે.

એલબીટીના કાયદા મુજબ તેઓ જો ૧૦ રૂપિયાથી વધુ કિંમત ધરાવતો કોઇ પણ સામાન વેચે તો તેમણે તેનું બિલ આપવું પડે. ફૂટપાથ ઉપર શાકભાજી વેચતા કાછિયાએ પણ આ કાયદા મુજબ શાકભાજીનું બિલ આપવું પડશે.

આખા મહારાષ્ટ્રની તમામ મ્યુનિસિપાલિટીઓમાં આ કાયદો લાગુ કરવામાં આવશે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ પેદા થશે. કોઇ ચીજ એક કરતાં વધુ શહેરમાંથી પસાર થશે તો દરેક વખત હોલસેલરે, સેમી હોલસેલરે અથવા રિટેઈલરે તેના ઉપર એલબીટી ભરવો પડશે. આ ટેકસ કદાચ વસ્તુની મૂળકિંમત કરતાં પણ વધી જશે. એલબીટી સામે વેપારીએ અપીલમાં જવું હશે તો પણ પહેલા સંપૂર્ણ ટેકસ સરકારી તિજોરીમાં જમા કરાવવો પડશે.

જો મુંબઈ અને નવી મુંબઈમાં એલબીટી લાદવામાં આવશે તો કેવી કફોડી પરિસ્થિતિ પેદા થશે તેની કલ્પના કરી જુઓ. નવી મુંબઈમાં રહેતો કોઈ નાગરિક પોતાની પત્ની સાથે મુંબઈમાં કોઈ સગાંને ત્યાં લગ્નમાં જતો હશે તો મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ તેને અટકાવશે અને સાડીનું અને દાગીનાનું બિલ માગશે. જો તેની પાસે બિલ નહીં હોય તો મ્યુનિસિપલ કર્મચારી પોતાની રીતે સાડીના અને દાગીનાના ભાવની આકારણી કરીને પેનલ્ટી સ્થળ ઉપર જ વસૂલ કરવાની કોશિશ કરશે. આ પેનલ્ટી કદાચ વસ્તુની મૂળકિંમત કરતાં પણ વધી જાય તેવું બની શકે છે. જો તમે આ પેનલ્ટી સ્થળ ઉપર ન ભરી શકો તો તમારે જેલમાં જવાની તૈયારી પણ રાખવી પડશે. લોકલ બોડી ટેક્સ માત્ર વેચાણ માટેની ચીજો ઉપર નહીં પણ વ્યક્તિગત વપરાશની ચીજો ઉપર પણ ઉઘરાવવામાં આવશે.

દક્ષિણ મુંબઈમાં ઓફિસ ધરાવતાં નાગરિકો પોતાના ભાયંદર અથવા ડોંબિવલીમાં આવેલાં ઘરેથી ટિફિન મંગાવીને ભોજન કરતાં હોય છે. એલબીટીના કાયદા મુજબ આ ટિફિન શહેરની બહારથી આવતું હોવાથી તેના ઉપર પણ લોકલ બોડી ટેક્સ ભરવો પડશે. એક દિવસ તમારી ઓફિસે ટિફિનના ડબ્બાવાળા સાથે મ્યુનિસિપલ ઓફિસર આવી જશે અને તમારા હાથમાં આખા વર્ષના ટિફિન ટેક્સની નોટિસ પકડાવી દેશે. તેમના કહેવા મુજબ તમે શહેરની હદની બહારથી ફ્રીમાં આયાત કરી શકાય તેવા સામાનની મર્યાદા ઓળંગી ચૂક્યા હશો. જો તમે ભોજનની આયાત ઉપરનો લોકલ બોડી ટેક્સ ભરવાનો ઈનકાર કરશો તો તમને જેલમાં ધકેલી દેવામાં આવશે.

મુંબઈની નજીક આવેલા વસઈ-વિરારમાં એલબીટીનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યાંના વેપારીઓનો અનુભવ કહે છે કે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગમે ત્યારે દુકાનમાં ચડી આવે છે અને ઈન્કમટેક્સ અને સેલ્સટેક્સના રિટર્નની વિગતો પણ માગે છે. વેપારીએ પોતાના મહેમાન માટે ચા અથવા કોફી મગાવી હોય તેનાં પણ તેઓ બિલ માગે છે. ઈન્કમટેક્સ અથવા સેલ્સટેક્સના અધિકારીઓને તો કાયદાનું જ્ઞાન હોય છે, જ્યારે મ્યુનિસિપાલિટીમાં કાયદાનું જ્ઞાન ધરાવતાં ઓફિસરો બહુ ઓછા હોય છે. તેઓ જાતજાતના સવાલો પૂછીને વેપારીને મૂંઝવી મારે છે અને પછી ધાકધમકીથી તેમની પાસેથી રૂપિયા પડાવે છે.

મુંબઈ શહેરમાં ઓક્ટ્રોયથી બચવા ઘણા વેપારીઓએ મુંબઈ નજીક આવેલા ભિવંડી, ખોપોલી વગેરે શહેરોમાં દુકાનો ખોલી હતી. એલબીટીના કાયદા મુજબ હવે જ્યાં ઓક્ટ્રોય નથી તેવી ગ્રામપંચાયતોને અને નગર પરિષદોને પણ એલપીટી (લોકલ પંચાયત ટેક્સ) ઉઘરાવવની છૂટ આપવામાં આવશે. આ કારણે મુંબઈની બહાર નિરાંતે વેપાર કરતાં દુકાનદારો પણ લોકલ બોડીના અધિકારીઓની જોહુકમીનો ભોગ બનશે.

લોકલ બોડી ટેક્સના કાયદાનો મૂળ ઈરાદો માત્ર ટેક્સ ઉઘરાવવાનો નથી પણ નાના દુકાનદારોને પરેશાન કરીને તેમને ધંધામાંથી બહાર તગેડી મૂકવાનો છે.

આ નાના દુકાનદારોનું સ્થાન પચાવી પાડવા વોલમાર્ટ જેવી જંગી કંપનીઓ ભારતમાં આવી રહી છે. આ કંપનીઓ સાથે નાના વેપારીઓ કોઈ સંજોગોમાં સ્પર્ધા ન કરી શકે એ માટે તેમના આગમન પહેલાં જ લોકલ બોડી ટેક્સ જેવા કાયદાઓ વિદેશીઓના ઈશારે ઘડવામાં આવ્યા છે.